ગાંધીજીના પર્સનલ સેક્રેટરીની જવાબદારી નિભાવતા મહાદેવભાઈ દેસાઈએ બાપુના રાષ્ટ્રીય જીવનની, જાહેર જીવનની, અનેક અંગત પળોની પણ પોતાની રોજનીશીમાં નોંધ કરી, પણ `મહાદેવભાઈની ડાયરી'ના 22 છપાયેલા ગ્રંથોમાં ક્યાંય મહાદેવભાઈએ પોતાના પુત્ર નારાયણના જન્મનો ઉલ્લેખ કર્યો નથી.
24-12-1924ના રોજ જન્મેલા નારાયણ મહાદેવભાઈ દેસાઈનું 10 વર્ષ પહેલાં, રવિવાર 15 માર્ચ, 2015ના દિવસે લાંબી માંદગી બાદ સુરતની હૉસ્પિટલમાં અવસાન થયું હતું.
પિતાની અદ્ભુત જીવનકથા (બેઉ અર્થમાં - પિતાના અદ્ભુત જીવનની કથા અને પિતાના જીવનની કથાનું અદ્ભુત શૈલીમાં આલેખન) લખનારા નારાયણ દેસાઈએ 1992માં પ્રગટ થયેલા લગભગ 700 પાનાંના પુસ્તક `અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ'ની પ્રસ્તાવનામાં નોંધ્યું છે:
`ડાયરીઓ ઉથલાવી જોઈ તો તે નામે `મહાદેવભાઈની ડાયરી' ખરી, પણ હતી સર્વ ગાંધીજીની ડાયરી. મારા જન્મદિવસની આસપાસના અઠવાડિયાની ડાયરી ખોળી જોઈ, તો તેમાં પુત્ર જન્મનો ઉલ્લેખ જ ન મળે!'
નારાયણ દેસાઈના જન્મના દિવસે અને આસપાસના અઠવાડિયાની નોંધમાં પિતા મહાદેવભાઈએ `બેલગામના પુણ્યતીર્થમાં' શીર્ષકથી લાંબી નોંધ લખી છે. મહાદેવભાઈની ડાયરીના છઠ્ઠા ભાગમાં 20-12-1924થી 29-12-1924 સુધી કોંગ્રેસના અધિવેશનની નોંધ છે.
નારાયણ દેસાઈની વાત સાચી છે, મહાદેવભાઈએ ગાંધીજીના જીવનને લોકો સમક્ષ મૂક્યું પોતાના જીવનને અવગણીને. નારાયણ દેસાઈએ પણ પોતાના વિશે લખવાને બદલે પિતૃતર્પણરૂપે `અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' લખીને મહાદેવભાઈના જીવનની વિગતો પ્રજા સુધી પહોંચાડવાનું પુણ્ય કાર્ય કર્યું.
એવું નથી કે નારાયણ દેસાઈએ પિતાની બાયોગ્રાફી લખી એ પહેલાં મહાદેવભાઈના જીવનની વિગતો અજાણી હતી. મહાદેવ દેસાઈની જન્મશતાબ્દી નિમિત્તે 1991માં પ્રગટ થયેલા `શુક્રતારક સમા મહાદેવભાઈ' ગ્રંથનું સંપાદન `નિરીક્ષક'ના ભૂતપૂર્વ તંત્રી, કવિ, નિબંધકાર, વિવેચક અને અંગ્રેજીના પ્રાધ્યાપક સ્વ. જયંત પંડ્યાએ કર્યું હતું. શુક્રતારક સમા આ ઉપમા સ્વામી આનંદે મહાદેવભાઈ માટે આપી છે. સ્વામી આનંદનો એ લેખ `સંતોના અનુજ'માં પ્રથમ વાર સંગ્રહસ્થ થયો હતો.
1942ની 15મી ઑગસ્ટે નાની ઉંમરે અવસાન પામનાર મહાદેવભાઈ દેસાઈએ 50 વર્ષની નાની આવરદા (જન્મ: 1-1-1892) દરમ્યાન ગાંધીજીની અમૂલ્ય સેવા કરી. મૃત્યુ પણ ગાંધીજીના સહવાસમાં પામ્યા, યરવડા જેલમાં. પૂણેના આગાખાન મહેલમાં (જે યરવડા જેલ તરીકે વધારે જાણીતો છે) `ક્વિટ ઈન્ડિયા'ની ચળવળ દરમ્યાન ગિરફ્તાર થઈને આવ્યા અને અઠવાડિયા કરતાં ઓછા સમયમાં દુનિયા છોડી ગયા. ગાંધીજીએ પોતાના હાથે એમના અંતિમ સંસ્કાર કર્યા. આવું મૃત્યુ ભાગ્યશાળીને પ્રાપ્ત થાય.
સ્વામી આનંદે એમને આપેલી પોતાની ઉપમા સમજાવતાં લખ્યું છે:
`આકાશના તારાઓમાં શુક્રનો જોટો નથી. એને ચંદ્રનો જોડીદાર ગણ્યો છે. એની આભાપ્રભાનાં વર્ણન કરતાં સંસારના કવિઓ થાક્યા નથી. આમ છતાં આભામંડળની કલગી સમા આ તેજસ્વી તારાને દુનિયા સમીસાંજે કે વહેલી સવારે કલાક - બે કલાકથી વધુ દેખી શકતી નથી. તેમ ભાઈ મહાદેવ પણ આધુનિક ભારતવર્ષના સ્વાતંત્ર્યના ઉષાકાળે પોતાની તેવી જ આભાથી આપણા આકાશને ઝળાંહળાં કરી, દેશ-દુનિયાને મુગ્ધ કરી, શુક્રતારકની જેમ અચાનક આથમી ગયા!'
`સંતોના અનુજ' પુસ્તક સ્વામી આનંદની હયાતીમાં જ પ્રગટ થયું. મહાદેવભાઈ સહિત કિશોરલાલ ઘ. મશરૂવાળા વગેરે સાથીઓ અને ગુરુજનો વિશેના ચરિત્રલેખોનું આ પુસ્તક સ્વામી આનંદે `મહાદેવભાઈની પુણ્યસ્મૃતિને' અર્પણ કરેલું છે.
પિતાની જીવનકથા લખવા ઉપરાંત લેખન ક્ષેત્રે નારાયણ દેસાઈનું બીજું મહત્ત્વનું પ્રદાન `મારું જીવન એ જ મારી વાણી' જેમાં એમણે ગાંધીજીના જીવન અને વિચારોનું આલેખન કર્યું. મૃત્યુના ત્રણ મહિના પહેલાં, ડિસેમ્બર 2014માં નારાયણભાઈ કોમામાં સરી પડ્યા. દિલ્હીની સાહિત્ય અકાદમીથી પુરસ્કૃત થયેલા નારાયણ દેસાઈ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ રહી ચૂક્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે પણ એમણે કામગીરી બજાવી છે.
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના વેડછી ગામનો આશ્રમ નારાયણભાઈ વિના સૂનો બની ગયો. મંગળવાર, 10 ડિસેમ્બર, 2014ની આગલી સાંજે રોજના નિત્યક્રમ મુજબ એમણે પોતાના નિવાસસ્થાને 10 વાગ્યા સુધી વાંચન-લેખન કર્યું. સવારે છ વાગ્યે ઊઠ્યા. સવારે 8 વાગ્યે તેમના રૂમમાં તપાસ કરતાં ખબર પડી કે તેઓ બેભાન છે. વેડછીથી ઍમ્બ્યુલન્સમાં બારડોલી અને બારડોલીથી સુરતની મહાવીર હૉસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા. ફરી સાજા થયા પણ સંપૂર્ણ સ્વસ્થતા પાછી આવી નહીં. આયુષ્યના અંતિમ દિવસો દરમિયાન તેઓ કોમામાં જ રહ્યા.
ઉત્તરાવસ્થામાં ઠેર ઠેર ફરીને એમણે `રામાયણ' અને `ભગવદકથા'ની જેમ `ગાંધીકથા'ની પારાયણ કરી, ગાંધીજીના વિચારોને વધુ ને વધુ લોકો સુધી લઈ જવાની કોશિશ કરી.
અઢી-ત્રણ દાયકા અગાઉ વલસાડમાં મોરારજી દેસાઈ વિશેના એક જાહેર કાર્યક્રમમાં નારાયણ દેસાઈ, ગુણવંત શાહ અને મારે વક્તવ્યો આપવાનાં હતાં ત્યારે પહેલવહેલી વાર એમને રૂબરૂ મળ્યો. એ પછી એક વાર ગુજરાત વિદ્યાપીઠના સભાગૃહમાં એમની `ગાંધીકથા' સાંભળી. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે એમની વરણી થઈ ત્યારે હું પરિષદની કારોબારી સમિતિમાં નિષ્ક્રિય થઈ ગયો હતો. નારાયણ દેસાઈનું `મહાદેવભાઈની ડાયરી'નું સંકલન કાર્ય અને `અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' - આ બે કાર્યો એમના ગયા પછી પણ કાયમ માટે યાદ રહેવાનાં છે.
નરહરિ પરીખની સાથે રહીને કરેલું `મહાદેવભાઈની ડાયરી'નું સંપાદન અનેક રીતે ઘણું કપરું કામ હતું. 1964માં પ્રગટ થયેલા છઠ્ઠા ભાગની પ્રસ્તાવનામાં સંપાદકોએ નોંધ્યું છે: `મહાદેવભાઈની ડાયરીનો પાંચમો ભાગ 1951માં નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ દ્વારા પ્રગટ થયેલો. ત્યારબાદ 13 વર્ષ પછી આ છઠ્ઠો ભાગ સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન ઍન્ડ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા પ્રગટ થાય છે. વચગાળાના વિલંબ અને પ્રકાશક એજન્સીના ફેરફાર અંગે લેખક અને સંપાદકના વારસદારો તરીકે અમારે કેટલુંક સ્પષ્ટીકરણ કરવું જરૂરી છે.'
`અમારે' એટલે નારાયણ મહાદેવભાઈ દેસાઈ અને મોહન નરહિર પરીખ. મોહનભાઈ પરીખની બારડોલીની સુરુચિ છાપશાળાનું સુઘડ પ્રિન્ટિંગ ખૂબ વખણાતું.
પ્રસ્તાવનામાં સ્પષ્ટીકરણ કરતાં જણાવાયું કે મહાદેવભાઈની ડાયરીના છઠ્ઠા ભાગના સંપાદનનું કામ ચાલી રહ્યું હતું તે દરમ્યાન થોડા વખતથી નવજીવન સંસ્થાએ મહાદેવભાઈ તેમજ નરહરિભાઈનાં પુસ્તકો પર `સર્વ હક્ક પ્રકાશક સંસ્થાને આધીન' એવું છાપવાનું શરૂ કર્યું છે.
હકીકત એ હતી કે આ બેમાંના કોઈ લેખકે પ્રકાશકોને પોતાના કોપીરાઈટ આપ્યા જ નહોતા. આ જ અરસામાં સ્વ. કિશોરલાલ મશરૂવાળા તથા કાકાસાહેબ કાલેલકર જેવા ગાંધીજીના બીજા કેટલાક સાથીઓના કૉપીરાઈટ વિશે પણ મતભેદો સર્જાયા હતા. છેવટે લવાદ તરીકે ભારતના તે વખતના એટર્ની જનરલ મોતીલાલ સેતલવડને બેઉ પક્ષોએ વિનંતી કરી. સેતલવડે એપ્રિલ, 1958માં નિર્ણય આપ્યો કે આ કૉપીરાઈટ નવજીવનના નહીં, પણ લેખકના વારસદારો નારાયણ મ. દેસાઈ અને મોહન ન. પરીખના છે.
આ આખા મામલામાં કૉપીરાઈટ થકી રૉયલ્ટીની કમાણી કરવાનો સહેજે ઉદ્દેશ નહોતો. નારાયણ દેસાઈ એ ગાળામાં વિનોબાની ભૂદાન ચળવળ સાથે સંકળાયેલા હતા. નારાયણભાઈએ પિતાની ડાયરીઓના સંપાદન કાર્યમાં ખૂંપી જવા વિનોબાની રજા માગી, પણ વિનોબાએ કહ્યું કે આવું કામ સંશોધન કરનાર સંસ્થા કે અન્ય વ્યક્તિને સોંપી દેવું જોઈએ. વિનોબાએ એવું પણ સૂચન કર્યું કે બધી ડાયરીઓ યથાવત્ છાપવાને બદલે એમાંથી જીવનને ઉપયોગી હોય એવી સામગ્રી અલગ તારવીને તેનો એક જ ગ્રંથ પ્રગટ કરવો. સદ્નસીબે ન તો નારાયણભાઈએ, ન નરહરિભાઈએ આ સલાહનું મહત્ત્વ સમજવા છતાં એનો અમલ કર્યો નહીં. એમ વિચારીને કે ડાયરીઓ એક વાર જેમ છે તેમ જ છાપી દેવી, પછી સંશોધકો પોતપોતાની રુચિ પ્રમાણે તેમાંથી ચયન કરે. આ રીતે ક્રમશ: મહાદેવભાઈની ડાયરીઓ પ્રગટ થતી ગઈ. ડાયરીનો 21મો ભાગ મે 1995માં અને 22મો છેલ્લો ભાગ ત્યારબાદ પ્રગટ થયો. ગાંધીજી વિશેના રિસર્ચ માટે આજે આ ડાયરીઓ અમૂલ્ય રેફરન્સ મટીરિયલ બની ગઈ છે. નારાયણભાઈ દેસાઈના આ કામને, એમના જીવનને સૌ ગાંધીચાહકો કાયમ યાદ રાખશે.
સાયલન્સ પ્લીઝ!
લોકો પ્રથમ તમારી અવગણના કરવાના, પછી તમારા પર હસવાના, પછી તમારી જોડે લડવાના અને પછી તમારી જીત થવાની.
- ગાંધીજી
