જે વ્યક્તિનો સ્વભાવ ઉગ્ર, હિંસાત્મક કે વધારે ગુસ્સાવાળો હોય તેઓ મંગળવારનું વ્રત કરે તો મન શાંત થાય છે
ગુરુ ગ્રહ
ગુરુ ગ્રહ સંબંધિત વસ્તુઓના દાન માટે ગુરુવાર ઉત્તમ છે. ગુરુ ગ્રહની શાંતિ માટે પોખરાજ, ચણાની દાળ, હળદર, પીળું કપડું, ગોળ, કેસર, પીળું ફૂલ, ઘી અને સોનાની વસ્તુઓનું દાન કરવું જોઈએ. તેનાથી ગુરુ ગ્રહ અનુકૂળ બને છે.
શુક્ર ગ્રહ
શુક્ર ગ્રહ સંબંધિત વસ્તુઓના દાન માટે શુક્રવાર શુભ રહે છે. શુક્ર ગ્રહની શાંતિ માટે સફેદ કપડું, હીરો, ચાંદી, ચોખા, દૂધ, ઘી, સફેદ ફૂલ, ધૂપ, અગરબત્તી, અત્તર, સફેદ ચંદનનું દાન કરવું જોઈએ.
શનિ ગ્રહ
શનિ ગ્રહની શાંતિના ઉપાયો માટે શનિવારનો દિવસ શુભ રહે છે. શનિ ગ્રહને શાંત કરવા માટે નીલમ, કાળું કપડું, અડદ, લોખંડ, તેલ, કાળાં પુષ્પ, કાળા તલ, ચામડાનાં જોડાં, કાળો કાંબળો વગેરેનું દાન કરવું જોઈએ. તેનાથી શનિ પોતાનો ખરાબ પ્રભાવ બતાવતો નથી.
રાહુ ગ્રહ
રાહુ ગ્રહની શાંતિ માટે શનિવારનો દિવસ ઉત્તમ રહે છે. આ દિવસે ગોમેદ, નીલું કપડું, કાંબળો, રાઈ, ઊનનાં કપડાં, કાળા તલ તથા તેલનું દાન કરવાથી રાહુ અનુકૂળ પ્રભાવ આપે છે.
કેતુ ગ્રહ
કેતુ ગ્રહની શાંતિ માટે મંગળવારનો દિવસ શુભ માનવામાં આવ્યો છે. આ દિવસે વૈદૂર્ય રત્ન, સાત પ્રકારનાં અનાજ, કાજળ, ધજા, ઊનનાં કપડાં, તલ વગેરેનું દાન કરવાથી કેતુ શુભ પ્રભાવ આપે છે. ગ્રહ સાથે સંબંધિત દાન શ્રદ્ધા અને ક્ષમતા અનુસાર એક અથવા વધારે વસ્તુને એક કે તેનાથી વધુ વાર કરી શકાય છે. દાન ગ્રહોના નિશ્ચિત્ત દિવસે જ કરવું. કોઈ ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને કરવું જોઈએ. દાન કરો તેનો દેખાડો ન થવો જોઈએ.
વ્રત-ઉપવાસ દ્વારા ગ્રહશાંતિ
વ્યક્તિની જન્મકુંડળી અનુસાર જે ગ્રહ પીડાકારક અથવા દુઃખદાયી હોય તે ગ્રહો સાથે સંબંધિત વારનું વ્રત કરવું જોઈએ. ગ્રહ સાથે સંબંધિત વારનું વ્રત કરવાથી ગ્રહ પોતાનો અશુભ પ્રભાવ દૂર કરીને શુભ પ્રભાવ આપવા માટે મજબૂર થઈ જાય છે. પ્રતિકૂળ ગ્રહોના દુષ્ટ પ્રભાવને પૂજા-અર્ચના, મંત્ર જાપ અથવા વ્રત ઉપવાસ કરવાથી ઓછો કે દૂર કરી શકાય છે.
રવિવારનું વ્રત
રવિવારનું વ્રત સૂર્ય ગ્રહને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે. સૂર્યનું વ્રત કરવાથી હાડકાં મજબૂત થાય છે. પેટસંબંધી બધા જ રોગ દૂર થાય છે. આંખોની દૃષ્ટિ સુધરે છે. વ્યક્તિનાં સાહસ તથા ક્ષમતામાં વૃદ્ધિ થાય છે અને તેનો યશ ચારે બાજુ ફેલાય છે. રવિવારનું વ્રત કરવાથી સૂર્યના પ્રભાવમાં આવનારા બધા જ વ્યવસાય તથા વસ્તુઓથી લાભ મળે છે.
સોમવારનું વ્રત
સોમવારનું વ્રત ચંદ્ર ગ્રહને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે. તેનાથી ફેફસાંના રોગ, દમ, માનસિક રોગ વગેરેમાંથી મુક્તિ મળે છે. વ્યક્તિની ચંચળતા દૂર થાય છે. સ્ત્રીઓમાં માસિક રક્તસ્રાવની પીડા દૂર થાય છે. સોમવારનું વ્રત શિવજીને પ્રિય છે. જો અવિવાહિત યુવતીઓ 16 સોમવારનું વ્રત કરે તો લાભ થાય છે.
મંગળવારનું વ્રત
મંગળવારનું વ્રત મંગળ અને કેતુ ગ્રહને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે. જે વ્યક્તિનો સ્વભાવ ઉગ્ર, હિંસાત્મક કે વધારે ગુસ્સાવાળો હોય તેઓ મંગળવારનું વ્રત કરે તો મન શાંત થાય છે. મંગળવારનું વ્રત ગણપતિજી તથા હનુમાનજીને પ્રસન્ન કરવા માટે પણ કરવામાં આવે છે. મંગળવારનું વ્રત કરવાથી ભૂત-પ્રેત વગેરે બાધાઓ દૂર થાય છે. વ્યક્તિનાં બધાં જ સંકટો દૂર થઈ જાય છે. અવિવાહિત યુવકો મંગળવારનું વ્રત કરે તો સારી પત્ની મળે છે તથા બળ અને બુદ્ધિમાં વધારો થાય છે. મંગળવારનું વ્રત કરવાથી મંગળ અને કેતુ ગ્રહના કારકત્વમાં આવનારા બધા જ વ્યવસાય તથા વસ્તુઓમાં લાભ મળે છે.
બુધવારનું વ્રત
બુધવારનું વ્રત બુધ ગ્રહને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે. બુધવારનું વ્રત વ્યવસાય કરનારા લોકો માટે લાભદાયી હોય છે. બુધવારનું વ્રત ભગવાન ગણેશ તથા દુર્ગા માતાની કૃપા મેળવવા માટે કરવામાં આવે છે. આ વ્રત કરવાથી બુદ્ધિનો વિકાસ થાય છે. આ દિવસે વ્રતની સાથે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી મનવાંછિત ફળ મળે છે. બુધવારનું વ્રત કરવાથી બુધના પ્રભાવમાં આવનારા વ્યવસાય તથા વસ્તુઓથી લાભ મળે છે.
ગુરુવારનું વ્રત
ગુરુવારનું વ્રત ગુરુ ગ્રહને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે. ગુરુવારનું વ્રત કરવાથી ધન-સંપત્તિની પ્રાપ્તિ થાય છે. ઘરની સુખ-શાંતિ અને સમૃદ્ધિ વધે છે. કન્યાના વિવાહમાં બાધાઓ આવતી હોય તો તે દૂર થાય છે. ગુરુવારનું વ્રત કરવાથી ગુરુ ગ્રહના કારકત્વમાં આવનારા વ્યવસાયો તથા વસ્તુઓથી લાભ મળે છે.
શુક્રવારનું વ્રત
શુક્રવારનું વ્રત કરવાથી શુક્ર ગ્રહ પ્રસન્ન થાય છે. શુક્રવારનું વ્રત કરવાથી વ્યક્તિના સૌંદર્યમાં વૃદ્ધિ થાય છે. ગુપ્ત રોગોમાં લાભ મળે છે. જાતીય જીવન સુધરે છે. ભોગ-વિલાસનાં સાધનોમાં વૃદ્ધિ થાય છે. શુક્રવારનું વ્રત કરવાથી શુક્ર ગ્રહના પ્રભાવમાં આવનારા બધા જ વ્યવસાય અને વસ્તુઓથી લાભ મળે છે.
શનિવારનું વ્રત
શનિવારનું વ્રત શનિ અને રાહુ ગ્રહને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે, શનિવારનું વ્રત કરવાથી સંપત્તિમાં વૃદ્ધિ થાય છે, ખોવાયેલું ધન પાછું મળે છે. અભ્યાસમાં આવતી બાધાઓ કે વિઘ્નો દૂર થાય છે. પેટ અને પગ સંબંધિત રોગમાં લાભ મળે છે. શનિવારનું વ્રત કરવાથી શનિ અને રાહુના કારકત્વમાં આવનારા વ્યવસાય અને વસ્તુઓથી લાભ મળે છે.
આ રીતે ગ્રહોના વાર-ઉપવાસ કરવાથી લાભ મળે છે, પરંતુ આસ્થા અને વિશ્વાસ ડગવાં ન જોઈએ. વ્રતના દિવસે સવારે અથવા રાત્રે એમ એક સમય જ ભોજન કરવું.










