જીવનપથ પર ચાલતાં ચાલતાં દુઃખ, બીમારી, બુઢાપો, મોત વગેરે ભટકાવાનાં જ છે એની ખાતરી હોવા છતાં માણસો કઈ રીતે જિંદગીને જીવ્યે જ જાય છે.
એ સમજવા માટે રશિયન લેખક ટોલ્સ્ટોયે પોતાના જ અમીર-ઉમરાવ, ઉચ્ચ વર્ગના લોકોને ધારીને જોયા તો એમને સમજાયું કે જીવતરના ત્રાસથી બચવાની ચાર છટકબારીઓ લોકો પાસે છે. એમાંની પહેલી છટકબારી છે, અજ્ઞાન. ઘણાને એ વાતનું ભાન જ નથી હોતું કે પોતે કૂવામાં ડાળી પકડીને લટકેલા છે, ડાળીને ઉંદર કોતરી રહ્યા છે, નીચે મોત છે. આ અજ્ઞાન એમને જીવતરથી પીડાથી બચાવે છે. બીજો રસ્તો છે, પોઝિટિવ એપ્રોચ. ખોટી ચિંતાઓ કરવાની જ નહીં, દુઃખ, બીમારી, મોત વિશે વિચારવાનું જ નહીં. બસ, થાય એટલું કામ કરવું અને ખાઈ-પીને મજા કરવાની. ટોલ્સ્ટોયને આ બંને રસ્તા ફાવે એવા નહોતા. એ જીવતરની ભયાનકતાને ભૂલી શકતા નહોતા. એમના જ શબ્દોમાં...
ડાચું ફાડીને ઊભેલા ડ્રેગન તથા ડાળી કોતરી રહેલા ઉંદરો એક વાર મને દેખાઈ ગયા ત્યાર પછી હું તેમના પરથી નજર ખસેડી શકતો નહોતો.
(ઉપર નોંધેલી બે પછીની) ત્રીજી છટકબારી હિંમત અને શક્તિ માગી લેનારી હતી. એ માર્ગ એવો હતો કે જિંદગી પીડાદાયક અને નકામી છે એવું સમજાયા બાદ સામે ચાલીને મરી જવું. જે સતત તર્કબદ્ધ રીતે વિચારી શકે અને જે અત્યંત મજબૂત હોય એ જ આ માર્ગે ચાલી શકે. જેને એ વાત સમજાય કે જીવતરના નામે કોઈ જાણે આપણી ગંદી મજાક ઉડાવી રહ્યું છે, જેને એવી ખબર પડી જાય કે જીવવા કરતાં મરી જવું વધુ લાભદાયી છે, હોવા કરતાં ન હોવું સારું છે એવા લોકો સામે ચાલીને સક્રિય બને અને ગંદી મજાક જેવા જીવનનો અંત આણી દે. અંત આણવાના રસ્તા અનેક છેઃ ફાંસીનો ગાળિયો બનાવીને લટકી જવું, પાણીમાં ડૂબી મરવું, છાતીમાં ચાકુ ઘુસાડી દેવું, ટ્રેનની નીચે ઝંપલાવી દેવું વગેરે. મેં (ટોલ્સ્ટોયે) જોયું કે અમારા વર્ગના (ખાતાં-પીતાં ઘરનાં) લોકોમાં આ માર્ગ અપનાવવાનું પ્રમાણ વધી રહ્યું હતું. આ રીતે જીવન ટૂંકાવનારા ઘણા ખરા લોકો ભરજુવાનીમાં જ જીવનજુસ્સો જ્યારે ટોચે હોય ત્યારે આપઘાત કરી લેતા હોય છે. મને લાગ્યું કે શ્રેષ્ઠ માર્ગ તો આ જ છે. હું આ છટકબારી અપનાવવા માગતો હતો.
ચોથી છટકબારી હતી, નબળાઈ. આ છટકબારી અપનાવનાર લોકોને ખબર હોય છે કે જીવનમાંથી કોઈ કાંદો નથી કાઢી લેવાનો અને છતાં તેઓ પરાણે જીવતરનો ભાર વેંઢારતા જાય છે અને જિંદગીને ઢસડ્યે જાય છે. એમને બરાબર ખબર હોય કે જિંદગી કરતાં મોત બહેતર છે, પણ પોતાની આ તર્કપૂર્ણ સમજને અમલમાં મૂકીને તેઓ આપઘાત નથી કરી લેતા, કારણ કે એ નબળા હોય છે. એ એવી રાહ જોતા બેઠા હોય છે કે આપોઆપ કોઈક રસ્તો નીકળશે. આવી રીતે બેસી રહેવાને બદલે જીવન ત્યજી દેવાનો સ્પષ્ટ માર્ગ નજર સામે હોવા છતાં આ ભાગેડુઓ પલાયનવૃત્તિ દાખવતા હોય છે. હું પોતે આ પંથનો પથિક હતો. હું સમજતો હતો કે જિંદગી એક વાહિયાત જોક જ છે અને છતાં જીવ્યા કરવું, ખાવું, પીવું, નહાવું, કપડાં બદલવાં, વાતો કરવી અને ઇવન પુસ્તકો લખવાં. આ બધું ચાલતું રહ્યું. આ સ્થિતિ અત્યંત ઘૃણાસ્પદ અને પીડાદાયક હોવા છતાં હું એમાં સબડ્યા કરતો હતો.
હું આપઘાત શા માટે નહોતો કરી લેતો એનું કારણ હવે મને સમજાય છે. કારણ એ હતું કે જિંદગી વાહિયાત જ છે અને માણસે મરી જ જવું જોઈએ એવી મારી મજબૂત તર્કપૂર્ણ માન્યતામાં પણ મને કશુંક બોદું જણાતું હતું. જીવનની નિરર્થકતા વિશેના મારા પોતાના તેમજ મારી અગાઉના અનેક (સોક્રેટિસ, સોલોમન, શોપનહોઅર અને ગૌતમ બુદ્ધ જેવા) ડાહ્યા માણસોના વિચારો છતાં મને એવી આશંકા હતી કે આમાં ક્યાંક ભૂલ છે.
(આત્મહત્યાની તરફેણ કરતી) મારી જ માન્યતા સામે મારા મનમાં જે શંકા સળવળતી હતી તે આ પ્રમાણે હતીઃ મારી બુદ્ધિ મને કહેતી હતી કે જીવન મુર્ખામીપૂર્ણ છે. હું સ્વીકારતો હતો કે જીવનમાં બુદ્ધિથી ઊંચું કશું હોઈ ન શકે (જીવનમાં બુદ્ધિથી પણ કશુંક ઊંચું હોઈ શકે એવું કોઈ પણ તર્કપૂર્ણ રીતે સાબિત થઈ શકે તેમ નહોતું). મતલબ કે મારા જીવનનો આધાર જ બુદ્ધિ હતી. મન, બુદ્ધિ, તર્ક ન હોય તો હું હોઈ જ ન શકું. તો પછી સવાલ એ થાય કે મન પોતે જ જેનો આધાર છે, મન પોતે જ જેનું સર્જક છે એવા જીવનને મન પોતે કઈ રીતે નકારી શકે?
બીજી બાજુ એ પણ સવાલ થાય કે જો જિંદગી જ ન હોય તો મન પણ ન હોય. એ રીતે જોતાં મન જીવનનું નહીં, પણ જીવન મનનું સર્જક છે, જીવન બૉસ છે, જીવન સર્વેસર્વા છે. મન, બુદ્ધિ એ તો જીવતરનું એક ફળ છે અને આ ફળ જેના પર ઊગ્યું છે એ વૃક્ષરૂપી જીવનને ફળ નકારી કઈ રીતે શકે? મતલબ કે આખી વાતમાં કશોક લોચો તો છે જ.
***
વાત સહેજ અઘરી, છતાં ખાસ સમજવા જેવી છે.
આજે જાડું વિભાજન કરતાં દુનિયાના બે ભાગ પાડી શકાયઃ પૂરબ ઔર પશ્ચિમ. આમાંનું જે પશ્ચિમ છે એ મનને, તર્કને, બુદ્ધિને સર્વોચ્ચ ગણે છે. છેલ્લી પાંચેક સદીમાં પશ્ચિમમાં સુધારાનો જે વાયરો ફૂંકાયો એના પાયારૂપ રેનેસાંના પાયારૂપ વિચારક દેકાર્તેનું પેલું વિધાન જાણીતું છેઃ આઈ થિંક, ધેરફોર આઈ એમ. હું વિચારું છું, માટે હું છું. હું વિચારું જ નહીં, મારું મન ચાલતું જ ન હોય, હું બ્રેઈનડેડ હોઉં તો હું ભાજીમૂળા જેવો પથારીમાં પડ્યો પડ્યો શ્વાસ લઉં તોય શું ને ન લઉં તોય શું? એ રીતે જોતાં દેકાર્તેની વાત તર્કપૂર્ણ લાગી શકે કે જીવનમાં અલ્ટિમેટ ચીજ તો વિચાર, તર્ક, બુદ્ધિ જ છે. આ તર્કપૂર્ણ અભિગમને સ્વીકારી, વધાવીને પશ્ચિમને તાર્કિક કવાયતો અને સંશોધનો દ્વારા વિજ્ઞાનનો ઘણો વિકાસ કર્યો અને પૂર્વ કરતાં પશ્ચિમ આગળ નીકળી ગયું એવું એક જાડું-ઓવરઓલ તારણ છે ખરું અને એ તારણ સાવ બેબુનિયાદ પણ નથી. બુદ્ધિનો જયજયકાર કરીને પશ્ચિમે ઘણું મેળવ્યું એ સ્વીકારી લઈએ તો પણ બુદ્ધિને જ સર્વેસર્વા ગણી શકાય નહીં, કારણ કે બુદ્ધિ છેવટે તો ત્યાં સુધી જ કામ કરે છે જ્યાં સુધી માણસ જીવે છે.
શ્વાસ ચાલે છે માટે મન ચાલે છે એ સાચું વિધાન થયું અને મન ચાલે છે માટે શ્વાસ ચાલે છે એ ખોટું વિધાન થયું.
આ જે સાદો અને સાચો તર્ક છે એના જોરે ટોલ્સ્ટોય જીવનના સૌથી અંધકારભર્યા તબક્કામાંથી કઈ રીતે બહાર આવી શક્યા, એની વાત હવે પછી.