ધનતેરસના દિવસે રોગ સામે રક્ષણ, સ્વસ્થ શરીર અને લાંબું આયુષ્ય પ્રાપ્ત કરવા માટે ભગવાન ધન્વંતરિની સાધના સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. ધન્વંતરિ દેવનું પ્રાગટ્ય સમુદ્રમંથન વખતે તેરસના દિવસે થયું હતું. તેમના હાથમાં અમૃત કળશ હતો. ભગવાન ધન્વંતરિએ તમામ જીવોના સ્વાસ્થ્ય માટે વિશેષ મંત્રો જણાવેલા છે.
ભગવાન ધન્વંતરિ આયુર્વેદ શાસ્ત્રના દેવ તરીકે પણ ઓળખાય છે. તેથી જ આ દિવસે ભગવાન ધન્વંતરિની પૂજા કરવાનું વિશેષ માહાત્મ્ય છે. ધનતેરસના દિવસે જે સહપરિવાર ભગવાન ધન્વંતરિની પૂજા-અર્ચના કરે છે તે પરિવારનું આરોગ્ય સુખાકારી રહે છે અને તમામ રોગ-શોક મૂળમાંથી નાશ પામે છે. બારેમાસ તેમની તંદુરસ્તી જળવાઈ રહે છે. ભગવાન ધન્વંતરિ આયુર્વેદના મુખ્ય સર્જક અને આરોગ્યના મુખ્ય દેવતા ગણાય છે. ભગવાન ધન્વંતરિ એટલે તમામ રોગોનો નાશકર્તા અને દુઃખહર્તા છે. તેમને ભગવાન વિષ્ણુના અવતાર તરીકે ઓળખવામાં આવે છે. દિવાળીના બે દિવસ પહેલાં ધનતેરસે તેમની વિધિવત્ પૂજા કરવામાં આવે છે. ભગવાન ધન્વંતરિએ દેવ અને મનુષ્યના જીવન તથા સ્વાસ્થ્ય માટે આયુર્વેદ શાસ્ત્રનો ઉપદેશ ઋષિ વિશ્વામિત્રના પુત્ર સુશ્રુતને આપ્યો હતો. રોગના સંપૂર્ણ નાશ માટે ભગવાન ધન્વંતરિ દ્વારા રચિત ધન્વંતરિ સંહિતા આયુર્વેદનો મુખ્ય આધાર ગ્રંથ ગણાય છે.
મંત્ર તથા સાધનાના બળથી આજે પણ આપણે આપણા શરીરને વધુ બળવાન અને સંપૂર્ણ સ્વસ્થ બનાવી શકીએ છીએ. આજે પણ કેટલીક સાધનાઓ અને મંત્રોચ્ચાર વડે આપણે આપણા શરીરને રોગમુક્ત બનાવી શકીએ છીએ. સંન્યાસી લોકો શૂન્યમાં રહીને પણ સ્વસ્થ રહે છે. તેમની પાસે ઉપલબ્ધ ઘણી સાધનાઓમાંથી એક ધન્વંતરિ સિદ્ધિ પ્રયોગ છે, જે તમને રોગમાંથી સંપૂર્ણ મુક્તિ આપે છે.
ધન્વંતરિ સાધનાવિધિ
આ સાધના ધનતેરસના દિવસે સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચે સારાં ચોઘડિયાં અથવા હોરામાં કરવી જોઈએ તથા કોઈ પણ મહિનાની શુક્લ પક્ષની તેરસના દિવસે પણ કરી શકાય છે. સાધકે સવારે સ્નાન કરીને પીળા રંગનાં વસ્ત્રો પહેરવાં. આ સાધના દરમિયાન આપને એક બાજોઠ, લાલ કપડું, ત્રણ મુઠ્ઠી ચોખા, ધન્વંતરિ ભગવાનનો ફોટો અથવા યંત્ર, ચંદનની અગરબત્તી, ગાયના ઘીનો દીવો, લાલ આસન, રુદ્રાક્ષની માળા, પીળાં પુષ્પો તથા ગુલાબનાં પુષ્પોની જરૂર પડશે. આ સાધના આપણે આપણા માટે તથા બીજા માટે પણ કરી શકીએ. જે વ્યક્તિ બીમાર છે તેમના નામનો સંકલ્પ કરીને સાધના કરી શકાય. પૂર્વ દિશા બાજુ બાજોઠ (પાટલો) રાખી તેની ઉપર લાલ કપડું પાથરવું. તેની મધ્યમા ત્રણ મુઠ્ઠી ચોખાની ત્રણ ઢગલી કરવી. ત્યારબાદ ભગવાન ધન્વંતરિનો ફોટો અથવા યંત્રનું સ્થાપન કરવું. ગાયના ઘીનો દીવો અને અગરબત્તી કરવી. ત્યારબાદ લાલ કલરના આસન ઉપર પૂર્વ બાજુ મુખ રહે તે રીતે બેસવું અને સંકલ્પ કરવો કે અમારી તબિયત સારી રહે અને અમે આખું વર્ષ સ્વસ્થ ને તંદુરસ્ત રહીએ. શરીર બળવાન રહે. પછી આપે ગુરુનું સ્મરણ કરવું. ગું ગુરુભ્યો નમ: મંત્રની એક માળા કરવી. ત્યારબાદ ગં ગણપતયે નમ: મંત્રની 1 માળા કરવી. આ બંને મંત્રની માળા પૂર્ણ થયા પછી ધન્વંતરિ ભગવાનનો ધ્યાનમંત્ર કરવો. હાથમાં પુષ્પ રાખવાં અને મંત્ર બોલી પુષ્પ અર્પણ કરવાં. સત્યં ય યેન નિરતં રોગ વિદ્યુતં અન્વેષિતં ચ સવિધિં આરોગ્યમસ્ય।
ગૂઢં નિગૂઢં ઔષધ્યરૂપમ્
ધન્વંતરિ ય સતત પ્રણમમિ નિત્યં॥
રુદ્રાક્ષની માળા વડે ધન્વંતરિ મંત્રની 21 માળાનો જપ કરવો.
મંત્ર : ઓમ રં રુદ્ર રોગનાશાય ધન્વંતયૈ ફટ।
ઉપરોક્ત મંત્રની માળા એક જ બેઠકે પૂર્ણ કરવી. બેઠક ગ્રહણ કર્યા બાદ વચ્ચે ઊભા થવું જોઇએ નહીં. માળા પૂર્ણ થયા બાદ સૂકો મેવો અને ફળનો પ્રસાદ અર્પણ કરવો જોઇએ. ત્યારબાદ ક્ષમાયાચના કરી આશીર્વાદ લેવા. તમે જે જગ્યાએ સ્થાપન કર્યું હોય તે સ્થાપન આખો દિવસ ત્યાં જ રાખવું અને ત્યારબાદ યંત્ર અથવા તો તેમની છબી મંદિરમાં સ્થાપિત કરી દેવી.
કુબેર પૂજા-સાધના
ધનતેરસના દિવસે આ સાધના કરવા માટે કુબેર યંત્ર, માતા લક્ષ્મીજીની છબી, કમળકાકડીની માળા, શુદ્ધ ઘીનો દીવો, અગરબત્તી, લાલ આસન, ગુલાબનું અત્તર અને ફૂલોની જરૂર હોય છે. સૌ પ્રથમ એક સ્વચ્છ બાજોઠ ઉપર સ્વચ્છ લાલ વસ્ત્ર પાથરવું. ત્યારબાદ થોડા ચોખાને હળદરવાળા કરીને ઢગલી કરવી અને તેના પર કુબેર યંત્રનું સ્થાપન કરવું. સ્થાપના કર્યા બાદ શુદ્ધ ઘીનો દીવો કરવો. ત્યારબાદ પૂર્વ દિશા બાજુ મુખ કરીને લાલ આસન ઉપર બેસવું. આ દિવસે લાલ વસ્ત્ર પહેરવાથી વિશેષ ફળ મળે છે. લાલ વસ્ત્ર પહેર્યાં બાદ કુબેરનું ધ્યાન ધરવું અને તેમનો મંત્ર બોલવો.
॥ ૐ શ્રીં હીં ક્લીં મહાલક્ષ્મ્યૈ નમ:॥
સ્વસ્તિક (આંબાના કાષ્ઠમાંથી બનાવેલ)
આંબાના કાષ્ઠમાંથી બનાવેલો સ્વસ્તિક શુકનશાસ્ત્ર પ્રમાણે મંગલદાયક માનવામાં આવે છે. આંબાનાં કાષ્ઠ તથા પાનમાં લક્ષ્મીજીનો નિવાસ છે. તે કાષ્ઠમાંથી શુભ મુહૂર્તમાં જેમ કે, પુષ્ય નક્ષત્રમાં આંબાના કાષ્ઠમાંથી સ્વસ્તિક બનાવી તેને પૂજાઘરમાં તેમજ ઘર, ઓફિસ કે વ્યવસાયની આગમનની જગ્યાએ આ સ્વસ્તિકને મધ્યમાં તેમજ ચાર ખૂણે કંકુ, અક્ષત ચઢાવવાં. ત્યારબાદ ॥ ૐ શ્રીં હીં ક્લીં મહાલક્ષ્મ્યૈ નમ:॥ આ મંત્રની 7 માળા કરી આ સ્વસ્તિકને ગૂગળના ધૂપથી ધુપાવી શુભ ચોઘડિયામાં ઘરના પ્રવેશદ્વારે બે બાજુ લગાવવાથી ધનનો લાભ થાય છે.