ચાની શોધ ભૂલથી થઈ

ચાનો ઇતિહાસ પાંચ હજાર વર્ષ પુરાણો છે અને ચીન સાથે જોડાયેલો છે. એવું કહેવાય છે કે ઈ. પૂર્વે 2732માં ચીનના શાસક શેંગ નુંગે ભૂલથી ચાની શોધ કરી હતી. એક વાર રાજાને પીવા માટે પાણી ગરમ થઈ રહ્યું હતું અને એવામાં અમુક પાંદડાં તે પાણીમાં પડ્યાં. થોડી જ વારમાં પાણીનો રંગ બદલાવા લાગ્યો અને સારી ખુશબૂ પણ આવવા લાગી. રાજાએ જ્યારે આ પાણી પીધું તો તેમને તે ખૂબ જ ભાવ્યું. તેમને તાજગી અને ઊર્જાનો અહેસાસ થયો અને આ રીતે ચાની શોધ થઈ.

ચાની શોધ વિશે બીજી પણ એક માન્યતા છે કે છઠ્ઠી શતાબ્દીમાં ચીનના હુનાન પ્રાંતમાં ભારતીય બૌદ્ધ ભિક્ષુ બોધિધર્મ વગર ઊંઘે સાધના કરતા હતા. તેઓ જાગતા રહેવા માટે એક ખાસ પ્રકારના છોડનાં પાંદડાં ચાવતાં હતાં અને પાછળથી આ છોડ ચા તરીકે ઓળખાવા લાગ્યો.

ચાનું વર્ગીકરણ

ચાનું વર્ગીકરણ ખેતીની જગ્યા પ્રમાણે કરવામાં આવે છે. જેમ કે, ચીની, જાપાની, શ્રીલંકા, ઇન્ડોનેશિયા અને આફ્રિકન ચા. અમુક નામ વિસ્તાર પ્રમાણે પણ હોય છે. જેમ કે, ભારતમાં દાર્જિલિંગ, આસામ, નીલગીરી. શ્રીલંકામાં ઉવા અને ડિમ્બુલા. ચીનના અન્હુઈ પ્રાંતના કીમન વિસ્તારની કીમુન ચા અને જાપાનની અંશુ ચા.

ચાના પ્રકાર

વ્હાઈટ ટી શુદ્ધ અને બધી જ ચામાં સૌથી ઓછી પ્રોસેસ્ડ હોય છે.

ગ્રીન ટી સૌથી પ્રખ્યાત અને એશિયામાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

ઓલાંગ ટી ચીની ચા છે, જે માત્ર ચાઈનીઝ રેસ્ટોરાંમાં પીરસવામાં આવે છે.

બ્લેક ટીને માત્ર ગરમ પાણીમાં ચાની પત્તી નાખીને અથવા તો દૂધ અને ખાંડ નાખીને પણ પીવામાં આવે છે.

હર્બલ ટીમાં કોઈ પણ પ્રકારની ચાની પત્તી નાખવામાં આવતી નથી.

ભારતમાં બનતી વિવિધ પ્રકારની ચા

ભારતમાં બહુ અલગ અલગ પ્રકારની અને સ્વાદની ચા મળે છે. વળી, ઠંડી અને ગરમ ચા પણ હોય છે. ભારતમાં વિખ્યાત કેટલીક વિવિધ રીતે બનાવાતી ચા ટ્રાય કરવા જેવી છે.

બટર ચા

લદાખ અને સિક્કિમમાં વધારે પ્રમાણમાં પીવાતી બટર ચા અથવા ગુડ ગુડ ચા યાકનું દૂધ, મીઠું અને માખણની સાથે ચાની પત્તી ઉકાળીને બનાવવામાં આવે છે. લદાખનાં ઘરોમાં બટર ટી બહુ પીવાય છે. લોકો આખા દિવસમાં અનેક કપ ચા પી જાય છે.

કાશ્મીરી કાવા

કાશ્મીર જાય તે કાવા તો જરૂર પીવે. આના ઘણાં વર્ઝન મધ્ય એશિયા અને ફ્રાન્સમાં જોવા મળે છે. આ મસાલેદાર ચા તજ, કેસર અને ઈલાયચીને લીલી ચાનાં પાંદડાંઓ સાથે ઉકાળીને બનાવવામાં આવે છે, પછી તેને એક કપમાં ક્રસ્ડ સૂકા મેવાની ઉપર ગુલાબ જેમ, ખાંડ અને મધ સાથે પીરસવામાં આવે છે. તેના ઘણા સ્વાસ્થ્ય લાભ છે. જેમ કે, તે શરીરને ડિટોક્સીફાઈ કરે છે. તણાવ ઓછો કરે છે અને શિયાળામાં ખૂબ જ લાભકારક રહે છે.

નૂન ચા

નૂન ચા પણ કાશ્મીરની જ ભેટ છે, જેનો અર્થ થાય છે નમકીન ચા. આ ગુલાબી ચાને રંગ બેકિંગ સોડાથી મળે છે, જેને ચાની પત્તી અને દૂધમાં મેળવીને બનાવાય છે. ઘાટીના લોકો આને સવારે અને બપોરે સ્થાનિક બ્રેડ જેમ કે ટચોટ અથવા ચોચોવરની સાથે ખાય છે. આ હાડ થિજાવતી ઠંડીના દિવસોમાં શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે. નેપાળ, લદાખ અને સિક્કિમમાં પીવાતી બટર ટી આ નૂન ચાનું જ એક રૂપ છે કે જેમાં માખણ નાખવામાં આવે છે.

તંદૂરી ચા

આ એક સ્ટ્રીટ ફૂડ ઈનોવેશન છે, જે ભારતના દરેક ખૂણે ખૂબ જ લોકપ્રિય છે. આમાં તૈયાર ચાને એક ખાલી તથા તંદૂરમાં ગરમ કરેલી કુલડીમાં નાખવામાં આવે છે, જે આ ચાને એક સ્મોકી ટેસ્ટ આપે છે. તંદૂરી ચા પીવાની તો મજા જ કંઈક ઔર હોય છે.

ઈરાની ચા

મુંબઈ, પૂણે અને હૈદરાબાદમાં પ્રખ્યાત ઈરાની ચા માટે દૂધને બહુ લાંબા સમય સુધી ઉકાળવામાં આવે છે જ્યાં સુધી તે મલાઈદાર ન થઈ જાય અને પછી ચાની પત્તી, થોડું પાણી અને ખાંડ તેમાં મેળવીને ચા બનાવાય છે. વળી, આમાં ખોયા કે માવો પણ મેળવવામાં આવે છે.