જૈન ધર્મમાં આર્દ્રા નક્ષત્રમાં સૂર્યપ્રવેશની સાથે જ કેરીનો
ત્યાગ કરવાની યોગ્ય પ્રથા છે
આપણે ત્યાં સામાન્ય જનજીવનમાં નિર્જળા એકાદશી (ભીમ અગિયારસ) આવે અને આર્દ્રા નક્ષત્ર બેસે એટલે ચોમાસાનો આરંભ ગણવામાં આવે છે. ગામડાંના લોકોના મોઢે આ દિવસોમાં તો એક કહેવત અવશ્ય સાંભળવા મળે છે કે `જો વરસે આદરાં તો બારેય માસ પાધરા.' આ કહેવત આર્દ્રા નક્ષત્રના પ્રભાવ અંગે ઘણું બધું સૂચવે છે.
જ્યોતિષશાસ્ત્રમાં નક્ષત્ર શબ્દ બે રીતે
જુદાજુદા અર્થમાં વપરાય છે
(1) નક્ષત્ર એટલે વિવિધ તારાઓનું ઝૂમખું. જેમાં વિવિધ તારાઓ વચ્ચેનું અંતર આપણને પૃથ્વી પરથી કાયમ માટે એકસરખું જણાતું હોવાથી નક્ષત્રનો આકાર હજારો વર્ષ સુધી લગભગ જળવાઇ રહે છે. આ આકારને કારણે આકાશદર્શન સમયે જે તે નક્ષત્ર સારી રીતે અને સરળતાથી ઓળખી શકાય છે.
(2) નક્ષત્ર એટલે આકાશચક્ર (રાશિચક્ર) અર્થાત્ ક્રાંતિવૃત્તના એકસરખા સત્તાવીશ ભાગ પૈકીનો પ્રત્યેક અંશાત્મક વિભાગ. આમ, નક્ષત્ર એટલે 13 અંશ અને 20 કળાનું માપ. એક રાશિ બરાબર સવા બે
નક્ષત્ર થાય છે.
પંચાંગનાં પાંચ અંગો તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ પૈકીનું ત્રીજું અંગ એટલે નક્ષત્ર. આ નક્ષત્ર 800 કળા (13 અંશ અને 20 કળા) ના માપ તરીકે વપરાય છે. સૂર્ય, ચંદ્ર, મંગળ વગેરે ગ્રહો પોતાની વધતી ઓછી ગતિ પ્રમાણે સત્યાવીશ નક્ષત્રમાં ભ્રમણ કરે છે. ચંદ્ર એક નક્ષત્રમાં આશરે ચોવીસ કલાક રહે છે. સૂર્ય એક નક્ષત્રમાં 13થી 1૪ દિવસ રહે છે. અંગ્રેજી તારીખ પ્રમાણે સૂર્યનો નક્ષત્ર પ્રવેશ દર વર્ષે નક્કી હોય છે.
આપણે મુહૂર્તશાસ્ત્ર, ફળકથન તથા ખેતીવાડી – તેજી-મંદીમાં ઉપયોગી એવા સૂર્યના આર્દ્રા નક્ષત્ર બાબતે જાણકારી મેળવીએ. સત્યાવીશ નક્ષત્રો પૈકી છઠ્ઠા ક્રમાંકે આર્દ્રા નક્ષત્ર આવે છે. આર્દ્રા નક્ષત્રનો સમાવેશ મિથુન રાશિમાં થાય છે. દર વર્ષે તા. 21 કે 22 જૂનના દિવસે સૂર્યનારાયણ આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે છે.
સત્યાવીશ નક્ષત્રો પૈકી સ્વાતિથી ધનિષ્ઠા સુધીનાં નવ નક્ષત્રોમાં સૂર્યના ભ્રમણ દરમિયાન પશ્ચિમ ભારતમાં (ભારતીય ઋતુચક્ર મુજબ) શિયાળાની ઋતુ હોય છે. શતતારાથી મૃગશીર્ષ સુધીનાં નવ સૂર્યનક્ષત્રો દરમિયાન ઉનાળો હોય છે. જ્યારે આર્દ્રાથી ચિત્રા સુધીનાં નવ સૂર્યનક્ષત્રો ચોમાસાનાં ગણાય છે.
આર્દ્રાનો અર્થ ભીનું કરવું અથવા ભીંજવવું એવો થાય છે. પશ્ચિમ ભારતમાં આર્દ્રા નક્ષત્રના સૂર્યપ્રવેશની સાથે જ હવામાનમાં ભેજનું પ્રમાણ વધી જાય છે. કેરી એ ગ્રીષ્મ ઋતુનું ફળ છે. હવામાં ભેજ વધતાંની સાથે કેરીના સ્વાદમાં ફેર પડી જાય છે. ભેજને કારણે સડવાની શરૂઆત ઝડપથી થાય છે. તેમાં સૂક્ષ્મ જીવાતનું પ્રમાણ જોવા મળે છે. આથી જ જૈન ધર્મમાં આર્દ્રા નક્ષત્રમાં સૂર્યપ્રવેશની સાથે જ કેરીનો ત્યાગ કરવાની યોગ્ય પ્રથા છે.
આ વર્ષે વિક્રમ સંવત 20૭8ના જેઠ વદ નોમ ને બુધવાર તા. 22-06-2022ના રોજ સવારે ક. 11:૪૪ સમયે આર્દ્રા નક્ષત્રમાં સૂર્ય પ્રવેશ કરે છે.
જ્યોતિષ શાસ્ત્રની દૃષ્ટિએ આ સમયે વદ નવમી તિથિ છે. ચંદ્ર રેવતી નક્ષત્રમાં છે. અનાજ તથા મોલ-પાણી માટે અનુકૂળતા સૂચવે છે. શોભન નામનો યોગ હોવાથી ધાર્મિક બાબતો- ચર્ચાઓમાં વધુ રહે. આ વર્ષે આર્દ્રા નક્ષત્રનું વાહન ઘેટું છે તેથી જળાશયની માવજત તથા જળસંગ્રહનું યોગ્ય આયોજન કરવાની સલાહ છે. આ વર્ષે આર્દ્રા નક્ષત્ર 22 જૂનથી 6 જુલાઈ (જેઠ વદ ૯થી અષાઢ સુદ ૭) રહેશે.
મુહૂર્ત શાસ્ત્રમાં આર્દ્રા નક્ષત્રને ઉગ્ર માન્યું છે. આ નક્ષત્રના દેવતા શંકર છે. તંત્રશાસ્ત્રમાં સિદ્ધિદાયક ગણાય છે.
પશ્ચિમ બંગાળમાં પણ આર્દ્રા નક્ષત્રમાં સૂર્યપ્રવેશનું વિશેષ મહત્ત્વ જોવા મળે છે. તેઓ માને છે કે આજથી પૃથ્વી રજસ્વલા બને છે. વર્ષમાં એક વાર ચોર્યાસી કલાક સુધી પૃથ્વી રજસ્વલા રહે છે. અંબુ એટલે પાણી. બસી એટલે રજસ્વલા. બંગાળી અષાઢ માસના સાતમા દિવસે આ પ્રકારની પરિસ્થિતિ આવતી હોવાથી પૂર્વ ભારતનાં ક્ષેત્રોમાં આ દિવસો (પર્વ) `સાત' તરીકે ઓળખાય છે. આસામની સુપ્રસિદ્ધ સિદ્ધપીઠ કામાખ્યા દેવીનું મંદિર ત્રણ દિવસ અને ચાર રાત્રિ સુધી બંધ રહે છે. ચોથા દિવસે મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે એકત્રિત થાય છે. આ દિવસો દરમિયાન ગંગાજી, બ્રહ્મપુત્રા અને તેની એક શાખા કરતોયા નદી સિવાયની અન્ય તમામ નદીઓ મલિન (અશુદ્ધ) મનાય છે. પૂર્વ ભારતના લોકોમાં એવી માન્યતા છે કે અંબુબસીના દિવસોમાં માત્ર દૂધ કે કેરીના રસનું સેવન કરવાથી એક વર્ષ સુધી કોઈ સર્પના દંશનો ભય રહેતો નથી. સંજોગવશાત્ સર્પ દંશે તો પણ તેના વિષ(ઝેર)ની કોઈ અસર થતી નથી.
આર્દ્રા નક્ષત્રના પ્રારંભથી નવ દિવસોમાં શક્તિ- મંત્રજાપનું અનુષ્ઠાન કરવાનો ઘણા પરિવારોમાં મહિમા છે. . સાદી ભાષામાં કહેવું હોય તો જરૂર કહેવાય કે અનાજના એક કણમાંથી મણ કરવાની તાકાત ચોમાસાના પ્રથમ બળવાન નક્ષત્ર આર્દ્રામાં હોય તો તે માત્ર અમુક પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર સમાજ (કૃષિજગત) માટે મહોત્સવ
જ ગણાય.
જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યના આર્દ્રા નક્ષત્ર પ્રવેશ સમયની કુંડળી તૈયાર કરીને વર્ષા, પાક, મોલ પાણી, તીડ, અન્ય સમસ્યા તથા રાજકીય અને સામાજિક ભવિષ્ય એક વર્ષ સુધી જોવાની પ્રણાલિકા ભારતના લગભગ તમામ પ્રાંતમાં જોવા મળે છે.










