ક્લાર્ક પી.કે.ની બદલી યાનિ કી તબાદલા મીન્સ કે ટ્રાન્સફર થઈ. પી.કે.નું મૂળ નામ પરેશ કણકિયા હતું, પણ બેંકમાં બધા એકબીજાને `ઈનિશિયલ્સ' પરથી ટૂંકા નામે બોલાવતા હોય છે.

એટલે એનું નામ પી.કે. પડી ગયું'તું. ટ્રાન્સફર ઓર્ડર હાથમાં આવતાંની સાથે જ પી.કે. સોલ્લિડ કન્ફ્યૂઝ થઈ ગયો, કેમ કે એની જ્યાં ટ્રાન્સફર થઈ'તી એ ગામનું નામ એણે પહેલી જ વખત સાંભળ્યું'તું. સાવ અજાણ્યા ગામમાં, સાવ અજાણ્યા લોકો વચ્ચે જઈને `કેવી રીતે રહીશ?' એવા વિચારો કરતો પી.કે. `રાગ મૂંઝારો' ગાવા માંડ્યો. એની મૂંઝવણ અને ટેન્શનને એનો `કલીગ' આર.પી. (યાનિ કી રાજુ પટેલ) કળી ગયો અને એણે પાસે આવી પી.કે.ને ધબ્બો મારી કહ્યું, `એ પી.કે. ફિકર ન કર યાર, હું છું ને? હું બધું ગોઠવી આપીશ.' અને પછી આર.પી.એ બધું ગોઠવી પણ આપ્યું. સાવ નવા ગામમાં ભાડાના મકાનની વ્યવસ્થા પણ કરી આપી. ટ્રકમાં સામાન ભરી અને પી.કે. ટ્રાન્સફરની નવી જગ્યાએ રહેવા પહોંચી ગયો. પી.કે. અને એની પત્ની મીનાએ જાતમહેનત કરી ઘરનો બધો સામાન ગોઠવ્યો. પી.કે. અને મીનાએ `દો અકેલે ઈસ શહર' મેં'ની જેમ રહેવાની શરૂઆત કરી, પણ થોડા દિવસ પછી પી.કે.ને અચાનક આ નવા ગામમાંથી બહારગામ જવાનું થયું.

પી.કે. ગયો એટલે સહેજ પણ મળતાવડા સ્વભાવની ન હોવાના કારણે મીના ઘરનાં બારી-બારણાં બંધ કરી પોતાનાં જ (આમ તો ભાડાનાં) ઘરમાં સજ્જડ રીતે પુરાઈ ગઈ. મોડી રાત્રે પી.કે. પાછો આવ્યો, પણ એસ.ટી. સ્ટેન્ડથી ઘરે જતાં ગૂંચવાઈ ગયો. એણે રિક્ષા કરી, પણ રિક્ષાવાળાનેય પોતાના જ ઘરનું એડ્રેસ બરાબર સમજાવી ન શક્યો. રિક્ષાવાળાઓએ એને શંકાની નજરે જોવા માંડ્યો ને બોલ્યો `તમને તમારા જ ઘરનું સરનામું નથી ખબર?' પી.કે.એ પોતે આ ગામમાં નવો જ આવ્યો છે એમ કહ્યું. છેવટે માંડ માંડ પી.કે. ખૂબ મોડી રાત્રે પોતાના ઘરે પહોંચ્યો. ઘરે પહોંચતાં જ નવી `મોકાણ' શરૂ થઈ. પી.કે.ની વાઈફ મીના ઘરનાં બારી-બારણાં કચકચાવીને ભીડી અને અંદર ઘસઘસાટ સૂઈ ગઈ'તી. પી.કે.એ દરવાજો ખખડાવ્યો પણ મીના ઊઠી જ નહીં. પછી પી.કે.એ. દરવાજો ખખડાવવાની સાથે દબાયેલા સાદે મીનાના નામના પોકાર શરૂ કર્યા.

`મીના... એ... મીના... દરવાજો ખોલ મીનાઆઆ...' પણ મીના ન ઊઠી તે ન જ ઊઠી. હવે પી.કે. `કન્ફ્યૂઝિયસ' થઈ ગયો. એણે બારણું ખખડાવવાનો અને સાદ પાડવાનો સૂર બદલ્યોને થોડો મોટો અવાજ કરી મીનાને જગાડવાનો પ્રયત્ન કર્યો, પણ મીના `ટસની મસ' ન થઈ. હવે જો એ વધારે ઘોંઘાટ કરશે તો આજુબાજુવાળા જાગી જશે એ બીકના લીધે પી.કે.એ `સ્ટ્રેટેજી' બદલી. એણે ઘરની ફરતે ફરવાનું શરૂ કર્યું. બારીઓ પાસે જઈ ત્યાં ટકોરા મારી `મીના... મીના...'નો સાદ કર્યો, પણ મીનાએ પ્રતિસાદ ન આપ્યો. પી.કે.ના ઘરમાં પાછળ એક જાળી હતી, ત્યાંથી ઉપર ચડી નીચે કૂદીને ઘરમાં જવાય એવું હતું. એટલે પી.કે.એ એ આઈડિયા ટ્રાય કરવાનું નક્કી કર્યું, પરંતુ પી.કે. જેવો જાળી ઉપર ચડી ઘરની અંદર ભૂસ્કો મારવા જતો'તો ત્યાં બાજુવાળા ઘરમાંથી કોઈ જાગી ગયું. એણે પી.કે.ને જાળીએ લટકેલો જોઈ અને `ચોર-ચોર'ની બૂમો પાડી. જોતજોતાંમાં આજુબાજુવાળા બધા જ જાગી ગયા અને ત્યાં ઘસી આવ્યા. થોડીવારમાં મોટું ટોળું થઈ ગયું.

જાળીએ લટકતા પી.કે.ને બધાએ ખેંચીને ઉતાર્યો અને બોચીએથી પકડી ધમકાવવાનું ચાલુ કર્યું. ધોલધપાટ શરૂ થાય એવું લાગતાં પી.કે.એ. બધાને મોટે મોટેથી સમજાવવાની કોશિશ કરી. `અલ્યા મારશો નહીં. આ મારું જ ઘર છે. હું મારા ઘરમાં જ જઈ રહ્યો'તો.' કોઈકે ફેંટ પકડીને કહ્યું, `એમ? આ તારું ઘર છે? તો પછી આમ જાળીએ લટકીને અંદર કેમ જતો'તો, બોલ?' પી.કે.એ પોતાની આખી વિતકકથા વિગતે કહી અને એની પત્ની મીના જાગતી નથી એ પણ કહ્યું. તોયે કોઈના ગળે એ વાત ન ઊતરી. છેવટે પી.કે.એ ખાતરી કરવા પોતાની વાઈફ મીનાને ઉઠાડવા કહ્યું. લોકોએ બારણાં ઠોક્યાં, બારીઓ ધમધમાવી, બૂમાબૂમ, રાડારાડ કરી ત્યારે મીના માંડ ઊઠી. આંખો ચોળતાં દરવાજો ખોલ્યો. લોકોએ પી.કે. તરફ આંગળી ચીંધી પૂછ્યું, `આ કોણ છે?' મીનાએ ધારીને જોયા પછી કહ્યું, `આ તો મારા હસબંડ પી.કે. છે.' બધાને ખાતરી થતાં પી.કે.ને છોડી મૂક્યો. અંદર-અંદર વાતો કરતાં બધા ઘરે ગયા. પી.કે. ગુસ્સામાં ઘરમાં આવ્યો ને મીનાને કહ્યું, `બારણું કેમ નહોતી ખોલતી, ડોબી. મીનાએ બગાસું ખાતાં કહ્યું, `તમારે ખખડાવવું જોઈએને.'