આપણે તો બે મિનિટની રીલ્સ જોવામાં વ્યસ્ત છીએ, ત્યારે હવે દુનિયામાં સ્લો ટીવીના પ્રસારણ પાછળ લોકો ઘેલા થયા છે. નામ પ્રમાણે જ સ્લો ટીવી એટલે જરાય એડિટિંગ વિના પળે પળનું ચિત્રણ દેખાડતું ટીવી.

નિરાંતે વાડામાં બેઠા હોઈએ અને એક પક્ષી સતત ઘાસનું એક તણખલું લાવીને માળો બાંધતું હોય એ જોતા રહેવાનો સમય અને શોખ આજે કોઈમાં રહ્યો નથી. વનમાં સિંહ કે વાઘ વિહરતો હોય એ સતત જોતા રહેવાનું પણ નહીં ગમે. હા, તેઓ શિકાર માટે છલાંગ મારીને દોડે ત્યારે એ `એક્શન' જોવાનું બધાને ગમે, પરંતુ એ નિરાંતે પડી રહ્યા હોય કે વનવિહાર કરતા હોય એ જોવાની ધીરજ કેટલામાં હોય એવો સવાલ જરૂર થાય, પણ હવે ઘણા લોકો એવા છે, જે કુદરતનાં દૃશ્યો લાઈવ જોવાનું પસંદ કરે છે. એ લાઈવ દૃશ્યો `સ્લો ટીવી'ના નામથી લોકપ્રિય થઈ રહ્યાં છે. સ્લો ટીવી શબ્દનો જ અર્થ એ થાય કે કોઈ પણ માનવીય ટિપ્પણી વિના લાંબા કાર્યક્રમોનું લાઇવ, વર્ચ્યુઅલ પ્રસારણ. એમ તો એ પ્રસારણ નવું નથી. તેની શરૂઆત 2009માં થઈ હતી, જ્યારે નોર્વેજિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશને સાત કલાકની ટ્રેન મુસાફરીનું સંપૂર્ણ પ્રસારણ કોઈ પણ કાપકૂપ વિના કર્યું હતું. લોકોને તે લાંબી અને શાંત ટ્રેન મુસાફરી એટલી ગમી કે આ પછી આવા કાર્યક્રમોનો એક નવો દોર શરૂ થયો હતો.

એ પહેલાં પ્રસારણનાં દસ વર્ષ પછી સ્વીડિશ ટીવી ચેનલ SVT એ `ગ્રેટ એલ્ક ટ્રેક' નામનો એક નવો પ્રયોગ શરૂ કર્યો. તેનું લાઇવ સ્ટ્રીમ સતત ત્રણ અઠવાડિયાં સુધી ચાલ્યું હતું! આ લાઈવ પ્રસારણ માટે ઉત્તર સ્વીડનનાં જંગલોમાં 32 કેમેરા લગાવવામાં આવ્યા હતા, જે જંગલનાં શાંત અને સુંદર દૃશ્યો સતત દર્શાવતા હતા. આ સમય દરમિયાન કેટલાંક હરણ પણ ક્યારેક નદી પાર કરતાં જોવા મળ્યાં હતાં. આ લાઈવ સ્ટ્રીમ લગભગ 10 લાખ લોકોએ જોયું હતું. આ લાઈવ સ્ટ્રીમમાં સ્વીડનના વન્યજીવનના કુદરતી અવાજો અને દૃશ્યો જોવા મળ્યાં હતાં. ગયા વર્ષે આ લાઇવ સ્ટ્રીમ વધુ લોકપ્રિય બન્યું હતું. એ વખતે આ લાઈવ સ્ટ્રીમ 90 લાખથી વધુ લોકોએ જોયું હતું.

`ગ્રેટ એલ્ક ટ્રેક'ના પ્રોજેક્ટ મેનેજર જોહાન એરહૌગના મતે શોની સફળતાનું રહસ્ય તેની ધીમી અને શાંત ગતિ છે, જે આજના ઝડપી સમાચાર, સતત બદલાતાં સોશિયલ મીડિયા અને ટીવી કાર્યક્રમોથી તદ્દન વિપરીત છે.

હવે તો અમેરિકાના કેલિફોર્નિયામાં સાન ડિએગો પ્રાણીસંગ્રહાલયમાં પણ આવા કેમેરા લગાવવામાં આવ્યા છે, જેના દ્વારા લોકો ધ્રુવીય રીંછ, હાથી, લાલ પાંડા અને વાઘ જેવાં અનોખાં પ્રાણીઓને જીવંત જોઈ શકે છે. એ જ રીતે દક્ષિણ ઇંગ્લેન્ડમાં સ્ટોર્કનો માળો પણ સમાચારમાં છે. અનિયા અને બાર્ટેક નામના બે સ્ટોર્ક 2020થી એકબીજા સાથે એક માળામાં રહે છે. આ વસંતઋતુમાં આ માળાને વિશ્વભરના 55,000થી વધુ લોકોએ ઓનલાઈન જોયો છે. આ માળો જમીનથી ખૂબ જ ઊંચો છે, તેથી લોકો તેને કેમેરા દ્વારા ઉપરથી જોઈ શકે છે. તે દર્શાવે છે કે સ્ટોર્ક ઇંડાં મૂકે છે, તેમને સેવે છે અને પછી તેમાંથી બચ્ચાંઓનો જન્મ થાય છે. આ વર્ષે ચાર બચ્ચાંઓ મોટાં થઈને માળો છોડી ગયાં.

કલાકો સુધી એક જ દૃશ્ય કે સ્ટોરી જોતાં રહેવાનું આજે આપણને કહે તો ગમે એમ નથી. આપણે ફટાફટ સ્ક્લોર કરીને મોબાઈલ પર ઝડપથી ફિલ્મ પણ જોઈ લેતા હોઈએ, ત્યારે કલાકો સુધી કોઈ એક પ્રાણીને કે એક માળાને કે તળાવ કે બીજી કોઈ ચીજને જોતા રહેવાનું કોને ગમે? અને એટલો સમય પણ કોની પાસે છે?

જોકે, વર્તમાન પરિસ્થિતિમાં સંતુલન જાળવવા માટે એવી બાબતો જરૂરી છે જેમાં ભવિષ્ય અંધકારમય ન દેખાય. આવી સ્થિતિમાં કુદરતને પહેલાંની જેમ જ કાર્યરત જોઈને રાહત થાય છે, એ માટે સ્લો ટીવી ઘણા લોકો પસંદ કરે છે.

પ્રકૃતિ પર આધારિત ધીમા ટીવીની ઘણીવાર તેની શાંત અસર માટે પ્રશંસા કરવામાં આવે છે. તેની અસર ફક્ત આરામ સુધી મર્યાદિત નથી. તે લોકોમાં પ્રકૃતિ પ્રત્યે ઊંડો લગાવ પણ પેદા કરે છે અને તેમને આબોહવા-સભાન વર્તન અપનાવવા માટે પ્રેરિત કરે છે. અમેરિકાની ટેક્સાસ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર રેબેકા મૌલ્ડિન માને છે કે પ્રકૃતિ સાથે સંબંધિત લાઇવ સ્ટ્રીમ્સ લોકોમાં ભાવનાત્મક જોડાણ અને સમજણ બનાવે છે, જે તેમને પર્યાવરણનું રક્ષણ કરવા પ્રેરણા આપે છે.

આ ક્ષેત્ર હજુ નવું હોવા છતાં નિષ્ણાતો માને છે કે વર્ચ્યુઅલ અનુભવો ક્યારેય વાસ્તવિક અનુભવોને સંપૂર્ણપણે બદલી શકતા નથી. લાઇવ સ્ટ્રીમ જોવું એ પ્રકૃતિમાં રૂબરૂ જવા જેટલું આરામદાયક ન હોઈ શકે, પરંતુ તેની સમાન અસર થઈ શકે છે. ખાસ કરીને એવા લોકો માટે જે કોઈ કારણોસર પ્રકૃતિ સાથે રૂબરૂ જોડાઈ શકતા નથી.