• પ્રતિભાશાળી વ્યક્તિઓ સાથે કામ કર્યાનો મને ગર્વ છે અને હું એમનો આભાર માનું છું

આલિયા ભટ્ટ તાજેતરમાં જ રણબીર કપૂર, શાહરુખ ખાન અને કરણ જોહર જેવા ઈન્ટસ્ટ્રીના નામી અને દિગ્ગજ કલાકારો સાથે કામ કરીને તેઓ ઘણું બધું શીખી ગયાં છે. ઈન્ડસ્ટ્રીમાં તમારે કેવી રીતે તમારી મહત્ત્વાકાંક્ષા કેળવવી તે હવે આલિયા ભટ્ટ સારી રીતે જાણે છે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે આ તમામ પ્રતિભાશાળી વ્યક્તિઓ સાથે કામ કર્યાનો ગર્વ અનુભવ્યો હતો અને આભાર પણ વ્યક્ત કર્યો હતો, કારણ કે આ તમામ કલાકારોએ તેમને વૈશ્વિક ફલક સુધી પહોંચાડવામાં વિશેષ મદદ કરી છે.

એક ઈન્ટરવ્યૂમાં જ્યારે આલિયા ભટ્ટને પૂછવામાં આવ્યું હતું કે, તમે તમારી લાઇફમાં ખાસ દોસ્ત કોને માનો છો? જેના જવાબમાં તેમણે તુરંત જ પોતાના પતિ રણબીર કપૂરનું નામ લીધું હતું. આલિયા ભટ્ટ તેમના પતિને સૌથી સારામાં સારા દોસ્ત માને છે. તેમણે રણબીર વિશે એમ પણ કહ્યું હતું કે, તેમણે મને ખૂબ જ મોટી શીખ આપી છે. તેમણે મને શીખવ્યું છે કે કેવી રીતે અને કેવી પરિસ્થિતિમાં શાંત રહેવું. ઉપરાંત વર્તમાનમાં જીવવું અને અન્ય લોકોને તેમનું જીવન જીવવા દેવું જેવી શિખામણ આપી છે. વધુમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે, મેં શાહરુખ ખાન સાથે જ્યારે ફિલ્મ `ડિયર જિંદગી'માં સ્ક્રીન શૅર કરી હતી ત્યારે તેમણે મારા પર મોટો પ્રભાવ પાડ્યો હતો. તેમની સમર્પણભાવના અને વ્યવસાયિક્તા મને ખૂબ જ સ્પર્શી હતી. તેમજ સેટ પર પોતાનો વ્યવહાર કેવો રાખવો જોઈએ તે હું તેમનામાંથી શીખી છું.

સંજય લીલા ભણસાલી સાથે કામ કરવાનો આપનો અનુભવ કેવો રહ્યો?

મને ખૂબ જ ખુશી થઇ હતી જ્યારે સંજય લીલા ભણસાલી સાથે કામ કરવાનો અવસર મળ્યો. ફિલ્મ `ગંગુબાઈ કાઠિયાવાડી'થી મને જે મુકામ મળ્યો છે તેની કલ્પના જ કરવી રહી. ઈન્ડસ્ટ્રીમાં તેમની સાથે કામ કરવા મળે એ સાચે જ ગર્વની વાત છે. તેઓ જે રીતે ફિલ્મના અદભુત અને આકર્ષક સેટ બનાવે છે તેનાથી એક્ટર અને એક્ટ્રેસ જ નહીં કોઈ સામાન્ય માણસ પણ આશ્ચર્ય પામી જાય છે. એક રીતે કહી શકીએ કે તેમના સેટ પર જવાથી જ કોઈ પણ વ્યક્તિ `ભણસાલીમય' જ બની જાય છે. મને આ વિશે અગાઉ રણવીર સિંહે પણ કહ્યું હતું કે, સેટ પર તેમની ઉપસ્થિતિથી જ તમે કોઈ અલગ દુનિયામાં હો એવું અનુભવી શકો છો. મને જ્યારે ફિલ્મ `ગંગુબાઈ કાઠિયાવાડી' માટે નેશનલ એવોર્ડ મળ્યો છે તે માત્ર ને માત્ર સંજય લીલા ભણસાલીથી જ શક્ય બન્યું છે. મને તેમણે આ ફિલ્મ માટે પસંદ કરી હતી અને તેમનો આ નિર્ણય યોગ્ય સાબિત થયો અને હું મારા ફેન્સ અને દર્શકોનાં દિલ જીતી શકી. સાચે જ સંજય લીલા ભણસાલી માટે હું એટલું ચોક્કસથી કહી શકું કે તેમની ફિલ્મોનાં પાત્રો તમને અમર કરી દે છે. તેમણે અત્યાર સુધી જેટલી પણ ફિલ્મો બનાવી છે તેનાં તમામ પાત્રો સૌ કોઈ સિનેરસિકો ઉપરાંત સામાન્ય માણસોને પણ આકર્ષ્યાં છે.

નેશનલ એવોર્ડ મળ્યો તો કેવું લાગે છે?

નેશનલ એવોર્ડની ખુશી સ્વાભાવિકપણે જ અવર્ણનીય છે. મારા માટે આ ગર્વની ક્ષણ હતી. જે સમયે મેં એવોર્ડ સ્વીકાર્યો ત્યારે થયું કે બસ મારો ઇન્ડસ્ટ્રીમાં આવવાનો નિર્ણય હવે સફળ થયો. એ ક્ષણે રણબીર મારી સાથે હતો અને મેં તેને કહ્યું કે આ એવોર્ડનો શ્રેય સો ટકા સંજય સરને જાય છે, મારી મહેનત ખરી પણ સંજય સરનો વિશ્વાસ મને અહીં સુધી લઇ આવ્યો છે. આલિયાએ નેશનલ એવોર્ડના દિવસે તેનાં લગ્નની જ સાડી પહેરી હતી, એ વિશે તેઓ કહે છે કે હું એક કપડાં બીજી વાર પહેરવામાં માનું જ છું, તમને ગમતાં કપડાં તમે ધારો એટલી વાર પહેરી શકો, એમાં મને કંઇ ખોટું નથી લાગતું.

ફેશનની દુનિયામાં આલિયાનો ડંકો વાગે છે!

જો ફેશન સંદર્ભે આલિયા ભટ્ટની વાત કરવામાં આવે તો તેઓ ફેશન બાબતે મેદાન મારી જાય છે, કારણ કે ફેશનની સાથે તેમની માસૂમિયત નિખાલસપણે તેમાં ભળી જાય છે. આલિયા ભટ્ટને વેસ્ટર્ન ડ્રેસ કે ઈન્ડિયન ડ્રેસ સહજ સરળતાથી શોભે છે. તેમણે તેમનાં લગ્ન સમયે પણ એકદમ લાલચટ્ટક, મરુન કે ભરચક રંગની જગ્યાએ સાદા અને આછા રંગની પસંદગી કરી અને તે વધુ સોહામણી સાબિત થઈ હતી. ફેશનની બાબતે આલિયા ભટ્ટ જણાવે છે કે, સ્ત્રીઓને પોતાની વ્યક્તિગત શૈલી, વ્યક્તિત્વ અને મનોદશાના આધારે અલગઅલગ પ્રકારનાં પરિધાનોની પસંદગી કરવાનો મોકો મળે છે. તે પછી ભલે સાડી હોય, કેઝ્યુઅલ સ્ટ્રીટ-સ્ટાઇલ લુક હોય કે પછી શાનદાર ગાઉન હોય, સ્ત્રીઓ પોતાની તિજોરીમાં રહેલાં કપડાંના માધ્યમથી પોતાની અભિવ્યક્તિ વ્યક્ત કરી શકે છે. સ્ત્રીઓએ હંમેશાં પોતાના પહેરવેશને લઇને ગર્વ કરવો જોઇએ, કારણ કે જેતે પહેરવેશ સ્ત્રીઓના આત્મવિશ્વાસમાં વિશેષ વધારો કરે છે.

આલિયા પાસે ઘણા પ્રોજેકટ્સ છે

બોલિવૂડમાં આલિયા ભટ્ટની ગણના હવે દમદાર એક્ટ્રેસીસમાં થઇ રહી છે. બોલિવૂડ ફિલ્મ મેકર્સની સાથે સાથે હોલિવૂડ ફિલ્મ મેકર્સ પણ તેમને તેમની ફિલ્મમાં લેવા માંગે છે. આલિયા ભટ્ટ પાસે હજી એવા ઘણાબધા પ્રોજેક્ટ્સ છે જેમાં તેઓ પોતાની સફળતામાં વધારો કરી શકે તેમ છે. તેમણે તાજેતરમાં જ અન્ય પ્રોડક્શનની ફિલ્મ `જિગરા'નું શૂટિંગ શરૂ કરી દીધું છે. જોકે, આ પ્રોડક્શન કરણ જોહરના પ્રોડક્શન હાઉસ સાથે જ સામેલ છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ પહેલી વાર નિર્દેશક વાસન બાલા સાથે કામ કરી રહી છે. આ પ્રોજેક્ટને બાદ કરતા પણ તેમની પાસે ઘણી ફિલ્મો છે જેમાં તેઓ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યાં છે. અલબત્ત, આલિયા ભટ્ટ ખૂબ જ નાની વયે એક સફળ એક્ટ્રેસ તરીકે ઈન્ડસ્ટ્રીમાં મોખરાનું નામ ધરાવી રહ્યાં છે.

  • Follow us on: