• કચ્છના રણને લઇને 1965માં ભારત-પાકિસ્તાન વચ્ચે વિવાદ ઊભો થયો હતો. કચ્છમાં રણોત્વસ ઉજવવામાં આવે છે

બાળકો, રણ વિશે તમે સાંભળ્યું હશે પરંતુ સફેદ રણ અંગે જાણીને નવાઇ લાગશે. ગુજરાત રાજ્યમાં કચ્છ જિલ્લાના ઉત્તર અને પૂર્વમાં સફેદ રણ ફેલાયેલું છે. કચ્છનું રણ થાર રણનો જ એક ભાગ છે. રણ ઓફ કચ્છનો મોટો ભાગ ગુજરાતમાં છે.

જ્યારે થોડો ભાગ પાકિસ્તાનમાં આવેલો છે.

કચ્છનું રણ આશરે 23,300 કિમી.માં ફેલાયેલું છે. આમ તો આ દરિયાનો જ એક ભાગ છે. કચ્છનું રણ બે ભાગમાં ફેલાયેલું છે. ઉત્તરનું રણ એટલે ગ્રેટ રન ઓફ કચ્છ 257 કિમી.ના ક્ષેત્રમાં ફેલાયેલું અને પૂર્વ રણ જેને લિટલ રણ ઓફ કચ્છ કહે છે, તે ગ્રેટ રણ ઓફ કચ્છ કરતાં નાનું છે. તે 5178 વર્ગ કિમી.માં ફેલાયેલું છે. ગરમીમાં અહીંનું તાપમાન 44થી 50 ડિગ્રી જેટલું વધી જાય છે અને ઠંડીમાં શૂન્ય કરતાં નીચે જતું રહે છે. કહેવાય છે કે 1819માં આવેલા ભૂકંપને કારણે તેની સ્થિતિ ભૌગોલિક રીતે બદલાઇ ગઇ હતી.

કચ્છના ઇતિહાસની વાત કરીએ તો કાદિર નામનું કચ્છ એક દ્વીપ હડપ્પાના ખોદકામમાં મળ્યું હતું. કચ્છ પર પહેલાં સિંધના રાજપૂતોનું શાસન હતું. પછીથી જાડેજા રાજપૂત રાજા ખેંગારજીના સમયમાં ભુજને કચ્છની રાજધાની બનાવવામાં આવી હતી. 1741માં રાજા લખપતજી કચ્છના રાજા કહેવાયા. 1815માં અંગ્રેજોએ ડુંગર પહાડી પર કબજો કરી લીધો અને કચ્છને અંગ્રેજી જિલ્લો ઘોષિત કરી દીધો. બ્રિટિશ શાસનકાળમાં કચ્છમાં રણજિત વિલાસ મહેલ, માંડવીનો વિજય વિલાસ વગેરે મહેલ પણ બનાવવામાં આવ્યા હતા. આ મહેલ આજે પણ પ્રખ્યાત છે.

કચ્છના રણને લઇને 1965માં ભારત-પાકિસ્તાન વચ્ચે વિવાદ ઊભો થયો હતો. એમાં બંને દેશો વચ્ચે યુદ્ધ પણ થયું હતું. કહેવાય છે કે બ્રિટનના હસ્તક્ષેપ પછી યુદ્ધ પૂર્ણ થયું હતું. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ દ્વારા સિક્યોરિટી કાઉન્સેલને મોકલવામાં આવેલા રિપોર્ટના આધારે આ આખા કેસને ટ્રિબ્યૂનલને મોકલવામાં આવ્યો હતો. ટ્રિબ્યૂનલમાં 1968માં રણનો 10 ટકા ભાગ પાકિસ્તાનમાં અને 90 ટકા ભાગ ભારતમાં એવો નિર્ણય સંભળાવવામાં આવ્યો હતો. તેમના નિર્ણય મુજબ એક વર્ષ પછી રણનું વિભાજન થઇ ગયું.

કચ્છમાં દર વર્ષે રણોત્વસ ઉજવવામાં આવે છે. આ રણોત્વસને જોવા માટે દેશ અને દુનિયામાંથી હજારો લોકો આવે છે. ચાંદની રાત્રે કલ્ચરલ પ્રોગ્રામનો આનંદ તમે લઈ શકો છો. અહીંથી પાકિસ્તાનના સિંધ પ્રાંતનો નજારો પણ જોઇ શકાય છે.

રણ ઓફ કચ્છ દુનિયાનું સૌથી મોટું સફેદ રણ છે, જે બરફથી નહીં પરંતુ મીઠાનું બનેલું છે. કચ્છમાં લોથલ અને ધોળાવીરા હડપ્પા સંસ્કૃતિ સાથે જોડાયેલાં ઐતિહાસિક સ્થળ છે. જે પૃથ્વી પર પ્રાચીન ડાર્કયાર્ડના રૂપમાં જાણીતું છે. ધોળાવીરા ભારતમાં સૌથી જૂના ટાઉન પ્લાનિંગના અવશેષ છે. કચ્છના રણમાં ફક્ત રેતી જ જોવા મળે છે એવું નથી, પરંતુ શિયાળથી લઇને રાજહંસની દુર્લભ પ્રજાતિઓ પણ વસવાટ કરે છે.

બહુ ઓછા લોકોને ખબર છે કે નિરોણા ગામની પાસે સુમ્બ્રાસર નામની નાનકડી જગ્યા છે જે એક બ્રિટિશ મહિલાને કારણે બહુ પોપ્યુલર થઇ ગઇ હતી. 30 વર્ષ પહેલાં જૂડી ટ્રેડર નામની બ્રિટિશ મહિલા કચ્છના રણમાં આવી હતી. તેને આ જગ્યા સાથે પ્રેમ થઇ ગયો, ત્યારથી લઇને આજ સુધી અહીંની સ્થાનિક કલાને પ્રોત્સાહન આપવા માટે તે પ્રયત્ન કરી રહી છે. નિરોણા ગામની રોગન કલા જે પહેલાં લુપ્ત થવાના આરે હતી, પરંતુ આ આર્ટને ફરીથી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે.


  • Follow us on: