ધર્મગ્રંથોના કથન અનુસાર માગશર મહિનાની પૂર્ણિમા મૃગશીર્ષ નક્ષત્રથી યુક્ત હોય છે અને આ માગશર મહિનો માતા લક્ષ્મી તેમજ ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટેનો શ્રેષ્ઠ માસ ગણવામાં આવે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ ભગવાન યોગેશ્વર અર્જુનની સમક્ષ અધ્યાય.10 (વિભૂતયોગ)માં 35મા શ્લોકમાં જણાવે છે કે `માસાનાં માર્ગશીર્ષોડમૃતનાં કુસુમાકર' – હે અર્જુન ! મહિનાઓમાં માગશર માસ હું જ છું. મૃગશીર્ષ નક્ષત્રનાં પ્રથમ બે ચરણ વૃષભ રાશિમાં અને પાછલાં બે ચરણ મિથુન રાશિમાં પડે છે. મૃગશીર્ષ નક્ષત્ર 23 અંશથી 20 કળાથી 30 અંશ સુધી વૃષભ રાશિમાં અને 0 અંશથી 6 અંશ 40 કળા સુધી મિથુન રાશિમાં ગણાયેલું છે. જન્મકુંડળીસ્થિત અષ્ટોત્તરી મહાદશા તેમજ અંતરદશા દરમ્યાન મૃગશીર્ષ નક્ષત્રમાં જન્મ ધારણ કરનાર વ્યક્તિ ઉપર શુક્રનું પ્રભુત્વ વધુ જોવા મળે છે. મૃગશીર્ષ નક્ષત્રમાં જન્મેલી વ્યક્તિ વિદ્વાન, નીતિવાન, સંશોધનશાસ્ત્રી, વ્યવસાયલક્ષી નિપુણતા ધરાવનાર, ઉચ્ચ હોદ્દો ધરાવનાર, ધૈર્યવાન, રાજ્યાધિકારી, ગુણવાન, ધનવાન તેમજ ન્યાયપ્રિય જોવા મળે છે. મૃગશીર્ષ નક્ષત્રના સ્વામી ચંદ્ર હોવાથી દશ હજારની સંખ્યામાં નીચેના ચંદ્ર મંત્રના જાપ કરવાથી જીવનમાં સફળતા જોવા મળે છે.
ૐ ઇમન્દેવા અસપત્ન સુવધ્વં
મહતેક્ષત્રાય મહતેજયેષ્ઠાયાયમહતે
જાનરાજ્યયિન્દ્રસ્યેન્દ્રિયાય ઇમમ્ ભૂષ્યૈ
પુત્રયમુષ્યૈ પુત્રમસ્યૈ વિશ એષવોડ
ભીરાજા સોમોડ્સ્માકં બ્રાહ્મણાંનાં
રાજા ૐ ચંદ્રમસે નમ: ॥
મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રથમ બે ચરણના રાશિ સ્વામી શુક્ર અને બાકીનાં બે ચરણના રાશિ સ્વામી બુધ બને છે અને નક્ષત્ર સ્વામી મંગળ બને છે. મૃગશીર્ષ નક્ષત્રમાં જન્મ ધારણ કરનાર વ્યક્તિ મોટાભાગે કાપડ-ટેક્સ્ટાઇલ ઉદ્યોગ, હીરા- ઝવેરાત, મેન્યુફેક્ચરિંગ, સંદેશાવ્યવહાર ખાતું, તાર-ટેલિકોમ ખાતું, કમિશન એજન્ટ, કમ્પ્યૂટરમાં નિષ્ણાત કાર્ય કરનાર, ટીવી. કે ઇલેક્ટ્રોનિક્સ સાધનોના વિક્રેતા, હાર્ડવેર વગેરે કાર્ય કરતાં વધુ જોવા મળે છે. હિન્દુ પંચાંગના કથન અનુસાર મૃગશીર્ષ નક્ષત્ર દરમ્યાન સોમવાર, બુધવાર, ગુરુવાર તેમજ શુક્રવાર આવતા હોય અને કોઇ પણ પક્ષની બીજ, ત્રીજ, સાતમ, અગિયારસ કે તેરસ આવતી હોય તે દિવસે બાળકને નિશાળે બેસાડવું, નામકરણ વિધિ કરવી, વિવાહ-સગાઈ કરવાં, વિવાહનાં મુહૂર્ત લેવાં, કોઇ પણ ધર્મકાર્ય કરવું તેમજ વધુ પ્રવેશ મુહૂર્ત, નવી દુકાનનું મુહૂર્ત, નોકરી કરવા માટેનું મુહૂર્ત, મંત્ર સિદ્ધ કરવાનું મુહૂર્ત, ગર્ભાધાન સફળ કરવાના મુહૂર્ત માટે શ્રેષ્ઠ ગણાય છે. મૃગશીર્ષ નક્ષત્રદોષ થવાથી વ્યક્તિને શરીરના અને છાતીના ઉપરના ભાગમાં દુખાવો, ગળાના રોગ, કાનના રોગ, નાકના રોગ થવાની સંભાવના વધુ રહે છે. મૃગશીર્ષ નક્ષત્રમાં સૂર્યના ભ્રમણ દરમિયાન નક્ષત્ર સ્વામી મંગળ હોવાના કારણે જમીન-મકાનના ભાવમાં સામાન્ય તેજી, અનાજ-કઠોળ વગેરે ભાવોમાં પ્રથમ મંદી ત્યારબાદ તેજી રહેતી જોવા મળે છે.
મૃગશીર્ષ નક્ષત્રના શારીરિક દોષ લક્ષણમાં વાત્ત-પિત્ત અને કફજન્ય તાવ, આખા શરીરે પીડા અને દુખાવો રહેતો જોવા મળે છે. મૃગશીર્ષ નક્ષત્રદોષ દરમ્યાન ગાયને મિષ્ઠાન ભોજન ખવડાવવું તેમજ ગાયની સેવા કરવી અતિ ઉત્તમ ગણાય છે. મૃગશીર્ષ દોષ નિવારણ હવનમાં હોમબલી દ્રવ્ય સ્વરૂપે દહીં, ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે તેમજ જયંતી વૃક્ષનાં મૂળની જડ ધારણ કરવાથી લાભ મળી શકે છે. મૃગશીર્ષ નક્ષત્રોના ચરણાક્ષર પ્રમાણે પ્રથમ ચરણમાં (વે), બીજા ચરણમાં (વો), ત્રીજા ચરણમાં (કા) તેમજ ચોથા ચરણમાં (કી) ચરણાક્ષર આવે છે. મૃગશીર્ષ નક્ષત્રના સૂર્યોના લાભાંકની સંખ્યા 4 છે.
મૃગશીર્ષ નક્ષત્ર સાત્ત્વિક તત્ત્વ ધરાવનારું, જાતિ-વૃષક, વૈર-નકુલ તેમજ શાંત ગુણવાળું નક્ષત્ર ગણાય છે. હિંદુ શાસ્ત્ર પ્રમાણે સમુદ્રમંથન મૃગશીર્ષ નક્ષત્રમાં થયું હતું તેમજ માતા પાર્વતીનું જન્મ નક્ષત્ર પણ મૃગશીર્ષ ગણવામાં આવે છે.
મૃગશીર્ષ નક્ષત્રનાં ચાર ચરણ
1. પ્રથમ ચરણ : મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રથમ ચરણમાં જન્મ ધારણ કરનાર વ્યક્તિ સૂર્ય, શુક્ર તેમજ મંગળના પ્રભુત્વ હેઠળ જોવા મળે છે. આવી વ્યક્તિઓ સ્વરૂપવાન, મેધાવી, હોશિયાર, શિક્ષિત તેમજ કલાપ્રેમી જોવા મળે છે.
2. બીજું ચરણ : મૃગશીર્ષ નક્ષત્રમાં બીજા ચરણમાં જન્મ ધારણ કરનાર વ્યક્તિ શુક્ર, મંગળ તેમજ બુધના પ્રભુત્વ હેઠળ જોવા મળે છે. આવી વ્યક્તિઓ સન્માન પ્રાપ્ત કરનાર, સામાજિક કાર્યકર્તા, મનોરંજન કરવાવાળા, વૈજ્ઞાનિક તેમજ ગણિતજ્ઞ જોવા મળે છે.
3. ત્રીજું ચરણ : મૃગશીર્ષ નક્ષત્રમાં ત્રીજા ચરણમાં જન્મ ધારણ કરનાર વ્યક્તિ બુધ, મંગળ, શુક્રના પ્રભુત્વ હેઠળ જોવા મળે છે. આવી વ્યક્તિઓ રાજકારણી, ધૈર્યવાન, શિક્ષક, કળાપ્રેમી જોવા મળે છે. આવી વ્યક્તિઓને સંગીત અતિ પ્રિય હોય છે.
4. ચોથું ચરણ : મૃગશીર્ષ નક્ષત્રમાં ચોથા ચરણમાં જન્મ ધારણ કરનાર વ્યક્તિ મંગળ અને બુધના પ્રભુત્વ હેઠળ જોવા મળે છે. આવી વ્યક્તિઓ તત્ત્વજ્ઞાની, લેખક, પુરોહિત, રસોઈકળામાં નિપુણ, વિશ્વાસુ તેમજ આધ્યાત્મિક જ્ઞાન ધરાવતા જોવા મળે છે.
મૃગશીર્ષ નક્ષત્ર દરમ્યાન કરવાના ઉપાયો
મૃગશીર્ષ નક્ષત્ર દરમ્યાન `શિવ મહિમ્ન સ્તોત્ર'નો 11 વાર પાઠ કરવાથી લાભ મળી શકે.
ચંદ્ર ગ્રહનું યંત્ર સ્થાપિત કરીને સ્ફટિકની માળા પર ॥ ૐ શ્રીં સોમાય નમ: ॥ આ મંત્રની 11 માળા કરવી.
મૃગશીર્ષ નક્ષત્ર દરમ્યાન રુદ્રાભિષેક કરાવવો.
ગણેશ ચાલીસાનો 21 વાર પાઠ કરવો ખૂબ જ શુભ રહે છે.
મૃગશીર્ષ નક્ષત્ર દરમ્યાન શિવલિંગ પર પંચામૃત ચઢાવીને ॥ ૐ નમઃ શિવાય ॥ મંત્રની 3 માળા કરવી.
મૃગશીર્ષ નક્ષત્ર દરમ્યાન `મંગલ કવચ'નો સાત વાર પાઠ કરવો.
ચંદ્રનું રત્ન `મોતી' જ્યોતિષાચાર્યની સલાહ લીધા બાદ ધારણ કરવાથી લાભ મેળવી શકાય.
મૃગશીર્ષ નક્ષત્ર દરમ્યાન શુક્રાષ્ટોત્તર શતનામાવલીનો એક વાર પાઠ કરવો.
મૃગશીર્ષ નક્ષત્ર દરમ્યાન 1 કિલો મગનો શિવલિંગને સ્પર્શ કરાવી જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવું.
મૃગશીર્ષ નક્ષત્ર દરમ્યાન ॥ ૐ અત્રિપુત્રાય વિદ્મહે સાગરોભ્દવાય ધિમહી તન્નો ચંદ્ર: પ્રચોદયાત્ ॥ (ચંદ્ર ગાયત્રી મંત્ર)ની સ્ફટિકની માળા પર 11 માળા કરવી.
મૃગશીર્ષ નક્ષત્ર દરમ્યાન ઋણહર ગણેશ સ્તોત્રનો 7 વાર પાઠ કરવો.
મૃગશીર્ષ નક્ષત્ર દરમ્યાન `ચતુષ્ષ્ટિ ભૈરવ નામાવલી' (ચોસઠ ભૈરવ) નામાવલીનો એક વાર પાઠ કરવો.
મૃગશીર્ષ નક્ષત્ર દરમ્યાન ચંડીપાઠ (દુર્ગા સપ્તસતી)નો ચતુર્થ અધ્યાય (શક્રાદય સ્તુતિ)નો એક વાર પાઠ કરવો.
મૃગશીર્ષ નક્ષત્ર દરમ્યાન ભવાન્યષ્ટકમનો ત્રણ વાર પાઠ કરવો.
મૃગશીર્ષ નક્ષત્ર દરમ્યાન `શ્રી સુક્તમ્' નો ત્રણ વાર પાઠ કરવો.