16મી ડિસેમ્બર, 2024ના ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયાના ગેઝેટમાં મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનનું એક નોટિફિકેશન પ્રગટ થયું હતું. બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અધિકાર (સુધારો) નિયમ, 2024 શીર્ષક હેઠળની આ અધિસૂચના અનુસાર કેન્દ્ર સરકાર સંચાલિત શાળાઓમાં હવેથી નો ડિટેન્શન પોલિસી ખતમ કરવામાં આવી છે. અર્થાત્ ધોરણ 5 અને 8ની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીને હવે ઉપલા ધોરણમાં ચઢાવી શકાશે નહીં. સરકારે અનુતીર્ણ થનાર વિદ્યાર્થી ધોરણ આઠ સુધીનું શિક્ષણ મેળવતો રહે તે માટેના સુધારાત્મક પગલાંની આવશ્યકતા અધિસૂચનામાં ભાર દઈને જણાવી છે, પરંતુ તે તરફ દુર્લક્ષ સેવીને પ્રાથમિક શાળાઓમાં પાંચમા-આઠમામાં પણ બાળકોને નાપાસ કરી શકાશે તેની જ સર્વત્ર ચર્ચા છે.
છ્યાસીમા બંધારણ સુધારા(વર્ષ 2002)થી 6થી 14 વર્ષનાં બાળકોને અનુચ્છેદ 21-એથી શિક્ષણનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે. રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ 2009ના ધારા 16માં દેશનાં તમામ બાળકો ધોરણ 8 સુધીનું પ્રારંભિક શિક્ષણ કોઈ પણ પ્રકારની બાધા, અવરોધ કે અટકાવ વિના મેળવે તેવી જોગવાઈ કરી હતી. કોઈ પણ બાળકને પ્રારંભિક શિક્ષણ મેળવતું અટકાવવું નહીં અને તે આઠમા ધોરણ સુધીનું શિક્ષણ નિ:શુલ્ક અને ફરજિયાત મેળવે અને તેને શાળામાંથી તગેડી મૂકવામાં ન આવે તે માટેની આ જોગવાઈ હતી, પરંતુ શાળાઓએ ડિટેન્શન પોલિસીનો અર્થ બાળકોને નાપાસ ન કરવા તેવો કર્યો અને પોતાની જવાબદારીથી હાથ ખંખેરી નાંખ્યા.
તણાવમુક્ત શિક્ષણનો માહોલ ઊભો કરવો, માત્ર વાર્ષિક પરીક્ષાના મૂલ્યાંકનથી દૂર રહેવું, શાળામાં દાખલ થતાં બાળકોનું પ્રમાણ વધારવું, શાળા છોડી જતાં બાળકોનું પ્રમાણ ઘટાડવું, ભિન્ન ભિન્ન સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ ધરાવતાં બાળકોને શિક્ષણ મેળવવાનો સમાન અવસર પૂરો પાડવો, અનેક પડકારો છતાં બાળક પાંચમા કે આઠમા ધોરણ સુધી તો ટકી રહે અને નબળા વિદ્યાર્થી પણ પ્રાથમિક શિક્ષણ મેળવી શકે તેવો ઉદ્દેશ નો ડિટેન્શન પોલિસી પાછળ રહેલો હતો.
બાળકોને શાળાની બહાર નહીં ધકેલવાની આ નીતિ પાછળ બાળકોને અનુરૂપ શિક્ષણ પદ્ધતિ અને પરીક્ષા પદ્ધતિ શોધવી અને અપનાવવી તેવો મુખ્ય હેતુ સ્વાભાવિક હતો, પરંતુ ખોટા અર્થઘટન અને અમલીકરણના પડકારોને કારણે તે નીતિએ શિક્ષણને વધુ નબળું બનાવ્યું છે. એટલે અમલના થોડાક જ વર્ષો પછી ઘણાં રાજ્યોએ નો ડિટેન્શન પોલિસીને દફન કરવા અવાજ ઉઠાવ્યો હતો. શિક્ષણ પહેલાં માત્ર રાજ્યોનો વિષય હતો, પરંતુ આંતરિક કટોકટીનાં વર્ષોમાં 1976ના બેતાળીસમા સુધારાથી તેને સમવર્તી કે સંયુક્ત સૂચિમાં સમાવવામાં આવેલ છે. એટલે શિક્ષણ સંબંધી કાયદા કેન્દ્ર અને રાજ્યો બંને ઘડી શકે છે. કેન્દ્રના કાયદા કે નિયમો રાજ્યો માટે બંધનકર્તા નથી હોતા.
2010-11થી અમલી બનેલી નો ડિટેન્શન પોલિસી સામે 2015ની કેન્દ્રીય શિક્ષણ સલાહકાર બોર્ડની બેઠકમાં અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. બાળકોને નાપાસ નહીં કરવાને કારણે શિક્ષણ કથળ્યું હોવાનું અને તેને લીધે ધોરણ 10 અને 12ની બોર્ડ એકઝામનું રિઝલ્ટ પણ નબળું આવી રહ્યાનો દાવો કરવામાં આવ્યો હતો. આમેય ભારતનાં બાળકો બુનિયાદી સાક્ષરતા અને ગણિતમાં એટલે લેખન, વાંચન, ગણનમાં નબળા છે. તેમને પાંચમા-આઠમામાં નાપાસ નહીં કરવાની સરકારી નીતિને કારણે તેમની આ નબળાઈમાં ઔર વધારો થયો છે. એન્યુઅલ સ્ટેટ્સ ઓફ એજ્યુકેશન રિપોર્ટ અસર(ASER)ની હકીકતો પણ વિરોધીઓના સમર્થનમાં હતી. 2022માં ધોરણ 5ના 25.6 ટકા વિદ્યાર્થી
ધોરણ-2ના બે અંકોના સરવાળા બાદબાકીના દાખલા ગણી શકતા નહોતા. તો 42.8 ટકા બીજા ધોરણનું વાંચી શકતા નહોતા. ચૌદથી અઢાર વરસના ચોથા ભાગના વિદ્યાર્થી પોતાની માતૃભાષાનો કોઈ પાઠ અસ્ખલિત વાંચી શકતા નહોતા. 2023માં દેશના સાઠ જેટલા પરીક્ષા બોર્ડની દસમી-બારમીની પરીક્ષામાં આશરે 65 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. આ બધા માટે બાળકોને વગર પાસ થયે કે આપમેળે ઉપલા ધોરણમાં ચઢાવવાની નીતિને જવાબદાર ઠેરવવામાં આવી હતી.
વિદ્યાર્થીઓને આપમેળે ઉપર ચઢાવી દેવાતાં બાળકો, વાલીઓ અને ખુદ શિક્ષકો શિક્ષણ પ્રત્યે બેજવાબદાર બન્યાં હતાં. ભણાવો તોય શું અને ન ભણાવો તોય શું, ભણો તોય ઠીક અને ન ભણો તોય ઠીક, બાળકને નિશાળે મોકલીએ કે ન મોકલી બધું સરખું જ છે, તેવું વલણ સમાજમાં
પ્રવર્તવા માંડ્યું હતું. એટલે સરકારે સંસદમાં 2019માં 2009ના રાઈટ ટુ એજ્યુકેશન એક્ટમાં સુધારો કરીને નો ડિટેન્શન પોલિસીને ખતમ કરી હતી.
જોકે, તે અંગેના નિયમો છેક 2024માં સુધાર્યા અને નીતિને દફનાવી દીધી છે. કેન્દ્ર સરકાર સંચાલિત સેન્ટ્રલ સ્કૂલ્સ, નવોદય વિદ્યાલયો, એકલવ્ય શાળાઓ, સૈનિક સ્કૂલ્સ વગેરે મળીને ત્રણ હજાર શાળાઓમાં હવે આ વરસથી ધોરણ 5 અને 8માં કોઈને આપમેળે પ્રમોશન મળશે નહીં. જોકે, સરકારે અનુત્તીર્ણ થનાર બાળકોની બે મહિનામાં પુન: પરીક્ષા લેવાની અને તેમાં જો તે પાસ થાય તો ઉપલા ધોરણમાં મોકલવાની જોગવાઈ કરી છે. આચાર્યો, શિક્ષકો અને સંચાલકોને નાપાસ થનાર કે અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓની માહિતી તૈયાર રાખવા અને તેમના પર વિશેષ ધ્યાન આપવા પણ જણાવ્યું છે.
પ્રાથમિક શાળાનાં બાળકોને આપમેળે ઉપલા ધોરણમાં ચઢાવવાની કે વગર પાસ થયે ઉપરના ધોરણમાં નહીં ચઢાવવાની નીતિ અંગે રાજ્યોનો મત વહેંચાયેલો છે. વળી, કેન્દ્રે નો ડિટેન્શન પોલિસી પરત ખેંચી છે એટલે બીજેપીશાસિત તમામ રાજ્ય સરકારો તેને અનુસરશે તેવું પણ જોવા મળતું નથી. દેશના અડધા રાજ્યો આ નીતિની તરફેણમાં છે તો અડધા વિરોધમાં છે. વિપક્ષશાસિત રાજ્યોએ નો ડિટેન્શન પોલિસીને ખરાબ ગણી તિલાંજલિ આપી હોય તેમ છે તો ભાજપાશાસિત રાજ્યોએ હજુ પણ આ નીતિ જારી રાખી છે. દેશનું સૌથી મોટું અને બીજેપીની રાજવટ ધરાવતું રાજ્ય ઉત્તરપ્રદેશ નો ડિટેન્શન પોલિસીની તરફેણમાં છે. ભાજપના વિરોધમાં કાયમ રહેતી દિલ્હીની આમ આદમી પાર્ટીની કે મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસની બંગાળ સરકાર કેન્દ્રની નીતિના સમર્થનમાં છે અને તેનો અમલ કર્યો છે. આવું જ દેશના સૌથી શિક્ષિત અને ડાબેરી શાસન ધરાવતા કેરળની સરકારનું છે. ભાજપના શાસન હેઠળનાં રાજ્યો મહારાષ્ટ્ર, ઓડિશા, છત્તીસગઢ અને ગોવામાં નો ડિટેન્શન પોલિસી અમલમાં છે. કોંગ્રેસશાસિત રાજ્યોમાં પણ આમ જ છે. સંયુક્ત યાદીનો શિક્ષણ પરનો કેન્દ્રનો નિર્ણય રાજ્યોને બાધ્યકારી નથી એ ખરું, પણ આવા મહત્ત્વના વિષયે દેશમાં સર્વસંમતિ ન હોય તે બાબત વિચારણીય છે.
ગુજરાતમાં 2023થી ધોરણ 5 અને 8માં નાપાસ વિદ્યાર્થીને ઉપલા ધોરણમાં ચઢાવવામાં આવતા નથી. જોકે, ધોરણ 1થી 4 અને 6-7માં નાપાસ થાય તો ઉપલા ધોરણમાં ચઢાવવામાં આવે છે. એટલે શિક્ષણની ગુણવત્તા કથળવાની હોય તો તે પાંચમા-આઠમા નાપાસ થવાથી જ કથળે કે કોઈ પણ ધોરણમાં? હાલની પરીક્ષા પદ્ધતિ વિદ્યાર્થીના શિક્ષણનું મૂલ્યાંકન છે કે ગોખણપટ્ટીનું? તે સવાલ પણ ઊભો જ છે. નો ડિટેન્શન પોલિસીનો ઉદ્દેશ ઉમદા હતો, પણ તેના અમલમાં ગોબાચારી હતી. સતત પરીક્ષણ અને મૂલ્યાંકન નિષ્ફળ રહ્યું હતું. હાલની પરીક્ષા પદ્ધતિનો વિકલ્પ શોધવામાં કોઈને રસ ન પડ્યો. એટલે જેમ રાજ્યોનો મત આ નીતિ અંગે વહેંચાયેલો છે તેમ આ નીતિના લાભાલાભ અંગે પણ સમજવું રહ્યું.