ભારત દેશમાંથી પરદેશમાં નિકાસ કરતા સમયે અને આપણાં દેશમાં માલની આયાત કરતી વખતે કસ્ટમના કાયદા હેઠળ અમુક દસ્તાવેજો (ડોક્યુમેન્ટ્સ) બનાવવાનું અનિવાર્ય છે, અને આ દસ્તાવેજો કસ્ટમના અધિકારીઓ સમક્ષ રજૂ કરવું ફરજિયાત છે. આ પ્રકારના દસ્તાવેજો બનાવતી વખતે કોઈ ભૂલ ને કારણે ખોટી માહિતી લખાઈ જાય તો તે ભૂલ સુધારવાનો શું ઉપાય છે અને આવી ભૂલ સુધારવાની શું સમય-મર્યાદા છે, તે પ્રશ્નો અવારનવાર સતાવે છે.
ઇમ્પોર્ટના ડૉક્યુમેન્ટ્સ :
આયાત થતાં માલ માટે 'બિલ ઑફ એન્ટ્રી' નામનું ડૉક્યુમેન્ટ કસ્ટમ અધિકારી સમક્ષ રજૂ કરવું જરૂરી છે, અને બિલ ઑફ એન્ટ્રીમાં પણ આયાત થતાં માલનું વર્ણન, તેની સંખ્યા કે જથ્થો, કિંમત, ઇમ્પોર્ટ ડયૂટીનો દર અને રકમ, વગેરે માહિતી આપવાની કાયદેસરની જરૂરિયાત છે. બિલ ઑફ એન્ટ્રી રજૂ કરતી વખતે પણ ભૂલ થવાની શક્યતા છે. ઇમ્પોર્ટ ડયૂટીમાંથી કોઈ exemption (કર માફી) સરકારે આપ્યું હોય તે લખવાનું રહી જાય, માલનું વર્ણન ખોટું લખાઈ જાય, અને આવી ભૂલો ઇમ્પોર્ટ ડૉક્યુમેન્ટ રજૂ કરતી વખતે થવાની શક્યતા છે. શું આ પ્રકારની ભૂલો સુધારી ન શકાય અને બિલ ઑફ એન્ટ્રી જેવા ડૉક્યુમેન્ટમાં સુધારો ન થઈ શકે?
એક્સ્પોર્ટના ડૉક્યુમેન્ટ્સ
કોઈપણ માલની નિકાસ માટે સૌથી મહત્ત્વનું ડૉક્યુમેન્ટ છે, શિપિંગ બિલ, માલનું વર્ણન, જથ્થો કે સંખ્યા (quantity), કિંમત, એક્સ્પોર્ટ ડયૂટી હોય તો તેનો દર અને રકમ વગેરે માહિતી શિપિંગ બિલમાં રજૂ કરવાની જરૂરિયાત છે, સૌથી મહત્ત્વની વિગત છે, એક્સ્પોર્ટ પર જે બેનિફિટ લેવાનો હોય તેની માહિતી, નિકાસ થતાં માલ/સેવાઓ ઉપર ડ્રોબેક, એડવાન્સ, લાઇસન્સ, ડી.ઇ.પી.બી., એમ.ઇ.આઇ.એસ., રિબેટ વગેરે અનેક પ્રકારનાં લાભ સરકારે જાહેર કર્યા છે, અને આ બધી અલગ અલગ સ્કીમોમાંથી કયાનો લાભ નિકાસકર્તા લેવા માગે છે તે માહિતી શિપિંગ બિલમાં લખવી અને તે રીતે કસ્ટમ અધિકારીઓને તેની જાણ કરવી એ અનિવાર્ય છે. પરદેશના ગ્રાહક માટે બનાવવામાં આવતી 'ઇક્સ્પોર્ટ ઇનવોઇસ'માં પણ કઈ સ્કીમનો લાભ લેવાનો છે તે લખવું જરૂરી છે. પરંતુ ઘણીવાર એવું બને છે કે નિકાસકર્તાને ખબર ન હોય કે અમુક લાભ મળવાપાત્ર છે, અને તેથી શિપિંગ બિલ/ઇનવોઇસમાં આ લાભ કે સ્કીમનો ઉલ્લેખ કરવાનો રહી જાય છે. ઘણીવાર એવું બને કે નિકાસકર્તા માનતો હોય કે ડી.ઇ.પી.બી. કે અમ.ઇ.આઇ.એસ. કે એવો લાભ મળવાપાત્ર છે અને તેથી આવી કોઈ પણ સ્કીમનો ઉલ્લેખ નિકાસ કરતી વખતના ડૉક્યુમેન્ટ્સમાં કરવામાં આવે, પણ માલ નિકાસ થઈ ગયા પછી જાણ થાય કે જે લાભ/સ્કીમનો ઉલ્લેખ કર્યો છે તે નહીં પણ બીજી કોઈ સ્કીમનો લાભ નિકાસ થયેલાં માલ પર મળે છે અને આમ ખોટી સ્કીમના લાભનો ઉલ્લેખ શિપિંગ બિલમાં થઈ જાય છે. શું આવી ભૂલના કારણે વ્યાપારીને કાયદેસર મળતાં નિકાસના લાભ ગુમાવવા પડે છે ?
કસ્ટમ એક્ટની કલમ 149:
કસ્ટમ એક્ટ, 1962ની કલમ 149 હેઠળ કસ્ટમ અધિકારીને સત્તા આપવામાં આવી છે કે બિલ ઓફ એન્ટ્રી કે શિપિંગ બિલમાં માલની આયાત કે નિકાસ થઈ ગયા પછી પણ સુધારા (એમેન્ડમેન્ટ) કરવાની છૂટ આપી શકાશે. જો આયાત કે નિકાસનો માલ કસ્ટમના કબજામાંથી બહાર નીકળી ગયો હોય, તો પણ ડોક્યુમેન્ટ્સમાં સુધારો કરવા દેવાની સત્તા કસ્ટમ અધિકારીને આ કલમ હેઠળ આપવામાં આવી છે, પરંતુ અ છે કે જો માલની હાજરી ન હોય કારણ કે માલની નિકાસ કે આયાત થઈ ગઈ હોય અને માલ કસ્ટમમાંથી બહાર નીકળી ગયો હોય, તો ડોક્યુમેન્ટમાં સુધારો કરવાની છૂટ ત્યારે જ મળશે કે જરૂરી સુધારો માલની ચકાસણી વગર અને જે ડોક્યુમેન્ટ્સ અસ્તિત્વમાં હોય તેના આધારે થઈ શકતો હોય.
શિપિંગ બિલમાં ફેરફારની શરતો
એક શરત એ છે કે નિકાસ થયેલાં માલમાં વપરાયેલ ઇનપુટ (કાચો માલ)ને લગતી માહિતી જે દસ્તાવેજો, કસ્ટમ પાસે રજૂ થયા હોય તેના આધારે સાબિત થઈ શકતી હોય, કારણ કે માલની નિકાસ પરદેશમાં થઈ ગઈ હોવાથી માલના સેમ્પલ લઈને તેની તપાસ કરવી અશક્ય છે. બીજી શરત છે કે કસ્ટમ દ્વારા થયેલ પરીક્ષણ અને એક્સ્પોર્ટના ડૉક્યુમેન્ટ્સ પરની નોંધ (એન્ડોર્સમેન્ટ)ના આધારે માલનુ વર્ગીકરણ (એટલે ક્લાસિફિકેશન) ડ્રોબેક/ડી.ઈ.પી.બી./ અન્ય સ્કીમમાં થઈ શકતું હોવું જોઈએ, જેથી જે માલ પરદેશમાં નિકાસ થઈ ગયો છે તેના પર ક્યાં દરે કે કઈ રકમે એક્સ્પોર્ટનો લાભ આપવાનો છે તે નક્કી થઈ શકે. ત્રીજી શરત છે કે નિકાસકર્તા એ જે રીતે સ્કીમનો લાભ મેળવવા માટેની અન્ય શરતોનું પાલન કરેલું હોવું જોઈએ. ચોથી શરત છે કે નિકાસકર્તા એ કોઈ ગેરકાયદેસરનું પગલું લીધું ન હોવું જોઈએ અને કોઈ ફ્રોડ, ગેરજૂઆત (મીસ ડિક્લેરેશન) કે મેનીપ્યુલેશન ન કરેલું હોય તો જ શિપિંગ બિલમાં ફેરફાર કે કન્વર્સન કરી આપવામાં આવશે. જો નિકાસકર્તાએ માલની નિકાસ કરતાં સમયે કોઈપણ એવો લાભ લીધો હોય જે શિપિંગ બિલમાં ફેરફાર કે બીજી સ્કીમમાં કન્વર્સન કરવાથી મળવાપાત્ર ન હોય તો પણ કલમ 149 હેઠળ ડૉક્યુમેન્ટમાં ફેરફાર કરવાની છૂટ નહીં મળે. આ શરતોનું બધું પાલન લગભગ બધાં જ કિસ્સામાં થાય છે, પરંતુ સૌથી મહત્ત્વની શરત આ પરિપત્ર મુજબ એ છે કે શિપિંગ બિલમાં ફેરફાર કરવાની અરજી માલના નિકાસ થઈ ગયા પછી વધુમાં વધુ ત્રણ મહિનામાં થવી જોઈએ. ગમે તેવો વાજબી નિકાસકર્તા હોય અને નિકાસ કરતી વખતે ખરેખર ભૂલ થવાથી એક્સ્પોર્ટના લાભ સરકારે જાહેર કરેલ હોય તે દર્શાવવાનું શિપિંગ બિલ કે અન્ય ડૉક્યુમેન્ટમાં રહી ગયું હોય, તો પણ આવા વાજબી કિસ્સામાં પણ જો ત્રણ મહિના સુધીમાં જાણ ન થાય, કે ભૂલની માહિતી ન મળે, તો નિકાસના બધાં લાભ જતાં કરવા પડશે. આ ત્રણ મહિનાની મુદત કાયદા પ્રમાણે અને નાગરિકોના હક-લાભમાં બાધા કરતી હોવાથી વાજબી છે, અને સરકારે ત્રણ મહિના જેવી ટૂંકી મુદત આ બાબતે એક શરત તરીકે લાદવાની સત્તા છે, એ પ્રશ્ન હમણાં જ ના. ગુજરાત હાઇકોર્ટે તપાસ્યો છે અને આ શરતને ગેરકાયદેસરની ગણી, તેને ફગાવી દીધી છે.










