અજગરને સામાન્ય રીતે સાપની પ્રજાતિનું પ્રાણી માનવામાં આવે છે. સાપની જેમ અજગર વિષ ઉત્પન્ન કરતા નથી એટલે કે તે બિનઝેરી હોય છે. અજગરનું સૌથી વધારે પ્રમાણ આફ્રિકા અને એશિયાના ઉષ્ણ કટિબંધીય ક્ષેત્રોમાં જોવા મળે છે. જ્યાં સુધી અજગરને છંછેડવામાં અથવા હેરાન કરવામાં ન આવે ત્યાં સુધી તે માણસો ઉપર હુમલો કરતો નથી.

અજગર જ્યાં સુધી ભૂખ્યો ન થાય ત્યાં સુધી શિકાર કરતો નથી. અજગર જે પણ પ્રાણીનો શિકાર કરે છે એ પ્રાણીનો છેલ્લો શ્વાસ નીકળી ન જાય ત્યાં સુધી તેને છોડતો નથી. માર્યા પછી અજગર તેને એક ટુકડાની જેમ ગળી જાય છે. અજગરે મોટો શિકાર કર્યો હોય તો તેને પચાવવા પાછળ ચોક્કસ સમય લાગે છે. અજગરે મોટો શિકાર કર્યો હોય તો અઠવાડિયા કે મહિનાઓ સુધી તૃપ્ત રહી શકે છે. સામાન્ય રીતે અજગર વર્ષમાં ચારથી પાંચ વખત શિકાર કરે છે. અજગર શિકાર કરતાં પહેલાં થોડીવાર માટે તેનું નિરક્ષણ કરે છે અને પછી તેના ઉપર હુમલો કરે છે.

અજગર મોટાભાગે ઝાડમાં છુપાઇને રહે છે. તેને તરતાં સારું આવડે છે, તેથી અજગરને સારા તરવૈયા કહેવામાં આવે છે. અજગરની ત્વચાનો રંગ તેના નિવાસ્થાન સાથે મેચ કરે એવો હોય છે. તેઓ પોતાના વાતાવરણ સાથે ઝડપથી હળીમળી જાય છે, જેથી લોકોની નજરમાં એ જલદી આવતો નથી. અજગરની ત્વચા ખૂબ સુંદર હોય છે. તેની ત્વચાનો ઉપયોગ ફેશન ઇન્ડસ્ટ્રીમાં કરવા માટે અજગરનો શિકાર કરવામાં આવે છે.

માદા અજગર એકસાથે 12થી 36 ઇંડાં મૂકે છે. ઇંડાં મૂક્યાં પછી માદા અજગર તેનું રક્ષણ કરે છે. તે પોતાના શરીરને ચારેતરફ લેપટીને ઇંડાંને ગરમ રાખે છે. જ્યારે બાળકોનો જન્મ થાય છે એટલે કે ઇંડાંમાંથી બચ્ચાં નીકળે છે ત્યારે માંદા અજગર તેને છોડીને જતી રહે છે. યુવા અજગર પોતાની સારસંભાળ પહેલા દિવસથી જ કરવી પડે છે. અજગર ઠંડું પ્રાણી છે, પરંતુ પોતાને તડકામાં શેંકીને શરીરનું તાપમાન વધારી શકે છે.

અજગર સમતલ જમીન ઉપર એક કલાકમાં 1.5 કિલોમીટરની ઝડપે સરકી શકે છે. કેદમાં રાખવામાં આવતા અજગરનું આયુષ્ય 40 વર્ષ સુધીનું હોય છે. અજગરની કુલ 41 પ્રજાતિઓ છે. રેટિકુલેટેડ અજગર સાપની સૌથી મોટી પ્રજાતિ છે. જે મલય પ્રદેશમાં જોવા મળે છે. આ અજગર ક્યારેક 33 ફૂટ કરતાં પણ વધારે લાંબા અને આશરે સવા બે મણ જેટલા ભારે હોય છે. એન્ટહિલ અજગર સાપની સૌથી નાની પ્રજાતિ છે. આપણા દેશમાં જોવા મળતો મોલુરસ અજગર ત્રીસ ફૂટ સુધી લાંબો હોય છે. આફ્રિકામાં જોવા મળતો સ્પાઇલોટિસ અજગર વીસ ફૂટ લાંબો હોય છે. દુનિયામાં સૌથી મોટો અજગર એનાકોન્ડા છે. દક્ષિણ અમેરિકામાં એમેઝોનનાં જંગલોમાં તે જોવા મળે છે.