• ગુરુના આધિપત્ય હેઠળ જન્મેલા વ્યક્તિઓ પ્રામાણિક, નિષ્ઠાવાન, નિખાલસ, તર્કશક્તિવાળા અને આધુનિક વિચારો ધરાવનાર હોય છે

ચતુરાઈ, પવિત્રતા અને ન્યાયના દેવ એટલે ગુરુ ગ્રહ. ગુરુ સાથે અલગ અલગ પૌરાણિક કથાઓ અને ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે. ગુરુ ગ્રહને ભક્તિના દેવતા અને દેવોના ગુરુ માનવામાં આવે છે.

ગુરુ હકારાત્મકતા, આશાવાદ, સભ્યતા, સારા ચરિત્રનો અને વિસ્તૃતીકરણનો ગ્રહ છે. શુક્ર ગ્રહ દૈત્યોના ગુરુ હોવાથી ગુરુ અને શુક્ર શત્રુ ગ્રહો છે. મુખ્ય સાત ગ્રહોમાં ગુરુ એવો ગ્રહ છે જેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. અવકાશમાં ગુરુ પાંચમો ગ્રહ છે અને સહુથી મોટો ગ્રહ છે. પૃથ્વી પાસે એક ચંદ્ર છે તેમ ગુરુ ગ્રહ પાસે 11 ચંદ્ર છે જે રાત્રે જોઈ શકાય છે. એક રાશિમાં તે આશરે 13 મહિના ભ્રમણ કરે છે.

જ્યોતિષશાસ્ત્રમાં ગુરુ ધન અને મીન રાશિનો માલિક ગ્રહ છે. કર્ક રાશિમાં તે ઉચ્ચનો બને છે અને મકર રાશિમાં તે નીચત્વ પ્રાપ્ત કરે છે. ઋગ્વેદ અને હેમંત ઋતુ ગુરુના આધિપત્ય હેઠળ આવે છે. ગુરુનો અર્થ થાય છે શિક્ષક, જ્ઞાન આપનાર. કુંડળીમાં સંતાન, ધન, ચતુરાઈનો કારક ગ્રહ ગુરુ છે. આ બાબતો માટે ગુરુ ગ્રહની સ્થિતિ જોવામાં આવે છે. ગુરુના આધિપત્ય હેઠળ જન્મેલા વ્યક્તિઓ પ્રામાણિક, નિષ્ઠાવાન, નિખાલસ, તર્કશક્તિવાળા અને આધુનિક વિચારો ધરાવનાર હોય છે. તેઓ પ્રણાલી કે પરંપરા અને આધુનિકતા વચ્ચે સારો સુમેળ જાળવી શકે છે. આવા વ્યક્તિઓ બીજાની બાબતોમાં કૂદી નથી પડતા, પરંતુ તેમને સાચો નિર્ણય લેવા માર્ગદર્શન જરૂર આપે છે. તેઓ સ્વાભિમાની અને પોતાના દેશ અને ધર્મ પ્રત્યે આદર ધરાવનાર હોય છે. પૈસા કમાવવા તેમના માટે અઘરું કામ નથી, તેમનું જીવનનિર્વાહ ચલાવવા જેટલું ધન તો તે આરામથી મેળવી લે છે.

કુંડળીમાં ગુરુ ગ્રહની સારી સ્થિતિ હોય તો તે વ્યક્તિ માન, પ્રતિષ્ઠા, સારી સંપત્તિ અને સ્વાસ્થ્ય ભોગવે છે, પરંતુ ગુરુની સ્થિતિ નબળી હોય અગર તો ગુરુ ખરાબ સ્થાનમાં કે કોઈ અશુભ ગ્રહ સાથે હોય તો તેવી વ્યક્તિ ઉડાઉ, બેદરકાર, અવિચારી, ઉદાર હોય છે. તેમને સ્વાસ્થ્યને લગતી અને સંતાનને લગતી સમસ્યાઓ સર્જાઈ શકે છે. કેટલીક વાર એવું બંને કે તેઓ ઉચ્ચ હોદ્દા પર હોય, પરંતુ તેમની તર્કશક્તિ ખૂબ જ નબળી હોય. તેઓ ધનવાન હોવા છતાં થોડા પૈસા મેળવવા જુઠ્ઠું બોલે અગર તો દાન કે સહાય ત્યારે જ કરે જ્યારે તેના બદલામાં મોટી પ્રસિદ્ધિ મળતી હોય. ગુરુ ગ્રહ જ્યારે ખરાબ સ્થાનમાં હોય ત્યારે પણ તે અશુભ નથી બનતો. હા, ચોક્કસ તેની શુભ અસરોમાં ઘટાડો થાય છે, પરંતુ તે તેના મૂળ અને સારા ગુણો ગુમાવતો નથી.

સંબંધોમાં જોઈએ તો સ્ત્રી માટે ગુરુ પતિનો કારક અને બાકી સંતાનનો અને દાદા(પિતાના પિતા) માટે કારક ગ્રહ છે. તે ચંદ્ર, મંગળ અને સૂર્યનો મિત્ર ગ્રહ છે જ્યારે શનિ, બુધ, શુક્ર અને રાહુ-કેતુ તેના શત્રુ ગ્રહ છે. અન્ય બાબતોમાં જોઈએ તો સોના પર ગુરુનો પ્રભાવ છે. તે સિવાય અર્થતંત્ર, સરકારી નીતિ, ઉચ્ચ પદવી, શેરબજાર વગેરે પર ગુરુનો પ્રભાવ છે. ઇશાન ખૂણાનો માલિક ગ્રહ ગુરુ છે. આથી ઘરમાં કે અન્ય જગ્યાએ પૂજા સ્થાન માટે ઇશાન ખૂણાની પસંદગી કરવામાં આવે છે. વ્યવસાયની દૃષ્ટીએ જોઈએ તો શિક્ષણ, કાયદો, ઉચ્ચ હોદ્દો, વ્યાપાર, લેખક, સારા વક્તા, ધર્મના વડા, ફાઈનાન્સ વગેરે ગુરુના પ્રભાવ હેઠળ આવતા વ્યવસાય છે. ઉપર દર્શાવેલી દરેક બાબતોના અભ્યાસ માટે વ્યક્તિની કુંડળીમાં ગુરુની સ્થિતિનો અભ્યાસ કરવામાં આવે છે.

કુંડળીમાં ગુરુગ્રહને બળવાન બનાવવા માટે અગર તેની શુભ અસરો મેળવવા માટે કેટલાક ઉપાયો કરી શકાય છે :

પોખરાજ ધારણ કરી શકાય.

ગુરુના બીજમંત્ર `ૐ ગ્રાં ગ્રીમ ગ્રોમ સહ ગુરવે નમઃ' 108 વખત કરવો.

ચંદનનું તિલક કરવું.

ગુરુવારે વિષ્ણુસહસ્ત્રનામના પાઠ કરવા. શક્ય હોય તો ગુરુવારે ઉપવાસ કરવો.

બાળકો (ખાસ કરીને અનાથ, ગરીબ કે વિકલાંગ)ને મીઠાઈ તથા કેળાનું દાન કરવું.)

ગુરુવારે ગાયને ગોળ ખવડાવવો.

તે સિવાય ગોચરના ગુરુના ભ્રમણની પણ વ્યક્તિગત જીવન પર સારી કે નરસી અસરો જોવા મળે છે. કુંડળીના જે સ્થાનમાં ગુરુનું ભ્રમણ હોય તેને લગતી શુભ અસરો તે ચોક્કસ આપે છે. આમ નૈસર્ગિક રીતે ગુરુ શુભ ગ્રહ છે, પરંતુ છેવટે તો વ્યક્તિગત કુંડળીના આધારે જ કોઈ પણ ગ્રહોની ચોક્કસ અસરો વિશે જાણી શકાય છે.


  • Follow us on: