• અર્જુનના વિષાદ અને મોહને નિર્મૂળ કરવા ભગવાન કૃષ્ણએ હલ (માર્ગ) બતાવ્યો એ જ ગીતા

આપણું જીવન એક સરિતા છે. આપણે અલગ-અલગ અવસ્થામાંથી પસાર થઈએ છીએ. કોઈની સાથેની મુલાકાત. કોઈને હળવુંમળવું, પુસ્તકોનું વાંચન આ પ્રવૃત્તિઓ આપણને પીઢ બનાવે છે. એવી જ રીતે ભગવાન શ્રીકૃષ્ણ આ ધરાતલ ઉપર પધાર્યા. તેઓ જીવનના સાચા માર્ગદર્શક પણ રહ્યા છે. ભગવાન શ્રીકૃષ્ણના વિચારોએ સમાજને એક નવી દિશા પણ આપી છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનો પાદુર્ભાવ

મહાભારતના યુદ્ધમાં કૌરવો પાંડવો આમનેસામને યોદ્ધા બનીને ઊભા હતા. આ સમયે ભાઈઓ-ભાઈઓ દુશ્મન બનીને સામસામે ઊભા હતા. કૌરવોની સામે પાંડવોના હકની આ લડાઈ હતી. જ્યારે યુદ્ધના મેદાનમાં દુશ્મન યોદ્ધાઓને જોયા તો કોઈ દાદા, કાકા, ભાઈ, સગાંસંબંધી નજરે પડ્યા. અર્જુન વિષાદમાં પડી ગયો. મોહમાં પડી ગયો. આ મુશ્કેલીનો ઉકેલ તેણે તેના સારથી ભગવાન કૃષ્ણ પાસે માંગ્યો. આ મુશ્કેલીના ઉત્તરમાં શ્રીકૃષ્ણના મુખમાંથી વાણીનો અવિરત પ્રવાહ વહેતો ગયો. આ પવિત્ર દિવસ માગશર વદ એકાદશી. આપણા ઋષિમુનિઓએ અને શાસ્ત્રકારોએ આ પવિત્ર દિવસને ગીતા જયંતી નામ આપી પ્રસિદ્ધ કર્યો.

પૂરા વિશ્વમાં ગીતા જયંતી ઉપર ગીતાજીના તમામ અધ્યાયોનું પઠન-મનન થાય છે. તમામ અધ્યાયોનું વિશ્લેષણ પણ થાય છે. આશ્રમો અને સંસ્કૃત પાઠશાળાઓમાં ખાસ વિશેષ અધ્યયન પણ થાય છે. ગીતાજી જયંતીના અવસર ઉપર મંદિર, આશ્રમ, સંસ્કૃત પાઠશાળાઓ, ઉપાસકો તમામ લોકો શ્રીકૃષ્ણની આ પવિત્ર વાણીને અધ્યયનના રૂપમાં પ્રવાહિત કરે છે. આ ઘટનાથી સમગ્ર વિશ્વમાં હકારાત્મક ઊર્જાનું નિર્માણ થાય છે. વિજ્ઞાન કહે છે કે, વિશ્વમાં જે જે બોલાય છે તે વાણીનો નાશ થતો નથી તે વાણી વાતાવરણમાં કાયમ રહે છે. આ સિદ્ધાંત ઉપર વિજ્ઞાન, ભગવાન કૃષ્ણની આ પવિત્ર વાણીની ખોજ કરવામાં લાગી છે. કાશ! આ વાણી મળી જાય!

શ્રીમદ્ ભગવદ્ ગીતા શું છે?

અર્જુનના વિષાદ અને મોહને નિર્મૂળ કરવા ભગવાન કૃષ્ણએ હલ (માર્ગ) બતાવ્યો એ જ ગીતા. શું આ ગીતાસંદેશ માત્ર અર્જુન માટે જ હતો?

આ ઘટનામાં અર્જુન તો માત્ર માધ્યમ હતો પણ અર્જુનના માધ્યમ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણએ આ ગીતાજીનો સંદેશ પૂરા વિશ્વને આપ્યો અને માનવ તરીકે જીવવાનો અનુપમ સંદેશ આપ્યો. ગીતાજી વિશ્વનાં તમામ પ્રાણીઓ માટે પથદર્શક સમાન છે. આપણી તમામ સમસ્યાનો ઉકેલ આ ગીતાજીમાં છે. જેવી રીતે મા પોતાના બાળકને સાચી શિખામણ આપે છે એવી જ રીતે ગીતાજી પોતાના આ વિશ્વના બાળકને સાચી શીખ આપે છે. માટે જ ગીતાજી પૂરા વિશ્વની મા સમાન છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સંક્ષિપ્ત પરિચય

શ્રીમદ્ ભગવદ્ ગીતાજીમાં કુલ અઢાર અધ્યાય છે. ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેનો પવિત્ર સંવાદ છે. અઢારે અધ્યાયના ભેગા મળીને કુલ-7૦1 (સાતસો એક) શ્લોક લિપિબદ્ધ થયા છે. ગીતાજી એટલે ભગવાન કૃષ્ણનું વાંગમય સ્વરૂપ છે. ગીતા જયંતીના અવસરે પ્રથમ ધ્યાનમંત્ર ત્યારબાદ વંદન, સ્તુતિ કરવી જોઈએ. પછી અઢાર અધ્યાયનું પઠન કરવાનું વિધાન છે અને અંતમાં ગીતાજી માહાત્મ્યનું પઠન કરવું જરૂરી છે. પૂરા વિશ્વમાં ગીતાજીનું સન્માન થાય છે.

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે -

`ગીતા મારું હૃદય છે. ગીતા મારો ઉત્તમ સાર છે. ગીતાજી એ ભગવાનનું ઉગ્ર અને અવિનાશી જ્ઞાન છે. મારું શ્રેષ્ઠ નિવાસસ્થાન પણ છે. ગીતાજી મારું પરમપદ છે. મારું પરમ રહસ્ય છે અને મારો શ્રેષ્ઠ ગુરુ પણ છે.'

મહર્ષિ વ્યાસ કહે છે - `ગીતાજી ભગવાન શ્રી હરિવિષ્ણુના મુખકમલમાંથી નીકળી છે. આ ગીતા કાયમ આપણા મુખમાં આપણાં દિલમાં રહેવી જોઈએ. ગીતાજી સિવાય અન્ય શાસ્ત્રોનું આપણા જીવનમાં શું પ્રયોજન?'

  • Follow us on: