ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઇને લાવણ્યાએ કહ્યું, મમ્મી! આજે શરદપૂનમ છે. મેં અને રૂપેને એકબીજાને આજે બપોરે જ લવપ્રપોઝ કરી દીધું છે અને હવે રાસગરબાના કાર્યક્રમમાં જઇએ છીએ.
લજ્જા પ્રથમ તો પુત્રીના શબ્દો સાંભળીને સ્તબ્ધ થઇ ગઇ. કોઇ જાતના હિચિકચાટ વિના એણે જાણે કોઇ રૂટિન બાબત હોય એમ લવપ્રપોઝ કર્યાની વાત કહી દીધી હતી. આટલી બધી મહત્ત્વની જીવનની નિર્ણાયક બાબત વિશે એ બહુ ગંભીર લાગતી નથી. એ ચિંતિત થઇ ગઇ. એના જીવનમાં ફરી શરદપૂનમ શુભમંગલનો સંદેશ લાવનારી બની રહી હતી, પરંતુ ક્યાંક લાવણ્યા અને રૂપેનને તેઓ જેમ સંઘર્ષ ના કરવો પડે? તેણે અને વૈભવે શરદપૂનમના દિવસે જ તો આરપારનું સાહસ કર્યું હતું. બંને એક જ વિસ્તારમાં નજીક-નજીકની સોસાયટીમાં રહેતાં હતાં. વૈભવની બહેન હેમાલી તેની ફ્રેન્ડ હતી. એટલે એકબીજાના ઘરે પણ જતાં. વૈભવ તેનો મોટો ભાઇ હતો. તે ત્રણેય સાથે જ રમતાં અને સ્કૂલે પણ સાથે જ જતાં. એ એક ધોરણ આગળ હતો. તેઓ વચ્ચે ધીમે ધીમે દોસ્તી ગાઢ બનવા માંડી હતી. ગણેશોત્સવ અને નવરાત્રિમાં તેઓ બહુ મોજ કરતાં. મોટાં થઇ ગયાં તોય તેઓની મૈત્રીમાં કોઇ ફર્ક ના પડ્યો. તેઓ વધુ સજાગ બનીને એકબીજાને મળતાં. વૈભવની જ બાઇક પર ટ્રિપલ સીટ તેઓ ગણેશ મંડપોમાં દર્શને જતાં અને નવરાત્રિમાં રાસગરબા રમવા જતાં. તે બંનેને ગરબા રમવાનો ભારે શોખ હતો. એટલે જ તો નોરતાં પછી પણ શરદપૂનમે પણ રાસગરબાનાં આયોજનોમાં જતાં. શરદપૂનમની રાતડી રંગ ડોલરિયો ગરબો તે બંનેનો ફેવરિટ હતો. તે અચૂક ગવાતો અને તે બંને જે અંદાજથી ગરબે ઘૂમતાં તે જોઈને બધા સ્તબ્ધ થઈ જતા. આ દરમિયાન તેની અને વૈભવ વચ્ચે પ્રેમ પાંગરતાં બંને ચિંતિત બન્યાં હતાં, કારણ કે બંનેની કાસ્ટ અલગ હોવાથી તેમનો પરિવાર મેરેજની પરવાનગી આપે એમ ન હતો. બંનેએ કોલેજ પૂરી કર્યા પછી વૈભવ માટે કન્યાઓ અને તેના માટે મૂરતિયાઓ જોવાનું શરૂ થઇ ગયું હતું. તે બંનેએ દિવસો સુધી શું કરવું? તે જ વિચાર્યા કર્યું. પછી બંનેએ હિંમત કરીને પોતપોતાનાં મમ્મી-પપ્પાને લવમેરેજ કરવા ઇચ્છતાં હોવાની વાત કરતાં બંનેએ ના પાડી. તેને તો મમ્મી-પપ્પાએ આ વાત કોઇને ખબર ના પડે તેની કાળજી રાખવા પણ કહ્યું હતું. આખરે વૈભવે તેને ખૂબ લાડ કરતાં અમદાવાદમાં રહેતાં તેનાં માસીને આખી વાત કરી અને તેમણે થોડો સમય રહેવાની વ્યવસ્થા કરી આપવા તૈયારી બતાવી હતી. એટલે વૈભવે અને તેણે શરદપૂનમે રાસગરબા રમવા જવાનો કાર્યક્રમ નક્કી કર્યો અને પ્લાનિંગ મુજબ મધરાતે પહેરેલાં કપડે જ ટ્રેનમાં બેસીને અમદાવાદ પહોંચી ગયાં. તેણે પછી મમ્મીને મેસેજ કરી જણાવી દીધું હતું કે તે અને વૈભવ મેરેજ કરવા ઘર છોડી રહ્યાં છે. મને શોધવા પ્રયાસ ન કરતાં. અમે બંને પુખ્ત હોવાથી કાયદેસર રીતે અમને મેરેજ કરતાં કોઇ રોકી શકે નહીં. એટલે પોલીસ ફરિયાદ જેવી ઝંઝટમાં ના પડતાં! અમદાવાદમાં માસીએ એક રૂમના ફ્લેટની વ્યવસ્થા કરી આપી હતી. પાસે કંઇ ન હતું. એટલે થોડા પૈસા આપ્યા અને જમવાનું તેમના ઘરે જ રાખ્યું હતું. વૈભવે ઘણી બધી કંપનીઓમાં જઇને ધક્કા ખાધા બાદ નોકરી મળી જતાં ખૂબ આનંદ થયો હતો. એણે પોતે પણ એક ટ્યુશન ક્લાસમાં ટીચર તરીકે સર્વિસ મેળવી લીધી. એટલે ગાડું ગબડવા માંડ્યું. ત્યારબાદ વિધિપૂર્વક મેરેજ પણ કરી લીધા અને પછી તો નસીબજોગે વૈભવને અન્ય કંપનીમાં સારી સર્વિસ મળી. બંનેનો જીવનનિર્વાહ સરળતાથી ચાલવા માંડ્યો. માસીના એ ફ્લેટને જ ભાડે રાખી લીધો. એ માસીને જીવ્યાં ત્યાં સુધી મા જેમ જ માન્યાં. તેમણે વૈભવના પરિવારને બાદમાં જાણ કરી હતી કે વૈભવ અને તેની પત્ની અહીં જ છે. ચિંતા ના કરતાં, પરંતુ તેઓએ કોઇ રિસ્પોન્સ ન આપ્યો. સમય જતાં તેને પુત્રી જન્મી, જેનું લાવણ્યા નામ રાખ્યું હતું. બહુ જ સુંદર અને સુશીલ હતી. અભ્યાસમાં ખૂબ તેજસ્વી હતી. તે અને વૈભવ લાવણ્યાને ખૂબ લાડ કરતાં હતાં. તેને જે જોઇએ તે હાજર કરી દેતાં. એની પર કોઇ જ પ્રતિબંધ ન હતો. કોઇ રોકટોક ન હતી. ફ્રેન્ડસર્કલ મોટું હતું, પરંતુ એણે ક્યારેય અને કોઇ સાથે લવ હોવાની વાત કરી ન હતી. આજે શરદપૂનમે અચાનક જ જાણે ઔપચારિક વાત કરી હોય એમ તેણે રૂપેન સાથે આજે બપોરે લવપ્રપોઝ કર્યું હોવાનું કહીને હવે રાતે રાસગરબાના કાર્યક્રમમાં જતી હોવાનું કહ્યું હતું. એ પોતાની ઘટનાનું પુનરાવર્તન થતું લાગતાં ચિંતિત બની અને બહાર નીકળી રહેલી લાવણ્યાને બૂમ પાડી, લાવણ્યા, ઓ લાવણ્યા. એટલે તે ઝડપથી તેની પાસે આવતાં બોલી, મમ્મી એકદમ કેમ બૂમ પાડી? શું વાત છે?










