ઇન્ટરનેશનલ ક્રિકેટ અને તેમાં વિશેષ કરીને આઇપીએલ જેવી ટી20 લીગ ખેલાડીને રાતોરાત જીરોમાંથી હીરો બનાવી દે છે, પરંતુ આ સફળતા પચાવી જાણનારા રાહુલ દ્રવિડ, સચીન તેંડુલકર જેવા ખેલાડીઓ ઘણા ઓછા હોય છે. બેન્સન હેજીસ કપમાં સ્ટમ્પ પાછળ શાનદાર ભૂમિકા અદા કરીને પેસ બોલર્સમાં સ્ટમ્પિંગ કરીને સમર્થકોને મુગ્ધ કરનાર વિકેટકીપર સદાનંદ વિશ્વનાથ, શિવરામ કૃષ્ણન, ટેસ્ટ ફોર્મેટમાં સતત બેવડી સદી ફટકારનાર વિનોદ કાંબલી, પૃથ્વી શૉ જેવાં કેટલાંક નામ એવાં છે જે અચાનક મળેલી લોકપ્રિયતાની ચમકમાં ખોવાઈ ગયા હતા અને આ કારણથી તેમની કારકિર્દીમાં લાંબી ચાલી નહોતી.


જો આ તમામને રાહુલ દ્રવિડ જેવા ઇમાનદાર તથા એક કેર ટેકિંગ મેન્ટર મળ્યા હોત તો તેમની કારકિર્દી લાંબો સમય ચાલી હોત. ગયા સોમવારે બિહારના યુવા ખેલાડી 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ વિક્રમી અને તોફાની સદી ફટકારીને તમામને સ્તબ્ધ કરી દીધા હતા. નાની ઉંમરે તેની પાસે 11 છગ્ગા મારવાનો પાવર ક્યાંથી આવ્યો તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. સચીન તેંડુલકર, યુવરાજસિંહ, મિતાલી રાજ સહિત વિશ્વભરના ક્રિકેટર્સે વૈભવની ભરપૂર પ્રશંસા કરીને તેના ઊજળા ભવિષ્ય અંગે નિવેદનો કર્યાં છે. ખેલાડીને જ્યારે સ્ટારડમ મળે છે ત્યારે તેનામાં અભિમાન આવે છે અને ક્યારેક યુવાઓના આદર્શ બનવાના બદલે તેઓ ખોટા વિષયની ચર્ચાનો ભોગ બનતા હોય છે, પરંતુ આ મામલે વૈભવ સૂર્યવંશી ભાગ્યશાળી છે કે તેની પાસે દ્રવિડ જેવા કોચ છે, જે તેનાં માતા-પિતા સાથે મળીને વૈભવને ચમકદાર દુનિયાથી બચાવવા માટે જરૂરી સુરક્ષા કવચ તૈયાર કરી રહ્યા છે. વૈભવ પાસે વિશેષ ટેલેન્ટ છે અને તેને તેના ટેલેન્ટનો અહેસાસ કરવા માટે પ્રામાણિક લોકો યોગદાન આપે તે જરૂરી પણ છે. આ મામલે તેનાં માતા-પિતાની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બનશે તે ચોક્કસ છે.

મેગા હરાજીમાં 1.1 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવેલો વૈભવ અન્ય ટીમો દ્વારા 20થી 25 કરોડની આસપાસમાં ખરીદવામાં આવેલા ઇન્ટરનેશનલ ખેલાડીઓને ઝાંખા પાડશે તેવો તે સમયે કોઈને ખ્યાલ પણ આવ્યો નહીં હોય. જયપુરમાં જ્યારે સોમવારે મેચ રમાઈ હતી ત્યારે વૈભવની સામે લગભગ 694 મેચોનો અનુભવ ધરાવતા રાશિદ ખાન, મોહમ્મદ સિરાજ, ઇશાંત શર્મા, પ્રસિદ્ધ ક્રિષ્ના જેવા અનુભવી બોલર્સ હતા, પરંતુ તેણે પ્રથમ બોલે જ છગ્ગો ફટકારીને પોતાનો ઇરાદો જાહેર કરી દીધો હતો અને ત્યારબાદ 39 બોલમાં 101 રન ફટકારીને આઇપીએલના ઇતિહાસની બીજી ફાસ્ટેસ્ટ સદી ફટકારી દીધી હતી. ભરચક સ્ટેડિયમમાં ટીવી ઉપર મેચ નિહાળી રહેલા લાખો સમર્થકો અને હાઇટેક કેમેરાની બાજ નજર સામે બેસ્ટ બોલિંગ એટેક સામે સ્ફોટક અંદાજમાં બેટિંગ કરવી તે વિશેષ જ હતી. કેટલાકે તો તેની ચોગ્ગા છગ્ગાની રમઝટને જોઈને જાણે દિવાળી વહેલી આવી ગઈ છે તેવી પણ કોમેન્ટ્સ કરી હતી. પ્રત્યેક સ્ટાર ખેલાડી કે એથ્લેટ્સ તેની પસંદગીની રમતના ટોચના ક્રમે પહોંચે છે ત્યારે તેના પરિવારનું મોટું યોગદાન રહેલું હોય છે અને વૈભવ પણ આ બાબતમાંથી બાકાત રહેતો નથી. પોતાના પુત્રના સ્વપ્નને સાકાર કરવા માટે પિતાએ ખેતર વેચી નાખ્યું હતું અને તેને સતત પ્રેક્ટિસમાં લઈ જતા હતા. વૈભવ પ્રત્યેક દિવસે નેટ્સમાં 16થી 17 જેટલા બોલર્સ સામે લગભગ 600 બોલ રમતો હતો. નાની વયે આટલા બધા બોલ રમવા તે કોઈ વિરલ ક્રિકેટર જ રમી શકતો હોય છે. તેની માતા વહેલી સવારે 4:00 વાગ્યે ઊઠીને વૈભવ સામે નેટ્સમાં બોલિંગ કરતા બોલર્સ માટે 10થી 12 એક્સ્ટ્રા ટિફિન તૈયાર કરતી હતી. લોકો વહેલી સવારે ગાઢ ઊંઘ લેતા હોય છે ત્યારે તેની માતા ગરમીના માહોલમાં પણ નાના રસોડામાં ખાવાનું બનાવતી હતી.

હરાજી પહેલાં વૈભવ રાજસ્થાન રોયલ્સના ટ્રાયલમાં ગયો હતો ત્યારે તેનામાં કંઈક વિશેષ છે તેવો ફ્રેન્ચાઇઝીના મેનેજમેન્ટને ખ્યાલ આવી ગયો હતો. ટીમમાં લીધા બાદ તેને યોગ્ય રીતે તૈયાર કરવો અને તે આસમાનમાં ઊડવાના બદલે જમીન સાથે જોડાયેલો રહે તે મહત્ત્વપૂર્ણ હતું. વર્તમાન સમયમાં યુવાઓ મોબાઇલમાં વ્યસ્ત રહે છે ત્યારે વૈભવે આ તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણોથી દૂર રહીને ક્રિકેટને કારકિર્દી બનાવવાનો નિર્ણય કર્યો હતો. મોટા ભાગની ફ્રેન્ચાઇઝીઓ પોતાના યુવા ખેલાડીઓને નીડર થઈને સાહસિક શોટ્સ રમવાની તમામ છૂટ આપે છે જેના કારણે ભારતીય ક્રિકેટમાં સતત મોટા ફેરફાર થઈ રહ્યા છે. યશસ્વી જયસ્વાલ જેવા ખેલાડીઓ પણ તેમને મુક્તમને રમવાની મળેલી આઝાદીના કારણે જલદીથી નેશનલ ટીમ સુધી પહોંચી ગયા છે. વર્ષો પહેલાં એક એવું કલ્ચર હતું કે સંભાળીને રમો, બે વખત ફ્લોપ થશો તો ટીમમાંથી બહાર કરી દેવામાં આવશે, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આઇપીએલની વર્તમાન સીઝનમાં નીડર અને સાહસિક બેટિંગના કારણે ભારતીય ક્રિકેટને પ્રિયાંશ આર્ય, રશીદ શેખ, આયુષ મહાત્રે અને વૈભવ સૂર્યવંશી જેવા ભવિષ્યના સ્ટાર મળી રહ્યા છે, પરંતુ આ યુવાઓને રાતોરાત મળેલી લોકપ્રિયતાની રૂપેરી દુનિયાથી બચાવવાની જરૂર છે


  • Follow us on: