- ભલે મારી પાસે એક પગ નથી પરંતુ હું દિલથી ડાન્સ કરું છું. મહેનત, અનુશાસન અને પેશનથી તમે તમારા દરેક સપના પૂરા કરી શકો છો
સંઘર્ષ વગર કોઇ મહાન બનતું નથી, પથ્થરને પણ ભગવાન બનવા છીણી હથોડાના ઘા વેઠવા પડે છે. તો પછી વ્યક્તિને તો મંઝિલ સુધી પહોંચવા પરિશ્રમ કરવો જ પડે. સખત મહેનત આત્મવિશ્વાસના બળે સીતા સુબેદી દુનિયા માટે મિસાલ બની ગઇ છે.37 વર્ષની સીતા સુબેદી ક્લાસિકલ કથક ડાન્સર છે. પોતે પરફોર્મ કરવા ઉપરાંત હજારો બાળકોને ડાન્સ શીખવ્યો છે. આપણને એવો વિચાર આવે કે, દુનિયામાં અનેક કથક ડાન્સર છે, તો સીતામાં એવું તે શું ખાસ છે? સીતાની ખાસિયત એ છે કે, તેને એક પગ નથી. તેમ છતાં કથક કરે છે અને નવાઈની વાત તો એ છે કે એ જ્યારે કથક કરે છે ત્યારે કોઇની નજર તેના ઉપરથી હટતી નથી. એક પગે ડાન્સ કરવો એ પણ લોકોનાં મોઢામાં આંગળા નાંખી જાય એવો અદભુત એ સીતા માટે શક્ય નહોતું, પરંતુ સીતાએ હાર નહોતી માની અને પરિણામે તે પોતાની મંઝિલ સુધી પહોંચી શકી.મૂળ નેપાળની સીતા, જન્મી ત્યારે જ એક પગ વગર જન્મી હતી એવું નથી, ત્યારે તો એ નોર્મલ હતી. નાનાં બાળકોની જેમ મમ્મી-પપ્પાની આંગળીઓ પકડીને બે પગે ચાલતાં શીખી અને પછી દોડતાં. સીતાને ડાન્સનો બહુ શોખ હતો. જ્યારે તે 12 વર્ષની થઇ ત્યારે ખબર પડી કે તેના પગમાં કેન્સર ડેવલપ થઇ રહ્યું છે. આમથી તેમ દોડાદોડ કરતી દીકરીના પગ અચાનક થંભી જાય ત્યારે કોઇ પણ માબાપને આઘાત લાગે એ સ્વાભાવિક છે. સીતાને અને તેના પરિવાર માટે અચાનક આવી પડેલી આ બીમારીને સ્વીકારવી અઘરી હતી. તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી અને સારવાર દરમિયાન તેનો ડાબો પગ કાપવો પડ્યો. હોસ્પિટલ દરમિયાન તેણે લોકોની નજરમાં પોતાના માટે દયા જોઇ. સીતા કહે છે કે, લોકોની વાત સાંભળીને મને લાગ્યું કે જાણે મારું જીવન ખતમ થઇ ગયું છે. હું નાસીપાસ થઇ ગઇ હતી. 12 વર્ષની ઉંમરે એક પગ ગુમાવવો પડ્યો હતો એટલે આભ તૂટી પડ્યું હોય એટલી વેદના મને અને મારા પરિવારને થઇ રહી હતી.જ્યારે ચારેબાજુ અંધારું હોય ત્યારે દીવાની એક જ્યોત પ્રકાશનું કામ કરતી હોય છે, એમ સીતાને કોઇના દ્વારા ભારતીય ડાન્સર અને એક્ટર, સુધા ચંદ્રન વિશે જાણવા મળ્યું. સીતા કહે છે કે સુધા ચંદ્રનને જોઇને મારી ડાન્સ કરવાની ઇચ્છા ફરી જીવિત થઇ ગઇ. સપનું ફરી સાકાર થશે એવી આશા બંધાઇ. એ મારા માટે પ્રેરણા બની રહી. સારવારના એક વર્ષ પછી હું મારી માતા અને લાકડીની મદદથી સ્કૂલમાં પહોંચી. આવી સ્થિતિમાં એક વર્ષ પછી સ્કૂલે જવું એ મારા માટે ઘણું અઘરું હતું. એમાં મારી જ બહેનપણીઓ અને ક્લાસના વિદ્યાર્થીઓ મારી સામે હીનભાવથી જોતા હતા. એટલું જ નહીં મારી સાથે કોઇ બેસતું પણ નહીં, કારણ કે એમને ડર હતો કે ક્યાંક કેન્સરનું ઇન્ફેક્શન તેમને ન લાગી જાય. આ બધું મારા માટે દુઃખદાયક હતું. તેમ છતાં હું હિંમત ન હારી અને મેં સ્કૂલમાં જવાનું ચાલુ રાખ્યું. 2002માં સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યો. હું ડાન્સ અને મ્યુઝિકમાં અભ્યાસ કરવા ઇચ્છતી હતી. હું જ્યાં પણ ડાન્સ અને મ્યુઝિક માટે ગઇ ત્યાં મને રિજેક્ટ કરવામાં આવી. બધાએ કહ્યું કે ડાન્સ કરવા માટે એમાંય કથક કરવા બંને પગ હોવા જરૂરી છે. પહેલાં તો હું નિરાશ થઇ ગઇ પછી મેં નક્કી કર્યું કે, હું ડાન્સ કરીને બધાને ખોટા સાબિત કરીને રહીશ. સીતાએ લાઇફ સ્કિલ ડેવલપમેન્ટમાં વૉકેશનલ ટ્રેનિંગ લીધી, જેનાથી તેના કોન્ફિડન્સમાં વધારો થયો. મેં મારા લેવલે ડાન્સ ચાલુ રાખ્યો. 2015માં પદ્મ કન્યા કેમ્પસ જોઇન્ટ કર્યું અને પછી કલાનિધિ ઇંદિરા સંગીત મહાવિદ્યાલય સાથે જોડાઇ. આ સંસ્થા ભારતમાં પ્રયાગરાજમાં પ્રજ્ઞા સંગીત સમિતિ સાથે જોડાયેલી છે. મેં કલાનિધિમાં ડાન્સ સ્કિલ્સ પર કામ કર્યું.સીતા ડાન્સ શીખીને બેસી ન રહી, એમાં તેણે મહારથ હાંસલ કરી. તેણે મ્યુઝિક અને નેપાળીમાં માસ્ટર્સ પણ પૂર્ણ કર્યું. પછી બાળકોને ડાન્સ શીખવવાનું શરૂ કર્યું અને એક પછી એક એમ અત્યાર સુધીમાં હજારો બાળકોને ડાન્સ શીખવી ચૂકી છે. સીતા હવે પોતાના પેશનને ફોલો કરીને દેશનું નામ રોશન કરી રહી છે. 2019માં તેને કથક પરફોર્મન્સ માટે સાઉથ કોરિયા બોલાવવામાં આવી હતી. 2022માં સમર હોટ ફેશન શૉ એન્ડ મ્યુઝિક નાઇટમાં તેણે 21 મોડલ્સની સાથે રેમ્પ વૉક કર્યું હતું. એની હિંમત જોઇને ભલભલાની હિંમત વધી ગઇ. 2023માં તે નેપાળ ઇન્ટરનેશનલની વિનર બની ગઇ.સીતા કહે છે કે, ભલે મારી પાસે એક પગ નથી પરંતુ હું દિલથી ડાન્સ કરું છું. મહેનત, અનુશાસન અને પેશનથી તમે તમારા દરેક સપના પૂરા કરી શકો છો.










