હેલો હેલો હેલો, 14 તારીખ જેમ જેમ નજીક આવે છે તેમ તેમ હવામાં પ્રેમનું તત્ત્વ વધતું રહે છે. જો યુવાઓ આ દિવસનો લાભ ઉઠાવવાનું પ્લાનિંગ કરતા હોય, તો કંપનીઓ આ દિવસની ભાવનાને રોકડી કરવાનું પ્લાનિંગ શા માટે ન કરે?
ખાસ કરીને વિદેશોમાં યુવાઓ સેક્સ્યુઅલી બેનિફિટ પણ ઉઠાવતા હોય છે. વેલેન્ટાઇન ડે એ બ્રાન્ડ્સ માટે તેમની મનમોહક માર્કેટિંગ વ્યૂહરચનાઓ દ્વારા ગ્રાહકો સાથે પ્રેમની ઉજવણી કરવાનો ઉત્તમ સમય છે, પરંતુ આવેલી તકનો લાભ ઉઠાવવાના અતિ ઉત્સાહમાં વેલેન્ટાઇન ડે પર ગરબડ ગોટાળા પણ થઇ જતા હોય છે, તો માણો અને હસો.
એક ભૂતિયા ગેમે 2019માં ડેટિંગ એપ્લિકેશન વેલેન્ટાઇન ડે પર ઇ-મેલ મોકલ્યા અને સબ્જેક્ટ લાઈન લખી `કોઈ તમને પ્રેમ કરતું નથી? અમે કરીએ છીએ!' હેતુ ઉમદા હોવા છતાં સહાનુભૂતિના અભાવને કારણે નિશાન ચૂક થઇ ગયું, કેમ કે આ મેસેજથી જેઓ એકલા હતા તેમને પ્રેમના દિવસે એકલતાનો વધુ અહેસાસ થયો અને દુઃખી થઇ ગયા. વળી, એક સ્ટ્રીમિંગ સેવાએ વપરાશકર્તાઓના વૉચલિસ્ટના આધારે વપરાશકર્તાઓને `બ્રેકઅપ મૂવીઝ'ની ભલામણ કરવાની ભૂલ કરી નાખી હતી. હવે જે કપલ્સ બ્રેકઅપમાંથી પસાર થતાં હતાં તેમના માટે તો સંભવિત રૂપે મુશ્કેલ સમય હતો, તેથી આ ભલામણ કરવાની પહેલ બેકફાયર થઇ. એટલું જ નહિ એક ટ્રાવેલ કંપનીએ ગ્રાહકોને વ્યક્તિગત ઈ-મેલ મોકલ્યા, તેઓની ભૂતકાળની ટ્રિપ્સને યાદ કરીને, વેલેન્ટાઇન ડે માટે રોમેન્ટિક સ્થળોનું સૂચન કરવા માટે. ઈ-મેલ પ્રાપ્તકર્તાઓમાંથી અમુકને ખર્ચો માથે પડ્યો હતો, કારણ કે તેઓ કપલ રહ્યાં જ ન હતાં. તેમના માટે ઈ-મેલ વધુ પીડાદાયક રિમાઇન્ડર જેવું હતું, ઈ-મેલ બેકફાયર થયો અને કંપનીએ સૂચનોને બદલે ગાળો મેળવી. આને કહેવાય ખોટા તારને ઝંઝણાવવો.
બર્ગરના રાજાએ પીરસ્યું એડલ્ટ મીલ અને ખાધું પીધું કાંઈ નહિ ને બબાલ ઉપરથી જેવું થયું. ઇઝરાયેલમાં આ રાજાએ વેલેન્ટાઇન ડે માટે `એડલ્ટ મીલ' બહાર પાડ્યું, જેમાં બે વ્હોપર્સ, બે ફ્રાઈસ, બે બિયર અને એક એડલ્ટ ટોયનો સમાવેશ થાય છે. યુગલોને વિશેષરૂપે અપીલ કરવા જતા યુવાઓ સિવાયના ગ્રાહકો પર અવળી અસર થઇ, એડલ્ટ ટોયના સમાવેશથી વિવાદ તો થયો જ સાથે અન્ય વયના ગ્રાહકોએ વિચાર્યું કે આ ફાસ્ટ ફૂડ ચેઇન ફક્ત પુખ્ત વયના યુવાઓ માટે જ યોગ્ય છે. એક જ્વેલર્સે ઓફર મૂકી એક ખરીદો, એક ભેટ આપો (`Buy One, Gift One (Wink Wink!'). ઉદ્દેશ ગ્રાહકોને ડિસ્કાઉન્ટ કિંમતે બીજી આઇટમ ઓફર કરીને પ્રમોશન સાથે લલચાવવાનો હતો. હવે આમાં બે લોચા પડ્યા. એક તો જાહેરાતમાં The playful wink `રમતિયાળ આંખ મારવામાં આવી હતી.' (લે એમાં શું? ભારતમાં સંસદમાં આંખ મારવામાં આવી જ હતી ને!) અને બીજો સૌથી મોટો લોચો એટલે `Gift One', `maybe someone else/ કદાચ કોઈ અન્ય'નો સૂચક સ્વર જ બેવફાઈ સૂચવે છે, એક તો પોતાની પ્રેમિકા માટે ખરીદે, પણ બીજું? બીજું જો યુવક ઓછી કિંમતે ખરીદે તો પહેલીવાળી માર મારે કે નહિ? કયો પ્રેમી આ દિવસે જોખમ લે? અને છેવટે બ્રાન્ડની છબી કલંકિત થઇ ગઈ.
રેસ્ટોરાંનો સ્ટાફ દર વર્ષે વાર્ષિક રોમાન્સની રાત્રિએ અતિશય લાડપ્યારથી માંડીને ચીસો પાડતી યુવતીઓ સુધી સારી અને ખરાબ બાજુ જુએ છે. એક દંપતી રેસ્ટોરાંના આરામદાયક ખૂણામાં જતાંની સાથે તરત જ એકબીજાને પ્રેમ (!) કરવાનું શરૂ કરે છે. મેઝેનાઇન વિસ્તારમાં ભોજન કરનારાઓ માટે `નજારો' હતો. આવા ગરબડ ગોટાળા કરતા તમે સામાન્ય દિવસે કરો છો તેમ મર્યાદામાં આલિંગન કરવું શાણપણ છે. તહેવારના ઉત્સાહમાં વહેવારની ઉપેક્ષા ગરબડ ગોટાળા સર્જે છે.
પાછલાં વર્ષોમાં ગૂગલકાકાને પૂછવામાં આવતો પ્રમુખ પ્રશ્ન રહ્યો છે, `વેલેન્ટાઇન ડે ક્યારે છે?' તેમાંય આ પ્રશ્ન પૂછવામાં પુરુષોની સંખ્યા વધારે હોય છે!