કાજેઓ ટ્રેકિંગ અને એડવેન્ચરના શોખીન છે તેઓ મોટાભાગે હિમાચલ પ્રદેશ કે કાશ્મીર જવાનું વધારે પસંદ કરે છે. આમ તો આપણે કાશ્મીરની અલગ અલગ જગ્યાની વાતો કરતા હોઇએ છીએ, પણ આજે કાશ્મીરની એવી જગ્યાઓની વાત કરવી છે, જે ખાસ તો ટ્રેકિંગ માટે ઓળખાય છે. ટ્રેકિંગની મજા ઠંડકમાં માણવા માંગતા હો તો કાશ્મીરમાં કઈ જગ્યાએ જવું તે વિશે થોડી ગોષ્ઠિ કરી લઈએ.

તરસર માર્સર ટ્રેક

લીલાંછમ ઘાસનાં મેદાન અને મનમોહક નાનાં-મોટાં તળાવવાળી કાશ્મીરની ખીણ આ સમયગાળામાં એટલી સુંદર લાગતી હોય છે કે અહીં ફરવા આવનારને ખરેખર સ્વર્ગની અનુભૂતિ થયા વગર રહે નહીં. અહીં તમને ઘાસનાં મેદાન વૅલ્વેટ જેવાં લાગશે. ખેર, ટ્રેકિંગનો સુખદ અનુભવ લેવા માગતા હોવ તો તરસર અને મારસર ટ્રેક એ જુડવા તળાવ તરસર મારસર પાસેથી પસાર થતો ટ્રેક છે, જે પહાડોની વચ્ચે ખીણમાંથી પસાર થતો ટ્રેક છે. આ ટ્રેક તમને પ્રાકૃતિક સુંદરતાનો અદ્ભુત નજારો કરાવે છે.

નારંગ મહલિશ ટ્રેક

ખીણ અને પહાડોની તળેટીથી શરૂ થતો આ રસ્તો નારંગ મહલિશ ટ્રેકનો સૌથી સુંદર હિમાલયન ટ્રેક માનવામાં આવે છે. આ ટ્રેક તમને હરમુખ પર્વતની તળેટી સુધી લઇ જાય છે, જ્યાંથી તમે જુડવા તળાવ કહેવાય એવા ગંગાબલ અને નુંડકોલમે જોઈ શકો છો. આ બંને તળાવની સુંદરતા પર્યટકોનું દિલ અને મન મોહી લેવા માટે પૂરતી છે. ટ્રેક વખતે પર્યટકોને રસ્તામાં આવતાં જંગલોમાંથી પસાર થવું પડે છે, જ્યાં લીલોતરીનો લખલૂટ ખજાનો અને કાશ્મીરી ઝાડ તેમજ તાજી અને શુદ્ધ હવા માણવાનો અનુભવ મળશે. કાશ્મીરનો ન જોયેલો ઘણો હિસ્સો તમને આ ટ્રેકમાં અચૂક જોવા મળશે, જે જોઈને ટ્રેકિંગનો થાક ચોક્કસ ગાયબ થઇ જશે.

કોલાહોઈ ગ્લેશિયર

લીદ્દર અને ઝેલમ જેવી મુખ્ય નદીઓને કારણે કોલાહોઈ ગ્લેશિયરને પ્રકાશની દેવી તરીકે પણ સ્થાનિક લોકો ઓળખે છે. આ આખો ટ્રેક ગ્લેશિયરમાંથી નીકળતી અલગ અલગ નદીઓના રસ્તા ઉપર બનેલો છે. આ ટ્રેક ઉપર તમને હિમાલયન નદીઓ જોવા મળશે. આટલું જ નહીં, હિમાલયનાં દેવદારનાં જંગલો પણ આ ગ્લેશિયર ટ્રેક ઉપર તમે જોઈ શકો છો. નદીના કિનારેથી શરૂ થતી આ યાત્રાઓ ધીમે ધીમે હિમાલયની ખીણમાંથી પસાર થાય છે. આ ટ્રેક થોડો અઘરો હોવાથી શારીરિક તંદુરસ્ત લોકોએ જ આ ટ્રેકિંગ કરવું જોઈએ. આ ટ્રેક તમને સમુદ્રતળથી 12 હજાર ફૂટની ઊંચાઈ સુધી લઇ જાય છે.

સોનમર્ગ વિશનસર ટ્રેક

આ ટ્રેકિંગ તમને હિમાલયના ઊંચા પહાડોથી લઇને વિશનસર અને નારંગની ટોચ સુધી લઇ જાય છે. દરમિયાન તમે હિમાલયના પર્વતોની વચ્ચે વસેલી અનેક સુંદર જગ્યાનાં દર્શન કરી શકો છો. આ ટ્રેકિંગમાં તમે કૃષ્ણસર ઝરણાની સુંદરતાની મજા પણ માણી શકો છો. આ ટ્રેક પર ગડસર, સતસર અને ગંગાબલની મોટાભાગની તલાવડી જોઈ શકાય છે.

કેવી રીતે જશો?

આ ટ્રેકિંગ ઉપર જવા માટે તમારે શ્રીનગર પહોંચવાનું રહેશે. શ્રીનગરથી તમે પ્રાઇવેટ વાહન થકી અલગ અલગ ટ્રેકની પસંદગી કરી શકો છો. જો તમે વધારે દિવસ લઇને ગયા હો તો એકસાથે ત્રણ સ્થળોના ટ્રેકિંગની મજા માણી શકો છો, પણ જો તમે થોડા દિવસ લઇને ગયા હો તો સોનમર્ગ વિશનસર ટ્રેકિંગની પસંદગી કરવી. આ સીઝન ટ્રેકિંગ માટે બેસ્ટ છે.