• મહિલા રમત વીરાંગનાઓ માટે આ પથ ઘણો અઘરો છે

ધોની...ધોની..., વિરાટ...વિરાટ..., પંડ્યા...પંડ્યા..., અને હવે લેટેસ્ટ સ્ટાર ક્રિકેટર શુબમન...શુબમન...આવી આપણાં માનવંતા ક્રિકેટર્સનાં નામની બૂમોથી આપણે પરિચિત છીએ. ભારતની કોઈ પણ મેચ હોય ત્યારે ખચાખચ ભરેલી જનમેદનીથી આપણે વાકેફ છીએ. છેલ્લે આઇ.પી.એલની ફાઇનલ મેચ અમદાવાદ ખાતે રમાઈ ત્યારે તેની ટિકિટ્સ લેવા ઉમટી પડેલા માનવમહેરામણના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા તે પણ યાદ હશે જ. આજે નેશનલ સ્પોર્ટ્સ ડે ઉપર આ બધી યાદો અને જુદા જુદા પ્રકારની રમતના મહાન ખેલાડીને થોડા વધારે યાદ કરાશે ત્યારે સવાલ માત્ર એટલો જ થાય કે જેમ સ્પોર્ટ્સમેન માટે લોકોની અંદર આટલો ક્રેઝ છે તેમ મહિલા ખેલાડીઓ માટે લોકોમાં આટલો ક્રેઝ ક્યારે ઉદભવશે?

દંગલ ફિલ્મ આવી એ સમયે મ્હારી છોરી છોરોં સે કમ હૈ કે..., આ ડાયલોગ ખૂબ પ્રસિદ્ધ થયો હતો. આમ તો સ્ત્રીઓ દરેક ક્ષેત્રે હરણફાળ ભરી રહી છે, તે દરેક ક્ષેત્રે પોતાનું અને દેશનું નામ રોશન કરી રહી છે તેમ છતાં ઘણી વાર એવું થાય કે સ્ટેડિયમમાં જેમ ધોની...ધોનીની બૂમો સંભળાય છે, જેમ ભારતની પુરુષોની ટીમ મેચ રમતી હોય અને તે જોવા સ્ટેડિયમ ખચાખચ ભરાઇ જાય છે તેમ મહિલાઓને ક્રિકેટ રમતી જોવા લોકોની એટલી ભીડ ક્યારે જામશે એવો સવાલ થાય ખરો! જોકે આ હાલત માત્ર આપણાં દેશમાં જ છે એવું નથી, બીજા દેશોમાં પણ જેટલો ક્રેઝ મેલ સ્પોર્ટ્સમેનનો હોય છે એટલો ફીમેલનો નથી હોતો. અલબત્ત, વાત માત્ર ક્રિકેટજગતની નથી બીજા સ્પોર્ટ્સમાં પણ થોડાઘણાં અંશે આવી હાલત છે જ. જોકે સાનિયા મિર્ઝા, સાયના નહેવાલ, પી.વી.સીંધુ જેવી અપવાદ રૂપ મહિલા ખેલાડીઓ પણ છે જેમને પુરુષો જેટલી જ પ્રસિદ્ધિ મળી છે. જોકે આ પ્રસિદ્ધિ મેળવતા પહેલાં મહિલા ખેલાડી તરીકે તેમણે પણ અઢળક અડચણો ભોગવી જ છે.

અલબત્ત, આપણાં દેશમાં આ વર્ષે એક ખૂબ જ સારી બાબત એ બની કે મહિલા ક્રિકેટર્સ અને પુરુષ ક્રિકેટર્સને સરખું મહેનતાણું મળશે એવી આપણાં ક્રિકેટ બોર્ડ તરફથી જાહેરાત થઇ. જેમાં મહિલા અને પુરુષ ક્રિકેટર્સને T-20માં રૂપિયા ત્રણ લાખ, ODIમાં રૂ.6 લાખ અને Testમાં રૂ.15 લાખ આપવાનું નક્કી થયું છે. તેમ છતાં સાચી સફળતા ત્યારે જ કહેવાય જ્યારે મેદાનમાં જેટલી પુરુષોની ટીમોને રમતી જોવા મેદની એકઠી થાય છે તેટલી જ સ્ત્રીઓની ટીમને જોવા પણ એકઠી થાય. આજે પણ આપણાંમાથી કેટલાં લોકો જાણતા હશે કે મહિલાઓની ટીમની આગામી મેચ ક્યારે છે? અથવા તો મહિલા ટેનિસ પ્લેયર ક્યારે તેની બીજી ટેનિસની મેચ રમશે.

મહિલા ખેલાડીઓ સામે આવતી મુશ્કેલી

જોકે બીજાની તો વાત જ ક્યાં કરવી, આપણાં સમાજમાં અને ખુદ આપણાં પોતાના લોકોની પણ માનસિકતા ક્યાંક ને ક્યાંક એવી જ હોય છે કે સ્ત્રીઓએ સ્પોર્ટ્સને એક શોખ તરીકે લેવો બાકી તે વિશે લાંબું વિચારવાનું ન હોય. ઘરના છોકરાઓ જો કોઇ રમતમાં રસ લેતાં હોય અને તેમને તે ગમતી હોય તો તેમાં તેમને આગળ વધારવા માતા-પિતા પોતાનાથી બનતાં પ્રયત્નો કરશે, પણ કદાચ દીકરીને કોઇ સ્પોર્ટ્સમાં આગળ વધવું હશે તો તેને આગળ વધારવાના પ્રયત્નોમાં એટલી શિદ્દત અમુક જ ઘરોમાં જોવા મળશે. બાકી મોટાભાગે દીકરીઓને તો મોટા થઇને સારો છોકરો શોધી મેરેજ કરવાની સલાહ વધારે આપવામાં આવતી હોય છે. દીકરી હોકી સારી રમે છે, તે હોકીમાં નેશનલ લેવલે જઇ શકે એમ છે એવું કોઈ સંબંધીને કહીએ તો એ વિશે અચ્છા બરાબર એવું ઉચ્ચારણ કરીને બીજો સવાલ તો એ જ આવશે કે એ બરાબર પણ તે ભણે છે શું? તેણે કઈ લાઇન લીધી છે? ઉપર આપણે સવાલ કર્યાં કે જેમ પુરુષોને રમતાં જોવા જનમેદની એકઠી થાય છે તેમ મહિલાઓને રમતી જોવા જનમેદની ક્યારે એકઠી થશે? તો એ પણ આપણી માનસિકતાનો જ એક ભાગ છે, આપણે મહિલા રમત વીરાંગના તરફ એટલું ધ્યાન જ નથી આપતા કે આપણી અંદર તેમને રમતાં જોવાનો ક્રેઝ જાગે. અને જો સ્ત્રીઓને જોવા જઇએ તો એનાં પહેરણ ઉપર, એના શરીરસૌષ્ઠવ ઉપર પણ આપણે જાતજાતની કોમેન્ટ કરતાં અચકાતા નથી. સાનિયા મિર્ઝા રમતી હતી તે સમયે તેને રમતી જોવાનો લહાવો લેતાં લોકોમાંથી 70 ટકા લોકો એવા હશે જે તેને તેના દેખાવને કારણે, તેના શોર્ટ ડ્રેસને કારણે પણ ગમાડતાં હશે.

કમર્શિયલ ઇક્વાલિટી

આપણે આપણાં ભૂતકાળ તરફ ધ્યાન આપીએ તો ખ્યાલ આવશે કે પહેલાંના સમયમાં રાજા-રજવાડાંની સ્ત્રીઓ રમત-ગમતમાં ખાસ રુચિ લેતી, જોકે એ વખતે રજવાડી ખાનદાનની સ્ત્રીઓ માટે જ તે સુવિધા ઉપલબ્ધ હતી, બાકી બધી સ્ત્રીઓ માટે તો નહોતી જ. આજની પરિસ્થિતિ પર નજર કરીએ તો ઘણાં લોકો એ મુદ્દો ઉઠાવે છે કે ક્રિકેટને આપણાં દેશમાં જેટલી પબ્લિસિટી મળે છે તેટલી બીજી રમતોને નથી મળતી, એ જ રીતે ક્રિકેટર્સનું અને બીજી રમતના ખેલાડીઓનું પણ એવું જ છે. તો અહીં એવી સરખામણી પણ થવી જોઇએ અને એવી માંગ પણ ઉઠવી જોઇએ કે કમર્શિયલી પુરુષોને કોઇ પણ રમતમાં સફળતા મેળવ્યાં બાદ જે ઇનામો જાહેર થાય છે કે એડવર્ટાઇઝના જે પ્રોજેક્ટ મળે છે તેટલા પ્રોજેક્ટ કઇ મહિલા સ્પોર્ટસ પ્લેયરને મળ્યા? હા, કોઇ વાર ખૂબ જાણીતા સ્પોર્ટસ પ્લેયરનો ચહેરો તમને કોઇ જાહેરખબરમાં દેખાઇ જાય પણ એ તેણે જે સમયમાં સફળતા મેળવી હશે તે વખતની આસપાસનો જ સમય હશે, બાકી તો મોટાભાગની જાહેરખબરમાં પુરુષોને જ સૌથી વધારે પ્રાધાન્ય મળે છે. આમ જોવા જઇએ તો આપણને કેટલી મહિલા રમત વીરાંગનાઓનાં નામ યાદ છે? એ સવાલની સાથે આપણી આપણી દીકરીને ગર્વથી રમત-ગમતમાં મોકલીશું અને તેમાં જ કરિયર બનાવવા દઇશું તે સવાલ પણ પૂછી જ લેવો.

મહિલા ખેલાડીને અનેક પડકારોનો સામનો કરવો પડે છે

પી.ટી.ઉષાથી માંડીને મેરી કોમ સુધી એથ્લિટ હોય કે સાનિયા મિર્ઝાથી માંડીને પી.વી.સીંધુ કે મિથાલી રાજ જેવી ખેલાડીઓ હોય તેમણે કરિયરની શરૂઆતના પોતાના દિવસો યાદ કરીને તેમના દરેક ઇન્ટરવ્યૂમાં અનેક વાર કહ્યું છે કે હાલ લોકો અમને માન આપે છે પણ જ્યારે અમે રમવાની શરૂઆત કરી ત્યારે પરિસ્થિતિ આવી નહોતી. એ સમયે પરિવારના જ બીજા સંબંધીઓથી માંડીને સમાજના ઘણાં લોકોએ અમને રમતમાં ખોટો સમય ન વેડફીને બીજું કરવાની સલાહ આપી હતી. વળી ઘણી ખેલાડીઓ તો એવી છે જે નાનાં ગામમાંથી આવતી હોય, તેમને છોકરાઓની માફક સરળતાથી કોચ પણ નથી મળતા, જો આગળ વધવું હોય તો પ્રાથમિક તબક્કામાં પણ અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે. આ મુશ્કેલીઓ તેઓ સફળ ન થાય અને તેમને પ્રસિદ્ધિ ન મળે ત્યાં સુધીની હોય છે. આ વર્ષે મહિલા ક્રિકેટર્સને પણ પુરુષ ક્રિકેટર્સ જેટલું મહેનતાણું આપવાનું નક્કી થયું છે બાકી ગત વર્ષ સુધી આવું નહોતું. બીજા સ્પોર્ટ્સમાં પણ આવું નથી, સ્ત્રીઓને રમત-ગમતમાં પુરુષો જેટલું એન્કરેજમેન્ટ નથી મળતું તેમ છતાં તેઓ એટલા જ ખંતથી રમે છે. બીજી વાત કે મહિલાઓને માસિકની સમસ્યા પણ દર મહિને સતાવે છે, એવામાં તેમની સ્પોર્ટ્સની મેચોની તારીખ, પ્રેક્ટિસ, ઘરનું વાતાવરણ સ્ટ્રીક્ટ હોય તો તે બધી પાબંદીઓ, જાતને સાચવવાની જવાબદારી, માસિક સમયે થતી પ્રેક્ટિસ અને આવી અગણિત મુશ્કેલીઓનો સામનો તેમને કરવો જ પડે છે.

  • Follow us on: