સૌર ઉર્જામાં ભારતની પહેલથી હવે પશ્ચિમના દેશો પણ તેણે અનુસરી રહ્યા છે.સોલાર એનર્જીનો પુરતો ઉપયોગ કરવો કેટલો અનિવાર્ય છે તે હવે ઇંગ્લેન્ડને સમજાઈ ગયું છે.
ઇંગ્લેન્ડમાં આગામી બે વર્ષમાં નિર્માણ થનારા તમામ નવા મકાન પર સોલર પેનલ ફરજિયાત બનશે. સરકાર દ્વારા ટૂંકસમયમાં તેની જાહેરાત થશે. યોજના અંતર્ગત હાઉસ બિલ્ડરે 2027 સુધીમાં તમામ નવી પ્રોપર્ટીની છત પર ફરજિયાત સોલર પેનલ લગાવવાની રહેશે.સરકારની આ યોજનાના કારણે ઇંગ્લેન્ડમાં મકાન માલિકોને 3000થી 4000 પાઉન્ડનો વધારાનો ખર્ચ થશે પરંતુ તેઓ તેમના વાર્ષિક એનર્જી બિલમાં 1000 પાઉન્ડ કરતાં વધુની બચત કરી શકશે.લેબર સરકાર હાલની સંસદના અંત પહેલાં 1.5 મિલિયન પ્રોપર્ટી પર સોલર પેનલ લગાવવાનો લક્ષ્યાંક ધરાવે છે. તેના દ્વારા દરેક પરિવારના વર્ષે 300 પાઉન્ડ બચાવી શકાશે.જૂની પ્રોપર્ટીઓમાં સોલર પેનલ લગાવવા માટે સરકાર દ્વારા લોન અને ગ્રાન્ટ આપવાની પણ તૈયારી ચાલી રહી છે. કેમ્પેનર્સ દ્વારા સરકારની આ યોજનાને આવકાર મળી રહ્યો છે.
અમેરિકામાં માલેતુજારો માટે 21 ટ્રિલિયન ડોલરના ખર્ચે અંડર ગ્રાઉન્ડ સિટી
પૃથ્વી પર કયામતનો દિવસ કે પ્રલય આવે તો તેનાથી બચવા માટે અમેરિકાની સરકારે 21 ટ્રિલિયન ડોલર્સના ખર્ચે ગુપ્ત શહેર વસાવી લીધું છે. આ અંડરગ્રાઉન્ડ શહેરમાં આવેલા શેલ્ટર્સમાં રહીને હાઈ પ્રોફાઈલ ધનવાન અમેરિકન્સ અને મોટા અધિકારી પ્રલય સામે ટકી શકે તેમ છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જ્યોર્જ ડબલ્યુ બુશના શાસનકાળમાં યુએસના શહેરી વિકાસ ખાતામાં સહાયક સચિવ તરીકે કામગીરી બજાવનાર કેથરિન ઓસ્ટિન ફિટ્સે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અમેરિકાએ લગભગ 170 ભૂગર્ભ સ્થળો વિકસાવ્યાં છે, જે એક મોટી પરિવહન પ્રણાલી સાથે જોડાયેલાં છે. આ સ્થળોમાંથી કેટલાંક સ્થળો દરિયામાં પણ આવેલાં છે. કેથરિને પોતાના દાવાના ટેકામાં મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી માર્ક સ્કિડમોરના એક સંશોધનનો હવાલો પણ આપ્યો હતો. આ સંશોધનમાં 1998 અને 2015 દરમિયાન સંરક્ષણ અને શહેરી વિકાસ વિભાગોમાં મોટા પાયે આર્થિક હેરફેર કરાઈ હોવાનું જણાયું હતું. કેથરિન ફિટ્સે દાવો કર્યો હતો કે તેણે 21 ટ્રિલિયન જેવી જંગી રકમ ક્યાં ગઈ તે વિશે વર્ષો સુધી તપાસ કરી હતી. આખરે તે રકમ ભૂગર્ભ શહેર વસાવવામાં વાપરવામાં આવી હોવાના તારણ પર તે પહોંચી છે.
ભારતની એરસ્ટ્રાઈક બાદ 3 આતંકીઓને પોતાના ફરજંદની જેમ પાક. સેનાનું સુરક્ષા કવચ
આતંકી હુમલાનો ભારતે Operation Sindoor દ્વારા બદલો લઇ લીધો છે. ભારતની પાકિસ્તાનમાં એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાનમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાની સેનાએ આતંકના ત્રણ મોટા આકાઓ સહિત કેટલાક મોટા આતંકવાદીઓને પોતાના ચાર હેડક્વાર્ટરમાં શિફ્ટ કર્યા છે. મસૂદ અઝહર, હાફિઝ સઇદ, સૈયદ સલાહુદ્દીન સહિત અનેક મોટા આતંકવાદી કમાન્ડરોને પાકિસ્તાની સેનાના ચાર અલગ અલગ હેડક્વાટર્સમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આતંકના આ ચહેરાઓને પાકિસ્તાની સેના ચોથી કોર લાહોર, પાંચમી કોરના કરાચી, દસમી કોરના રાવલપિંડી અને 11મી કોરના પેશાવર હેડક્વાર્ટરમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આતંકીઓની સુરક્ષા માટે પાકિસ્તાની કમાન્ડોને મૂકવામાં આવ્યા છે. સાથે જ તેમને સામાન્ય નાગરિકોના મળવા પર રોક લગાવી દેવામાં આવી છે.પાકિસ્તાની સેના અને જાસૂસી એજન્સી માટે હવે આતંકવાદીઓ માટે નવાં ઠેકાણાં તૈયાર કરવાં પણ આસાન નથી. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાંમાં આતંકવાદીઓના કેમ્પ બનાવવામાં આવી શકતા હતા, પરંતુ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન અને તાલિબાન સાથે ટકરાવને કારણે આ વિસ્તારમાં નવા કેમ્પ બનાવી શકાય તેમ નથી.
હવે અમેરિકામાં યુ.એસ.ની બહાર બનેલી બધી ફિલ્મો પર 100 ટકા ટેક્સની ટ્રમ્પની જાહેરાત
અમેરિકન ફિલ્મ ઉદ્યોગને પુનર્જીવિત કરવાના હેતુથી એક મોટા પગલામાં, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે તેમણે વાણિજ્ય વિભાગ અને યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR)ને USની બહાર બનેલી બધી ફિલ્મો પર 100 ટકા ટેરિફ લાદવાની પ્રક્રિયા શરૂ કરવા જણાવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, અમેરિકન ફિલ્મ ઉદ્યોગ ખૂબ જ ઝડપથી નાશ પામી રહ્યો છે. આ અન્ય દેશો દ્વારા કરવામાં આવેલો સંયુક્ત પ્રયાસ છે અને તેથી રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે. ટ્રમ્પે સ્થાનિક ફિલ્મ નિર્માણમાં પાછા ફરવાની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું, `અમે ઈચ્છીએ છીએ કે ફિલ્મો ફરીથી અમેરિકામાં બને.' નવા ટેરિફનો હેતુ રમતના ક્ષેત્રને સમાન બનાવવા અને સ્ટુડિયોને અમેરિકન ભૂમિ પર તેમનાં કાર્યો ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. બીજી તરફ ટ્રમ્પ વહીવટીતંત્રે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને વાણિજ્યિક ફ્લાઇટ્સ દ્વારા સ્વદેશનિકાલ માટે ચુકવણી કરવાની યોજના શરૂ કરી છે, જેમાં ફ્લાઇટ ખર્ચ ઉપરાંત $ 1,000 સ્ટાઇપેન્ડ આપવામાં આવશે.