આપણે સહુ જાણીએ છીએ કે ચાતુર્માસનો શુભ પ્રારંભ થઈ ગયો છે. શ્રીહરિવિષ્ણુ ચાર માસ માટે ક્ષીરસાગરમાં યોગનિદ્રામાં પોઢી રહ્યા છે અને આ સંજોગોમાં સૃષ્ટિના સંચાલનની જવાબદારી મહાદેવજીને સોંપવામાં આવી છે. આવી એક માન્યતા છે કે ચાતુર્માસ દરમિયાન શ્રીહરિના બદલે મહાદેવજી સૃષ્ટિનું સંચાલન કરે છે.
બીજી એક વાત, પવિત્ર શ્રાવણ માસ પણ આ ચાતુર્માસમાં જ આવે છે. શિવપ્રિય ભક્તો આ પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવજીની ઉપાસના કરીને મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે. આખા વર્ષમાં શિવ ઉપાસના થતી નહીં હોય એટલી માત્ર આ એક શ્રાવણ માસમાં મહત્તમ પૂજા-આરાધના થાય છે. શ્રાવણ માસમાં સમગ્ર સૃષ્ટિ શિવમય બની જાય છે. ભોળાનાથને શ્રાવણ માસ વધારે પ્રિય છે તેથી આ માસમાં ભોળાનાથને પ્રસન્ન કરવા માટે ભક્તો વહેલી સવારથી જ શિવાલયમાં જઈને શિવજીને જળાભિષેક સહિત અનેક પ્રકારનાં અભિષેક અને પૂજન કરે છે. શ્રાવણ માસમાં લઘુરુદ્ર, મહારુદ્ર અથવા અતિરુદ્રના પાઠ કરવાનું વિધાન છે. જે લોકો આધિ-વ્યાધિ અને ઉપાધિથી પીડાતા હોય તેમને શિવપૂજનથી શાંતિ પ્રાપ્ત થાય છે.
આશુતોષ ભગવાન શિવનાં ત્રિગુણ તત્ત્વ (સત્ત્વ, રજ, તમ) પર સમાન અધિકાર છે. શિવ પોતાના મસ્તક પર ચંદ્રને ધારણ કરે છે. તેઓ ચંદ્રના ઇષ્ટદેવ છે. ચંદ્રમા પર તેમને વિશેષ સ્નેહ હોવાને કારણે ચંદ્રવાર એટલે કે સોમવાર તેમને વધારે પ્રિય છે. આમ તો શિવજીને બધા જ સોમવાર પ્રિય છે, પરંતુ આખો શ્રાવણ માસ તથા તેમાં આવતા સોમવાર વિશેષ પ્રિય છે, કારણ કે શ્રાવણ માસમાં વાતાવરણમાં જળતત્ત્વ વધારે હોય છે. જે સોમ (ચંદ્ર) તત્ત્વ જ છે.
શ્રાવણ માસમાં દિવસ અનુસાર શિવપૂજાનું ફળ
- રવિવાર : પાપનાશક
- સોમવાર : ધનલાભ
- મંગળવાર : સ્વાસ્થ્યલાભ, રોગ નિવારણ.
- બુધવાર : પુત્રપ્રાપ્તિ
- ગુરુવાર : આયુષ્યમાં વૃદ્ધિ
- શુક્રવાર : ઈન્દ્રિય સુખ
- શનિવાર : સર્વ સુખકારી
શિવપૂજા માટે શાસ્ત્રોક્ત ઉત્તમ સ્થાન
- તુલસી, વડ તથા પીપળાનાં વૃક્ષ નજીક
- નદી, સરોવરનો તટ, પર્વતની ચોટી, દરિયાકિનારો.
- મંદિર, આશ્રમ, તીર્થ અથવા ધાર્મિક સ્થાન અથવા પાવનધામ
શિવપૂજામાં ચઢાવાતાં પુષ્પ અને તેનાં ફળ
- બીલીપત્ર : જન્મજન્માંતરનાં પાપોમાંથી મુક્તિ
- કમળ : મુક્તિ, ધન, શાંતિપ્રદાયક
- કુશા : મુક્તિ આપનાર
- દૂર્વા : આયુષ્ય વધારનાર
- ધતૂરો : પુત્ર સુખપ્રદાયક
- આકડો : પ્રતિષ્ઠામાં વૃદ્ધિ
- કરેણ : રોગનું નિવારણ
- શમીપત્ર : પાપનાશક
રાશિ મુજબ શિવપૂજન
- મેષ-વૃશ્ચિક રાશિના જાતકોએ મંગળવારના દિવસે લાલ પુષ્પો દ્વારા.
- વૃષભ-તુલાના જાતકોએ શુક્રવારના દિવસે સફેદ વસ્તુ, સફેદ ફૂલ, દૂધ, દહીં વગેરે દ્વારા.
- મિથુન-કન્યા રાશિના જાતકોએ બુધવારના દિવસે બીલીપત્ર, આકડા, ધતૂરા અને ભાંગ દ્વારા.
- કર્ક રાશિના લોકોએ સફેદ વસ્તુથી.
- સિંહના જાતકોએ લાલ વસ્તુ દ્વારા.
- ધન-મીન રાશિના જાતકોએ ગુરુવારના દિવસે પીળી વસ્તુ દ્વારા.
- મકર-કુંભ રાશિના જાતકોએ શનિવારના દિવસે કાળા અને નીલા પદાર્થો દ્વારા શિવ આરાધના કરવી જોઈએ.
શિવસ્તુતિ
શંભુ શરણે પડી, માગું ઘડી રે ઘડી, કષ્ટ કાપો,
દયા કરી દર્શન શિવ આપો...
તમે ભક્તોનાં દુ:ખ હરનારા, શુભ સૌનું સદા કરનારા,
મારી મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો. દયા કરી...
અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી,
ભાલે તિલક કર્યું, કંઠે વિષ ધર્યું, અમૃત આપો. દયા કરી...
નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જવા ચહે છે,
સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો. દયા કરી...
હું તો એકલપંથી પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી,
થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો. દયા કરી...
આપો દૃષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું,
આવી દિલમાં વસો, આવી હૈયે હસો, શાંતિ સ્થાપો. દયા કરી...
ભોળા શંકર ભવદુ:ખ કાપો, નિત્ય સેવાનું શુભ ફળ આપો,
ટાળો મન મદા, ગાળો ગર્વ સદા, ભક્તિ આપો. દયા કરી...
અંગે શોભે છે રુદ્રની માળા, કંઠે લટકે છે ભોરિંગ કાળા,
તમે ઉમિયાપતિ, અમને આપો મતિ, કષ્ટ કાપો. દયા કરી...
શંભુ શરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો,
દયા કરી દર્શન શિવ આપો...
ભગવાન ભોળાનાથ જલધારાપ્રિય કેમ છે?
હિંદુ શાસ્ત્રમાં સામાન્ય રીતે જોઈએ તો તમામ દેવી-દેવતાની પૂજા આરાધના મૂર્તિ સ્વરૂપમાં થાય છે. તમામ મૂર્તિઓને હાથ-પગ-મુખ આ રીતે તમામ અંગો હોય છે. જ્યારે શિવજી એકમાત્ર એવા દેવતા છે કે, તેમની પૂજા મોટેભાગે લિંગ સ્વરૂપમાં થાય છે. કોઈ સંજોગોમાં સાકાર સ્વરૂપમાં પણ પુજાતા હોય છે. શાસ્ત્રમાં વર્ણન છે કે સદાશિવ પોતાના લિંગ સ્વરૂપની પૂજાથી ખૂબ ખુશ થાય છે. ખૂબ પ્રસન્ન થાય છે અને ભક્તોને મનોવાંછિત ફળ પ્રદાન કરે છે.
જલધારાપ્રિય શિવ
શ્રાવણ માસમાં શિવ આરાધના અને પૂજાપાઠનું વિશેષ મહત્ત્વ છે. આ માસમાં શિવજી પર જળ ચઢાવવા પાછળ પૌરાણિક કથા રહેલી છે. તે કથા આ મુજબ છે.
સમુદ્રમંથન દરમિયાન દેવતાઓ અને દાનવો દ્વારા અમૃત કળશ અને વિષ કળશ નીકળ્યા પછી જ્યારે વિષ પીવાનો વારો આવ્યો ત્યારે દેવતાઓ અને દાનવોએ તે પીવાનો ઇન્કાર કર્યો, કારણ કે તે વિષ કોઈ પચાવી શકે તેમ ન હતું. સંસારનું હિત સાધવા માટે થઈને ભગવાન ભોળાનાથે તે હલાહલ વિષને પોતાના કંઠમાં ધારણ કરી લીધું, પરંતુ આમ કરવાથી ભગવાન ભોળાનાથને ચક્કર આવવા લાગ્યા. આથી ભગવાન ભોળાનાથે વિષની ગરમી ઓછી કરવા માટે ગંગા અને ચંદ્રમાને પોતાના શિર પર ધારણ કર્યા. તેનાથી ભોળાનાથના ચક્કર આવવા ઓછા થયા અને ગરમી પણ ઓછી થઈ. ભગવાન શિવની ગરમીને શાંત કરવા માટે જ શ્રાવણ માસમાં ભક્તો શિવજી પર જળાભિષેક કરે છે.
શ્રાવણ માસમાં ભોળાનાથની પૂજા અને આરાધનાનું વિષેષ મહત્ત્વ છે. અવિવાહિત યુવતીઓ અને યુવકો લગ્નજીવન માટે સારાં વર-વધૂની પ્રાપ્તિ માટે શિવજી પર જળાભિષેક કરીને બિલ્વપત્ર ચઢાવે છે. નવવિવાહિત દંપતી પોતાના દાંપત્યની મંગલ કામના માટે શિવભક્તિ કરે છે, કારણ કે પૌરાણિક કથાઓમાં ભગવાન શિવને શીઘ્ર પ્રસન્ન થઈને ફળ આપનારા યોગેશ્વર, ભૂતેશ્વર, મહાકાલેશ્વર, તત્કાલેશ્વર અને કૈલાસવાસીના નામથી ઓળખવામાં આવે છે.
શિવ પાર્થેશ્વર પૂજા
શિવ પાર્થેશ્વરની પૂજા માટે શિવલિંગ બનાવવા માટેની માટી પવિત્ર જગ્યામાંથી લાવવામાં આવે છે. આ શિવલિંગ સફેદ માટી, લાલ માટી, પીળી માટી અને કાળી માટીમાંથી બનાવવામાં આવે છે.
આ લિંગ નદીકિનારે, તળાવના કિનારે, પર્વત ઉપર, વનમાં, શિવાલયમાં કે બીજી અન્ય પવિત્ર જગ્યાએ નિર્માણ કરી શકાય. આપણા ઘરમાં પણ પૂજાસ્થાનમાં યોગ્ય આ શિવલિંગની સ્થાપના કરી શકાય.
ૐ નમ: શિવાયના મંત્રો દ્વારા માટી તથા જળનું પ્રોક્ષણ કરીને શિવલિંગ બનાવવામાં આવે છે. ત્યારબાદ અનેક મંત્રોથી વિશેષ પૂજા કરવામાં આવે છે.
નિર્માણ-પૂજા આરાધના
સદ્યોજાત...આ ઋચાથી માટી લાવવામાં આવે છે. વામદેવાય...આ મંત્ર ઋચાથી પાણી રેડવામાં આવે છે. માટી બરાબર ભીની થઈ જાય, લચકાદાર થઈ જાય પછી અઘોરે...મંત્રથી શિવલિંગનું નિર્માણ કરવામાં આવે છે ત્યારબાદ સાધકે તત્પુરુષાય... ઋચા વડે શિવનું આવાહન કરવું. ત્યારબાદ ઈશાન... મંત્રથી ભગવાનના શિવલિંગને વેદી ઉપર સ્થાપિત કરવાનું વિધાન છે. ત્યારબાદ અનેક ઉપચારો વડે શિવલિંગની વિશિષ્ટ પૂજા કરવામાં આવે છે. જેમ કે...
(1) એકમંત્રેણ પૂજા : શિવલિંગ ઉપર માત્ર તાંબાના લોટ વડે જળ ચડાવીને, દૂધ કે બીલીપત્ર ચડાવીને પૂજા થાય છે.
(2) એકમંત્રેણ પૂજા : માત્ર એક મંત્રથી પૂજા કરવામાં આવે છે. આ પૂજામાં માત્ર એક મંત્ર બોલવામાં આવે છે.
સર્વોપચારાર્થે ગંધાક્ષત્ પુષ્પાણીં સમર્પયામી।
(૩) પંચોપચાર પૂજા : પૂજામાં ભાવિક પાંચ પ્રકારના ઉપચારથી શિવલિંગની પૂજા કરી શકે છે. ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્ય.
(4) ષોડ્શોપચાર પૂજા : આ પૂજામાં સોળ પ્રકારના ઉપચારો વડે શિવલિંગની પૂજા કરવાનું માહાત્મ્ય છે.
(5) રાજોપચાર પૂજા : આ પ્રકારની પૂજામાં શિવજીના એક એક અંગની વિશિષ્ટ પૂજા થાય છે તેમજ ભગવાનને એક એક આયુધ વિધિપૂર્વક ધારણ કરાવવામાં આવે છે.
શિવમાનસ પૂજા
આ પૂજાવિધાનમાં એક પણ પ્રકારનું દ્રવ્ય હોતું નથી. આ પ્રકારની પૂજામાં શિવાલયનું કે શિવલિંગનું પણ હોવું જરૂરી નથી. આ પૂજાવિધાન ગરીબ વ્યક્તિ પણ પોતાની શ્રદ્ધાપૂર્વક કરી શકે છે. શિવમાનસ પૂજામાં પાંચ શ્લોકો દ્વારા એક એક શ્લોકને ખૂબ સુંદર ભાવથી બોલીને શિવજીને એક એક દ્રવ્ય માત્ર મનથી, કલ્પનાથી કાલ્પનિક રીતે અર્પણ કરીએ છીએ તેવી ભાવના કરવાની છે. આ માનસપૂજામાં ભક્તના મનની જેટલી ઉત્તમ અને પવિત્ર સ્થિતિ એટલી આ પૂજા ઉત્તમ થાય છે.
સર્વસાધારણ સાધકને ઉપયોગી એવી શિવલિંગ પૂજાનું વિધાન
હર, મહેશ્વર, શંભુ, શૂલપાણી, પિનાકધૃક, શિવ, પશુપતિ અને મહાદેવ શિવનાં આ આઠ નામ છે. આમાંથી પ્રથમ નામ દ્વારા ૐ હરાય નમ: નું ઉચ્ચારણ કરીને માટી લાવવી, ૐ મહેશ્વરાય નમ:થી નિર્માણ કરવું, ૐ શંભવે નમ:થી શિવલિંગની પ્રતિષ્ઠા કરવી, ત્યારબાદ ૐ પિનાક ધૃષં નમ: મંત્રથી શિવલિંગને સ્નાન કરાવવું, ૐ શિવાય નમ: મંત્રથી શિવલિંગની પૂજા કરવી ત્યારબાદ ૐ પશુપતયૈ નમ: મંત્રથી ક્ષમાપ્રાર્થના કરવી અને અંતમાં ૐ મહાદેવાય નમ: મંત્રથી શિવલિંગનું વિસર્જન કરવાનું વિધાન છે. પૂર્વકાળમાં (ત્રેતાયુગ) પ્રભુ શ્રીરામે પાર્થિવ શિવલિંગ બનાવીને પૂજા કરી હતી.
રાવણ સીતામૈયાનું હરણ કરી ગયો હતો ત્યારે સમુદ્ર ઉપર સેતુ બાંધવા માટે તથા રાવણને પરાજિત કરી સીતામૈયાને મુક્ત કરાવવા માટે પ્રભુ શ્રીરામે રામેશ્વરમ્ના સમુદ્રકિનારે શિવલિંગની વિધિવત્ સ્થાપના કરી વિધિવિધાનપૂર્વક પૂજા આરાધના કરી હતી.
દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તુતિ
સૌરાષ્ટ્રે સોમનાથં ચ, શ્રીશૈલે મલ્લિકાર્જુનમ્,।
ઉજ્જયિન્યાં મહાકાલ ૐકારમમલેશ્વરમ્॥1॥
પરલ્યાં વૈદ્યનાથં ચ ડાકિન્યાં ભીમશંકરમ્।
સેતુબન્ધે તુ રામેશં નાગેશં દારુકાવને॥2॥
વારાણસ્યાં તુ વિશ્વેશં ત્ર્યંમ્બકં ગૌતમીતટે।
હિમાલયે તુ કેદારં ઘુશ્મેશં ચ શિવાલયે॥૩॥
એતાનિ જ્યોતિર્લિંગાની સાયં પ્રાત: પઠેન્નર:।
સપ્તજન્મકૃતં પાપં સ્મરણેન વિનશ્યતિ॥4॥










