ઈ.સ. 1798માં અમેરિકાએ એલિયન એનીમીસ એક્ટ ઘડ્યો. એની હેઠળ અમેરિકાના પ્રેસિડન્ટને જે દેશ અમેરિકાનું દુશ્મન હોય એના અમેરિકામાં વસતા 14 વર્ષથી વધુ ઉંમરના પુરુષોને તેઓ એરેસ્ટ કરી શકે. એ જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકે અથવા તો અમેરિકાની બહાર ડિપોટ પણ કરી શકે.
વર્ષ 1918માં આ કાયદામાં ફેરફાર કરીને સ્ત્રીઓને પણ આ કાયદો લાગુ પડે એવું ઠરાવવામાં આવ્યું હતું. આ ધ એલિયન એનીમીસ એક્ટ એટલે કે પરદેશી દુશ્મનોનો કાયદો હજુ આજે પણ અમલમાં છે.
પ્રેસિડન્ટ જેમ્સ મેડિસને બ્રિટિશ સિટિઝનો સમક્ષ 1812માં જે ગ્રેટ બ્રિટન જોડે લડાઈ થઈ હતી એ દરમિયાન ઉપયોગ કર્યો હતો. પ્રેસિડન્ટ વુડ્રો વિલ્સને સેન્ટ્રલ પાવર્સ ધરાવતા દેશોના વતનીઓ સામે ફર્સ્ટ વર્લ્ડ વોરના સમયમાં આ કાયદો વાપર્યો હતો.
7મી ડિસેમ્બર, 1941ના દિવસે જ્યારે જાપાને પર્લ હાર્બર ઉપર બોમ્બમારો કર્યો હતો ત્યારે એ સમયના પ્રેસિડેન્ટ ફ્રેન્ક્લી રૂઝવેલ્ટે પ્રેસિડન્ટ પ્રોક્લોમેશન બહાર પાડીને જાપાન, જર્મન અને ઈટલી આ દેશોના વતનીઓની ધરપકડ કરી હતી, અટકાયત કરી હતી અને અમેરિકાની બહાર પણ મોકલી આપ્યા હતા. પ્રેસિડન્ટ હેરી એસ ટ્રુમેને એક ઢંઢેરો બહાર પાડીને અમેરિકાના એટર્ની જર્નલને સત્તા આપી હતી કે, તેઓ નક્કી કરે કે અમેરિકાની સેફટી અને લોકોની શાંતિ માટે કઈ પરદેશી વ્યક્તિ જવાબદાર છે અને એવી વ્યક્તિઓને અમેરિકા બહાર મોકલી આપવાની તેમજ એ માટે નિયમો ઘડવાની સત્તા આપી હતી.
જેઓ અમેરિકાના એક વખત પ્રેસિડન્ટ રહી ચૂક્યા છે અને ફરીથી ચૂંટાઈને 20મી જાન્યુઆરી, 2025થી બીજી વાર અમેરિકાનું પ્રેસિડન્ટ પદ ધારણ કરનાર છે એવા ઈલીગલ ઈમિગ્રન્ટો પ્રત્યે સખત રોષ ધરાવતા ડોનાલ્ડ ટ્રમ્પે એવી જાહેરાત કરી છે કે, છેક વર્ષ 1700માં ઘડાયેલ એલિયન એનીમીસ એક્ટ હેઠળ તેઓ જેઓ અમેરિકન સિટિઝન નથી અને ક્રિમિનલ નેટવર્કનું સંચાલન કરે છે એવી વ્યક્તિઓને ઝડપથી અમેરિકાની બહાર મોકલી આપશે.
બીજી વાર અમેરિકાના પ્રેસિડન્ટ બનનાર ડોનાલ્ડ ટ્રમ્પે એમના માસ ડિપોટેશનના પ્લાન વિશે જાણકારી આપતાં એક ઈન્ટરવ્યૂમાં એવું પણ જણાવ્યું છે કે, અમેરિકાએ આવું કરવું જ રહ્યું. એ ઘણું મુશ્કેલ કાર્ય છે પણ અમેરિકાએ એ કાર્ય કરવું જ પડશે. તેઓ એમના પ્રેસિડન્ટ પદનાં જે ચાર વર્ષ છે એ દરમિયાન દરેકેદરેક પરદેશીઓ જેઓ અમેરિકામાં ગેરકાયદેસર રહી રહ્યા છે એમને ડિપોર્ટ કરશે જ.
પ્રથમવાર જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડન્ટ પદે રહ્યા હતા ત્યારે એમણે 11 અગિયાર મુસ્લિમ દેશોના લોકોને અમેરિકામાં પ્રવેશવા ઉપર પાબંદી મૂકી હતી. કાયમ રહેવા માટે નહીં પણ બી-1/બી-2 વિઝા ઉપર થોડો સમય અમેરિકામાં કામ અર્થે કે ફરવા માટે આવવા ઉપર પણ પ્રતિબંધ લાદ્યો હતો. એ મુસ્લિમ દેશોના યુવકોને અમેરિકામાં શિક્ષણ લેવા માટે આવવા ઉપર પણ પ્રતિબંધ મૂક્યો હતો. આ ઉપરાંત એમણે ઈમિગ્રેશનની બાબતમાં ઘણા કડક નિયમો બનાવ્યા હતા. એચ-1બી વિઝા ઉપર જેઓ અમેરિકામાં છ વર્ષ માટે કામ કરવા આવે છે એવા પરદેશી સ્પેશિયાલિટી ઓક્યુપેશન ગ્રેજ્યુએટ વર્કરોને પણ પોતાને ત્યાં નોકરીમાં રાખવા માટે અમેરિકાની કંપનીઓએ બે વાર વિચાર કરવો પડે એવા એચ-1બીના નિયમોમાં સુધારાઓ કર્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે બધા જ ઈમિગ્રન્ટો ક્રિમિનલ્સ છે. ઈમિગ્રન્ટોએ અમેરિકાને કચરાનો ડબ્બો બનાવી કાઢ્યો છે અને એમણે એમના ચૂંટણીના ઢંઢેરાઓમાં વારંવાર એવું ઉચ્ચાર્યું છે કે તેઓ જેવું અમેરિકાનું પ્રેસિડન્ટ પદ ધારણ કરશે કે તરત જ કદીય કોઈએ કલ્પ્યા ન હોય એવા ગેરકાયદેસર અમેરિકામાં રહેતા ઈલીગલી ઈમિગ્રન્ટોને અમેરિકા બહાર મોકલી દેવાનાં પગલાંઓ ભરશે. અમેરિકાની લગભગ બધી જ યુનિવર્સિટીઓ જેમને ત્યાં ખૂબ મોટી સંખ્યામાં પરદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એમણે તો એમના એ સર્વે પરદેશી વિદ્યાર્થીઓને એવાં કહેણ મોકલ્યાં છે કે તમે જો અમેરિકા બહાર તમારા દેશમાં ગયા હોવ તો બને એટલા જલદી અને 20મી જાન્યુઆરી, 2025 પહેલાં ફરી પાછા અમેરિકામાં પ્રવેશી જાઓ.
આજે અમેરિકામાં લગભગ 50 લાખથી વધુ પરદેશીઓ ગેરકાયદેસર વસવાટ કરે છે અને ઈલીગલી કામ પણ કરે છે. એમાંના દસ લાખ જેટલા તો આપણા ભારતીયો છે. જેમાંથી પાંચ લાખથી વધુ ગુજરાતીઓ છે. આ સર્વે ઈલીગલી ઈમિગ્રન્ટોના પેટમાં હવે ફાળ પડી છે કે અમેરિકાના બીજી વાર થનાર પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ એમણે જે જાહેરાતો કરી છે એ જો ખરેખર અમલમાં મૂકશે તો એમની શું દશા થશે? આ પ્રશ્ન જે આ 50 લાખ અમેરિકામાં ગેરકાયદેસર રહેતા પરદેશીઓ તેમજ એનાથી દસ ગણા વધુ પરદેશીઓ જે અમેરિકામાં પ્રવેશવાનો અને એ દેશમાં પ્રાપ્ત થતી સુવિધાઓનો લાભ લેવા ઈચ્છે છે એમને હવે બીક લાગવા લાગી છે કે એમનાં અમેરિકન સ્વપ્નો પૂરાં થશે કે નહીં.
કોઈ પણ દેશમાં ગેરકાયદેસર વસવાટ કરવો એ ગુનો તો છે જ. અમેરિકા આજે વિશ્વનો આગળ પડતો દેશ છે. ત્યાં કમાવવાની પુષ્કળ તકો છે. ત્યાંનું ભણતર વિશ્વમાં સર્વશ્રેષ્ઠ છે. એ દેશમાં સમગ્ર વિશ્વના જુદી જુદી જાતિઓના જુદી જુદી ભાષા બોલનારા, જુદી જુદી સંસ્કૃતિ ધરાવનારાઓ એકસાથે સંપીને રહે છે. અમેરિકા વિશ્વનું મેલ્ટિમપોટ છે, પણ એના વિસ્તાર મુજબ ત્યાં વસવા લોકોની સંખ્યા ખૂબ ઓછી છે. એમાં પણ અમેરિકાને ભણેલાગણેલા ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલા હોશિયાર લોકોની પુષ્કળ ખોટ છે
અને એ મુજબ જ નીચલી કક્ષાનું કામ કરનારાઓની પણ એમને ખોટ છે. અમેરિકાનાં ખેતરોમાં 75 ટકા મજૂરો પરદેશીઓ છે. જેમાંના 50 ટકા કાયદેસરના લીગલ ઈમિગ્રન્ટો છે અને 25 ટકા ઈલીગલ ઈમિગ્રન્ટો છે. અમેરિકાના દરેકેદરેક ક્ષેત્રમાં, દરેકેદરેક વ્યવસાયમાં, દરેકેદરેક વ્યાપાર ધંધામાં લીગલી તેમજ ઈલીગલી ઈમિગ્રન્ટો કામ કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પ હવે એવું શું કરવાના છે જેથી તેઓ આટલી મોટી સંખ્યામાં અમેરિકામાં વસતા લીગલી તેમજ ઈલીગલી ઈમિગ્રન્ટોને દૂર કરી શકશે અને જો તેઓ ખરેખર આ સર્વેને અમેરિકા બહાર મોકલી દેવામાં સફળતા પ્રાપ્ત કરશે તો અમેરિકાનાં ખેતરોમાં કામ કોણ કરશે? ફેક્ટરીઓ કોણ ચલાવશે? ઓફિસોમાં કારકુનગીરી કોણ કરશે? કોલેજોમાં શિક્ષણ કોણ આપશે? કમ્પ્યૂટર પ્રોફેશનલોની ખોટ કોણ પૂરી પાડશે? આવા આવા તો કંઈકેટલાયે સવાલો ઊભા થશે? ડોનાલ્ડ ટ્રમ્પ એ બધાનું નિરાકરણ કેમ કરતા લાવશે?
