- સંજુ પછી બોક્સઓફિસ સ્ટારડમ પ્રસ્થાપિત કરવા માટે તરફડિયાં મારી રહેલા રણબીર કપૂરના નામે ફરીથી મૌસમ ખીલી ઊઠે એવા અણસાર ફિલ્મ એનિમલમાં જોવા મળી રહ્યા છે
2023ના વરસના છેલ્લા મહિનાનો પહેલો દિવસ ક્લેશ ઓફ બોક્સઓફિસ રહેવાનો છે. બે ફિલ્મોનો જ ટકરાવ છે પણ બંને બિગ બજેટ અને ડ્રીમ પ્રોજેક્ટ જેવી છે. કબીર સિંગ ફિલ્મથી શાહિદ કપૂરની કરિયર સેટ કરી આપનાર દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગાની એનિમલ બોક્સઓફિસ પર આજે રજૂ થવાની છે. એનિમલની સાથે તલવાર અને રાઝી જેવી થ્રિલર ફિલ્મનાં ક્રિએટર ડિરેક્ટર મેઘના ગુલઝારની સેમ બહાદુર રિલીઝ થવાની છે. બંને ફિલ્મનો ટ્રેલર ટ્રેન્ડ હિટ છે. દેશભક્તિ અને ઈન્ડિયન આર્મીની ગાથા વર્ણવતી સેમ બહાદુરની સામે એક્શન થ્રિલર એનિમલ ટકરાવાની છે.
સિલ્વર સ્ક્રીન પર સપોર્ટિંગ રોલ કરતાં કરતાં બિગ સ્ક્રીનનો બિગ ફેસ બની ગયેલા વિકી કૌશલની ફિલ્મ પસંદ કરવાની કળા સારી છે. અથવા તો તેનાં ભાગ્ય જોરમાં છે કે તેના ખાતામાં ક્લ્ટથી લઈને કોમેડી રેન્જની ફિલ્મો બોલાવા લાગી છે. ફિલ્મોગ્રાફી લાંબી નથી પણ અસરકારક ફિલ્મો તેની યાદીમાં છે. ભારતીય સિનેમાના ઇતિહાસમાં કમાણીના વિક્રમો સ્થાપિત કરનારી ફિલ્મોના નાયકોની યાદીમાં આમિર ખાન, શાહરુખ ખાન, સલમાન ખાન, રિતિક રોશનનાં નામ આવે છે, પરંતુ સૌથી વધુ નફો રળનારી ફિલ્મોમાં વિકી કૌશલની ઊરી ધ સર્જિકલ સ્ટ્રાઈક મોખરાની પાંચ ફિલ્મોમાં આવે છે. આ ફિલ્મથી વિકીનું ભાગ્ય ખૂલ્યું અને નેશનલ ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો. સરદાર ઉધમ ફિલ્મથી વિકીએ અભિનયના કૌશલ્યને વધુ ઓજસ્વી બનાવ્યું. વચ્ચે વચ્ચે કોમેડી જેનરમાં પણ વિકી લટાર મારીને એક્ટર તરીકે બેલેન્સ જાળવી રાખ્યું છે. આ વરસે વિકીની બે રોમકોમ ફિલ્મો રજૂ થઈ. ઝરા હટકે ઝરા બચકે અને ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી. જેમાં ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી ફિલ્મનો બોક્સઓફિસ પર ધબડકો વળ્યો હતો.
સરદાર ઉધમ પછી ફરીથી વિકીની બાયોપિક ફિલ્મ છે. સેમ બહાદુરનું નામ ભારતીય ઇતિહાસમાં જરા પણ અજાણ્યું નથી. દેશભક્તિના રંગે રંગાયેલું અને ભારતીય સેનાને ગૌરવ અપાવનાર ઈન્ડિયન આર્મીના ચીફ ઓફ ધ આર્મી સ્ટાફ સેમ માણેકશાનું ફિલ્મી પડદે પાત્ર ભજવવાનું વિકીને સન્માન મળ્યું છે. ટ્રેલરમાં વિકીએ વટ પાડ્યો છે. ચાર દાયકાની કરિયરમાં પાંચ લોહિયાળ યુદ્ધમાં જેમણે સક્રિય ભૂમિકા ભજવી છે એ સેમ બહાદુર પરની આ ફિલ્મ બોક્સઓફિસ પર ટંકશાળ પાડે તેવાં પૂરાં એંધાણ છે. દિગ્દર્શક તરીકે મેઘના ગુલઝારે પણ સારું એવું કૌવત દેખાડ્યું છે. રાઝી ફિલ્મમાં આલિયા ભટ્ટ અને વિકી કૌશલની જોડી હતી. મેઘનાને સેમ બહાદુરનું દિગ્દર્શન પણ ફળશે એવી શક્યતા છે. સાન્યા મલ્હોત્રાએ સેમની પત્નીની ભૂમિકા ભજવી છે તો દંગલ ફેમ ફાતિમા સના શેખે ઇંદિરા ગાંધીની ભૂમિકાને ન્યાય આપ્યો છે. ફિલ્મમાં 1971નું યુદ્ધ અને બાંગ્લાદેશનું સર્જન એ કથાને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. 71ના યુદ્ધમાં ભારતનો વિજય અને દુનિયાના નકશામાં બાંગ્લાદેશ નામના દેશનો ઉલ્લેખ કરાવવાનો શ્રેય સેમ બહાદુરને જાય છે.
સંજુ પછી બોક્સઓફિસ સ્ટારડમ પ્રસ્થાપિત કરવા માટે તરફડિયાં મારી રહેલા રણબીર કપૂરના નામે ફરીથી મૌસમ ખીલી ઊઠે એવા અણસાર ફિલ્મ એનિમલમાં જોવા મળી રહ્યા છે. રણબીર બ્રાન્ડ મોટી પણ બોક્સઓફિસ પરનો પાવર ઘટી રહ્યો છે. બેશરમ, બોમ્બે વૅલ્વેટ પછી ફરીથી ભયંકર નિષ્ફળતાનો સામનો રણબીરને શમશેરા ફિલ્મથી કરવો પડ્યો હતો. રણબીર માટે સંજુ પછી ફરીથી ગોલ્ડન ટાઈમ એનિમલથી આવે એવું લાગે છે. સંજુની માફક એનિમલમાં એક્ટિંગ દમદાર છે. ટ્રેલર યંગસ્ટર્સને જકડી રાખે તેવું છે. એક્શન થ્રિલર જૅનરમાં સંદીપ રેડ્ડી વેંગાએ રણબીરને ન્યૂ એન્ટ્રી આપી છે. સંદીપે વિજય દેવરકોન્ડાને લઈને તેલુગુમાં અર્જુન રેડ્ડી બનાવી હતી. તેના પરથી હિન્દીમાં કબીર સિંગ બનાવી. કબીર સિંગે શાહિદની કરિયરને જીવતી કરવાનું કામ કર્યું હતું. એ સંદીપે બાપ-બેટાના ઘર્ષણભર્યા સંબંધો પર ધબધબાટી બોલાવી દે તેવી એનિમલ બનાવી છે. જેમાં રણબીરની સાથે નેશનલ ક્રશ રશ્મિકા મંદાના લીડ રોલમાં છે. જ્યારે બોબી દેઓલના નામે એનિમલ ફિલ્મમાં ધમાકેદાર રોલ છે. ટ્રેલરમાં બોબીની નાની પણ એટ્રેક્ટિવ અપીલ દેખાડવામાં આવી છે.
એનિમલનો રનિંગ ટાઈમ સૌથી લાંબો છે. હા. એલઓસી જેવી ફિલ્મ કરતાં પણ લાંબી ફિલ્મ છે. લગભગ 201 મિનિટનો સ્ક્રીનપ્લે આ ફિલ્મનો છે.
આખું વરસ બોક્સઓફિસ પર છૂટક છૂટક ધનવર્ષા થઈ છે. પણ થઈ છે ત્યારે ભુક્કા બોલાવી દે તેવી થઈ છે. એનિમલ ફિલ્મને લઈને પણ બોક્સઓફિસ ટ્રેન્ડ એવો સેટ થઈ રહ્યો છે. સેમ બહાદુર ધીમી ગતિએ પણ બોક્સઓફિસ પર મજબૂત પકડ મેળવીને નિર્માતાની તિજોરી છલકાવી દેશે તેવો ઓપિનિયન જોવા મળી રહ્યો છે. જોકે આ સંભાવનાઓનો ખેલ છે, કારણ કે સલમાન ખાનની ટાઈગર-3ને લઈને પણ બોક્સઓફિસ હાઈપ એક્સ્ટ્રીમ લેવલનો હતો પણ પરિણામ ધાર્યું આવ્યું નહીં. આશા રાખીએ કે દર્શકોને પૈસા વસૂલ મનોરંજન આ ફિલ્મોથી મળી રહે અને ભારતીય સિનેમાને એક નવો ઇતિહાસ...!