- શ્રીવલ્લભ જ્યાં જ્યાં પધારી પ્રભુબોધ આપતા તે ભૂમિ સમય જતાં મહાપ્રભુજીની બેઠક તરીકે પ્રગટ થયેલી છે. સમગ્ર ભારતખંડમાં આવી 84 બેઠકજી છે
પુષ્ટિ સંપ્રદાયના પ્રસ્થાપક પ્રણેતા અને ભક્તિમાર્ગના વિકાસ માટે પ્રગટ થયેલા શ્રીનારદાદિ પરંપરાના મૂર્ધન્ય આચાર્ય શ્રીમદ્ વલ્લભાચાર્યજી ભગવાન શ્રીકૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ છે. જે દિવસે ઇન્દ્રદમન ગોવર્ધનનાથજીનું પૂર્ણ સ્વરૂપ ગિરિરાજ ઉપર પ્રકટ થયું તે દિવસે મહાપ્રભુ વલ્લભાચાર્યજી પૃથ્વી ઉપર અવતર્યા અને હિન્દુ ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કર્યું છે.
શ્રી વલ્લભ (મહાપ્રભુજી)ના વડવાઓની જન્મભૂમિ દક્ષિણ ભારતના આંધ્ર પ્રદેશના કાંકરવાડ ગામમાં હતી. તેમના કુટુંબના મૂળ પુરુષ યજ્ઞનારાયણ ભટ્ટ જાતે તૈલંગ બ્રાહ્મણ હતા. શ્રી યજ્ઞનારાયણ ભટ્ટ ખૂબ જ શ્રદ્ધાળુ અને વિદ્વાન હતા. તેમણે બત્રીસ સોમયજ્ઞ કર્યાં હતા. એમ કહેવાય છે કે બત્રીસમા સોમયજ્ઞની પૂર્ણાહુતિના સમયે સાક્ષાત્ ભગવાને પ્રગટ થઇ તેમને વરદાન આપ્યું હતું કે તમારા વંશમાં સો સોમયજ્ઞ પૂરા થશે ત્યારે હું તમારે ત્યાં જન્મ લઇશ. તેમના પુત્ર ગંગાધર ભટ્ટે અઠ્ઠાવીસ સોમયજ્ઞ કર્યાં હતા. પુત્ર ગણપતિ ભટ્ટે અને વલ્લભ ભટ્ટે ત્રીસ સોમયજ્ઞ અને પુત્ર લક્ષ્મણ ભટ્ટે પાંચ સોમયજ્ઞ કર્યાં હતા. આમ, લક્ષ્મણ ભટ્ટના સમયમાં સો સોમયજ્ઞ પૂરા થયા હતા. ભગવાને આપેલું વરદાન કદી મિથ્યા થાય નહીં અને તેથી સો સોમયજ્ઞ પરિપૂર્ણ થતાંની સાથે જ ચંપારણ્ય ગામની પાવનભૂમિ 52 2હેતા લક્ષ્મણ ભટ્ટ અને ઇલ્લમાગારૂજીને ત્યાં વિ. સં. 1535ના ચૈત્ર વદ-11 ને વરુથિની એકાદશીના શુભ દિને શ્રી વલ્લભાચાર્યજીનું પ્રાગટ્ય થયું હતું.
પારણામાં પોઢેલા બાળ વલ્લભનું મુખારવિંદ એટલું તેજવંત અને દેદીપ્યમાન હતું કે પારણા આગળથી ખસવાનું કોઇને મન જ નહોતું થતું. સૌ અનિમેષ નજરે આ અલૌકિક બાળસ્વરૂપને નિરખી રહ્યા હતા. આ લાડીલા લાલાની જન્મકુંડળીમાં સૂર્ય ઉચ્ચનો, ચંદ્ર સાતમા સ્થાને અને દશમા સ્થાને બિરાજેલા ગુરુ અત્યંત પ્રબળ હોવાથી મહાન જ્યોતિષીઓના કથન અનુસાર ફલિતાર્થ એ નીકળે છે કે આ બાળક ભગવદ્ સ્વરૂપના અવતારે, પ્રભુનિર્મિત દિવ્ય કર્મો પરિપૂર્ણ કરવાના શુભ આશયથી જ આવિર્ભૂત થયું છે.
બાળ મહાપ્રભુજી ફળિયામાં ઘૂંટણભેર ચાલવા લાગ્યા ત્યારે ચરણમાં દિવ્ય પ્રાગટ્ય સૂચવતી 16 દિવ્ય નિશાનીઓ તથા મુખમાં વ્રજમંડળનાં દર્શન માતા ઇલ્લમાગારૂજીને થયાં. બાળપ્રભુ સૌનો પ્રિય અને વહાલો હોવાથી નામકરણ વિધિમાં તેમનું નામ વલ્લભ રાખવામાં આવ્યું. દૈવનામ કૃષ્ણપ્રસાદ, માસનામ જનાર્દન અને નક્ષત્ર નામ શ્રાવિષ્ટ રાખ્યું, પરંતુ લોકપ્રસિદ્ધ નામ `વલ્લભ'થી જ જાણીતા થયા. વલ્લભ પાંચ વર્ષના થયા ત્યારે તેમના પિતા તેમને કાશી લઇ ગયા અને ત્યાં જ તેમને યજ્ઞોપવીત સંસ્કાર કરવામાં આવ્યો. ત્યારબાદ તેમને માધવેન્દ્રપુરીની પાસે વિદ્યાભ્યાસ કરવા મૂક્યા. એક વાર માધવેન્દ્રપુરી વ્રજયાત્રા કરવા ગયા અને ત્યાં જ દેહત્યાગ થઇ જવાથી વલ્લભનો વિદ્યાભ્યાસ અધૂરો રહી ગયો. એ અભ્યાસ પૂર્ણ કરવા માટે તેઓ સ્વામી માધવતીર્થ પાસે ગયા. તેમની પાસે થોડો અભ્યાસ કરી દક્ષિણમાં આવ્યા. ત્યાં ત્રણ વર્ષ સુધી મિમાંસાદિ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. એ સમયમાં જ પિતાશ્રી લક્ષ્મણ ભટ્ટનો ગોલોકવાસ થયો.
માતાની આજ્ઞા લઇને ભારત પરિક્રમાનો પ્રારંભ કર્યો. દસ વર્ષની નાની વયે માત્ર ધોતી ધારણ કરી ખુલ્લા પગે ચાલીને ભારત પરિક્રમાની શરૂઆત કરી. તેમણે આખાય ભારતની ત્રણ વખત પરિક્રમા કરી. આ ત્રણ પરિક્રમામાં તેમના જીવનનાં લગભગ અઢાર જેટલાં વર્ષો વ્યતીત થયાં છે. તીર્થ વિચરણમાં જ તેઓએ દામોદર હરસાની અને કૃષ્ણદાસ મેઘનને શિષ્યો બનાવ્યા. બંને શિષ્યો સાથે ફરતાં ફરતાં તેઓ ઝારખંડ પહોંચ્યા. ત્યાંથી તેઓ વ્રજધામમાં જઇને ગોવિંદઘાટ પર રહ્યા.
સંવત 1549ના શ્રાવણ સુદ-11 વલ્લભે ગોકુલમાં ગોવિંદઘાટ ઉપર શ્રીમદ્ ભાગવતનો પ્રારંભ કર્યો. આવા સમયે ઠકુરાણી ઘાટ ઉપર રાત્રિએ શ્રીજીબાવાએ સાક્ષાત્ દર્શન આપ્યાં. ઠાકોરજીએ શ્રીવલ્લભને આજ્ઞા કરી કે આપ જે જીવને મારા નામનું નિવેદન કરાવી બ્રહ્મસંબંધ કરાવશો તે જીવનો હું અંગીકાર કરીશ અને તેના બધા જ દોષો દૂર કરીશ. આમ કહી શ્રીનાથજી પ્રભુ મહાપ્રભુજીને ભેટ્યા. શ્રીવલ્લભ જ્યાં જ્યાં પધારી પ્રભુબોધ આપતા તે ભૂમિ સમય જતાં મહાપ્રભુજીની બેઠક તરીકે પ્રગટ થયેલી છે. સમગ્ર ભારતખંડમાં આવી 84 બેઠકજી છે. જે વૈષ્ણવ સંપ્રદાય માટે છોટું વ્રજ ગણાય છે.