ભારતમાં આવેલાં ભગવાન શંકરનાં બાર જ્યોતિર્લિંગ વિશ્વભરના શંકર ભગવાનના ભાવિક ભક્તો માટે હંમેશાંથી આસ્થાનું કેન્દ્ર રહ્યાં છે. બાર જ્યોતિર્લિંગમાંથી ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના વેરાવળના દરિયાકિનારે આવેલું સોમનાથનું મંદિર આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે.


ઈ.સ.1947માં ભારત દેશના આઝાદ થયા પછી સરદાર વલ્લભભાઈએ સમુદ્રનું જળ હાથમાં લઈને સોમનાથના જીર્ણશીર્ણ થઈ ગયેલા શિવમંદિરની જગ્યાએ જ નવું સોમનાથ મંદિર બનાવવાનું એટલે કે જિર્ણોદ્વાર કરવાનું નક્કી કર્યું. શિવજીના મંદિરનું શિલારોપણ ઈ.સ.195૦ની 8મી મેના રોજ થયું હતું. ઈ.સ. 1951ની 11મી મે, વિક્રમ સંવત 2૦૦7ના વૈશાખ સુદ પાંચમના દિવસે સવારે 9:47 કલાકે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્રપ્રસાદે ભગવાન સોમનાથની પ્રતિષ્ઠાવિધિ કરી હતી. ત્યારથી સોમનાથ મંદિરની પ્રસિદ્ધિ સતત વધતી રહી છે. આજે શિવલિંગનું થાળું સંપૂર્ણ સોનાથી મઢવામાં આવ્યું છે.

સોમનાથ જ્યોતિર્લિંગની કથા

યુગો પહેલાંના અતિ પવિત્ર એવા પ્રભાસપાટણની વાત છે. અહીંના રાજા દક્ષ પ્રજાપતિએ પોતાની 27 કન્યાઓના વિવાહ ચંદ્રદેવ સાથે કરાવ્યા હતા, પરંતુ ચંદ્રને માત્ર રોહિણી નામની કન્યા પ્રત્યે જ અનુરાગ હતો. બાકીની 26 કન્યાઓ પતિના આવા પક્ષપાતને કારણે ખૂબ દુ:ખી રહેતી હતી. આ બાબતની જાણ જ્યારે રાજા દક્ષને થઈ ત્યારે તેમણે ચંદ્રદેવને ખૂબ સમજાવ્યા. લાખ પ્રયત્ન કરવા છતાં પોતાની વાતને ન સમજનાર ચંદ્રદેવ પર ક્રોધિત થઈને દક્ષ રાજાએ શાપ આપ્યો કે, `જા, તું જેના પર અભિમાન કરે છે તેવું તારું તેજ ક્ષય થઈ જશે અને તું હંમેશને માટે અદૃશ્ય થઈ જઈશ.'

શાપને કારણે ચંદ્રદેવે પોતાનું બધું જ તેજ ગુમાવી દીધું. તે આ શાપથી ખૂબ જ વ્યથિત થઈ શાપમાંથી મુક્તિ મેળવવાનો ઉપાય જાણવા બ્રહ્માજી પાસે ગયા. તેમણે શાપ દૂર કરવાનો ઉપાય જણાવતાં કહ્યું કે ચંદ્રદેવ, મૃત્યુંજય ભગવાનની આરાધના કરો. તેથી ચંદ્રદેવ સમસ્ત દેવતાઓ સાથે પ્રભાસમાં આવ્યા અને ત્યાં આવીને મૃત્યુંજય ભગવાન ભોળાનાથની અર્ચના-અનુષ્ઠાન કરવા લાગ્યા.

આ રીતે છ મહિનાનો સમય વીતી ગયો અને દસ કરોડ મંત્રજાપ પૂરા થયા. ભગવાન શિવજી ચંદ્ર પર પ્રસન્ન થયા અને શાપનું નિવારણ કરતાં પોતાનું તેજ ખોઈને મૃત્યુતુલ્ય બનેલા ચંદ્રને અમરત્વનું વરદાન અને તેજ પાછું આપ્યું, પરંતુ ચંદ્રએ કરેલો અપરાધ સંપૂર્ણપણે ક્ષમાપાત્ર નહોતો તેથી શિવજીએ કહ્યું, `પંદર દિવસ સુધી તમારી એક એક કળા વધતી જશે અને છેલ્લે પૂર્ણિમાના દિવસે તમે સંપૂર્ણ તેજ મેળવશો.' આ રીતે ભોળાનાથની કૃપાથી કલાહીન કલાધર ફરીથી કલાયુક્ત થઈ ગયા. ચંદ્રદેવે ભગવાન આશુતોષને પ્રાર્થના કરી કે તેઓ પૃથ્વી પર બાકીના ભક્તોના ઉદ્વાર માટે પૃથ્વી પર વસે. ચંદ્રદેવની પ્રાર્થના સાંભળીને પ્રભાસ ક્ષેત્રમાં જ્યોતિર્લિંગ સ્વરૂપે તેમણે હંમેશને માટે વાસ કર્યો. તે દિવસથી ચંદ્રદેવે ભગવાન શંકરને પોતાના ઈષ્ટદેવ માન્યા અને ભગવાન શંકરે પણ તેમને પોતાના શીશ પર સ્થાન આપ્યું. 

  • Follow us on: