ઘણીવાર એવું બને કે કોઇ જગ્યાએ કુદરતી દૃશ્યનું પેઇન્ટિંગ જોઇએ, જેમાં ચારેકોર લીલોતરી હોય, એક સુંદર લીલોતરીથી ભરેલી ટેકરી હોય અને એ ટેકરી ઉપરથી નીચે પડતું ઝરણું. જોતાં જ મન થઇ જાય કે ક્યાં હશે આવી જગ્યા? આવી કોઇ શાંત અને રમણીય જગ્યાએ જવાનું મન થઇ જાય. ખેર, આવાં પોસ્ટર્સ કે પેઇન્ટિંગ હવે ઓછાં થઇ ગયાં છે.
હવે ઘરોમાં ડ્રોઇંગ રૂમમાં મેટલ આર્ટ વધારે લગાવાય છે. પહેલાંના સમયમાં ઘર સજાવટમાં આવાં પોસ્ટરો પણ ઘરમાં ફ્રેમ કરીને લગાવવામાં આવતાં. આ પોસ્ટર્સ જોઇને અચૂક આપણામાંથી મોટાભાગના લોકોને ત્યાં જવાનું મન થતું જ હશે. આજે આવી જ જગ્યા વિશે વાત કરીએ જ્યાંના સીનસીનેરીને પોસ્ટરમાં મઢાવી શકાય. જ્યાં વર્ષારાણીના ચાર હાથ છે એવા મેઘાલયના સુંદર ધોધ વિશે વાત કરીએ. અહીં એક-બે નહીં, પણ 26 સુંદર ધોધ છે, જે તમને ધરતી ઉપર જ સ્વર્ગની અનુભૂતિ કરાવે એવાં સુંદર છે.
એલિફન્ટ વોટરફૉલ
એલિફન્ટ ફોલ્સ એ મેઘાલયના પ્રસિદ્ધ ધોધમાંથી એક છે. આ જગ્યાને ત્યાંની મસ્ટ વોચ લિસ્ટમાં મૂકી શકાય છે. આ ઝરણાનું નામ અહીં આવેલા હાથાના આકારના મોટા પથ્થર ઉપરથી રાખવામાં આવ્યું છે. જોકે, મેઘાલયમાં આવેલા ધરતીકંપ વખતે એ એલિફન્ટ રોક તૂટી ગયો હતો પણ નામ યથાવત્ છે. એલિફન્ટ ફોલ્સ અત્યંત સુંદર છે. એની આસપાસની લીલોતરી અને શાંત વાતાવરણ મનમોહક છે. જો તમે એડવેન્ચર સ્પોર્ટ્સના શોખીન હોવ તો પણ આ જગ્યા તમારા માટે બેસ્ટ છે. અહીં ટ્રેકિંગ પણ થઇ શકે છે. એલિફન્ટ ફૉલ્સ તમે સવારે દસથી સાંજે છ વાગ્યા સુધી જઇ શકો છો. આ જગ્યાએ એન્ટ્રી ફીઝ પર પર્સન વીસથી ત્રીસ રૂપિયા રહેશે.
સ્વીટ ફૉલ્સ
મેઘાલયના સૌથી ઊંચા ધોધમાંથી એક એટલે સ્વીટ વોટરફૉલ. આ જગ્યા અત્યંત સુંદર છે, પણ ઘણી ઊંચાઇએ હોવાથી ઘણા લોકો અહીં આવતા ડરે છે. મતલબ કે સ્વીટ ફૉલ્સ આવવું હોય તો ખૂબ જ સાવચેતી રાખવી એ પહેલી શરત છે. અહીં વસતા લોકોનું કહેવું છે કે આ જગ્યા હોન્ટેડ પણ છે. અહીં ઘણા લોકો સાથે અજીબોગરીબ ઘટના ઘટી છે એટલે અહીં જવાનું બધા ટાળતા જ હોય છે. અહીં જમીન સ્લીપરી છે એટલે ધોધની નજીક જવાનું રિસ્ક ન લેવું જોઇએ, દૂરથી તમે ધોધને જોઇ શકો છો. સ્વીટ ફૉલ્સ જગ્યા વિશે લોકવાયકા ઘણી છે, પણ જગ્યા એટલી સુંદર છે કે પર્યટકો લોકલ ગાઇડ અને વાહનો લઇને અહીંની મુલાકાત સાવચેતીથી લેતા હોય છે. અહીં જવાનો સમય સવારે 9:00થી સાંજે 6:00 સુધીનો છે.
રેઇન્બો ફૉલ્સ
રેઇન્બો ફૉલ્સ જંગલમાં વચ્ચે છે. આ જગ્યા મેઘાલયની ઓછી એક્સપ્લોર થયેલી જગ્યા છે. જંગલમાં અંદરની તરફ હોવાના કારણે ઘણા લોકો ત્યાં જવાનું સ્કિપ કરતા હોય છે. અહીં મોટાભાગે મેઘધનુષ જોવા મળતું હોય છે એટલે ધોધનું નામ રેઇન્બો રાખવામાં આવ્યું છે. આ ધોધ સુધી પહોંચવા માટે તમારે 3થી 4 કલાકનો રસ્તો પસાર કરીને અંદર જવું પડશે. મજાની વાત એ છે કે આ ધોધ સુધી પહોંચવાનો રસ્તો ભલે લાંબો હોય પણ અત્યંત સુંદર છે. રસ્તામાં તમને મેઘાલયનો ડબલડેકર ટ્રી બ્રિજ પણ જોવા મળશે. આને ચેરાપુંજીની યુનિક જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. ટ્રેકિંગના શોખીન લોકો માટે આ જગ્યા આહલાદક અને મેમરેબલ અનુભવ બની રહેશે. રેઇન્બો વોટરફૉલ્સ જોવાનો સમય સવારે 7:00થી સાંજે 5:00 સુધીનો જ છે. અહીં 20 રૂપિયા એન્ટ્રી ફીઝ રહેશે.
વાહ કાબા ફૉલ્સ
વાહ કાબા ફૉલ્સ એ મેઘાલયના બીજા સુંદર ધોધમાંનો એક છે. વાહ કાબા ઊંડો ધોધ છે. અહીં ધોધની સાથે આસપાસનાં દૃશ્યો પણ ખૂબ જ રમણીય છે. અલબત્ત, આ જગ્યાએ ચોમાસા દરમિયાન આવવું વધારે યોગ્ય રહેશે, કેમ કે ચોમાસા વખતે વાહ કાબાની સુંદરતા અપરંપાર હોય છે. વાહ કાબાને ચોમાસાના સમયનો મસ્ટ વૉચ વોટરફૉલ કહેવાય છે. અહીં સવારે 6:00થી સાંજે 5:00 વાગ્યા સુધી આવી શકો છો. પાંચ વાગ્યા પછી આ જગ્યાને ખાલી કરી દેવાની હોય છે. મેઘાલયના બીજા સુંદર ધોધ વિશે આવતા અઠવાડિયે વાત કરીશું.