જૂના જમાનાની જાહેર બિલ્ડિંગ્સમાં મોટાં પગથિયાંઓ જોવા મળતાં. જાપાનની સુમિટોમો બેન્કના હિરોશિમા શહેર ખાતે આવેલી બ્રાન્ચની બિલ્ડિંગમાં પણ એવાં જ પગથિયાં હતાં.

6 ઓગસ્ટ, 1945ના રોજ હિરોશિમા શહેર ઉપર `લિટલ બોય' નામનો અણુબોમ્બ ઝીંકવામાં આવ્યો. એ પછી સુમિટોમો બેન્કના પેલાં સુંદર પગથિયાંઓ પર એક બિહામણો ધબ્બો ઉપસી આવ્યો. આ ધબ્બો જોતાં એવું લાગતું કે જાણે પગથિયાં પર બેઠેલી કોઈ વ્યક્તિનો પડછાયો પડતો હોય! આવું કઈ રીતે શક્ય બને? પગથિયા પર કોઈ હોય જ નહિ તો પડછાયો પડે કોનો? લોકોનું માનવું હતું કે આ `પડછાયો' બોમ્બ વિસ્ફોટમાં માર્યા ગયેલા કોઈક મૃતકનો છે. આથી એને `હ્યુમન શેડો ઓફ ડેથ' જેવું નામ આપવામાં આવ્યું. પ્રશ્ન એ છે કે બોમ્બ વિસ્ફોટ પછી બેન્કનાં પગથિયાં પર અચાનક આ પ્રકારનો હ્યુમન શેડો રચાયો કઈ રીતે!

લોકોમાં પ્રચલિત માન્યતા મુજબ બોમ્બ વિસ્ફોટ થયો એ સમયે કોઈ માણસ બેન્ક ખૂલવાની રાહ જોઈને પગથિયાં પર બેઠો હશે. વિસ્ફોટ પછી પેદા થયેલી પ્રચંડ ગરમીને કારણે એ કમભાગી માણસનું શરીર `વરાળ' બનીને હવામાં ઓગળી ગયું અને એનાં નિશાન અહીં રહી ગયાં. આ નિશાન એટલે જ પેલો ડાર્ક, બિહામણો ધબ્બો - હ્યુમન શેડો ઓફ ડેથ! લોકોમાં પ્રચલિત આ માન્યતામાં અર્ધસત્ય રહેલું છે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજીએ.

હિરોશિમામાં ફેંકવામાં આવેલ `લિટલ બોય' અણુબોમ્બ જમીનથી આશરે 600 મીટર ઉપર હવામાં ફાટ્યો (એરબર્સ્ટ), તેથી તેનું વાસ્તવિક વિસ્ફોટ બિંદુ (ડિટોનેશન પોઈન્ટ) હવામાં આવેલું ગણાય. આ વિસ્ફોટ બિંદુની બરાબર નીચે, જમીન પર આવેલ બિંદુ ન્યૂક્લિયર બ્લાસ્ટનું `હાઈપોસેન્ટર' કહેવાય. વિસ્ફોટની અસરોનું વૈજ્ઞાનિક અને ઐતિહાસિક વિશ્લેષણ કરવા માટે હાઈપોસેન્ટર એક મહત્ત્વનું સંદર્ભ બિંદુ બની રહે છે. હાઈપોસેન્ટરને આધારે ન્યૂક્લિયર વિસ્ફોટથી થયેલ નુકસાન, રેડિયેશનનું સ્તર, અસરગ્રસ્ત વિસ્તાર વગેરેનો અંદાજ મેળવી શકાય. લિટલ બોય વિસ્ફોટ બાદ પરિસ્થિતિ થાળે પડી, એ પછી વૈજ્ઞાનિકોએ હિરોશિમા તેમજ નાગાસાકી ખાતે આવાં જ સંશોધનકાર્યો હાથ ધર્યાં. દૃશ્યો અને તારણો સ્વાભાવિકપણે માનવીય સંવેદનાઓને હચમચાવી નાખે એવાં હતાં. વૈજ્ઞાનિકોએ સુમિટોમો બેન્કનાં પગથિયાંઓ પર મોજૂદ પેલા ડેથ શેડોનો પણ અભ્યાસ કર્યો.

સુમિટોમો બેન્ક હાઈપોસેન્ટરથી આશરે 260 મીટર દૂર આવેલી છે. એ દિવસે અણુબોમ્બ જમીનથી લગભગ 600 મીટરની ઊંચાઈએ ફૂટ્યો એ સાથે જ જમીન પર તીવ્ર વેગથી થર્મલ રેડિયેશન ફેલાઈ ગયું. રેડિયેશનનું તાપમાન હાઈપોસેન્ટરની નજીક 3,000-4,000 અંશ C સુધી પહોંચી ગયેલું. આ ગરમી માત્ર થોડી સેકન્ડો (લગભગ 0.1-0.3 સેકન્ડ) માટે જ હાજર હતી, પરંતુ એની તીવ્રતા એટલી બધી હતી કે બેન્કનાં પગથિયાં ઉપર લગાવવામાં આવેલ ગ્રેનાઈટ પથ્થરની સપાટીના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો બદલાઈ ગયા! ગ્રેનાઈટમાં હાજર ખનિજો (જેમ કે ક્વાર્ટ્ઝ અને ફેલ્ડસ્પાર) ઉચ્ચ તાપમાને ઓક્સિડાઈઝ થયા, જેનાથી પથ્થરની સપાટીના રંગમાં જાણે ઉઘાડ આવી ગયો. કોઈકે સ્ટોન બ્લીચિંગ કરી નાખ્યો હોય એવો આ સીન હતો. હવે બોમ્બ ફૂટ્યો એ દરમિયાન કોઈ કમભાગી વ્યક્તિ બેન્કનાં પગથિયાં પર બેઠી હશે. એટલે એ વ્યક્તિના શરીરને કારણે ગ્રેનાઈટનો અમુક હિસ્સો વિસ્ફોટનો સીધો પ્રકોપ વેઠવાથી બચી ગયો. બીજા શબ્દોમાં કહીએ તો પેલી વ્યક્તિના શરીરે `આડશ' જેવું કામ કર્યું, જેણે થર્મલ રેડિયેશનને પથ્થર સુધી પહોંચતાં અટકાવ્યું. એટલે એટલા ભાગમાં ઓક્સિડાઈઝેશનની પ્રક્રિયા ન થઇ અને ગ્રેનાઈટે પોતાનો મૂળ રંગ જાળવી રાખ્યો. આજુબાજુના બધા ગ્રેનાઈટના રંગમાં ઉઘાડ આવી ગયો હોવાથી વ્યક્તિના પડછાયા જેટલો ભાગ કાળી છાયા કે પડછાયો ઉપસી આવ્યો હોય એવો ડાર્ક દેખાવા માંડ્યો. રેડિયેશનની ગરમી 3-4 સેકન્ડ્સ પૂરતી જ હતી, એટલે ફક્ત પથ્થરની બાહ્ય સપાટી (થોડા મિલિમીટર) પ્રભાવિત થઈ. તો આ હતું હ્યુમન ડેથ શેડો રચાવા પાછળનું રહસ્ય. લોકોની પ્રચલિત માન્યતા અહીં સુધી સાચી હતી. પ્રશ્ન એ છે કે અહીં બેઠેલા પેલા માણસનું શું થયું હશે?

સૌથી ટૂંકો ઉત્તર છે, કમકમાટી ઉપજાવે એવું કરુણ મૃત્યુ. ઘણા માને છે કે આ વ્યક્તિ વિસ્ફોટ થતાંની સાથે જ પ્રચંડ ગરમીને કારણે `વરાળ' બની ગયો હશે, પણ વૈજ્ઞાનિક સિદ્ધાંત મુજબ એ શક્ય નથી. માનવ શરીર સીધું વરાળ બની જાય એ માટે 10,000 અંશ C કરતાં પણ વધુ તાપમાનની જરૂર પડે. વિસ્ફોટ પછી પ્રચંડ ગરમી પેદા થઇ હશે એ વાત સાચી, પણ એ 10,000 અંશ C જેટલી ઊંચી તો નહોતી જ. તેમ છતાં હાઈપોસેન્ટરથી માત્ર 260 મીટરના અંતરે બેઠેલ વ્યક્તિના શરીરની ભયંકર દુર્દશા થઇ હશે, એમાં કોઈ શંકા નથી. તીવ્ર થર્મલ બર્ન્સને કારણે એની ત્વચા અને સ્નાયુઓ નાશ પામ્યા હશે. બ્લાસ્ટને કારણે પેદા થયેલા વાયુતરંગોને કારણે શરીરને જોરદાર આંચકો પણ લાગ્યો હશે. ગામા રેડિયેશનના સંપર્કમાં આવવાને કારણે થોડી જ વારમાં એ વ્યક્તિનું મોત થઇ ગયું હશે.

આ છાયા માત્ર એક ઐતિહાસિક અવશેષ નથી, પરંતુ અણુશસ્ત્રોની વિનાશક શક્તિ અને તેની વૈજ્ઞાનિક જટિલતાઓનો પુરાવો છે. તે થર્મલ રેડિયેશન, ફોટો-બ્લીચિંગ અને રેડિયેશનની અસરો સમજવા માટે મહત્ત્વનું ઉદાહરણ છે. જાપાની સરકારે 1971માં આ પગથિયાંઓને શેડો ઈમ્પ્રેશન સહિત સંગ્રહાલયમાં ખસેડ્યાં છે, જેથી હવામાનની અસરોથી એને બચાવી શકાય અને આવનારી પેઢીઓને અણુબોમ્બની વિનાશકતાનો અસરકારક મેસેજ મળતો રહે.