• વન-ડે અને ટી20માં બેટ દ્વારા રનનો ઢગલો કરતો ગિલ ટેસ્ટ ફોર્મેટમાં ફ્લોપ થઈ રહ્યો છે

એ ભારતના કેટલાક સિનિયર ખેલાડીઓ ચાલુ વર્ષના જૂન મહિનામાં વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકાની યજમાનીમાં રમાનારા આઈસીસી ટી20 વર્લ્ડ કપ બાદ ક્રિકેટની ચોક્કસ ફોર્મેટને અલવિદા કરી દે તેવી પૂરી સંભાવના છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર્સ ટી20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે. જોકે તેઓ જાહેરખબરના કોન્ટ્રાક્ટના કારણે આઇપીએલમાં રમવાનું ચાલુ રાખી શકે છે. ભારતીય ટીમ સાઉથ આફ્રિકાનો પ્રવાસ ખેડી ચૂકી છે અને ત્રણેય ફોર્મેટમાં વિવિધ ખેલાડીઓને તક આપવામાં આવી હતી કેટલાકે પ્રભાવિત કર્યા અને કેટલાક માટે હજુ તેઓ ઇન્ટરનેશનલ ખાસ કરીને લાંબા સમયની ટેસ્ટ ફોર્મેટ માટે પરિપક્વ થયા નથી તેવી પણ ટીકાઓ થઈ છે. રોહિતની ગેરહાજરીમાં યુવા ઓપનર શુભમન ગિલ ટેસ્ટ ક્રિકેટમાં ઓપનિંગનો સ્લોટ ભરી શકે છે. ગિલ કોહલી અને રોહિતની વિરાસત આગળ વધારશે તેવું હાલપૂરતું લાગી રહ્યું છે. 2023નું વર્ષ ગિલ માટે શાનદાર રહ્યું હતું. તેણે વન-ડે અને ટી20 ફોર્મેટમાં અપેક્ષા કરતાં વધારે સફળતા હાંસલ કરી હતી. તેની ફોર્મના આધારે આઇપીએલ ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સને તેની 2024ની સિઝન માટે સુકાની પણ જાહેર કરી દીધો છે. વન-ડે અને ટી20માં ગિલે જેટલી સફળતા મેળવી છે તેવી તેણે રેડ બોલથી રમાતી ટેસ્ટ ક્રિકેટમાં હાંસલ કરી નથી.

હાઇબેક લિફ્ટ અને આક્રમક અભિગમ ધરાવતા ગિલના ટેસ્ટ મેચોના આંકડા પ્રભાવશાળી રહ્યા નથી. તે મર્યાદિત ઓવર્સની ફોર્મેટ મુજબ જ ટેસ્ટ ક્રિકેટમાં રમવા જાય છે. ગિલના ટેસ્ટ કારકિર્દી પણ સૂર્યકુમાર યાદવ જેવી જ છે જે ટી20માં બેટ દ્વારા સ્ફોટક રીતે સ્કોરબોર્ડને સતત વધારતો રાખે છે પરંતુ જ્યારે વન-ડેમાં રમવાનું આવે છે ત્યારે સૂર્યકુમારના બેટને જાણે કાટ લાગી ગયો હોય તેવું લાગે છે. આ કારણથી તે 50 ઓવર્સની ફોર્મેટવાળી વન-ડે ટીમમાં અંદરબહાર થતો રહ્યો છે. કેટલાક દિગ્ગજો અને કોમેન્ટેટર્સે તો ભારતની ટેસ્ટ તથા ટી20 ટીમને ઓવરરેટેડ ગણાવી છે અને ટીકાઓ કરી છે કે કેટલાક ખેલાડીઓને વધારે પડતું મહત્ત્વ આપીને તેમને રાતોરાત સ્ટાર બનાવી દેવામાં આવ્યા છે. ભારતના કેટલાક ભૂતપૂર્વ તથા વર્તમાન ખેલાડીઓના ટેસ્ટ આંકડા સાથે ગિલની ટેસ્ટ કારકિર્દીની સરખામણી કરીએ તો ગિલ કરતાં તેઓ વધારે સફળ લાગી રહ્યા છે. ગિલે ટેસ્ટ ક્રિકેટની 35 ઇનિંગ્સમાં ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ કરતાં થોડાક જ રન વધારે બનાવ્યા છે. ગિલને ઓપનર તરીકે રમાડવામાં આવે છે ત્યારે ઇરફાન ઓપનિંગથી લઈને મિડલ ઓર્ડરમાં બેટિંગ કરી ચૂક્યો છે. કારકિર્દીના અંત ભાગમાં પહોંચેલો અશ્વિન ગિલ કરતાં વધારે ટેસ્ટ રન ધરાવે છે. જ્યારે ગિલના આંકડાની ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે જેવા દિગ્ગજો સાથે તુલના થાય તો તે રેડ બોલ ક્રિકેટમાં તેના ભવિષ્ય અંગે ચિંતાજનક છે. ગિલે ટેસ્ટ ટીમમાં સ્થાન નિશ્ચિત કરવું હોય તો તેણે બેટ દ્વારા સતત સારો દેખાવ કરવા ઉપરાંત તે અનુભવી બેટ્સમેનો એટલે કે વર્તમાન સમયના યુવાઓ કરતાં વધારે સારો છે તે પુરવાર કરતા રહેવું પડશે. અન્ય એક ખેલાડી પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના પણ ટેસ્ટ ક્રિકેટ માટે હજુ પરિપક્વ થયો નથી અને તે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટમાં લાઇનલેન્થ મેળવવા માટે ઝઝૂમી રહ્યો હતો. તેને પણ ટેસ્ટ માટે ઓવરરેટેડ ખેલાડી ગણવામાં આવી રહ્યો છે.

છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટ ક્રિકેટ માટે પસંદગીકારો દ્વારા સતત અવગણનાનો ભોગ બનેલા ચેતેશ્વર પૂજારા અને રહાણેએ ટીમમાં કમબેક કરવા માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં જોર લગાવવાનું શરૂ કરી દીધું. બીજી તરફ ડોમેસ્ટિક સર્કિટમાં સતત સારો દેખાવ કરી રહેલા સરફરાઝ ખાન, પ્રિયાંક પંચાલ, હનુમા વિહારી જેવા ખેલાડીઓ પણ ટેસ્ટ ટીમના દ્વાર ખખડાવી રહ્યા છે. આ તમામ ખેલાડીઓનો ડોમેસ્ટિક રેકોર્ડ સહેજ પણ ખરાબ નથી અને તેઓ ગિલને સીધો પડકાર ફેંકી શકે તેવો છે. આ એવા ખેલાડીઓ છે જેમના માટે કહી શકાય કે તેઓ ટેસ્ટ ટીમમાં પ્રવેશ કરીને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન પણ મેળવી શકે છે. ક્રિકેટના હાઇએસ્ટ લેવલે તેઓ સારો દેખાવ કરવા માટે સક્ષમ પણ છે.

ગિલે પોતાની કારકિર્દીના મધ્ય તબક્કામાં છે તેવું કહી શકાય અને તેણે પોતાના ટેલેન્ટને ન્યાય આપવો પડશે. ક્રિકેટ અનિશ્ચિતતાની રમત છે તે તમામ જાણે છે અને ખેલાડીઓને સમયાંતરે સફળતાના શિખરે પહોંચવાથી લઈને હીરોમાંથી ઝીરો બનવું પડે છે. વન-ડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારી ચૂકેલા ગિલમાં મોટી ઇનિંગ રમવાની તમામ ક્ષમતા છે પરંતુ તે ટેસ્ટ ક્રિકેટની ફોર્મેટમાં રમી શકતો નથી જે તેની નબળી કડી સાબિત થઈ શકે છે.


  • Follow us on: