- જમીનો/મિલકતો સંપાદન થતી હોય તેઓ પોતાના વાંધા/સંમતિ રજૂ કરી શકે અને તેઓ યોગ્ય વળતર પ્રાપ્ત કરી શકે છે
- રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.6 નું બાંધકામ હાથ ધરવાની તેઓને પરવાનગી આપવાનું કલેક્ટરને જણાવ્યું હતું
- અરજદારોની જમીનો બચાવકર્તા નં. 2 દ્વારા હાથ ધરવામાં આવેલ યોજના વડે અસર પામેલ છે
આપણો દેશ ઝડપથી વિકાસશીલ રૂપે આગળ વધી રહેલ છે અને તે માટે જમીનો/મિલકતો કોઈપણ જાહેર હેતુ માટે સંપાદન કરવામાં આવે તે સમયે સરકારશ્રી દ્વારા કાયદાનું અનુસરણ કરીને જાહેરનામું પાડવામાં આવતું હોય છે અને જે વ્યકિતઓની જમીનો/મિલકતો સંપાદન થતી હોય તેઓ પોતાના વાંધા/સંમતિ રજૂ કરી શકે અને તેઓ યોગ્ય વળતર પ્રાપ્ત કરી શકે. તેમજ જો સંપાદન અંગેની જાહેરનામાની અને અન્ય કાર્યરીતિ પૂર્ણ થયા બાદ પણ જો વધુ જમીનો/મિલકતોના સંપાદન કરવાની જરૂરિયાત ઉપસ્થિત થાય તો તેવા સંજોગોમાં પણ કાયદાની જોગવાઈઓનું અનુસરણ કર્યા વિના *જાહેર યોજના હાથ ધરવાના અંચાળ હેઠળ કાયદાની યોગ્ય પ્રક્રિયાનું અનુસરણ કર્યા વિના જમીનના કબજેદારને તેના કબજાથી વંચિત કરી શકે નહીં.* તેવો સિદ્ધાંત નામદાર મુંબઈ હાઇકોર્ટ (ઔરંગાબાદ બેન્ચ) (ખંડપીઠ) દ્વારા ગોવિંદ પોસ્લ્યા ગાવિત અને બીજાઓ વિરુદ્ધ કમ્પિટન્ટ ઓથોરિટી એન્ડ/ઓર સ્પેશિયલ લેન્ડ એક્વિઝિશન ઓફિસર અને બીજાઓ, રિટ પિટિશન નં.: 5077/2022ના કામે તા.05-05-2022 ના રોજ આખરી હુકમ કરી પ્રસ્થાપિત કરવામાં આવેલ છે (લેન્ડ લોઝ જજમેન્ટસ, વોલ્યુમ-1, ઇશ્યૂ-5, મે-2023, પાના નં.329) આ કેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે.
અરજદારો મોજે ગંગાપુર, તાલુકા નવાપુર, જિલ્લા નંદુરબાર ખાતે આવેલ જમીનના માલિકો અને કબજેદારો છે. રસ્તા, પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય, ભારત સરકારનાંએ એક જાહેરનામું કાઢયું હતું અને તે વડે નંદુરબાર જિલ્લામાં જમીન સંપાદિત કરવાનો પોતાનો ઈરાદો જાહેર કર્યો હતો. ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળનાંએ સક્ષમ અધિકારીઓની એક સભા બોલાવી અને અરજદારોની જમીનમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.6 નું બાંધકામ હાથ ધરવાની તેઓને પરવાનગી આપવાની સત્તામંડળોને સૂચના આપવા કલેક્ટરને જણાવ્યું હતું. અરજદારોની જમીનને સંપાદન અસર પામતી હોવા છતાં આ સભા અરજદારોને બોલાવવામાં આવ્યા ન હતા. હાલનાં અરજદારોએ રિટ અરજી દાખલ કરી હતી અને ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળની કચેરી દ્વારા પસાર વિવાદી હુકમને રદ અને સેટ-એસાઈડ કરવા માટે ઉત્પ્રેષણની રિટની દાદ માગવામાં આવી હતી. કથિત રિટ અરજી આ કોર્ટની ખંડપીઠ દ્વારા અરજીઓના સમૂહની સાથે સાંભળવામાં આવી હતી અને ચુકાદા વડે આ કોર્ટની ખંડપીઠ દ્વારા અરજીઓના કથિત સમૂહનો નિકાલ કરવામાં આવ્યો હતો.
હાલના કામના અરજદાર નં.1 કે જેઓ રિટ અરજીનાં કામના અરજદારો પૈકીના એક હતાં, તેમનો પ્રશ્ન છે એ હતો કે, ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળનાંએ એક્ષ-1 ઉપરથી સૂચવ્યુ હતું કે, 11366 ચો.મી.ની જમીન સંપાદિત કરવામાં આવી હતી અને વધુ 19156 ચો.મી.ની જમીનની જરૂર હતી. જમીન સંપાદનના સક્ષમ સત્તાધિકારીએ કાયદાકીય જોગવાઈઓ પ્રમાણે કાર્યરીતિનું અનુસરણ કરીને એવી કોઈપણ વ્યકિત, કે જેની જમીન અસર પામેલ હોય, તેના વાંધાને ધ્યાને લેશે અને તમામ વાંધાઓની સાથે સક્ષમ સત્તાધિકારીએ કામ લેવું જોઈશે.
પરંતુ નિવેદનની તપાસ પોતે જ સ્પષ્ટપણે સૂચવશે કે, અરજદારોની જમીનો સંપાદિત કરવામાં આવેલ નથી અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળને વધુ જમીનોની જરૂર હતી. અરજદારો માત્ર ત્યારે જ કોઈ વાંધો ઉપસ્થિત કરી શક્યા હોત, કે જ્યારે અરજદારોની જમીનો જાહેરનામામાં સમાવિષ્ટ કરવામાં આવી હોત, તે પણ જો કોઈ જાહેરનામું રાષ્ટ્રીય ધોરીમાર્ગ અધિનિયમ, 1956 ના કથિત અધિનિયમની કલમ 3(એ) હેઠળ બહાર પાડવામાં આવ્યું હોય તો. એ બાબતે કોઈ વિવાદ નથી કે, અરજદારોની જમીનોની સત્તાધિકારી દ્વારા પાછળથી માપણી કરવામાં આવી હતી અને તેમાં નોંધવામાં આવ્યું હતું કે, અરજદારોની જમીન બચાવકર્તા નં. 2 દ્વારા હાથ ધરવામાં આવેલ જાહેર યોજના વડે અસર પામશે. તેવી માપણી હાથ ધરવામાં આવી ત્યારબાદ, કોઈ જાહેરનામું રાષ્ટ્રીય ધોરીમાર્ગ અધિનિયમ, 1956 ની કલમ 3(એ) હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ નથી. વધુમાં જમીન રાષ્ટ્રીય ધોરીમાર્ગ અધિનિયમ, 1956 ની કલમ 3(ડી)(2) હેઠળ બચાવકર્તા નં. 2 માં નિહિત થયેલ નથી, કે જે માત્ર મજકૂર અધિનિયમની કલમ 3(એ), 3(સી) હેઠળની આદેશાત્મક કાર્યરીતિનું અનુસરણ કર્યા બાદ અને ત્યારબાદ મજકૂર અધિનિયમની કલમ 3(ડી) હેઠળ જાહેરનામું બહાર પડાયા બાદ જ નિહિત થાય છે અને તે પહેલાં નહીં, તેમ હોઈ, અરજદારોની જમીનો ઉપર રસ્તાનું બાંધકામ હાથ ધરવાનો બચાવકર્તા નં. 2 દ્વારા કરવામાં આવેલ પ્રયત્ન કથિત અધિનિયમની કલમો 3(એ) થી 3(ઈ) હેઠળની આદેશાત્મક કાર્યરીતિનું અનુસરણ કર્યા વિનાનો છે. કેન્દ્ર સરકાર સૌપ્રથમ કલમ 3(એ) થી 3(ઈ) ની આદેશાત્મક જોગવાઈઓનું અનુસરણ કરે, તેના વિના સીધેસીધો જમીન સંપાદનના સક્ષમ સત્તાધિકારી સમક્ષ અરજદારોની જમીન સંપાદિત કરવી કે નહીં કરવી તે અંગે અરજદારોએ વાંધા ઉપસ્થિત કરવાનો પ્રશ્ન ઉભો થતો નથી. નામદાર હાઇકોર્ટના મતે, બચાવકર્તા નં. 2 ના વિદ્વાન વરિષ્ઠ વકીલ શ્રીની એવી રજૂઆત કે, જો કે, અરજદારોની જમીન કલમ 3(એ) હેઠળના જાહેરનામામાં સમાવિષ્ટ કરવામાં આવેલ નથી, તેમ છતાં, અરજદારો સક્ષમ સત્તાધિકારી સમક્ષ વાંધા ઉપસ્થિત કરી શકે છે, તે સંપૂર્ણપણે બિન-ચાલવાપાત્ર છે અને કથિત અધિનિયમની કલમ 3(એ) થી 3(ઈ) ની વિરુદ્ધ છે.
અરજદારને કાયદાની યોગ્ય પ્રક્રિયા વિના અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ અધિનિયમ, 1956ના કથિત અધિનિયમની કલમો 3(એ) થી 3(ઈ) હેઠળની કાર્યરીતિનું અનુસરણ કરીને અરજદારોની જમીન સંપાદિત કર્યા વિના કબજાથી વંચિત કરી શકાય નહીં. બાંધકામ હાથ ધરવા માટે અરજદારની જમીનનો કબજો લેવાનો બચાવકર્તા નં. 2 દ્વારા કરવામાં આવેલ પ્રયત્ન સ્પષ્ટપણે 1956 ના કથિત અધિનિયમની કલમ 3(એ) થી 3(ડી) નો તેમજ ભારતના બંધારણના આર્ટિકલ 300(એ) નો ભંગ છે.
નામદાર હાઈકોર્ટે રજૂ કરવામાં આવેલ સંયુક્ત માપણી તપાસેલ અને એવો સ્પષ્ટ અભિપ્રાય આપેલ કે, અરજદારોની જમીનો બચાવકર્તા નં. 2 દ્વારા હાથ ધરવામાં આવેલ યોજના વડે અસર પામેલ છે અને તેને વર્ષ 2013 ના એવોર્ડ કે અન્ય કોઈપણ એવોર્ડમાં સમાવિષ્ટ કરવામાં આવેલ નથી.જો બચાવકર્તા નં.2 અરજદારની જમીન સંપાદિત કરવા માગતા હોય અને તેનો કબજો મેળવવા માગતા હોય તો, બચાવકર્તા નં. 2 રાષ્ટ્રીય ધોરીમાર્ગ અધિનિયમ, 1956 હેઠળ નિર્દિષ્ટ કરાયેલ જોગવાઈઓ હેઠળ નિર્દિષ્ટ કાર્યરીતિનું અનુસરણ કરવા સ્વતંત્ર છે.
આમ, કોઈપણ વ્યક્તિ જાહેર યોજના હાથ ધરવાના અંચાળ હેઠળ કાયદાની યોગ્ય પ્રક્રિયાનું અનુસરણ કર્યા વિના જમીનના કબજેદારને તેના કબજાથી વંચિત કરી શકે નહીં. જેથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ અધિનિયમ, 1956ની કલમ 3(ડી) હેઠળ જાહેરાત બહાર પાડવા સુધીના તમામ તબક્કા પૂરા થાય ત્યાં સુધી અને અધિનિયમની કલમ 3(એ) થી 3(સી) હેઠળ નિર્દિષ્ટ આદેશાત્મક જોગવાઈઓનું પાલન કર્યા વિના બચાવકર્તાઓ રાષ્ટ્રીય ધોરીમાર્ગના હેતુ માટે અરજદારોના પ્લોટો ઉપર કોઈ બાંધકામ કરી શકશે નહીં.