આંતરડાંના મુખ્ય ત્રણ વ્યાધિઓ અતિસાર(ઝાડા), મરડો (કે જૂનો મરડો) અને સંગ્રહણીમાં ખૂબ જ સફળ પરિણામ આપનાર `તક્રકલ્પ'ની અમે ભલામણ કરીએ છીએ.

તક્ર એટલે છાશ. તક્ર કલ્પ કરનાર દર્દીએ અમુક દિવસો માત્ર છાશ ઉપર જ રહેવાનું હોય છે. જેને `છાશવટી' પણ કહેવામાં આવે છે. તક્રકલ્પ કરતી વખતે દર્દીને માત્ર `તક્ર' એટલે કે `છાશ' પર જ રાખવામાં આવે છે અને છાશ સિવાય બીજો કોઈ આહાર આપવામાં આવતો નથી. આ તક્રકલ્પ બે પ્રકારનો હોય છે. નીરુહ અને સસ્નેહ. નીરુહ એટલે માખણ કાઢી લીધેલી છાશ અને સસ્નેહ એટલે માખણવાળી છાશ.

દર્દીના અગ્નિબળ પ્રમાણે તેની માત્રાની કલ્પના કરી પ્રયોગ કરાવવાનો હોવાથી આ ચિકિત્સાને કલ્પ ચિકિત્સાની સંજ્ઞા આપવામાં આવે છે. અમે વૈદ્યો આ તક્રકલ્પ ચિકિત્સા વિધિ જૂનો મરડો, અતિસાર, સંગ્રહણી, આંતરડાંનો સોજો, આંતરડાંનાં ચાંદાં (કોલાઇટિસ) વગેરે રોગોમાં વિભિન્ન ઔષધો સાથે કરાવીએ છીએ.

તક્રથી નષ્ટ થયેલા જીર્ણ રોગોનો ફરી પુનર્ભવ થતો નથી એમ આયુર્વેદમાં સ્પષ્ટ કહેવાયું છે. અહીં તક્ર વિશે થોડી અતિશયોક્તિ જરૂર લાગે, પરંતુ તેથી કંઈ આંતરડાના રોગોમાં તેનું મહત્ત્વ ઘટી જતું નથી.

છાશનાં પાંચ રૂપ છે. તક્ર, મથિત, ઘોળ, ઉદશ્વિત અને છચ્છિકા. દહીંમાં પાણી મેળવ્યા વગર મલાઈ કાઢીને દહીંને વલોવીને તૈયાર કરવામાં આવતા દ્રવને મથિત કહેવામાં આવે છે. મલાઈ કાઢવામાં ન આવે તો તેને `ઘોળ' કે `ઘોળવું' કહેવાય છે. દહીંમાં પા ભાગ પાણી મેળવીને તૈયાર થાય તેને `તક્ર' અને અડધો ભાગ પાણી મેળવીને `ઉદશ્વિત' તૈયાર થાય છે અને ઉદશ્વિતમાંથી માખણ કાઢી લેવામાં આવે તો તેને `છચ્છિકા' કહેવામાં આવે છે.

છાશ મધુર, ખાટા અને તૂરા એમ ત્રણ મિશ્ર સ્વાદવાળી હોય છે. પચવામાં તે હળવી, પચ્યા પછી મધુર, ઉષ્ણ અને રૂક્ષ છે. તે ભૂખ લગાડનાર અને હૃદયને બળ આપનાર છે. તેનો આંતરડાં પરનો પ્રભાવ પ્રસાદક હોય છે. જીર્ણાતિસાર(જૂનો મરડો) અને સંગ્રહણીનું એ વિશિષ્ટ ઔષધ છે. છાશના ઉપયોગથી આહાર વિષ, સોજો, પાંડુરોગ, ગોળો, અરુચિ, મંદાગ્નિ, લીવરના અને બરોળના રોગો, તૃષા, ઉદર શૂળ, મૂત્રાઘાત, કોલાઇટિસ અને મેદના ઉપદ્રવો નષ્ટ થાય છે.

છાશનો ઉપયોગ જીર્ણાતિસારીએ કરવો જોઈએ કે જેનો અગ્નિ સાવ મંદ પડી ગયો હોય, જેને દૂધ પચતું ન હોય, દૂધ પીવાથી ગેસ, આફરો કે કબજિયાત થઈ જતી હોય તથા જેને ખાટા ઓડકાર આવતા હોય તેમને માટે છાશ ઉત્તમ `ટોનિક' છે.

વાયુના રોગોમાં સૂંઠ, સિંધવ અને નમક સાથે છાશ પ્રયોજાય છે. પિત્તના રોગોમાં સાકર નાખેલી છાશ ઉત્તમ છે. કફના રોગોમાં સૂંઠ અને મરી તથા વાયુના રોગોમાં શેકેલી હિંગ, શેકેલું ધાણાજીરું અને સિંધવ મેળવેલ છાશ હિતકારી છે. મસા, કબજિયાત, આફરો, અરુચિ, આંતરડાંની નબળાઈ, જૂનો મરડો, પાંડુરોગ, કૃમિ, ભગંદર, સંગ્રહણી, આંતરડાંનો સોજો અને આંતરડાંનાં ચાંદાંમાં છાશ ખૂબ જ હિતાવહ છે.

છાશ આંતરડાંની શુદ્ધિ કરનાર છે. આંતરડાંની શુદ્ધિ થવાથી પુષ્ટિ, બળ, ઉત્સાહ અને હર્ષ ઉત્પન્ન થાય છે.