આપણે ત્યાં સામાન્ય વ્યવહારમાં લોકો જેને `શીળસ' કહે છે, તેને આયુર્વેદમાં `શીતપિત્ત' કહેવામાં આવે છે. આ શીળસનું પ્રમાણ ખાન-પાન સંબંધી બેદરકારીઓને લીધે પહેલાં કરતાં ઘણું વધ્યું છે.

ત્વચા પર કીડીઓ કરડવાથી જેવાં લાલ ચકામાં ઊપસે છે તેવાં જ ચકામાં કે ઢીમચાં આ રોગમાં થાય છે. શીળસનો હુમલો થાય ત્યારે ત્વચા પર લાલ ચકામાં, તેમાં તીવ્ર ખંજવાળ, સોય ભોંકવા જેવી પીડા, દાહ-બળતરા અને તેનું પ્રમાણ જો ઉગ્ર હોય તો ઊબકા, ઊલટી અને તાવ પણ આવે છે. આ શીતપિત્તને કેટલાક વૈદ્યો `ઉદર્દ' પણ કહે છે. આયુર્વેદીય મતે શીતપિત્તમાં કફ અને પિત્ત સાથે થોડું વાયુ દોષનું પ્રમાણ પણ હોય છે, જ્યારે ઉદર્દમાં કફ દોષનું પ્રમાણ વધારે હોય છે.

શીતપિત્ત એ નામથી જ સ્પષ્ટ થાય છે કે, `શીત' અને `પિત્ત' એ બંનેનો પ્રભાવ એમાં રહેલો છે. એટલે કે શીત કહેતા શીતળ-કફ અને પિત્ત દોષની પ્રધાનતા એમાં રહેલી છે. લક્ષણની દૃષ્ટિએ પણ શીતપિત્તમાં ઉત્પન્ન થનાર તીવ્ર ખંજવાળ એ કફાધિક્ય અને દાહ-બળતરા એ પિત્તાધિક્ય સૂચવે છે. ઉપર જણાવ્યું તેમ મેડિકલ સાયન્સ તેની ઉત્પત્તિમાં શરીરની અંદર એક પ્રકારની એલર્જી એટલે કે એક પ્રકારની અસાત્મ્યતાને કારણભૂત માને છે.

જેમાં શરીર કોઈ અસાત્મ્ય એટલે કે શરીરને માફક ન આવતા હોય એવા દ્રવ્યના સંપર્કમાં આવે અથવા માફક ન હોય એવા કોઈ આહાર દ્રવ્યના સેવનથી આ રોગની ઉત્પત્તિ થતી માનવામાં આવે છે. આવાં અસાત્મ્ય દ્રવ્યો અનેક પ્રકારનાં હોય છે. જેમ કે, આહારના વિવિધ પદાર્થો, રજકણો, ધુમાડો, સૂક્ષ્મ પરાગકણો, તંતુઓ, સુગંધિત દ્રવ્યો, રસાયણો, સાબુ, માલિશનાં તેલ, અનેક પ્રકારનાં ઔષધો, પ્રોટીન કણો, ટેરીન, નાયલોન જેવા સિન્થેટિક વસ્ત્રો અને સૌંદર્યપ્રસાધનો-મેકઅપનો સમાવેશ થાય છે. ઘણીવાર ઉદરકૃમિ(વર્મ્સ) અને મેલેરિયા જેવી બીમારીઓ પછી પણ શીતપિત્ત ઉત્પન્ન થાય છે.

સરળ ઉપચાર

શીતપિત્ત અને ઉદર્દ એ બંને રોગોમાં કડવા તેલની માલિશ, સુખોષ્ણ-નવશેકા પાણીથી સ્નાન, વમન તથા વિરેચન કર્મથી શરીરની દોષશુદ્ધિ વગેરે હિતકારી છે. વમન કર્મ માટે પટોળ, મીંઢળ, લીમડાનાં પાન, ઘી વગેરેનો ઉપયોગ તથા વિરેચન કર્મ માટે ત્રિફળા ચૂર્ણ, સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ, દીનદયાળ ચૂર્ણ, હરડે, હિમેજ વગેરે હિતકારી બને છે. જો કફાધિક્ય અને તેને લીધે તીવ્ર ખંજવાળ હોય તો થોડું મધ હિતકારી બને છે.

આમળાંનું ચૂર્ણ એક ચમચી + ગોળ બે ચમચી મિશ્ર કરી સવારે, બપોરે અને રાત્રે લેવું.

અથવા અજમો પા ચમચી + દેશી ગોળ એક ચમચી મિશ્ર કરી દિવસમાં ત્રણ વખત ખૂબ ચાવીને ખાવા સવારે, બપોરે અને રાત્રે.

ગળોનો ઉકાળો ચાર ચમચી + મધ બે ચમચી મિશ્ર કરી સવારે, બપોરે અને રાત્રે પીવો. અરણી મૂળ ચૂર્ણ એક ચપટી, સૂંઠનું ચૂર્ણ બે ચપટી, એકથી દોઢ ચમચી મધમાં મિશ્ર કરી સવાર-સાંજ લેવું.