1966માં આવેલી ઓ. પી. (ઓમ પ્રકાશ) રાલ્હન નિર્દેશિત ફિલ્મ `ફૂલ ઔર પત્થર'માં એક જાણીતું દૃશ્ય છે. ફિલ્મનો નાયક શક્તિ સિંહ ઉર્ફે શાકા (ધર્મેન્દ્ર) ચોર છે. ચોરી કરવાના ઈરાદાથી તે એક ઘરમાં ઘૂસે છે. ગામમાં પ્લેગ ફેલાયેલો છે એટલે ઘરના તમામ લોકો ઘર છોડી ગયા છે. સૂમસામ ઘરમાં શાકાને કોઈનો કરાહવાનો અવાજ આવે છે. તે શાંતિદેવી (મીના કુમારી) છે. વિધવા છે અને બીમાર છે. ઘરવાળા તેને મરવાના વાંકે પાછળ છોડી ગયા છે.

શાકા તેને પાણી પીવડાવે છે, કપાળ પર પોતાં મૂકે છે, પગનાં તળિયાં ઘસે છે, વૈદ્યને બોલાવે છે અને તે રીતે દેવીને સાજી કરે છે. દેવીની સંભાળ રાખવાની જવાબદારી હવે શાકા પર આવી જાય છે.

એક દિવસ મોડી રાત્રે નશામાં ચૂર શાકા મહોલ્લામાં આવે છે. ત્યાં એક સડક પર ઊંઘતી અને ઠંડીમાં ઠૂંઠવાતી એક સ્ત્રીને તેનો શર્ટ કાઢીને ઓઢાડે છે. પછી મહોલ્લાનાં કૂતરાં સાથે મસ્તી કરે છે. દેવી ઘરમાંથી શાકાની હાલત જુએ છે અને ગભરાઈ જાય છે.

ખુલ્લા બદન સાથે શાકા ઘરમાં આવે છે. દેવી શાહમૃગની જેમ પડખું ફરીને ઊંઘવાનો ઢોંગ કરે છે. તેને શાકાના પગરવ સંભળાય છે. તે ડરે છે કે જાણે નશામાં તે શુંય કરી નાખશે. લડખડાતો શાકા દેવીની પાસે આવે છે. તેની પર ઝૂકે છે. તે દેવીને સ્પર્શ કરવા માટે એક ક્ષણ માટે હાથ લાંબો કરે છે, પણ બીજી જ ક્ષણે કંબલને ખેંચીને દેવી પર ઓઢાડી દે છે અને બીજા રૂમમાં જઈને સૂઈ જાય છે. દેવીને તે ક્ષણે શાકા માટે પ્રેમ ઊભરાઈ જાય છે.

ધર્મેન્દ્રનો આ `શર્ટલેસ સીન' ઘણી બધી રીતે યાદગાર છે. એક તો તેને `હી-મેન' અને `ગરમ-ધરમ'નું લેબલ આ ફિલ્મથી મળ્યું હતું. સલમાન ખાન તો પછી આવ્યો, હિન્દી ફિલ્મોના ચાહકોને ધર્મેન્દ્રમાં પહેલી વાર એક કસાયેલું ચુસ્ત શરીર પડદા પર જોવા મળ્યું હતું. ધર્મેન્દ્રને એક સ્ટારનું સ્થાન મળ્યું આ ફિલ્મથી. ફિલ્મ જબરદસ્ત હિટ રહી હતી. ધરમના ચાહકો તેનો શર્ટલેસ સીન જોવા માટે ફરી ફરીને થિયેટરોમાં આવતા હતા.

`ફૂલ ઔર પત્થર'માં દયાળુ ચોરની ભૂમિકા જાણે એના જ માટે લખાઈ હોય તેમ ધર્મેન્દ્રએ એ કિરદારને શિદ્દતથી નિભાવ્યો હતો. તેણે ખાલી તેનું શરીર જ ખુલ્લું નહોતું કર્યું, પણ એક માણસ તરીકે તેનું ચારિત્ર્ય પણ ખુલ્લું કર્યું હતું. દેવીને નહોતો મળ્યો ત્યાં સુધી તે એક નિર્મમ ચોર હતો, પરંતુ તેના સંગાથમાં શર્ટની જેમ `નિર્મમતાનું કવચ' પણ ઉતારી ફેંક્યું હતું અને તેની ભાવનાત્મક નબળાઈઓને ખુલ્લી કરી હતી.

ફિલ્મમાં મીના ફૂલ હતી અને ધર્મેન્દ્ર પથ્થર હતો. ઓ.પી. રાલ્હને સુંદર રીતે આ વાતને ફિલ્મમાં વણી લીધી હતી અને દર્શકોએ પણ તેની કદર કરી હતી. તેના માટે કંઇક અંશે ધર્મેન્દ્ર અને મીનાની દોસ્તી પણ જવાબદાર હતી. બંને હમઉમ્ર હતાં, પરંતુ બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં આવનારી મીના તે વખતે મોટી સ્ટાર તરીકે સ્થાપિત હતી અને ધર્મેન્દ્ર નવોદિત હતો.

અંગત જીવનમાં સંબંધો અને શરાબની અનેક તકલીફોમાંથી પસાર થઇ રહેલી મીના શોહરત અને સફળતાની ટોચ પરથી નીચે ગબડી રહી હતી અને ધર્મેન્દ્ર ઉપર ચઢી રહ્યો હતો. વચ્ચે બંનેનો ભેટો થઇ ગયો. મીના ફૂલની જેમ નાજુક અને કરમાયેલી હતી. ધર્મેદ્ર જીવનની કરુણતાઓથી અછૂતો હતો. મીના કુમારીને જે પ્રેમની તલાશ હતી તે જીવનમાં મળ્યો નહોતો, પરંતુ ધર્મેન્દ્રના રૂપમાં તેને એક એવો સહારો મળ્યો હતો, જેના ટેકે તેને સારું લાગતું હતું.

`ફૂલ ઔર પત્થર'માં બંનેની કહાની ભેગી થઇ ગઈ હતી. વિધવા અને બીમાર દેવી તરછોડાયેલી હતી. તેને સહારાની જરૂર હતી અને તારણહારના રૂપમાં તેને એક ચોર શાકા ભટકાઈ ગયો હતો.

રાલ્હને અખબારના એક સમાચાર પરથી આ ફિલ્મની વાર્તા સૂઝી હતી. એક ગામમાં ઠાકુર પરિવારની પુત્રવધૂ એક દલિત સાથે ભાગી ગઈ. ઠાકુર પરિવાર કોર્ટમાં ગયો હતો, પરંતુ કોર્ટમાં પુત્રવધૂએ સ્પષ્ટપણે કહ્યું હતું કે દલિત યુવક હવે તેનો પતિ છે, કારણ કે તેણે જેની સાથે ફેરા લીધા હતા તેણે તેની સંભાળ રાખી નહોતી. તેણે કોર્ટમાં પૂછ્યું હતું, `જે પુરુષ પોતાની પત્નીનું રક્ષણ ન કરી શકે તેને તેનો પતિ કેવી રીતે કહી શકાય?'

રાલ્હને વિવાદ ન થાય એટલે દલિતને કાઢીને ચોરનું પાત્ર ઉમેરી દીધું હતું. જે લોકોએ આ વાર્તા સાંભળી હતી તેમને તે ગમી નહોતી. ફિલ્મ નિર્માતાઓએ તેમાં પૈસા રોકવાનો ઇન્કાર કર્યો. એટલે વાર્તાને રસપ્રદ બનાવા રીટા (શશીકલા) નામની છોકરીને ઉમેરી, જે ચોરના પ્રેમમાં છે.

વાર્તા સાંભળીને જ્યારે મીના કુમારી કામ કરવા માટે તૈયાર થઈ, ત્યારે રાલ્હન શાકાની ભૂમિકામાં જ્યુબિલી સ્ટાર રાજેન્દ્ર કુમાર અથવા સુનિલ દત્તને લેવા માંગતા હતા, પણ તેમણે ના પાડી એટલે નવોદિત ધર્મેન્દ્રને લેવાનું નક્કી કર્યું. એવું કહેવાય છે કે મીના ત્યારે ઘણા નિર્માતાઓ-નિર્દેશકોને ધર્મેન્દ્રની ભલામણ કરતી હતી અને ધર્મેન્દ્રને અભિનયની સૂક્ષ્મતા પણ શીખવતી હતી.

રાલ્હને 1964ના `ફિલ્મફેર' મેગેઝિનના કવર પેજ પર ધર્મેન્દ્રનો ફોટો જોયો હતો અને તેમને એમાં એમનો શાકા દેખાયો હતો. શરૂમાં ધર્મેદ્રને એક વિધવા સાથે તેના પાત્ર માટે થોડી શંકા હતી, કારણ એમાં ન તો તેના ભાગે રોમાન્સ હતો કે ન તો કોઈ ગીત, પરંતુ રાલ્હને તેને ખાતરી આપી હતી કે તેનો રોલ નકામો નહીં જાય.

ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રી જાદુ ઊભો કરી ગઈ. `ફૂલ ઔર પત્થર' એ વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મ બની ગઈ. કમાણી અને બજેટની વાત કરીએ તો રાલ્હને તેને 62 લાખમાં તૈયાર કરી હતી, પરંતુ તેણે ભારતીય બોક્સ ઓફિસ પર 2 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. તેનું વિશ્વવ્યાપી કલેક્શન 4 કરોડ રૂપિયાની નજીક હતું.

એક ઇન્ટરવ્યૂમાં ધરમજીએ કહ્યું હતું, `તેણે મારી કારકિર્દીને સંપૂર્ણપણે બદલી નાખી. ફિલ્મ ગોલ્ડન જ્યુબિલી હિટ હતી. અચાનક મને મોટાં બેનર દ્વારા ફિલ્મોની ઓફર આવવા લાગી હતી અને તેમાંના ઘણા ઇચ્છતા હતા કે તેમની ફિલ્મમાં હું મારો શર્ટ ઉતારું.'

આ ફિલ્મની સફળતા પછી તેને વિવિધ ભાષાઓમાં ફરીથી બનાવવામાં આવી હતી. સૌથી આશ્ચર્યજનક બાબત એ હતી કે `ફૂલ ઔર પત્થર' રિલીઝ થઇ, તેનાં 4 વર્ષની અંદર જ તેની તમામ રિમેક એક પછી એક રજૂ કરવામાં આવી હતી. `ફૂલ ઔર પત્થર'ને તેલુગુમાં `નિન્દુ માનસુલુ' તરીકે ફરીથી બનાવવામાં આવી હતી, જે 1967માં રજૂ થઈ હતી. તેને 1968માં તમિલમાં `ઓલી વિલક્કુ' તરીકે અને 1979માં મલયાલમમાં `પુથિયા વેલિચમ' તરીકે રજૂ કરવામાં આવી હતી. આ તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર રહી હતી.

`ફૂલ ઔર પત્થર'ની સફળતા પછી ધર્મેન્દ્ર અને મીના કુમારીએ `ચંદન કા પલના', `મઝલી દીદી' અને `બહારોં કી મંઝિલ' સહિત અન્ય ઘણા પ્રોજેક્ટ્સમાં સહયોગ કર્યો, જેણે પડદા પર એક લોકપ્રિય જોડી તરીકેના તેમના સ્થાનને મજબૂત બનાવ્યું હતું.