જ્યાં ઓસ્કાર સમારોહ યોજાય છે તે થિયેટર વેચાઈ ગયું

વિશ્વભરમાં ઓસ્કારની બોલબાલા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી દુનિયાની કોઇ પણ વ્યક્તિનું એક સ્વપ્ન હોય છે કે તેમને આજે નહીં તો કાલે ચોક્કસથી ઓસ્કાર મળે! જોકે, જ્યાં ઓસ્કારને ઈન્ડસ્ટ્રીના લોકોને આપવામાં આવતો હતો તે એકેડેમી પુરસ્કાર સમારોહની જગ્યા(ઘર) એટલે કે હોલિવૂડનું ડોલ્બી થિયેટર વેચાઇ ગયું છે.

મૂળ આ થિયેટર 3400 સીટો ધરાવતું હતું અને વધુ આકર્ષક હતું. આ ડોલ્બી થિયેટરને જેબ્સ હોલિવૂડ એન્ટરટેઇનમેન્ટે ખરીદ્યું છે. જેબ્સ હોલિવૂડ એન્ટરટેઇનમેન્ટ એક રોકાણકારોનો સમૂહ છે, જેમાં `બેટલફિલ્ટ અર્થ'ના નિર્માતા એલી સમાહા, સોની પિક્ચર્સ એન્ટરટેઇનમેન્ટના પૂર્વ અધ્યક્ષ જેફ સંગાસ્કી અને યુએઇ રૂલર પરિવારનો એક સદસ્ય પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે, એલી સમાહાએ હોલિવૂડ મનોરંજન, ઇટિંગ અને નાઇટલાઇફ જેવાં સ્થળો પર ભારે રોકાણ કર્યું છે. નોંધનીય છે કે, આ ડોલ્બી થિયેટર વર્ષ 2002થી ઓસ્કાર માટે શુકનવંતુ સાબિત થયું હતું. એક રીતે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તે ઓસ્કારનું ઘર તરીકે જ વિશેષ ઓળખાતું હતું. જોકે, આ થિયેટરનો સોદો કેટલામાં થયો છે તે વાતની હજી સુધી પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ એક મીડિયા રિપોર્ટ પ્રમાણે આ થિયેટરનો સોદો રૂ. 400થી 450 કરોડની આસપાસ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

`ટાર્ઝન'ના સ્ટાર રોન એલીનું નિધન થતાં હોલિવૂડમાં સન્નાટો

વર્ષ 1960ના દશકમાં ટીવી સીરિઝ `ટાર્ઝન'માં મુખ્ય ભૂમિકા ભજવનાર દિગ્ગજ સ્ટાર રોન એલીનું આકસ્મિક નિધન થતાં હોલિવૂડ સદમામાં છે. તેમનું 86 વર્ષની જૈફ વયે અવસાન નીપજ્યું હતું. તેમની દીકરી કસ્ટર્ન કેસલે એલીએ તેમના પિતાના નિધન પર સોશિયલ મીડિયા પર ભાવુક નોટ લખી હતી. તેમની દીકરીએ સોશિયલ મીડિયા પર તેમની તસવીરો સાથે લખ્યું હતું કે, તેમણે દુનિયાના સૌથી વધુ મહાન વ્યક્તિઓમાંથી એક વ્યક્તિને ખોઇ દીધી છે. તેમણે ભાવપૂર્વક લખ્યું હતું કે, `...અને મેં મારા પપ્પાને ખોઈ દીધા છે.' મારા પિતા એક એવી વ્યક્તિ હતા જેને લોકો હીરો તરીકે સંબોધતા હતા. તેઓ એક સ્ટાર, લેખક, કોચ, માર્ગદર્શક અને એક નેતા પણ હતા. તેમની દીકરીએ પોતાના પિતા વિશે વિસ્તારથી જણાવ્યું હતું કે, તેઓ પારિવારિક વ્યક્તિ સાથે મહાન નેતા પણ હતા. તેઓ જ્યાં પણ જતા હતા ત્યાં તેમને ખૂબ જ પ્રેમ અને આદર-સત્કાર મળતા હતા. તેઓએ હંમેશાં સૌની મદદ કરી છે અને હંમેશાં લોકોમાં સકારાત્મકતા ફેલાવી છે. નોંધનીય છે કે, તેમણે જાસૂસ જેક સેન્ડ્સ પર આધારિત બે નવલકથા પણ લખી હતી.

ફિલ્મ નિર્માતા એલેક્ઝાન્ડર રોડનિયાન્સ્કીને સજા ફટકારવામાં આવી

કિવમાં જન્મેલા એલેક્ઝાન્ડર રોડનિયાન્સ્કીએ કિવનાઉચ ફિલ્મ સ્ટુડિયોથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. એક નિર્દેશક તરીકે તેમણે અઢળક પુરસ્કારો જીત્યા છે. વર્ષ 1990થી 1993 સુધીમાં તેમણે જર્મન ટેલિવિઝન ચેનલમાં નિર્માતા અને ફિલ્મ નિર્દેશક કરીકે પણ કામ કર્યું હતું. જોકે, એક મીડિયા રિપોર્ટ પ્રમાણે એલેક્ઝાન્ડરને રશિયાના યુદ્ધ વિશે બોગસ-નકલી ખબર ફેલાવવા માટે દોષી જાહેર કરવામાં આવ્યો છે. તેને રશિયન કોર્ટે આઠ વર્ષની જેલની સજા ફટકારી છે. મૂળ આ કેસ એલેક્ઝાન્ડર રોડનિયાન્સ્કીના સોશિયલ મીડિયા પોસ્ટને લઇને સંબંધિત હતો. વર્ષ 2022 માર્ચમાં તેણે મારિયુપોલમાં એક પ્રસૂતિ હોસ્પિટલમાં રશિયન મિસાઇલના હુમલાની ટીકા કરી હતી અને ત્યારબાદ આ જ વર્ષે 10 ઓક્ટોબરના રોજ કિવ, નીપર અને જાપોરોજમાં નાગરિકોના રહેણાકો પર રશિયન સેના દ્વારા કરવામાં આવેલા હુમલાઓ વિશેની ટિપ્પણી કરી હતી. એક મીડિયા રિપોર્ટમાં એલેક્ઝાન્ડરે જણાવ્યું હતું કે, `મને આઠથી દસ વર્ષની સજાની ધારણા હતી, પરંતુ `ડરવા માટે ખૂબ જ મોડું થઇ ગયું છે' મારા દળના અન્ય લેખકો, પત્રકારો અને ફિલ્મ નિર્માતાઓને પણ આવી સજા મળી ચૂકી છે.'

  • Follow us on: