2025ના આગમનની આખી દુનિયામાં ધામધૂમથી ઉજવણી થઈ અને લોકોના ઘરે કેલેન્ડર પણ બદલાઈ ગયાં. એમ તો આખી દુનિયામાં કેટલાય સમુદાયો છે. તેમનાં નવા વર્ષ અલગ અલગ હોવા છતાં આખી દુનિયામાં વ્યવહારમાં અંગ્રેજી કેલેન્ડર જ ઉપયોગમાં લેવાય છે. છતાં એ અંગ્રેજી કેલેન્ડરનો ઉપયોગ વધુ હોવા છતાં આખી દુનિયામાં એક બે નહીં 40 કેલેન્ડરોનો વપરાશ લોકો કરે છે.

જોકે, એ પૈકીનાં 11 કેલેન્ડરો એટલે કે આપણી ભાષામાં પંચાગ કહેવાય એ બહુ જાણીતાં અને બહુ વપરાશમાં લેવાય છે.

દરેક સમાજ કે સમુદાયનાં કેલેન્ડરો અલગ હોવાને કારણે તેના પર સંસ્કૃતિ, ધર્મ અને ખગોળશાસ્ત્રનો વધુ પ્રભાવ જોવા મળે છે. જેમ જેમ માનવ વિકાસ થતો ગયો એમ સમયમાપનની સાથે સાથે કેલેન્ડર પણ રચાતાં ગયાં હતાં. ફ્રાંસમાં મળેલા પુરાવાને ધ્યાનમાં રાખીએ તો કેલેન્ડરની પ્રથા 30,000 હજાર વર્ષ જૂની છે એમ કહી શકાય. પ્રાચીન સમયમાં સુમેરિયાઈ, મિશ્ર અને માયા સંસ્કૃતિમાં કેલેન્ડરનો ઉપયોગ થતો હતો. ભારતમાં હિન્દુ પંચાંગનો ઉપયોગ ઈસવીસન પૂર્વે 1000 વર્ષ પહેલાંથી થતો આવ્યાના પુરાવા મળે છે. એ જ રીતે ઈસવીનસન પૂર્વે 46 વર્ષથી જુલિયન કેલેન્ડર પ્રચલિત થયું છે. એ કેલેન્ડરનો ઉપયોગ 1600 વર્ષ સુધી થતો રહ્યો છે.

કેલેન્ડર મહદ્અંશે ચાર પ્રકારનાં ગણાય છે : 1. સોલર કેલેન્ડર, 2. લુનાર કેલેન્ડર, 3. લુનાર સોલર કેલેન્ડર અને 4. સીડ્રિયલ કેલેન્ડર. આ ચારે કેલેન્ડરનો આધાર તો સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીની ગતિ જ છે. સૂર્યની પરિક્રમા દરમિયાન પૃથ્વી પરથી આકાશમાં જુદા જુદા તારા અને નક્ષત્ર જોવા મળે છે. મિશ્ર, ગ્રીક અને બેબિલોનિયન સમાજોએ તારાની ગતિના આધારે સીડ્રિયલ કેલેન્ડર બનાવ્યું હોવાનું માનવામાં આવે છે. એક સીડ્રિયલ વર્ષ એટલે પૃથ્વીના સૂર્યની ફરતે પરિક્રમા માટે લાગતો સમય એટલે કે 365.2564 દિવસ.

કેલેન્ડરનો એક આધાર નક્ષત્ર પણ છે. આધુનિક ખગોળશાસ્ત્ર મુજબ સત્તાવાર રીતે 88 નક્ષત્રો કે તારામંડળ હોવાનું માનવામાં આવે છે. આ નક્ષત્રોમાં કેટલાંક નક્ષત્ર તો બેબિલોનિયન, ગ્રીક અને અરબી સભ્યતામાંથી લેવામાં આવ્યા છે. આપણા હિન્દુ કેલેન્ડરની વાત કરીએ તો આપણું પંચાગ લુનાર સોલાર કેલેન્ડર છે. મતલબ કે આપણું પંચાંગ ચંદ્ર અને સૂર્ય બંનેની ગતિને ધ્યાનમાં રાખે છે. 12 મહિનાવાળા આ કેલેન્ડરમાં 7 મહિનાઓના દિવસ 30 છે, તો પાંચ મહિનાના દિવસ 31 છે. હિન્દુ કેલેન્ડર ચૈત્ર માસની પહેલી તારીખથી શરૂ થાય છે. મતલબ કે કેલેન્ડર 22 માર્ચે શરૂ થાય છે. જોકે, વિક્રમ સંવતના હિસાબે હિન્દુ કેલેન્ડરનું પહેલું વર્ષ ઈસવીસન પૂર્વે 57 મું વર્ષ હતું. જ્યારે શક સંવતના હિસાબે એ પહેલું વર્ષ ઈસવીસન પૂર્વે 78 મા વર્ષે હતું. એમ તો કારતક મહિનાથી પણ પહેલો મહિનો ગણાવામાં આવે છે. મતલબ કે દિવાળી એ આપણા કેલેન્ડરનો છેલ્લો દિવસ પણ ગણાય છે.

એ જ રીતે જોઈએ તો યહૂદીઓનું કેલેન્ડર પણ લુનાર સોલાર કેલેન્ડર છે. હિબ્રુ કેલેન્ડર બેબેલોનિયન કેલેન્ડર પરથી જ બન્યું છે. જોકે, તેનું હાલનું સ્વરૂપ ઈસવીસન 359મા વર્ષમાં ઘડાયું હતું. જોકે, એમાં દિવસની શરૂઆત સૂર્યાસ્ત સાથે થાયે છે. દિવસનાં નામ નહીં પણ નંબર અપાયા છે. જોકે, સાતમા દિવસને સબાથ કહેવામાં આવે છે. એ કેલેન્ડરમાં વર્ષ પણ ત્રણ પ્રકારના છે:

ડેપિસિઅન્ટ, રેગ્યુલર અને કમ્પ્લીટ. આ વર્ષ પણ લીપ અને નોન લીપ વર્ષમાં વહેંચાયેલા છે. મહિના 12 કે 13 હોય અને વર્ષના દિવસ 354થી 385 હોય છે.

ધર્મના હિસાબે ઈસ્લામિક કેલેન્ડરનો પણ વ્યાપક ઉપયોગ થાય છે. ઈસ્લામિક કેલેન્ડર ચંદ્ર પર આધારિત છે. એ કેલેન્ડરમાં 12 મહિનાઓના દિવસ 29.5 હોય છે. મતલબ કે એક વર્ષના દિવસ 354 હોય છે, પરંતુ અડધા દિવસનો કોઈ અર્થ રહેતો નથી, તેથી કોઈ મહિનો 29 દિવસનો હોય તો કોઈ 30 દિવસનો હોય છે. આ કેલેન્ડર સૌ પહેલાં ઈસવીસન 622મા વર્ષે ઉપયોગમાં લેવાયું હતું. જ્યારે ઈજિપ્તના લોકોએ બનાવેલું મિસ્ર કેલેન્ડર જુલિયસ સિઝરે અપનાવેલા જુલિયન કેલેન્ડર પરથી બન્યું છે. મિસ્રી કેલેન્ડરમાં વર્ષના દિવસ 365.25 હોય છે. મતલબ કે દર ચોથું વર્ષ લીપ યર હોય છે. વળી, પહેલી વખત વર્ષની શરૂઆત જાન્યુઆરીથી કરવાની પ્રથા શરૂ કરાઈ હતી.

જ્યારે આધુનિક કેલેન્ડર એટલે ગ્રેગોરિયન કેલેન્ડર છે. 1569 માં અપનાવાયેલું આ કેલેન્ડર ઈસુ ખ્રિસ્તના જન્મદિવસથી વર્ષની શરૂઆત થાય છે. એ પરથી અત્યારે આપણે જે ઉપયોગમાં લઈએ છીએ એ અંગ્રેજી કેલેન્ડર વિકસિત કરાયું છે. એ ઉપરાંત જુદી જુદી સભ્યતાના કેલેન્ડરો પણ જોવા મળે છે, તો સોવિયેત સંઘના કાળમાં સોવિયેત કેલેન્ડર પર ઉપયોગમાં લેવાતું હતું.