- હોલિવૂડ હોય કે બોલિવૂડ જેને પણ ઓસ્કર મળે છે તે દુનિયાભરમાં છવાઈ જાય છે, કારણ કે ફિલ્મજગતમાં અપાતો આ સૌથી મોટો પુરસ્કાર (એવોર્ડ) છે.
- જોકે, તેની શરૂઆત તો માત્ર હોલિવૂડ માટે જ કરવામાં આવી હતી, પરંતુ પાછળથી ઓસ્કરમાં દુનિયાભરની ફિલ્મોને સ્થાન આપવામાં આવ્યું. આવા ઓસ્કર એવોર્ડના ઇતિહાસમાં જરા ડોકિયું કરીએ
તાજેતરમાં જ ફિલ્મ RRRના નાટુ નાટુ સોંગને બેસ્ટ ઓરિજિનલ સોંગનો તથા એલિફન્ટ વ્હિસ્પર નામની ડોક્યુમેન્ટરીને ઓસ્કર એવોર્ડ મળ્યો. તેને કારણે આપણે ત્યાં ઓસ્કર એવોર્ડની ચર્ચા ચારેકોર થઈ રહી છે. સૌને ખબર છે કે ઓસ્કર એવોર્ડ ફિલ્મજગતનો સૌથી મહત્ત્વનો એવોર્ડ ગણાય છે, પણ ખરેખર ઓસ્કર એવોર્ડના ઇતિહાસને કોઈ જાણતું નથી કે તે કેવી રીતે શરૂ થયો? કોને મળે? તેમાં પૈસા મળે કે નહીં? ફિલ્મજગતના લોકો શા માટે ઓસ્કર એવોર્ડ જીતવાનું સ્વપ્ન સેવતા હોય છે વગેરે. જાણીએ ઓસ્કર સાથે સંકળાયેલી આ બધી જ બાબતો વિશે.
ઓસ્કરનો ઇતિહાસ
ઓસ્કર એકેડેમી પુરસ્કારને જ ઓસ્કર એવોર્ડના નામે ઓળખવામાં આવે છે. તે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીનો સૌથી મોટો અને સન્માનિત એવોર્ડ છે. વર્ષ 1927માં ઓસ્કર એવોર્ડની શરૂઆત મોશન પિક્ચર્સ ઇન્ડસ્ટ્રીના 36 લોકોએ કરી હતી. શરૂઆતમાં એમજીએમ સ્ટુડિયોના હેડ લુઈસ બી. મેયર અને તેમના ત્રણ ગેસ્ટ્સ એક્ટર કોનરેડ નાગેલ, ડાયરેક્ટર ફ્રેડ નિબલો અને પ્રોડ્યુસર ફીડ બીટસોને સમગ્ર ફિલ્મ ઉદ્યોગને ફાયદો થાય તે માટે સંગઠન બનાવવાની યોજના ઘડી. તેમણે ફિલ્મ ક્રિએટિવ કાર્ય સાથે સંકળાયેલા લોકો સામે તે પ્રસ્તાવ મૂકવાનો પ્લાન મૂક્યો. ત્યારબાદ 11 જાન્યુઆરી, 1927માં લોસ એન્જલસની એમ્બેસેડર હોટલમાં એક ડિનર પાર્ટી આપવામાં આવી. જેમાં 36 લોકોએ ભાગ લીધો અને સંગઠન બનાવવાના પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી. આ ડિનર પાર્ટીમાં જ્યોર્જ કોહેન, જેસે મેયર, ડોગ્લકસ ફેયરબેંક્સર, કેડરિક ગિબ્બંસ, મેરી પિકફોર્ડ, જેસ્સેહ લસ્કીય, સેસિલ અને ઈરવિંગ થાલબર્ગ, સિદ ગ્રાઉમેન વગેરે શામેલ હતા. 11 મે, 1927માં બિલ્ટ મોર હોટલમાં એકેડેમીને એક એનજીઓ તરીકે માન્યતા મળ્યા પછી ઔપચારિક શરૂઆત થઈ. ત્યારે 300 જેટલા મહેમાનોમાંથી 230 લોકોએ 100 ડૉલર ફી આપીને એકેડેમીની મેમ્બરશિપ લીધી હતી. થોમસ એડીસનને એ રાતે જ એકેડેમીની પહેલી માનદ સદસ્યતાથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કેવી રીતે થાય છે વોટિંગ?
એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સીસની એક રિસર્ચ ટીમ હોય છે. જેમાં 6 હજાર જેટલા પ્રોફેશનલ મેમ્બર્સ શામેલ હોય છે. જેમાં ડાયરેક્ટર્સ, મ્યુઝિશિયન, પ્રોડ્યુસર, રાઈટર, ડોક્યુમેન્ટરી, એક્ટર, ડિઝાઈનર, એક્ઝિક્યૂટિવ્સ, ફિલ્મ એડિટર, હેર સ્ટાઈલિસ્ટ, સાઉન્ડ, મેકઅપ આર્ટિસ્ટ, વિઝ્યુઅલ ઇફેક્ટ અને પબ્લિક રિલેશન વગેરેનો સમાવેશ થાય છે. આ મેમ્બર્સ જ ફિલ્મો અને વિવિધ કેટેગરી માટે વોટ કરે છે. સૌથી વધારે વોટ મેળવનાર ફિલ્મ મેકર્સે રિસર્ચ ટીમ મેમ્બરને પોતાની ફિલ્મ બતાવવાની હોય છે અને તેના માટે ફિલ્મોનું સ્ક્રીનિંગ પણ કરવામાં આવે છે.
ઓસ્કર ટ્રોફીનું એ ટુ ઝેડ
એકેડેમી એવોર્ડ ઓફ મેરિટને જ ઓસ્કર એવોર્ડ માનવામાં આવે છે. ઓસ્કર ટ્રોફી (મૂર્તિ) તાંબામાંથી બનેલી હોય છે અને તેના પર સોનાનું પડ ચઢાવેલું હોય છે. ટ્રોફી 13.5 ઈંચ (34 સેમી.) લાંબી અને તેનું વજન 8.5 પાઉન્ડ (3.85 કિલો) હોય છે. તેની ડિઝાઈનની વાત કરીએ તો ટ્રોફીમાં એક યોદ્ધાની આકૃતિ જોવા મળે છે. આ યોદ્ધા તલવાર લઈને પાંચ પતંગિયાંવાળી એક ફિલ્મ રીલ પર ઊભો છે. આ પાંચ પતંગિયાં એકેડેમીની મુખ્ય શાખાઓ જેમ કે, એક્ટર, ડાયરેક્ટર, રાઈટર, પ્રોડ્યુસર અને ટેક્નિશિયન્સનું પ્રતિનિધિત્વ કરે છે. ઓસ્કર એવોર્ડ વિજેતાને માત્ર ટ્રોફી જ મળે છે. તેમને કેશ પ્રાઈઝ મળતી નથી, પરંતુ આ એવોર્ડ જીતનારની માર્કેટ વેલ્યૂ ખૂબ જ વધી જાય છે. હવે બીજી સૌથી મહત્ત્વની વાત તો એ છે કે ઓસ્કર વિજેતાને ટ્રોફી જરૂર મળે છે, પરંતુ તેના માલિકીહક તેમને મળતા નથી. તેઓ આ ટ્રોફી બીજા કોઈને વેચી શકતા નથી અને જો વેચવી જ હોય તો તેને એકેડેમીને જ એક ડૉલરમાં વેચવી પડશે.
ઓસ્કરમાં જગ્યા મેળવવાની શરતો
- દુનિયાભરમાં વિવિધ પ્રકારના એવોર્ડ્સ જે-તે ક્ષેત્રના લોકોને આપવામાં આવે છે, પરંતુ આ એવોર્ડ સંબંધિત કેટલાક નિયમો બનેલા હોય છે. આવું જ ઓસ્કરનું પણ છે. ઓસ્કરની શરતો આ પ્રમાણે હોય છે.
- ઓસ્કર એવોર્ડ એ ફિલ્મોને આપવામાં આવે છે જે ફિલ્મો અમેરિકાનાં 6 મેટ્રોપોલિટન ક્ષેત્રનાં લોસ એન્જલસ, ન્યૂયોર્ક, ઈલિનોઇસ, મિયામી, શિકાગો,
- ફ્લોરિડા અને એટલાન્ટા, જ્યોર્જિયામાંથી કોઈ પણ એક જગ્યાએ કોમર્શિયલ સિનેમાઘરોમાં બતાવવામાં આવી હોય.
- ફિલ્મ 40 મિનિટથી વધારે મોટી હોવી જોઈએ.
- એવોર્ડ વર્ષે 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બરની વચ્ચે શોકેસ કરવામાં આવી હોય.
- ફિલ્મ એક જ થિયેટરમાં ઓછામાં ઓછી સાત દિવસ સુધી ચાલેલી હોવી જોઈએ.
- ઓસ્કર એવોર્ડમાં વિદેશી ભાષાની સર્વશ્રેષ્ઠ ફિલ્મ નામની પણ એક કેટેગરી હોય છે. જેમાં દુનિયાભરની ફિલ્મોને આમંત્રિત કરવામાં આવે છે.
ક્યારે મળ્યો પહેલો એવોર્ડ?
સૌથી પહેલો એકેડમી એવોર્ડ્સ સમારંભ હોલિવૂડ રુઝવેલ્ટ હોટલમાં યોજાયો. 16 મે, 1929માં હોટલના બ્લોસમ રૂમમાં યોજાયેલા ડિનરમાં 270 લોકો શામેલ થયા. આ એક પેઈડ ઈવેન્ટ હતી જેની ટિકિટ 5 ડૉલર રાખવામાં આવી હતી. 1929માં આપવામાં આવેલા એવોર્ડ ઈ.સ. 1927-28 સુધી બનેલી ફિલ્મો સાથે જોડાયેલા 15 લોકોને આપવામાં આવ્યો હતો.