પોતાનાં સંતાનો આનંદમાં રહે તથા કોઈ પણ જાતની ચિંતામાં પોતાનું બાળપણ વેડફે નહીં એ જોવાની દરેક પેરેન્ટ્સની જવાબદારી છે. બાળપણની મોજ છીનવવાનો પેરેન્ટ્સને અધિકાર નથી એવું માની પેરેન્ટ્સ પોતાની જિંદગીની નાની-મોટી સમસ્યાનો પડછાયો પણ બાળક પર પડવા દેતાં નથી, જે સરાહનીય છે, પરંતુ સમસ્યાઓને કારણે પરિવારમાં જે અદૃશ્ય ટેન્શન ઊભું થાય છે એનાથી બાળકના મનમાં અનેક પ્રશ્નો જન્મે છે અને એના ઉત્તર એ પોતાની રીતે મેળવે છે, જે ખોટા પણ હોઈ શકે.

બીજું, આર્થિક સમસ્યા અંગે બાળકને ખબર ન હોય તો બાળકની વસ્તુ માટેની જીદ, એની કલ્પનાસૃષ્ટિ તથા પેરેન્ટ્સ પોતાની અપેક્ષામાં ફરક નહીં પડે. પેરેન્ટ્સનો નકાર એને વિદ્રોહી બનાવી શકે. એનામાં જવાબદારીની ભાવના પણ નહીં વિકસે, એટલું જ નહીં એ પેરેન્સ્ટને પરેશાન પણ કરશે. વળી, આજના સમયમાં આર્થિક અનિશ્ચિતતા વધી છે. કરોડપતિ ક્યારે રોડપતિ બની જાય એ કહેવાય નહીં, તેથી બાળક સાથે એની ઉંમર અને સ્થિતિ પ્રમાણે ચર્ચા કરવી જોઈએ. થોડા ઉદાહરણ દ્વારા આ વાત સમજીએ.

રાગ અને વિદ્યા બંનેની સારી જોબ હતી, તેથી એમણે ફ્લેટ લઇને સરસ રીતે સજાવ્યો. હપ્તા આરામથી ભરાતા હતા. બે સંતાનો સાથે તેઓ આનંદપૂર્વક જીવતાં હતાં. અચાનક ચિરાગની કંપની બંધ થવાથી જોબ જતી રહી. હવે ઘરમાં આર્થિક ખેંચતાણ થવા લાગી. બંને પતિ-પત્ની હંમેશાં તણાવમાં રહેતાં. એ જોઇને નવમા ધોરણમાં ભણતો એમનો દીકરો મીત ગભરાઈ ગયો. એણે વિદ્યાને પૂછ્યું, મમ્મી હવે આપણે ગરીબ બની ગયાં? અમારું ભણવાનું બંધ થઇ જશે? અમે ફ્રેન્ડ્સ સાથે પાર્ટીમાં નહીં જઈ શકીએ? એટલું પૂછતાં એની આંખમાં આંસુ આવી ગયાં. મમ્મી-પપ્પાની ચર્ચા સાંભળીને ચિંતીત બનેલા મીતનું રિઝલ્ટ પણ ખરાબ આવ્યું. એ સૂનમૂન રહેવા લાગ્યો. અસલામતીની લાગણી એના બાળમનમાં ઘર કરી ગઇ. જ્યાં સુધી ચિરાગને બીજી જોબ ન મળી ત્યાં સુધીમાં તો મીત સાવ ગંભીર બની ગયો, પરંતુ ચિરાગ અને વિદ્યા બંનેમાંથી એક પણ મિતને સમજાવી ન શક્યાં કે આ સ્થિતિ કાયમી નથી અને પૈસાની તંગીને કારણે તારા ભણવા પર કોઇ કાપ ન મુકાય.

1૬ વર્ષના રિશીના પપ્પા શ્રોફનું કામ કરતા હતા. એમાં એમના ૬0 લાખ રૂપિયા ડૂબી ગયા. ઘરમાંથી દાગીના વેચવા પડ્યા. સ્થિતિ ખૂબ ખરાબ હતી, પરંતુ રિશીના પપ્પાએ દીકરાને બેસાડીને સમજાવ્યું કે, જો બેટા, આપણા ધંધામાં નુકસાન થયું છે. ગાડી અને ઘર પણ વેચવાં પડશે અને થોડી કસર બધાએ કરવી પડશે, પણ તું ચિંતા ન કરીશ. એક-બે વર્ષમાં બધું સેટ થઇ જશે. તું માત્ર ભણવામાં ધ્યાન આપ. આમાં દુઃખી થવાની જરૂર નથી. આપણી આજુબાજુ અનેક લોકો ગાડી વગર ફરે છે. નાનાં ઘરોમાં રહે છે. તો આપણે એક વર્ષ ન રહી શકીએ? જીવનમાં બધા જ અનુભવ લેવા જોઈએ. રિશીના પપ્પાએ રિશીને અસલામતી ન પ્રવેશે એ રીતે સમજણ આપી અને એની હાજરીમાં પૈસા બાબતની ચર્ચા ટાળી, તેથી રિશી આર્થિક મુશ્કેલીને નિરાશ થયા વિના સહી શક્યો.

આર્થિક ચડાવ-ઉતાર એ જીવનની વાસ્તવિકતા છે એ બાળકને એમની ભાષામાં ઉદાસ થયા વિના સમજાવવી પડે. ઘણાં ઘરોમાં આ મુદ્દે પેરેન્ટ્સ બાળક સામે ઝઘડાઓ કે ચર્ચા કરે છે. રોકકળ કરે છે અને હવે કશું જ થઇ ન શકે એવા ઉદાસ રહે છે, પરંતુ વાત મોટી હોય કે નાની, મુશ્કેલી લાંબી હોય કે ટૂંકી પેરેન્ટ્સે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

બાળક સમક્ષ ચર્ચા ટાળો

અગર ધંધામાં નુકસાન થયું છે તો બાળકો સમક્ષ, ફોન પર કે અંદરોઅંદર વાત ટાળો. બાળક અડધી વાત જાણીને એની રીતે ખોટા તાળો મેળવશે અને દુઃખી થશે. અગર તમે ટેન્શનમાં છો તો એ વાત બાળકના ધ્યાનમાં આવવાની જ છે. એટલે જૂઠું બોલવાનો પણ કોઈ અર્થ નથી.

માતા-પિતા અલગ અલગ વાત ન કરે

ઘરમાં ચાલતી વાતચીતના આધારે મમ્મી-પપ્પાને સવાલ કરે છે ત્યારે માતા-પિતાએ સાથે મળીને નક્કી કરી લેવું જોઇએ કે બાળકને શું જવાબ આપવનો છે, એને કેવી રીતે સમજાવવાનો છે. બંને અલગ-અલગ વાત કરે છે ત્યારે બાળકમાં ભાવનાત્મક તણાવ ઊભો થાય છે. બેમાંથી કોણ સાચું છે એ નક્કી કરવામાં એ બંને પરથી ભરોસો ગુમાવી દે છે.

બાળક પ્રત્યે ઇમાનદાર બનો

આર્થિક મુશ્કેલીને પહોંચી વળવા માટે તમે તમારા બજેટમાં કાપ મૂકવા ઇચ્છો છો તો બાળકને એ સચ્ચાઇ જણાવો કે આપણે આ વર્ષે ફરવા ન જઈ શકીએ. કપડાં અને હોટલના ખર્ચા પર કાપ મૂકવો પડશે અને એમાં તમારે પણ સપોર્ટ કરવો પડશે. બાળકને સ્થિતિ સામાન્ય રીતે જ સમજાવવી. તમે શેરબજારમાં કેટલા પૈસા ખોયા કે કેટલું દેવું થઇ ગયું એ બધું જણાવવાની જરૂર નથી, માત્ર એટલું જણાવવાનું કે પૈસાની થોડી મુશ્કેલી છે એટલે ખર્ચ કઈ રીતે કરવો એનું પ્લાનિંગ આપણે સાથે મળીને કરવાનું છે.

બાળકને સામેલ કરો

જો તમે પૈસા બચાવવાનું કે કોઇ નવા ધંધા-નોકરીનું પ્લાનિંગ કરો છો તો બાળકને એ જણાવો કે પપ્પા હવે થોડા બિઝી રહેશે. બની શકે કે ટેન્શનમાં પણ રહેશે અને આપણને સમય ન આપી શકે તો પ્લીઝ થોડા સમય માટે પપ્પાને સપોર્ટ કરવાનો છે. નો ડિમાન્ડ્સ એન્ડ નો મિસ બિહેવિયર. બાળકને સાચી સ્થિતિ કહેવાથી એ આવનારી નાની-મોટી સમસ્યાઓ માટે પ્રીપેર રહેશે. બાળકને કોઇ બહારથી જણાવે એને બદલે તમે એને વિશ્વાસમાં લઇને સાચી હકીકતથી વાકેફ કરો.