હાર્ટ એટેક એ સૌથી વધારે સંભળાતો અને ચર્ચાતો રોગ છે. હૃદયરોગનો હુમલો (મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન) એ એક તબીબી કટોકટી છે જ્યાં તમારા હૃદયના સ્નાયુઓ મૃત્યુ પામવાનું શરૂ કરે છે, કારણ કે તે પૂરતા પ્રમાણમાં લોહીનો પ્રવાહ મેળવી શકતો નથી. તમારા હૃદયને લોહી પહોંચાડતી ધમનીઓમાં અવરોધ સામાન્ય રીતે આનું કારણ બને છે. જો પૂરતા સમયમાં તેની સારવાર ન થાય, તો હૃદયરોગનો હુમલો હૃદયને કાયમી નુકસાન અને મૃત્યુનું કારણ બની શકે છે.


હાર્ટ એટેક વખતે ખરેખર શું થાય છે?

હાર્ટ એટેકને બીજા એક ખૂબ જ સરળ સંદર્ભમાં સમજો. આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ વાહન એન્જિન વગર ચાલી શકતું નથી અને એ એન્જિનને ચલાવવા માટે આપણે બહારથી પાઇપ વાટે પેટ્રોલ/ડીઝલ જેવી એનર્જી આપવી પડે છે. જો આને આપણા શરીર સાથે સરખાવીએ તો આપણું હૃદય એ આપણા શરીરનું એન્જિન છે અને હૃદયની સપાટી ઉપર ત્રણ મોટી પાઇપ/ધમનીઓ આવેલી હોય છે, જે હૃદયના સ્નાયુઓને ભરપૂર માત્રામાં લોહી રૂપી એનર્જી આપે છે અને હૃદય કામ કરી શકે છે. જ્યારે આ ધમનીઓમાં લોહી/ચરબીના ગઠ્ઠાથી સંપૂર્ણ અવરોધ ઊભો થાય ત્યારે હૃદયના જે તે ભાગમાં લોહી ન પહોંચતાં થોડા કલાકોમાં હૃદયના સ્નાયુઓ મૃત્યુ પામે છે અને એનાથી હૃદય નબળું થાય છે. આને હાર્ટ એટેક કહેવાય છે. જ્યારે મુખ્ય ધમની અવરોધાય ત્યારે મેસીવ એટેક આવી હૃદયને બંધ કરી શકે છે અને એ મૃત્યુમાં પરિણમી શકે છે.

હાર્ટ એટેક કેવો અનુભવાય છે?

ઘણા લોકોને હાર્ટ એટેક વખતે છાતીમાં દુખાવો થાય છે. દર્દી અસ્વસ્થતા કે ભારેપણું જેવું અથવા છાતી કચડી નાખતી પીડા અનુભવી શકે છે. હૃદયરોગનો દુખાવો પેટના ઉપરના ભાગમાં, ડાબી કે જમણી બાજુ છાતીમાં, ડાબા કે જમણા હાથમાં, ગરદનમાં, કમરમાં અને દાંતમાં પણ અનુભવી શકાય છે. ઘણા લોકોને એવું લાગે છે કે એસિડિટી કે અપચો છે, પણ એ હાર્ટએટેક હોઈ શકે છે. કેટલાક લોકોને માત્ર શ્વાસ લેવામાં તકલીફ, ઊલટી કે પરસેવો થાય છે. આનાથી વિરુદ્ધ ડાયાબિટીસના દર્દીઓમાં સાઇલન્ટ એટેક આવે છે કે જેમાં દુખાવાની ખબર પડતી નથી.

હાર્ટ એટેક માટે જોખમી પરિબળો

ઉંમર અને લિંગ : તમારી ઉંમર વધવાની સાથે હાર્ટ એટેકનું જોખમ વધે છે. પુરુષોમાં 45 વર્ષ પછી અને સ્ત્રીઓમાં 50 વર્ષ કે મેનોપોઝ પછી હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે.

હૃદયરોગનો કૌટુંબિક ઈતિહાસ : જો તમારાં માતા-પિતા કે ભાઈ-બહેનને હૃદયરોગ કે હાર્ટ એટેકનો ઈતિહાસ હોય, ખાસ કરીને નાની ઉંમરે તો તમારું જોખમ વધી શકે છે.

જીવનશૈલી : ખરાબ જીવનશૈલી હૃદયરોગનો હુમલો થવાનું જોખમ વધારી શકે છે. આમાં ધૂમ્રપાન, વધુ ચરબીવાળો ખોરાક ખાવો, શારીરિક પ્રવૃત્તિનો અભાવ, વધુ પડતો આલ્કોહોલ પીવો અને ડ્રગનો ઉપયોગ શામેલ છે.

અમુક સ્વાસ્થ્ય સ્થિતિઓ : કેટલીક સ્વાસ્થ્ય સ્થિતિઓ તમારા હૃદય પર તાણ લાવે છે અને હૃદયરોગના હુમલાનું જોખમ વધારે છે. આમાં ડાયાબિટીસ, સ્થૂળતા, હાઈ બ્લડપ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ અથવા પ્રિક્લેમ્પસિયા શામેલ છે.

તમાકુ : કોઈ પણ જાતના તમાકુનો ઉપયોગ જેમ કે, ધૂમ્રપાન, છીંકણી, મસાલા વગેરે હૃદયરોગનો હુમલો લાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

હાર્ટ એટેકના નિદાન માટે આ પરીક્ષણો કરાય છે

1. લોહીની તપાસ : હાર્ટ એટેકનું નિદાન કરવાની સૌથી વિશ્વસનીય રીતોમાંની એક છે લોહીમાં કાર્ડિયાક ટ્રોપોનિન તપાસવું. હાર્ટ એટેક દરમિયાન હૃદયના સ્નાયુ કોષોને નુકસાન થવાનું કારણ હંમેશાં તમારા લોહીના પ્રવાહમાં આ કેમિકલ માર્કર બને છે.

2. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ (EKG અથવા ECG) : જ્યારે તમે હૃદયરોગના હુમલાનાં લક્ષણો સાથે ER પર આવો ત્યારે આ પ્રથમ પરીક્ષણોમાંથી એક છે. તમારા હૃદયના સ્નાયુઓ અને ધબકારાઓની અનિયમિતતા આ ખૂબ જ સાદા પરીક્ષણ દ્વારા ખબર પડી શકે છે.

3. ઇકો કાર્ડિયોગ્રાફી (2D ECHO) : અલ્ટ્રાસાઉન્ડનો ઉપયોગ કરીને, ઇકોકાર્ડિયોગ્રામ તમારા હૃદયની અંદર અને બહારનું ચિત્ર બનાવે છે. હૃદયના સ્નાયુઓની સ્થિતિ, હૃદયની અંદર સ્ટ્રક્ચરલ ડેમેજ, હૃદયની બહાર પાણી ભરાવા જેવી ઘણી વસ્તુઓ આ તપાસથી ખબર પડી શકે છે.

4. કોરોનરી એન્જિયોગ્રામ કે હાર્ટ કેથેટરાઇઝેશન(CAG) : આ એક એવી પ્રક્રિયા છે જેમાં હૃદયની ધમનીઓમાં દવા નાખી તેની રચના કમ્પ્યૂટર પર જણાવે છે, જેનાથી કઈ ધમનીમાં કઈ જગ્યાએ કેટલો બ્લોક છે તેની સચોટ માહિતી મળે છે.

હાર્ટ એટેકની સારવાર

હાર્ટ એટેકની સારવાર કરવાનો અર્થ છે અસરગ્રસ્ત હૃદયના સ્નાયુમાં શક્ય તેટલી વહેલી તકે રક્ત પ્રવાહ પુનઃ સ્થાપિત કરવો. આ દવાથી લઈને સર્જરી સુધીની વિવિધ રીતે થઈ શકે છે. સારવારમાં નીચેની ઘણી પદ્ધતિઓનો સમાવેશ થાય છે.

1. દવાઓ : લોહી પાતળું કરવાની, ડાયાબિટીસની, હાયપર ટેન્શનની, કોલેસ્ટ્રોલ ઘટાડવાની, હૃદયના ધબકારા નિયમિત કરવાની જેવી ઘણી દવાઓ વત્તા-ઓછા પ્રમાણમાં આજીવન ચાલુ રહે છે.

2. પર્ક્યુટેનિયસ કોરોનરી એન્જિઓપ્લાસ્ટિ (સ્ટેન્ટિંગ): તબીબો પર્ક્યુટેનિયસ કોરોનરી ઇન્ટરવેન્શન (PCI) અથવા એન્જિયોપ્લાસ્ટી નામની પ્રક્રિયા દ્વારા તમારા અસરગ્રસ્ત હૃદયના સ્નાયુમાં પરિભ્રમણ પુનઃ સ્થાપિત કરે છે.

જે હોસ્પિટલમાં કેથલેબની સુવિધા હોય ત્યાં બને એટલું પહોંચી, પ્રાઇમરી સારવાર મેળવ્યા બાદ તબીબો કેથેટર વાટે તમારી ધમની ખોલવાની પ્રક્રિયા કરે છે. `ડોર-ટુ-બલૂન ટાઇમ', સરળ ભાષામાં સમજીએ તો પ્રથમ વખત ઈમરજન્સી રૂમમાં આવ્યા પછી PCIમાંથી પસાર થવા માટે આ સરેરાશ સમય છે. આ સમય જેટલો ઓછો હોય તેટલા હૃદયના સ્નાયુઓને નુકસાન થવાની સંભાવનાઓ ઓછી થઈ જાય છે. કોઈક વખત એક કરતાં વધારે સ્ટેન્ટ મૂકવાની જરૂર પડે તો ત્વરિત તબીબો સાથે ચર્ચા કરી હા પાડવી જરૂરી, જેથી સમયનો બગાડ ઓછો થાય.

3. હૃદયની ધમનીઓની બાયપાસ ગ્રાફ્ટિંગ સર્જરી (CABG) : જે લોકોને તેમની કોરોનરી ધમનીઓમાં વધારે સંખ્યામાં ગંભીર અવરોધો છે તેઓ કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટિંગ (CABG)માંથી પસાર થઈ શકે છે. સામાન્ય લોકોમાં એ હૃદયની બાયપાસ સર્જરી તરીકે જાણીતી છે. ઉદાહરણ તરીકે સમજીએ તો જો ચાર રસ્તા તૂટી ગયા હોય તો તેના પર બાયપાસ રોડ બનાવવો તે જ રીતે હૃદયની ધમનીમાં બ્લોક હોય તેને શરીરની જ વધારાની ધમનીઓ દ્વારા બાયપાસ કરી હૃદયના સ્નાયુઓને નવી એનર્જી મળી રહે તે માટેનું આ ઓપરેશન છે.

શું હાર્ટ એટેક રોકી શકાય?

રીતે એવી ઘણી વસ્તુઓ છે, જે તમે કરી શકો છો, જે હાર્ટ એટેકને અટકાવી શકે છે. જોકે, એવાં કેટલાંક પરિબળો છે જેને તમે બદલી શકતા નથી. ખાસ કરીને તમારો કૌટુંબિક ઇતિહાસ, જે તમારા શ્રેષ્ઠ પ્રયાસો છતાં પણ હાર્ટ એટેક તરફ દોરી શકે છે. તેમ છતાં જીવનશૈલીને લગતાં ઘણાં બધાં પરિબળોને આપણે બદલી શકીએ છીએ.

1. 40 વર્ષ પછી દર બે કે ત્રણ વર્ષે બોડી ચેકઅપ કરાવવું જોઈએ.

2. તમાકુ અને તેની બનાવટોનો સંપૂર્ણ ત્યાગ ખૂબ જ જરૂરી છે.

3. 24 કલાકમાંથી ઓછામાં ઓછો એકથી દોઢ કલાક શરીરને આપવો જરૂરી છે, જેની અંદર હળવી કસરતો, પ્રાણાયામ, યોગા, ચાલવું જેવી વસ્તુઓનો સમાવેશ કરી શકાય છે.

4. ખોરાકની અંદર સમતોલ આહાર અને પોષકતત્ત્વોની હાજરી ખૂબ જ જરૂરી છે. જો તમારો BMI 25થી વધારે હોય તો ડાયટિશિયન અથવા તો હેલ્થ કોચની મદદ લઈ શકો છો.

5. તણાવમુક્ત જિંદગી ખૂબ જ જરૂરી છે. તણાવને ઓછા કરવાના ઘણા બધા ઉપાયો છે જ.

6. તબીબોએ લખેલ દવાઓ ખૂબ જ રેગ્યુલરલી લેવી જરૂરી છે. ડાયાબિટીસ અને હાઇપર ટેન્શન જેવી બીમારીઓ સંપૂર્ણપણે કાબુમાં રહે તે માટેના બધા જ પ્રયાસો કરવા જોઈએ.

હાર્ટ એટેકનાં લક્ષણો શું છે?

હાર્ટ એટેકનાં લક્ષણો જે લોકો મોટે ભાગે વર્ણવે છે તેમાં છાતીમાં દુખાવો (એન્જાઇના), શ્વાસ લેવામાં તકલીફ, ઊંઘમાં તકલીફ (અનિદ્રા), ઊબકા અથવા પેટમાં ડૂચો વળવો, હૃદયના ધબકારા વધવા અથવા અનિયમિત થવા, ગળામાં ડુમો ભરાઈ જવાની લાગણી, માથું દુખવું અથવા ચક્કર આવવાં વગેરેનો સમાવેશ થાય છે.

  • Follow us on: