1958નું વર્ષ ભારતના ન્યાયિક ઇતિહાસમાં `રામ બહાદુર થાપા કેસ' તરીકે ઓળખાતા એક અનોખા અને રહસ્યમય કેસ માટે જાણીતું છે. આ કેસ કાનૂની દૃષ્ટિકોણથી મહત્ત્વપૂર્ણ હોવાની સાથે સાથે સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધાઓ અને તેનાં ભયાનક પરિણામોનું પ્રતીક પણ બન્યો. આ ઘટનાએ ભારતીય કાયદામાં `તથ્યની ભૂલ' ના સિદ્ધાંતને સમજાવ્યો અને સાબિત કર્યું કે અંધશ્રદ્ધા વ્યક્તિને કેટલી હદે ગુના તરફ ધકેલી શકે છે.

વાત જાણે એમ છે કે, રામ બહાદુર થાપા નામના એક નેપાળી મૂળના વ્યક્તિ હતા કે જે જગતબંધુ ચેટર્જી નામના ઉદ્યોગપતિના નોકર હતા. જગતબંધુ ચેટર્જી `ચેટર્જી બ્રધર્સ' નામની પેઢીના માલિક હતા અને તેમની પાસે ઓડિશાના બાલાસોર જિલ્લાના રાસગોવિંદપુર ખાતેના એક જૂના એરપોર્ટ પરથી ભંગાર સામગ્રી ખરીદવાનો કોન્ટ્રાક્ટ હતો. આ એરપોર્ટ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બનાવવામાં આવ્યું હતું, પરંતુ હવે તેનો ઉપયોગ બંધ થઈ ગયો. સ્થાનિક ગ્રામજનોના મતે આ સ્થળને `ભૂતિયા' માનવામાં આવતું હતું. એવું કહેવામાં આવતું હતું કે રાત્રે અહીં શ્વેત આકૃતિઓ જોવા મળતી હતી અને કેટલાક લોકોએ દાવો કર્યો હતો કે તેમને ભૂતોની હાજરી પણ અનુભવાઈ હતી. ગામમાં જૂની વાર્તાઓ હતી કે આ જગ્યાએ વિચિત્ર ઘટનાઓ બનતી હતી અને સ્થાનિક લોકો તેને ડરથી જોતા હતા. એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં ભયાનક વાતાવરણ હતું, જેથી લોકો રાત્રે બહાર નીકળતા નહોતા, પરંતુ જગતબંધુ ચેટર્જીએ આ વાર્તાઓને ફક્ત લોકકથાઓ ગણી અને તેને ચકાસવાની યોજના બનાવી.

ચેટર્જીના મનમાં એક વિચાર આવ્યો કે જો તે પોતે આ સ્થળની મુલાકાત લે અને આ અફવાઓ પાછળનું સત્ય શોધી કાઢે, તો તે આ વિષય પર અન્ય લોકોની ગેરસમજોને સુધારી શકશે, પરંતુ આ યોજના તેના અને તેના સાથીઓ માટે ખૂબ જ મોંઘી સાબિત થવાની હતી. ચેટર્જી માનતા હતા કે આ એક પ્રકારની કસોટી યાત્રા હશે, જેના દ્વારા તેઓ શોધી શકશે કે આ વાર્તાઓ પાછળ કોઈ સત્ય છે કે પછી તે ફક્ત ભય દ્વારા ફેલાવવામાં આવેલ ભ્રમ છે. 20 મે, 1958ની રાત્રે જગતબંધુ ચેટર્જી તેમના નોકર રામ બહાદુર થાપા અને સ્થાનિક રહેવાસી કૃષ્ણચંદ્ર પાત્રાને પોતાની સાથે લઈને ભૂતને જોવા માટે એરપોર્ટ તરફ ગયા. કોઈ પણ અણધારી પરિસ્થિતિનો સામનો કરવા માટે તેની પાસે બંદૂક અને ખુકરી (નેપાળી છરી) હતી. રાત્રે લગભગ 12 વાગ્યે તેમણે દૂરથી એક રહસ્યમય પ્રકાશ ચમકતો જોયો. આ પ્રકાશ ધીમે ધીમે તેમની નજીક આવવા લાગ્યો અને જ્યારે તેમણે ધ્યાનથી જોયું, ત્યારે તેમને સફેદ આકારો દેખાયા. તેમના મતે આ આકૃતિઓ સફેદ કપડામાં લપેટાયેલી હતી અને હવામાં તરતી દેખાતી હતી.

આ દૃશ્ય એવું હતું કે રામ બહાદુર થાપા તેને જોઈને સંપૂર્ણપણે ગભરાઈ ગયો. તે માનવા લાગ્યો કે આ ભૂત છે જે રાત્રે અહીં ભટકતાં હોય છે. તેની અંધશ્રદ્ધા અને ડર એટલો બધો ઊંડો થઈ ગયો કે તેણે તરત જ તે વ્યક્તિઓ પર ખુકરીથી હુમલો કર્યો. થાપાએ વિચાર્યું કે તે આત્માઓ સામે લડી રહ્યો છે, તેણે હુમલો કર્યો.

જોકે, આ વ્યક્તિઓ ભૂત નહીં, પણ માઝી જાતિની સ્ત્રીઓ હતી કે જેઓ જંગલમાં મહુઆનાં ફૂલો એકઠાં કરી રહી હતી. આ સ્ત્રીઓ પાસે ફાનસ હતી, જેમાંથી આ પ્રકાશ આવતો હતો. માઝી જાતિની સ્ત્રીઓ રાત્રે મહુઆ લેવા માટે બહાર જતી હતી અને આ તેમની પરંપરાગત આદત હતી. આ આદતના કારણે તેમને તેમના અસ્તિત્વ માટે જરૂરી ભૌતિક વસ્તુઓ ભેગી કરવાની ફરજ પડી, પરંતુ રામ બહાદુર થાપા કે જે અંધશ્રદ્ધાળુ હતો, તેમણે વિચાર્યા વિના આ મહિલાઓ પર હુમલો કર્યો. આ ઘટના બાદ અવારનવાર થાપા આ સ્થળે જતાં અને આવી રીતે જ ભૂત સમજીને મહિલાઓનું ખૂન કરતા રહ્યા.

મહિલાનાં મોતથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. થાપાના અંધશ્રદ્ધાળુ વલણનાં વિનાશક પરિણામો આવ્યાં. એક મહિલાનું મોત થયું, જ્યારે બે અન્ય મહિલાઓ અને કૃષ્ણચંદ્ર પાત્રા ગંભીર રીતે ઘાયલ થયા. આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને રામ બહાદુર થાપાની ધરપકડ કરી. સમગ્ર વિસ્તારમાં ગુસ્સો અને શોકની લહેર ફેલાઈ ગઈ અને આ દુ:ખદ ઘટનાએ સમાજમાં અંધશ્રદ્ધાનાં જોખમોને ઉજાગર કર્યાં.

ગ્રામજનો અને સ્થાનિક અધિકારીઓએ આ ઘટનાની સખત નિંદા કરી અને તેને એક દુ:ખદ ઉદાહરણ ગણાવ્યું. આવી અંધશ્રદ્ધાઓ સામે અવાજ ઉઠાવવાની જરૂર અનુભવી. રામ બહાદુર થાપાનાં કૃત્યો બાદ તે વિસ્તારના લોકોમાં ચિંતા અને મૂંઝવણ ફેલાઈ ગઈ હતી કે શું તેઓ આવી અંધશ્રદ્ધાઓથી બચી શકશે કે નહીં.

રામ બહાદુર થાપા પર ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા) અને 326 (ગંભીર ઈજા પહોંચાડવી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જ્યારે સેશન્સ કોર્ટમાં કેસની સુનાવણી શરૂ થઈ ત્યારે બચાવ પક્ષે દલીલ કરી કે રામ બહાદુરે હત્યા જાણીજોઈને કરી ન હતી, પરંતુ તેમણે આ મહિલાઓને ભૂત સમજીને હુમલો કર્યો હતો. ફરિયાદ પક્ષે તેને હત્યા ગણાવી, કહ્યું કે પુરાવા વિના વ્યક્તિ પર હુમલો કરવો એ ગુનો છે, પછી ભલે તે ગમે તે પરિસ્થિતિમાં હોય. ફરિયાદ પક્ષના મતે ભૂત જેવી કોઈ વસ્તુ નથી અને ફક્ત અંધશ્રદ્ધાના આધારે થયેલી હત્યાને માફ કરી શકાતી નથી. તેમણે કોર્ટને એમ પણ કહ્યું કે માઝી જાતિની મહિલાઓ વર્ષોથી મહુઆ એકત્રિત કરવા માટે આ વિસ્તારમાં આવતી હતી અને તે તેમની પરંપરાનો એક ભાગ હતો. તેથી એવી શક્યતા હતી કે કોઈ સ્થાનિક વ્યક્તિને આ હકીકતની જાણ હતી.

બચાવ પક્ષે ભારતીય દંડ સંહિતાની કલમ 79નો ઉલ્લેખ કરીને કહ્યું કે આ હકીકતની ભૂલનો કેસ છે, કારણ કે આરોપી માનતો હતો કે તે માણસો પર નહીં, પણ ભૂત પર હુમલો કરી રહ્યો છે. બચાવ પક્ષે એવી પણ દલીલ કરી હતી કે જો કોઈ વ્યક્તિ સ્વ બચાવમાં અથવા સમાજના કલ્યાણ માટે કંઈક કરે છે અને તે જો કોઈ કૃત્ય ભૂલથી ગુનો બની જાય, તો તેને માફ કરી શકાય છે.

કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટે ઘણા સાક્ષીઓની પૂછપરછ કરી. માઝી જાતિની સ્ત્રીઓએ જણાવ્યું હતું કે તેઓ હંમેશાં સફેદ કપડાં પહેરતી હતી, જેના કારણે કદાચ તેમને એવો ભ્રમ થયો હશે કે તેઓ ભૂત છે. તે જ સમયે કેટલાક સ્થાનિક લોકોએ પણ જુબાની આપી હતી કે આ વિસ્તારમાં પહેલેથી જ ભૂતોની અફવાઓ ફેલાઈ રહી છે.

સેશન્સ કોર્ટે આ દલીલ સ્વીકારી અને ઠરાવ્યું કે તે એક વાસ્તવિક ભૂલ હતી, જે કોઈ દુર્ભાવનાપૂર્ણ ઈરાદાથી કરવામાં આવી ન હતી. કોર્ટે રામ બહાદુર થાપાને કલમ 79 હેઠળ નિર્દોષ જાહેર કર્યા, પણ વાત અહીં પૂરી ન થઈ. આ વાત હાઈકોર્ટમાં પહોંચી, જ્યાં ફરિયાદ પક્ષે દલીલ કરી કે અંધશ્રદ્ધા પર કાયદો હોવો જોઈએ. હાઈકોર્ટે એમ પણ અવલોકન કર્યું હતું કે જો દરેક વ્યક્તિ અંધશ્રદ્ધાના આધારે હિંસા કરવાનું શરૂ કરે છે, તો સમાજમાં અરાજકતા ફેલાઈ શકે છે. જોકે, કોર્ટે સેશન્સ કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો અને આરોપીને નિર્દોષ જાહેર કર્યો.

આ કેસ ભારતીય ન્યાયતંત્રમાં એક મહત્ત્વપૂર્ણ દાખલો બન્યો. કલમ 79 હેઠળ જો કોઈ વ્યક્તિ કંઈક કરે છે, તેને લાગે છે કે તે યોગ્ય રીતે કરી રહ્યો છે અને તે વાસ્તવિક ભૂલને કારણે થાય છે, તો તેને દોષિત ગણવામાં આવશે નહીં, પરંતુ આ દલીલ ફક્ત એવા કિસ્સાઓમાં જ લાગુ પડી શકે છે જ્યાં કોઈ વાસ્તવિક દ્વેષ ન હોય. આ કેસ એ પણ દર્શાવે છે કે સમાજમાં ઊંડા મૂળ ધરાવતી અંધશ્રદ્ધાઓ અને અફવાઓને કેવી રીતે નિયંત્રિત કરી શકાય છે અને તેનાથી થતી હિંસાનો સામનો કેવી રીતે કરી શકાય છે. આ ઘટના એ પણ સ્પષ્ટ કરે છે કે જ્યારે તર્કસંગત વિચારસરણી અને વૈજ્ઞાનિક અભિગમનો અભાવ હોય છે, ત્યારે માનવતાને ભારે કિંમત ચૂકવવી પડે છે.

રામ બહાદુર થાપા કેસ માત્ર કાનૂની મામલો જ નહોતો, પરંતુ ભારતીય સમાજમાં ઊંડાં મૂળિયાં ધરાવતી અંધશ્રદ્ધાઓનું પ્રતીક પણ હતો. આ ઘટના દર્શાવે છે કે કેવી રીતે અફવાઓ અને અંધશ્રદ્ધા વ્યક્તિને હિંસક વ્યક્તિ બનાવી શકે છે. આ ઘટના એ પણ દર્શાવે છે કે વિજ્ઞાન અને તર્કસંગત વિચારસરણી અપનાવવાની કેટલી જરૂર છે. રામ બહાદુર થાપાનો આ કેસ ભારતીય ન્યાયિક ઇતિહાસમાં એક અનોખો દાખલો બન્યો. આ કેસ માત્ર ન્યાયતંત્ર માટે જ નહીં, પરંતુ સમાજ માટે પણ એક પાઠ છે કે અંધશ્રદ્ધાની કિંમત કેટલી ભયંકર હોઈ શકે છે, તેથી એ મહત્ત્વનું છે કે આપણે તર્કસંગત અભિગમ અપનાવીએ અને આપણા જીવનમાં વિજ્ઞાનને મહત્ત્વ આપીએ.