આમ તો ઊબડખાબડ જમીનમાં ખેતી કરી શકાતી નથી, તેથી તે ઊબડખાબડ જમીનને સપાટ કરવા માટે બુલડોઝર કામ આવે છે. નોંધનીય છે કે, ટ્રેક્ટર બનાવવા માટે ફેમસ રહેલી હોલ્ટ કંપનીએ શરૂઆતમાં બુલડોઝર ખેતીની જમીનને સમથળ બનાવવા માટે જ બનાવ્યું હતું. વર્ષ 1923માં ખેડૂત જેમ્સ કુમિંગ્સ અને ડ્રાફ્ટમેન અર્લ મેકલેયોડે ભેગા મળીને બુલડોઝરની ડિઝાઈન તૈયાર કરી હતી. આ બંને વ્યક્તિ અમેરિકાના કન્સાસમાં રહેતા હતા. તેઓ જ્યા રહેતા હતા ત્યાં ખેતી માટેની જમીન ઊબડખાબડ હતી અને ત્યાં ખેતી કરવી ખૂબ જ મુશ્કેલભર્યું હતું, તેથી બંને ભેજાબાજોએ 18 ડિસેમ્બર, 1923માં જમીન સમથળ બનાવતું બુલડોઝર બનાવી જ દીધું અને તે સફળ પણ રહ્યું.
અમેરિકન પેટન્ટ
જેમ્સ કુમિંગ્સ અને અર્લ મેકલેયોડે પોતાના વાહન બુલડોઝર માટે અમેરિકન પેટન્ટ પણ કરાવી હતી. જે માટે તેમણે પેટન્ટ નંબર 1,522,378 મેળવ્યો હતો. જોકે, આશ્ચર્યની વાત છે કે, આ પેટન્ટ ખેતીકાર્યો તેમજ ટ્રેક્ટરના એટેચમેન્ટ તરીકે નોંધવામાં આવી હતી. વર્ષ 1920માં ટ્રક આવી ગઈ હતી અને તેનો ઉપયોગ પણ ઘણી બધી જગ્યાએ થવા લાગ્યો હતો, પરંતુ આ ટ્રકમાં રબરનાં ટાયરો ન હતાં! ઉલ્લેખનીય છે કે, રબરના ટાયરવાળાં વાહનો ત્યારબાદનાં થોડાં વર્ષો બાદ બનવા લાગ્યાં હતાં.
બરફ હટાવવા માટે પણ બુલડોઝર
વિશ્વભરમાં બુલડોઝરની બોલબાલા વધતી ગઇ હતી અને તેના ઉપયોગ પણ વધતા ગયા હતા. વર્ષ 1946-47માં બ્રિટનમાં ખૂબ જ બરફવર્ષા થઇ હતી. આ સમયે રસ્તાઓ પર બરફના થર જામી ગયા હતા ત્યારે મોટાં ટાયરોવાળા અને બરફ હટાવી શકે તેવા બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વર્ષ દરમિયાન સૌ કોઇને લાગ્યું કે બરફ હટાવવા માટે આ બુલડોઝર સૌથી સરળ છે, તેથી ત્યારબાદ આ બુલડોઝરમાં પણ નાના-મોટા સુધારા કરીને તેનો ખાસ ઉપયોગ રસ્તામાં જામેલા બરફના થર દૂર કરવા માટે કરવામાં આવતો ગયો.
બુલડોઝરમાં કયા પ્રકારની બ્લેડ લગાડવામાં આવે છે?
બુલડોઝરમાં કુલ ત્રણ પ્રકારની બ્લેડ લગાવવામાં આવે છે, જેમાં સીધી(એસ બ્લેડ), યુનિવર્સલ (યુ બ્લેડ) અને કોમ્બિનેશન (એસ-યુ) અથવા સેમી યુ બ્લેડનો સમાવેશ થાય છે.
બુલડોઝરની સાથે ખેતી
1930ના દશકમાં આ બુલડોઝરનો મોટાભાગનો ઉપયોગ ખેતી માટે જ કરવામાં આવતો હતો. તેમાં વપરાતી બ્લેડ્સને ખેતપેદાશો અને વસ્તુઓ ઊંચકવા માટે અને અન્ય જગ્યાએ મૂકવા માટે હાઇડ્રોલિક સિલિન્ડર્સનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ જ સમયે શોધકર્તાઓને લાગવા લાગ્યું કે હવે આ બુલડોઝર માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવા કરતાં તેમાંથી જ બધી રીતે જે તે વસ્તુ ઓપરેટ કરી શકાય એવી કેબિન બનાવવી જોઇએ. અલબત્ત, ત્યારબાદ તેમાં જ કેબિન જેવું બેસાડીને તેને પરફેક્ટ કાર્ય આપતું બુલડોઝર બનાવવામાં આવ્યું અને તેમાં પણ સમયાંતરે નાના-મોટા સુધારા થતા ગયા.
ક્રમશઃ બુલડોઝરમાં ફેરફાર
જેમ્સ કુમિંગ્સ અને અર્લ મેકલેયોડ દ્વારા બનાવેલું બુલડોઝર પરેફેક્ટલી કામ તો આપતું જ હતું અને તેની વિશેષ બોલબાલા પણ હતી. જોકે, થોડા વર્ષ બાદ જ આ વાહનમાં થોડા ઘણા સુધારા કરવામાં આવ્યા હતા. અલબત્ત, બુલડોઝરની પ્લેટ્સ (બ્લેડ્સ)માં વિશેષ સુધારો કરવામાં આવતો ગયો. આ બ્લેડ્સ જે તે વસ્તુઓ તોડવા, કાઢવા, ખોદવા તેમજ ફેંકવામાં ઉપયોગ કરવામાં આવતી હતી. જેમાં ક્રમશઃ સુધારો થતો ગયો. જોકે, આ બુલડોઝરને હંકારવા માટે ટ્રેક્ટરનો વિશેષ ઉપયોગ થતો હતો. ત્યારબાદ વર્ષ 1929માં આ બુલડોઝરમાં અલગ અલગ પ્રકારની બ્લેડ્સ ફિટ કરવામાં આવી. તે અરસામાં તેને બુલડોઝર નહીં, પરંતુ બુલ ગ્રેડર કહેવામાં આવતું હતું.
ટ્રેક્ટર કે બુલડોઝર?
વર્ષ 1923ના સમયગાળામાં જે બુલડોઝર બનાવવામાં આવ્યું હતું તે દેખાવે ટ્રેક્ટર જેવું જ લાગતું હતું, કારણ કે ટ્રેક્ટરના આગળના ભાગે ધાતુની લાંબી અને પાતળી પ્લેટ લગાડવામાં આવી હતી. જે મિકેનિકલ રીતે નીચે આવીને માટી-જમીનને ખોદીને તેને સપાટ-સમથળ કરી દેતી હતી. શરૂઆતમાં આ પ્રકારના બુલડોઝર્સમાં ડ્રાઇવર માટે કેબિન બનાવવામાં આવતી ન હતી. તેઓ ખુલ્લામાં જ બેસીને બુલડોઝર ચલાવતા હતા.
મસમોટા બુલડોઝરનું નિર્માણ
1923માં બનેલા બુલડોઝર પછીના દશક બાદ તેમાં ઘણા બધા સુધારા કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તો તેમાં અનેક નવાં મોડલ બનવા લાગ્યાં અને તેમાં હાઇડ્રોલિક સિલિન્ડર તેમજ આધુનિક ઓપરેટિંગ સિસ્ટમને વધુ સારી રીતે ઓટોમેટેડ બનાવવામાં આવી. અત્યારે જે બુલડોઝર બની રહ્યાં છે તે સૌ કરતાં અલગ બની રહ્યાં છે. આ બુલડોઝરમાં હવે જીપીએસ જેવી ટેક્નિક પણ સામેલ છે.