બુધ સાહિત્ય અનુસાર વૈશાખ પૂર્ણિમાનો દિવસ ભગવાન બુદ્ધના દરેક સહયાત્રી, ઘટનાક્રમ અને જીવન પરિવર્તનનો પાવન દિવસ રહ્યો છે. તેમનો જન્મ, જ્ઞાનપ્રાપ્ર્તિ અને નિર્વાણ પણ વૈશાખ પૂર્ણિમાના દિવસે થયાં હતાં. તેમના પ્રિય શિષ્ય આનંદ, પત્ની યશોધરા, સારથી ચન્ના અને અશ્વ કટંકની જીવનયાત્રાનો પ્રારંભ કરવા માટે વૈશાખ પૂર્ણિમાએ જ જન્મ્યા હતા. જે પીપળાના વૃક્ષ નીચે સિદ્ધાર્થે કઠોર તપસ્યા કરીને બોધિત્વ પ્રાપ્ત કર્યું હતું તેનું રોપણ પણ વૈશાખ પૂર્ણિમાએ થયું હતું.


કેવી રીતે ઊજવાય છે?

ભારત, શ્રીલંકા, ચીન, જાપાન, સિંગાપોર, થાઈલેન્ડ, કંબોડિયા, મલેશિયા, મ્યાનમાર, ઈન્ડોનેશિયા સહિત સમગ્ર દુનિયાભરમાં બુદ્ધ પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે બુદ્ધ પૂર્ણિમા એ સૌથી મોટો તહેવાર છે. આ દિવસે અનેક પ્રકારના સમારોહનું આયોજન કરવામાં આવે છે. વિવિધ દેશોમાં ત્યાંના રીતરિવાજો અને સંસ્કૃતિ અનુસાર ઉત્સવ ઊજવાય છે. જેમ કે,

દુનિયાભરમાંથી બૌદ્ધ ધર્મના અનુયાયીઓ બૌદ્ધ ગયા આવે છે અને પ્રાર્થના કરે છે.

બોધિવૃક્ષની પૂજા કરવામાં આવે છે. તેની શાખાઓ (ડાળીઓ) પર હાર તથા રંગીન ધજાઓ સજાવવામાં આવે છે. મૂળમાં સુગંધિત પાણી સીંચવામાં આવે છે તથા વૃક્ષની આજુબાજુ દીવા પ્રગટાવવામાં આવે છે.

આ દિવસે બૌદ્ધ ધર્મીઓ ઘરોમાં દીવાઓ પ્રગટાવે છે અને ફૂલો દ્વારા ઘરને સજાવે છે. ધર્મગ્રંથોનો પાઠ થાય છે.

મંદિરો તથા ઘરોમાં અગરબત્તી કરવામાં આવે છે અને તેમની મૂર્તિ પર ફળ-ફૂલ ચઢાવવામાં આવે છે. દીવો પ્રગટાવાય છે.

ગરીબોને ભોજન કરાવીને વસ્ત્ર ભેટ આપવામાં આવે છે.

શ્રીલંકામાં આ દિવસ `વેસાક' ઉત્સવ તરીકે ઊજવાય છે. વેસાક એ વૈશાખ શબ્દનો અપભ્રંશ છે.

દિલ્હી સંગ્રહાલય આ દિવસે બુદ્ધના અસ્થિ બહાર કાઢે છે, જેથી બૌદ્ધ ધર્માવલંબીઓ ત્યાં આવીને અસ્થિઓનાં દર્શન કરી પ્રાર્થના કરી શકે.


  • Follow us on: