દિલ્હીના હરિનગર પોલીસ સ્ટેશનમાં એક રાતે ફોનની ઘંટડી વાગી. રાતનો સમય હતો અને ફોનની બીજી બાજુએ એક અજાણ્યો અવાજ હતો.
``પોલીસ સ્ટેશનની બહાર એક લાશ પડેલી છે'' ફોન પરની વ્યક્તિએ અત્યંત ઠંડા સ્વરમાં કહ્યું. હેડ કોન્સ્ટેબલે તરત જ બીજા અધિકારીઓને આ વાતની જાણ કરી અને તેમણે સાથે લઈને પોલીસ સ્ટેશનની બહાર પહોંચ્યા. ત્યાં એક કન્ટેનર દેખાયું, જે દોરડાથી ચુસ્ત રીતે બાંધેલું હતું. જ્યારે પોલીસે તેને ખોલ્યું, તો અંદર એક લાશ હતી, પરંતુ લાશનું માથું ગાયબ હતું. લાશની ઓળખ શક્ય ન હતી. કન્ટેનરમાં એક ચિઠ્ઠી પણ મળી, જેના પર સહી તરીકે `C.C' લખેલું હતું. ચિઠ્ઠીમાં સાથે એમ પણ લખ્યું હતું કે, ``પકડી શકો તો પકડી લો.'' આ ચિઠ્ઠીએ પોલીસને ચોંકાવી દીધી. શરૂઆતમાં તેમને લાગ્યું કે આ એક સામાન્ય હત્યાનો કેસ છે, પરંતુ આ ચિઠ્ઠીએ આખી ઘટનાને રહસ્યમય બનાવી દીધી.
ચિઠ્ઠી પોલીસને સંબોધીને લખવામાં આવી હતી. તેમાં હત્યારાએ હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ પણ કરી હતી. ચિઠ્ઠી લખનારે હત્યારાનો દાવો કર્યો હતો કે, જ્યારે તે તિહાડ જેલમાં પોતાની સજા કાપી રહ્યો હતો ત્યારે તેને તિહાડ જેલમાં ત્રાસ આપવામાં આવ્યો હતો. ચિઠ્ઠીમાં હત્યારાનો ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. ચિઠ્ઠીના અંતે `C.C'ની સહી હતી. પોલીસે તપાસ શરૂ કરી અને બાદમાં જાણવા મળ્યું કે ચિઠ્ઠીમાં ઉલ્લેખિત અપરાધ 20 નવેમ્બર, 2003નો હતો, જ્યારે એક સમાન ઘટનામાં જ માથા વગરની લાશ મળી હતી, જેનો કેસ આજ સુધી સોલ્વ થયો નથી.
ચિઠ્ઠી મળ્યા બાદ એ તો સ્પષ્ટ થઈ ગયું હતું કે, હત્યારો તિહાડ જેલનો પૂર્વ કેદી છે. પોલીસ સ્ટેશનની બહારથી માથા વગરની લાશ મળ્યા બાદ અન્ય બે લાશ આ જ રીતે મળી આવી કે જેમનાં અંગો પણ ગાયબ હતાં. આ ઘટનાઓની વધુ તપાસ કરતાં પોલીસની સામે એક નામ આવ્યું ચંદ્રકાંત ઝા. વધુ તપાસ કરતાં એ પણ ખબર પડી કે ચંદ્રકાંત ઝા નામની આ વ્યક્તિ 2 કે 3 નહીં, પરંતુ 18 જેટલી હત્યાઓ સાથે સંકળાયેલો છે.
ચંદ્રકાંત ઝાનો જન્મ વર્ષ 1967માં બિહારના મધેપુરા જિલ્લાના ઘોસાઈ ગામમાં થયો હતો. તેના પિતા રાધેકાંત ઝા સિંચાઈ વિભાગમાં કામ કરતા હતા, જ્યારે તેની માતા ચંપાદેવી શાળામાં શિક્ષિકા હતી. ઝાનો પરિવાર સંપન્ન હતો અને તેના પાંચ ભાઈ-બહેનોમાંથી બે સીઆરપીએફ અને બિહાર રાજ્ય પોલીસમાં નોકરી કરતા હતા, પરંતુ ચંદ્રકાંતનું બાળપણ એટલું સરળ નહોતું. તેની માતા એક કડક અને આક્રમક સ્વભાવની મહિલા હતી અને નોકરીના કારણે ઘરે ઓછો સમય આપી શકતી. આના પરિણામે ચંદ્રકાંતને પરિવારનો પ્રેમ અને હૂંફ ઓછાં મળ્યાં. આ ભાવનાત્મક ખોટ તેના જીવનનો એક મહત્ત્વનો ભાગ બની ગઈ.
ચંદ્રકાંતને ભણવામાં રસ નહતો અને આઠમા ધોરણ પછી તેણે શાળા છોડી દીધી. વર્ષ 1986માં માત્ર 19 વર્ષની ઉંમરે તે નોકરીની શોધમાં દિલ્હી આવ્યો. અહીં તે આઝાદપુર મંડીમાં શાકભાજી વેચવા લાગ્યો. તેનું જીવન સામાન્ય લાગતું હતું. એક શાકભાજીનો ફેરિયો, જે દિલ્હીનાં બજારોમાં શાકભાજીનો ધંધો કરે છે. તેણે બે લગ્ન કર્યાં; પ્રથમ લગ્ન એક વર્ષમાં જ તૂટી ગયાં, જ્યારે બીજાં લગ્નથી તેને પાંચ દીકરીઓ થઈ, પરંતુ તેમ છતાંય તે મોટાભાગે પોતાના પરિવારથી દૂર રહેતો.
ચંદ્રકાંતની ખૂની સફરની શરૂઆત 1998માં થઈ, જ્યારે તેણે પોતાના સાથી વેપારી પંડિતની હત્યા કરી. આ હત્યા એક ઝઘડાનું પરિણામ હતું, જેમાં ચંદ્રકાંતે પંડિતના હાથ પર છરીથી હુમલો કર્યો હતો. પંડિતે પોલીસમાં ફરિયાદ કરી અને ચંદ્રકાંતની ધરપકડ થઈ. જેલમાંથી છૂટ્યા પછી તેણે બદલો લેવાનું નક્કી કર્યું. તેણે પંડિત સાથે મિત્રતા નિભાવવાનો ઢોંગ કર્યો અને તેની હત્યા કરી દીધી. આ હત્યા એટલી ચતુરાઈથી કરવામાં આવી કે પંડિતનું માથું ક્યારેય મળ્યું નહીં અને તેના મૃત શરીરની પણ ઓળખ થઈ નહીં. આ કેસ અપવાદમાં રહ્યો અને ચંદ્રકાંત સામે પૂરતા પુરાવા ન હોવાથી તેને 2002માં છોડી મૂકવામાં આવ્યો.
આ ઘટનાએ ચંદ્રકાંતના મનમાં પોલીસ પ્રત્યેના ગુસ્સામાં વધારો કરવાનું કામ કર્યું. તેનું માનવું હતું કે દિલ્હી પોલીસે તેની સાથે અન્યાય કર્યો, તેની સાથે ખરાબ વર્તન કર્યું અને તેની ધરપકડ દરમિયાન તેને હેરાન કર્યો. આ ગુસ્સો તેના હત્યાના રસ્તાને વધુ ભયાનક બનાવવાનો હતો.
2002માં જેલમાંથી છૂટ્યા પછી ચંદ્રકાંતે હત્યાઓનો એક ભયંકર દોર શરૂ કર્યો. તેની હત્યાઓની પદ્ધતિ હંમેશાં એકસરખી હતી. તે બિહાર અને ઉત્તર પ્રદેશના સ્થળાંતરિત મજૂરોને પોતાની મિત્રતાની જાળમાં ફસાવતો. તે તેમને નાની-મોટી નોકરીઓ અપાવતો, ભોજન આપતો અને પોતાના ઘરે રહેવા દેતો, પરંતુ નાની-નાની બાબતો જેમ કે, દારૂ પીવો, માંસ ખાવું, સ્ત્રીઓ સાથે સંબંધ રાખવો કે જૂઠું બોલવું તેના માટે હત્યા કરવા માટેનું કારણ બની જતું.
2003માં તેણે શેખર અને ઉમેશ નામના બે લોકોની હત્યા કરી. શેખરને તેણે દારૂ પીવાની અને જૂઠું બોલવાની આદતના કારણે મારી નાખ્યો, જ્યારે ઉમેશની હત્યા `વિશ્વાસઘાત'ના નામે કરવામાં આવી. 2005માં ગુડ્ડુ નામનો એક યુવાન, જે ગાંજાનું સેવન કરતો હતો, તેનો શિકાર બન્યો. 2006માં અમિત નામના યુવાનને `સ્ત્રીઓ સાથે અયોગ્ય વર્તન'ના કારણે મારી નાખવામાં આવ્યો. 2007માં ઉપેન્દ્ર અને દિલીપ તેના શિકાર બન્યા. ઉપેન્દ્રની હત્યા એક મિત્રની દીકરી સાથેના સંબંધને લીધે થઈ,
જ્યારે દિલીપને તેની માંસ ખાવાની આદતના કારણે ચંદ્રકાંતે મોતને ઘાટ ઉતારી દીધો.
ચંદ્રકાંતની હત્યાઓની પદ્ધતિ અત્યંત નિર્દય હતી. તે શિકારને રાત્રે આશરે 8 વાગ્યે પોતાના હૈદરપુર ખાતેના ઘરે બોલાવતો અને હાથ બાંધી દેતો, એમ કહીને કે તેને `સજા' આપવી છે. પછી તે શાકભાજી સુધારવાના ચાકુ વડે તેનું ગળું કાપીને હત્યા કરતો. હત્યા પછી તે શરીરના ટુકડા કરી નાખતો અને તેનું માથું યમુના નદીમાં ફેંકી દેતો, કારણ કે તે માનતો હતો કે આમ કરવાથી મૃતકના આત્માને `મોક્ષ' મળે છે. શરીરના બાકીના ભાગોને તે પ્લાસ્ટિકની થેલીઓમાં ભરીને દિલ્હીનાં અલગ-અલગ સ્થળો પર, ખાસ કરીને તિહાડ જેલના દરવાજા નજીક ફેંકી દેતો.
ચંદ્રકાંત ઝાની હત્યાઓની સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે તે પોલીસને ખુલ્લો પડકાર ફેંકતો. તે શરીરના ટુકડાઓ સાથે હસ્તલિખિત ચિઠ્ઠીઓ મૂકતો, જેમાં તે પોલીસને ગાળો આપતો અને તેને પકડવાની ચેલેન્જ આપતો. આ નોંધોમાં તે પોતાને `CC' (ચંદ્રકાંત ઝા) તરીકે ઓળખાવતો અને લખતો, `તુમ્હારા બાપ + જીજાજી.' વર્ષ 2006માં તેણે એક લાશને તિહાડ જેલના દરવાજા નજીક મૂકી અને પોલીસને ફોન કરીને જાણ કરી કે તેઓ તેને પકડી શકે તો પકડી લે. તેની આવી સનકી હરકતોએ દિલ્હી પોલીસને હચમચાવી દીધી.
ચંદ્રકાંતની આ હરકતો માત્ર હત્યા નહોતી, પરંતુ એક મનોવૈજ્ઞાનિક રમત હતી. તેને પોલીસને ચીડવવામાં અને તેમની નિષ્ફળતાને ઉજાગર કરવામાં આનંદ આવતો. તેનું કહેવું હતું કે પોલીસના `અત્યાચાર'ના કારણે તે સીરિયલ કિલર બન્યો. આ દાવો જોકે કોર્ટે ફગાવી દીધો, પરંતુ તેણે પોલીસની કાર્યપદ્ધતિ પર પ્રશ્નો ઊભા કર્યા.
ચંદ્રકાંતની ખૂની સફરનો અંત 20 મે, 2007ના રોજ આવ્યો, જ્યારે દિલ્હી પોલીસે તેને ધરપકડ કરી. તેની સામે કુલ 14 એફઆઈઆર નોંધવામાં આવી, જેમાંથી સાત હત્યાના કેસ હતા, પરંતુ પુરાવાઓના અભાવે તે 12 કેસમાંથી છૂટી ગયો. તેની વિરુદ્ધ ત્રણ હત્યાઓ અમિત (2006), ઉપેન્દ્ર (2007) અને દિલીપ (2007)ના કેસમાં પુરાવા મજબૂત હતા. આ ત્રણેય કેસમાં શરીરના ટુકડાઓ તિહાડ જેલની બહાર મળ્યા હતા અને તેની લેખિત નોંધો પોલીસને મળી હતી.
ફેબ્રુઆરી, 2013માં દિલ્હીની એક ટ્રાયલ કોર્ટે ચંદ્રકાંતને ત્રણ હત્યાઓના કેસમાં દોષી ઠેરવ્યો. એડિશનલ સેશન્સ જજ કામિની લાઉએ તેને બે કેસમાં મૃત્યુદંડ અને એક કેસમાં આજીવન કેદની સજા સંભળાવી. કોર્ટે જણાવ્યું કે તેના ગુનાઓ `અત્યંત નિર્દય અને ભયાનક' હતા અને તેની સુધારણાની કોઈ શક્યતા નથી. જજે એમ પણ નોંધ્યું કે આ કેસે પોલીસની કામગીરીની ખામીઓને ઉજાગર કરી, પરંતુ આનો અર્થ એ નથી કે કોઈને હત્યા કરવાનો અધિકાર મળે.
જાન્યુઆરી, 2016માં દિલ્હી હાઈકોર્ટે તેની મૃત્યુદંડની સજાને રદ કરી અને આજીવન કેદની સજા ફટકારી. કોર્ટે જણાવ્યું કે ચંદ્રકાંતને `જરૂરી અને પૂરતી સજા' આપવી જરૂરી છે, પરંતુ મૃત્યુદંડ આ કેસમાં યોગ્ય નથી.
ચંદ્રકાંત ઝાની વાર્તા અહીં સમાપ્ત થતી નથી. ઓગસ્ટ, 2023માં દિલ્હી હાઈકોર્ટે તેને 90 દિવસનો પેરોલ આપ્યો, કારણ કે તેણે પોતાની મોટી દીકરીનાં લગ્ન માટે `યોગ્ય વર' શોધવાનું કારણ આપ્યું હતું. કોર્ટે નોંધ્યું કે તેણે 15 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યો છે અને તેનું વર્તન સંતોષકારક રહ્યું છે, પરંતુ ચંદ્રકાંતે આ પેરોલનો દુરુપયોગ કર્યો. નવેમ્બર, 2023માં તેનો પેરોલ સમય પૂરો થયો, પરંતુ તે જેલમાં પરત ફર્યો નહીં. તે ફરાર થઈ ગયો અને દિલ્હી પોલીસે તેની ધરપકડ માટે ₹ 50,000નું ઇનામ જાહેર કર્યું. આખરે 17 જાન્યુઆરી, 2025ના રોજ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે તેને ઓલ્ડ દિલ્હી રેલવે સ્ટેશન પરથી ઝડપી લીધો, જ્યારે તે બિહાર ભાગી જવાની ફિરાકમાં હતો.
ચંદ્રકાંત ઝાની વાર્તા માત્ર હત્યાઓની નથી, પરંતુ એક એવા મગજની છે, જે નફરત, ગુસ્સો અને બદલાની ભાવનાથી ભરેલું હતું. તેનું માનવું હતું કે તેની સાથે થયેલા `અન્યાય', ખાસ કરીને દિલ્હી પોલીસના હાથે તેને હત્યારો બનાવ્યો. તેની હત્યાઓની પદ્ધતિમાં એક વિચિત્ર નિયમિતતા હતી: તે પોતાના શિકારને પોતાનો ભાઈ માનતો, પરંતુ નાની ભૂલો પર તેની હત્યા કરી નાખતો. તે શરીરના ટુકડા કરવામાં એટલો નિષ્ણાત હતો કે લોહીનો છાંટો પણ ઓછો થાય.
ચંદ્રકાંત ઝાની વાર્તા એ એક એવા માણસની વાર્તા છે, જે એક સામાન્ય શાકભાજી વેચનારથી દેશના સૌથી નિર્દય સીરિયલ કિલરમાં પરિવર્તિત થયો. તેની હત્યાઓ, તેની પોલીસને ચેલેન્જ આપવાની હિંમત અને તેની નિર્દયતાએ દિલ્હીને હચમચાવી દીધી. આજે તે જેલમાં છે, પરંતુ તેની વાર્તા લોકોને એક ચેતવણી આપે છે કે કેવી રીતે એક માણસનું મન, જો નફરત અને બદલાની ભાવનાથી ભરાઈ જાય, તો સમાજ માટે કેટલું ખતરનાક બની શકે છે.
