- IPLમાં લાગુ કરાયેલો નિયમ પ્રેક્ષકોના મનોરંજન માટે છે પરંતુ ટીમોના હિતને ધ્યાનમાં રાખવા જોઈએ
ક્રિકેટ હોય કે અન્ય કોઈ રમત, નાના મોટા ફેરફારો સાથે નવા નિયમો આવવા જરૂરી છે. તેનાથી રમતનો રોમાંચ વધવાની સાથે તેની લોકપ્રિયતામાં વધારો થાય છે. 2007ના ટી20 વર્લ્ડ કપમાં બોલઆઉટનો નવો નિયમ આવ્યો નહોતો અને કોઈને તેના વિશે વધારે જાણકારી નહોતી. પાકિસ્તાન સામે ભારતનો મુકાબલો ટાઈ થયો હતો અને બોલઆઉટનો સહારો લેવાયો હતો. સુકાની મહેન્દ્રસિંહ ધોનીને જાણકારી હતી કે ક્યારેક તો આ નિયમનો ઉપયોગ થશે જેના કારણે તે ટીમની પ્રેક્ટિસ બાદ બોલર્સને માત્ર ત્રણ સ્ટમ્પ રાખીને બોલિંગ પ્રેક્ટિસ પણ કરાવતો હતો. આ ફૂટબોલના પેનલ્ટી શૂટઆઉટ જેવું હતું. આઇપીએલ 2023ની સિઝનથી ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. પ્રથમ સિઝનમાં તો મોટા ભાગની ટીમોએ તેનો ઉપયોગ કર્યો નહોતો પરંતુ 2024ની સિઝનમાં ટીમના હેડ કોચ તથા મેનેજમેન્ટ માટે આ નિયમ માથાના દુઃખાવા સમાન બની ગયો છે. હવે તો નો-બોલ અને વાઇડ બોલ માટે પણ રિવ્યૂ લેવામાં આવે છે જેના કારણે બેટ્સમેનોને થાક દૂર કરવા માટે થોડોક સમય મળી જાય છે.
આઇપીએલમાં ટોસ પહેલાં પ્લેઇંગ ઇલેવનની અદલાબદલી થાય છે ત્યારે બોલિંગ અને બેટિંગના હિસાબે પ્લેયર્સનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હોય છે. 11 ખેલાડીઓ બાદ પાંચ ઇમ્પેક્ટ પ્લેયર તરીકેના નામ લખવામાં આવે છે અને મેચની પરિસ્થિતિ મુજબ તેમને બદલવામાં આવે છે. કેટલીક ટીમોને તેનો ફાયદો થયો છે તો કેટલીકને નુકસાન પણ થયું છે. જોકે આઇપીએલના નિયમ મુજબ ઇમ્પેક્ટ પ્લેયરમાં માત્ર ભારતીયોને સામેલ કરવામાં આવે છે. વિદેશી ખેલાડીઓ માટે આ નિયમ નથી.
ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ ભારતીય ક્રિકેટમાં ઓલરાઉન્ડર્સની ભૂમિકા ખતમ કરી નાખશે તે નક્કી છે. ખાસ કરીને પેસ બોલિંગ ઓલરાઉન્ડર્સની નજીકમાં જ ભારતને મોટી ખોટ પડશે. ભારતીય સુકાની રોહિત શર્મા પણ આ નિયમનો મોટો સમર્થક નથી. તેણે તાજેતરમાં જ નિવેદન કર્યું હતું કે ઇમ્પેક્ટ પ્લેયર ઓલરાઉન્ડર્સને ખતમ કરી દેશે. ક્રિકેટ 11 ખેલાડીઓથી જ રમવું જોઈએ. માત્ર રોહિત શર્મા જ નહીં પરંતુ દિલ્હી કેપિટલ્સનો હેડ કોચ રિકી પોન્ટિંગ અને ભારતનો ભૂતપૂર્વ બોલર ઝહીર ખાન પણ આ નિયમની વિરુદ્ધમાં છે. પોન્ટિંગે તો આ નિયમને એક ભયાનક સ્વપ્ન સમાન વર્ણવ્યો છે. પોન્ટિંગે એવું પણ કહી દીધું હતું કે ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ પ્રેક્ષકોના મનોરંજન માટે ઠીક છે પરંતુ ટીમો માટે નહીં. ઝહીર ખાને એવી વકીલાત કરી હતી કે તમામ ફ્રેન્ચાઇઝીના માલિકોએ ભેગા થઈને આ નિયમને દૂર કરવાની આઇપીએલની આયોજન સમિતિ સામે માગણી કરવી જોઈએ.
ફ્રેન્ચાઇઝી ટીમોના હેડ કોચ સામે પણ સમસ્યાઓ સર્જાતી હોય છે. ડગઆઉટમાં બેથી ત્રણ પ્લેયરને તૈયાર રાખવામાં આવે છે અને મેચની સ્થિતિ પ્રમાણે તેમને મેદાનમાં ઉતારવામાં આવે છે. નવા નિયમ મુજબ ટીમો આઠમા ક્રમ સુધી બેટ્સમેનને રમાડી શકે છે અને ફિલ્ડિંગ આવે તો બેટ્સમેનના બદલે બોલરને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં ઉતારી દેવાય છે. ટીમો પણ એવા ખેલાડીઓને રિપ્લેસ કરે છે જે બેટિંગ અથવા બોલિંગ કરી ચૂક્યો હોય છે. ઇમ્પેક્ટ પ્લેયરના નિયમ હેઠળ બોલરને મેદાનમાં ઉતારવામાં આવે તો તે પોતાની ચાર ઓવરનો સંપૂર્ણ ક્વોટા નાખી શકે છે. તે વી રીતે બેટ્સમેન પણ બાકીની તમામ ઓવર્સ બેટિંગ કરી શકે છે. ગુજરાત ટાઇટન્સનો ખેલાડી ડેવિડ મિલર પણ આ નિયમનો મોટો સમર્થક નથી. તેનું માનવું છે કે તમે પિચ ઉપર સ્થાયી થઈ જાવ છો ત્યારબાદ તમારી સામે વિશ્વનો બેસ્ટ બોલર બોલ ફેંકવા માટે મેદાનમાં ઊતરી આવે છે. ક્યારેક નવા બોલર કે બેટ્સમેનના કારણે મેચનું પૂરેપૂરું પરિણામ જ બદલાઈ જતું હોય છે તેના કારણે હારનાર ટીમોને મોટું નુકસાન થાય છે.
IPL 2024ની સિઝનના આંકડા ઉપર નજર નાખીએ તો આ વખતે આસાનીથી 250નો સ્કોર નોંધાય છે. અત્યાર સુધી પાંચમા ક્રમ સુધી ટીમમાં બેટ્સમેનોને સામેલ કરવામાં આવતા હતા પરંતુ હવે આઠમા ક્રમ સુધી બેટ્સમેનોને તક આપવામાં આવે છે. 2024ની સિઝનમાં ચાર વખત હાઇએસ્ટ સ્કોર નોંધાયા છે. સનરાઇઝર્સ હૈદરાબાદે એક મેચમાં ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં ઉતારી દીધો હતો અને તેણે છ ઓવરના પાવરપ્લેમાં જ 80 પ્લસનો સ્કોર નોંધાવી દીધો હતો. ટીમો બેસ્ટ પ્લેઇંગ ઇલેવનના બદલે હવે એવા ખેલાડીઓને સામેલ કરે છે જેમણે ડેબ્યૂ કર્યો હોય છે અથવા તો વધારે અનુભવ ના હોય તેમને રમાડે છે. નવા નિશાળિયાઓને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કાઢો તો પણ ટીમને કોઈ ફરક પડતો નથી. કેટલાક નિષ્ણાતો ઇમ્પેક્ટ પ્લેયરના નિયમને ટી20 વર્લ્ડ કપમાં પણ લાગુ કરવા માટે આઇસીસીને આગ્રહ કરી રહ્યા છે પરંતુ આ નિયમ વિશ્વક્રિકેટને પાયમાલ કરી શકે છે.