દુનિયામાં એવી અનેક રહસ્યમય જગ્યા છે, જે લોકોને વિચારતા કરી મૂકે. તમે ક્યારેય એવા શહેર વિશે સાંભળ્યું છે, જે પાંચ-દસ નહીં, પરંતુ 8000 ફીટ ઊંચાઇ ઉપર વસેલું હોય? તમે કહેશો કે આ તો અજાયબી છે.

આજે આપણે એવા શહેરની વાત કરીશું જે દુનિયાની અજાયબીઓમાંની એક છે, જે અનેક વર્ષોથી વિરાન છે. આ શહેર સાથે જોડાયેલ અનેક રહસ્યો છે, જેના જવાબ કોઇની પાસે નથી. આ શહેરનું નામ માચુ પિચ્ચુ છે, તેને રહસ્યમય શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. માચુ પિચ્ચુ શહેર દક્ષિણ અમેરિકાના પેરુમાં આવેલ છે. આ શહેર ઐતિહાસિક સ્થળ છે. દરિયાઇ સપાટીથી આશરે 2430 મીટર એટલે કે 8,000 ફીટની ઊંચાઇ પર ઉરુબામ્બા ઘાટીની ઉપર એક પર્વત પર આ શહેર આવેલું છે.

માચુ પિચ્ચુને લોકો ઇંકાઓનું ગુમ થયેલ શહેર પણ કહે છે. આ શહેર ઇંકા સામ્રાજ્યના સૌથી પરિચિત પ્રતીકોમાંનું એક છે. તેને પેરુનું એક ઔતિહાસિક દેવાલય પણ કહેવામાં આવે છે. તેથી આ જગ્યાને પવિત્ર સ્થળ માનવામાં આવે છે. 1983માં યુનેસ્કો દ્વારા માચુ પિચ્ચુને વિશ્વ ધરોહરનો દરજ્જો આપવામાં આવ્યો છે.

માચુ પિચ્ચુનો ઇતિહાસ

આશરે 15મી શતાબ્દીની આસપાસ ઇંકા સામ્રાજ્યના લોકોએ માચુ પિચ્ચુ શહેરનું નિર્માણ કર્યું હતું. એવું કહેવામાં આવે છે કે ઇંકો સમ્રાટ પચકુટેકે માચુ પિચ્ચુના નિર્માણનો આદેશ આપ્યો હતો. એ પછી આશરે સો વર્ષ પછી સ્પેનિશોએ ઇંકાઓ ઉપર જીત મેળવી. એ પછી ઇંકા લોકો આ જગ્યાને હંમેશાં માટે છોડીને જતા રહ્યા. ત્યારથી લઇને આજ સુધી આ સ્થળ વેરાન પડ્યું છે.

અજાયબીનું કારણ

માચુ પિચ્ચુ દુનિયા માટે આશ્ચર્યજનક એટલા માટે છે, કારણ કે અહીં પથ્થરની ઓછામાં ઓછી 3000 સીડીઓ છે. સૌથી રસપ્રદ વાત તો એ છે કે આખું શહેર ધાતુનાં ઓજારો અને પૈડાનો ઉપયોગ કર્યા વગર બનાવવામાં આવ્યું છે. નિર્માતાઓએ શહેરમાં ફક્ત એક જ પ્રવેશદ્વારા રાખ્યું છે, જેથી આક્રમણ સમયે તેની સુરક્ષા કરવાનું સરળ થઇ જાય. ઇંકા લોકો પાસે પથ્થર કાપવાની અદ્ભુત ટેક્નિક હતી. તેમણે પથ્થરોને એટલી મજબૂતીથી બાંધ્યા છે કે એની વચ્ચે એક ક્રેડિટ કાર્ડ પણ સ્વાઇપ કરી શકાય એમ નથી. તેથી આ શહેર ભૂકંપ અને કુદરતી વિપત્તિઓનો સામનો કરવા છતાં હજુ અડીખમ ઊભું છે.

માચુ પિચ્ચુની શોધ

અહીંના સ્થાનિક લોકો માચુ પિચ્ચુ વિશે ઘણાં વર્ષોથી જાણે છે, પરંતુ તેને દુનિયાની સામે લાવવાનું શ્રેય અમેરિકન ઇતિહાસકાર હિરમ બિંધમને આપવામાં આવે છે. 1911માં તેમણે આ જગ્યાની શોધ કરી હતી, ત્યારથી આ જગ્યા દુનિયાભરના લોકો માટે મહત્ત્વપૂર્ણ પર્યટન સ્થળ બની ગયું છે. હજારોની સંખ્યામાં લોકો માચુ પિચ્ચુને જોવા માટે આવે છે અને તેના ઇતિહાસ અને રહસ્યોને સમજવાનો પ્રયત્ન કરે છે.