ઉનાળામાં ઠંડી અને સુંદરતાથી ભરપૂર ઓફબીટ જગ્યાએ જવું હોય તો કસોલ પહોંચી જવું જોઇએ. હિમાચલ પ્રદેશમાં આવેલું કસોલ અત્યારના સમયે ફરવા માટે શ્રેષ્ઠ છે. આ જગ્યા શાંતિવાળી તો છે જ સાથે સાથે રમણીય પણ છે.
આમ તો ટૂર પેકેજીસ બૂક કરાવો એટલે એમાં મનાલી, જીભી અને કસૌલ એમ ત્રણ જગ્યાઓ ૫ રાત્રી અને 6 દિવસના પેકેજમાં આવતી હોય છે. જો વધારે દિવસો રોકાવું હોય તો એમાં બીજી બે ત્રણ ફેમસ જગ્યા એડ થઇ જાય. વેલ, આ તો ટૂર પેકેજીસની વાત છે, જો તમારે હિમાચલના ગામડાંઓની સુંદરતા જોવી હોય, જો તમારે હિમાચલના ઓબબીટ પ્લેસીસની સુંદરતા જોવી હોય તો કોઇ પેકેજ બૂક કરાવ્યા વગર ત્યાં પહોંચી જાવ અને લોકલ ગાઇડની મદદથી એવી જગ્યાએ જાવ જેનું નામ ટૂર પેકેજમાં ન સાંભળ્યું હોય પણ હિમાચલના નક્સામાં જોયું હોય. એવી જગ્યાઓ જેના વિશે ત્યાં રહેતાં લોકલ્સ પાસે તમે સાંભળો અને ત્યાં ફરવા જાવ. આજે આપણે કસૌલની આસપાસના દસ એવાં ગામડાંઓ વિશે વાત કરીએ જે એકદમ ઓફ બીટ પ્લેસીસ છે પણ એની સુંદરતા અદ્ભૂત છે. આ જગ્યાએ ફરવાનો અનુભવ કાયમ માટે યાદગાર બની રહેશે.
ચલાલ
કસૌલથી ચલાલ તમે ચાલીને જઇ શકો એટલું નજીક છે. ચાલીને જાવ તો ત્રીસ મિનિટમાં તમે એ ગામ પહોંચી શકો છો. ચલાલ જવાનો રોડ કુદરતી સૌંદર્યથી ભરપૂર હોવાને લીધે અહીં બાઇકર્સ, હાઇકર્સ અને ટ્રેકર્સને ખૂબ મજા આવે છે. આ જગ્યાને ભારતનું નાનું ઇઝરાયલ કહેવાયું છે. ચલાલમાં નાના મોટા અનેક કેફે બનેલાં છે જ્યાં તમને ઇઝરાયલ વાનગીઓ ભરપૂર મળી રહેશે.
રસોલ
સ્થાનિક લોકો રસોલને કસૌલના જુડવા ભાઇ તરીકે ઓળખે છે. આ જગ્યા કસૌલથી 3.6 કિમી દૂર જ આવેલી છે. અહીં કુદરતી સૌંદર્યનો ભંડાર છે. આ જગ્યાની ખાસીયત એ છે કે અહીં દર બે ઘર પછી એક ઘરે ઉન કાંતતા લોકો નજરે ચડે છે. મનાલીમાં મળતાં ગરમ કપડાં મોટેભાગે અહીં જ બને છે. રસોલના સ્થાનીકો ખૂબ માયાળુ છે. આ જગ્યા શાંત અને રમણીય હોવાને લીધે ત્યાં જવાનો અનુભવ ચોક્કસ યાદગાર બની રહેશે.
મલાના
પાર્વતી વેલીના ઢાળે લગભગ 19 કિલોમીટરે મલાના ગામ આવેલું છે. આ જગ્યા કસૌલથી ખૂબ જ નજીક છે. આ જગ્યા પર્વતોથી ઘેરાયેલી છે. મતલબ કે પર્વતોની વચ્ચે વસેલું આ ગામ છે, અહીંની સુંદરતા લાજવાબ છે પણ આ જગ્યાએ સ્થાનિક લોકોની મરજી વગર કોઇ વસ્તુને અડી નથી શકાતી. કોઇ દુકાને ગયા હોવ તો પણ કેશ કાઉન્ટરને સ્પર્ષ કર્યાં વગર દૂરથી જ વસ્તુ જોવી અને પેયમેન્ટ કરવાનું હોય છે. અલબત્ત અહીં વસતા લોકો સારા છે પણ એમની મરજી વગર કોઇ વસ્તુને ન અડવી એ એમનો નિયમ છે.
કલગા
સકૌલથી 18 કિમી દૂર કલગા નામનું એક નાનું શહેર છે, આ જગ્યા એક પર્વત ઉપર વસેલી છે, જે 8200 ફૂટ ઉંચાઇએ છે. ખીરગંગા ટ્રેક પહેલાં અને પછી ફરવા માટે આ સ્થળ ઉત્તમ છે. ટેકરી ઉપર ચડીને અહીંથી નીચેનું રમણીય દ્રશ્ય મન મોહી લે એવું હોય છે. કલગાથી તમે નીચેની ખીણ 360 ડીગ્રીએ પેનોરમા સ્ટાઇલથી જોઇ શકો છો. કલાગાના રહેવાસીઓનો મૂખ્ય વ્યવસાય સફરજનનો છે એટલે અહીં તમને અનેક સફરજનના લીલાછમ બગીચાઓ જોવા મળશે, ઘણાં લોકો પશુપાલન પણ કરે છે. ધીરે ધીરે પર્યટકો કલગા આવીને રહેતા થયા છે એટલે ઘણાં સ્થાનિકો હોમસ્ટેનો વ્યવસાય પણ કરે છે. અહીં તમને હિમાલયન બુલબુલ ખૂબ જોવા મળશે.
પુલગા
કસૌલથી વીસ કિલોમીટર દૂર પુલ્ગા ગામ છે જે ગીચ દેવદાર વૃક્ષોની વચ્ચે વસેલું ગામ છે. અહીંનું આકર્ષણ આસપાસ બનેલાં નાના મોટાં સુંદર ઝરણા અને ધોધ છે તેમજ સફરજનના બગીચાઓ પણ ખરાં. આ જગ્યા સમુદ્ર સપાટીની 2210 કિમી ઉપર વસેલી છે. આ જગ્યા પાર્વતી ખીણની ઉપર વસેલી છે તેમજ એની આસપાસ દેવદારના જંગલો છે જેને ફેરી ફોરેસ્ટ તરીકે પણ ઓળખાય છે. અહીં બનેલા લાકડાના બ્રીજ આકર્ષણનું કેન્દ્ર છે. કસૌલની બીજી પાંચ સુંદર જગ્યાઓ વિશે આવતા સપ્તાહમાં વાત કરીશું.