• મારા જૂનાં પુસ્તકો વેચીને હું દૂધ અને કસ્ટર્ડ પાઉડર લઈ આવી અને મેં ફ્રૂટસલાડ બનાવ્યો

 જીવન કેવી અજબ વસ્તુ છે? એને કોઈ આધાર નથી, કોઈ વજન નથી, કોઈ પરિમાણ નથી અને છતાં શક્તિ છે. છોડનું મૂળ પથ્થરને તોડીને છોડને જીવતો રાખે છે. જીવનનો પાર કોઈ પામી શક્યું નથી. પૃથ્વીના ક્રૂર વાતાવરણ વચ્ચે પણ એ પાંગરતું રહ્યું છે. માનવજીવનનો વિચાર કરીએ ત્યારે એવું થાય કે, આટલાં વેરઝેર, રાજકારણના કાવાદાવા, દંભ, ક્રૂરતા, ત્રાસ, અણુશસ્ત્રો, દુષ્કાળ, મોંઘવારી, અનેક હાડમારીઓ વચ્ચે કેવી રીતે જીવંત રહેતું હશે? અથવા તો શા માટે જીવંત રહેતું હશે?

હું નાનો હતો ત્યારે એક ઓલિયા-જેવા માણસ હતા, એ અમને પૂછતાં કે આસમાનને ટેકો નથી છતાં એ કોના આધારે ટકી રહેલું છે? એ કહેતાં કે, આ ધરતી ઉપર ખુદાના એવા બંદાઓ વસે છે - એવા સહનશીલ અને ખમતીધર કે, આસમાનને પણ ટેકો આપી શકે. એવા માનવીઓના આધારે જ આ આસમાન અધ્ધર રહ્યું છે.

ઉનાળામાં સૂકીભઠ્ઠ થઈ ગયેલી ધરતી ઉપર વરસાદ આવતાં જ લીલીછમ જાજમ બિછાઈ જાય છે. રંગબેરંગી પતંગિયાં ઊભરાય છે. નાનાં બાળકો પણ આંગણામાં કશુંક વાવવા જેવી પ્રવૃત્તિમાં જોવા મળે છે. જીવન પાંગરશે એવી આશાથી એ કરવામાં આવતી પ્રવૃત્તિ છે.

અહીં સાંભળેલી એક વાત યાદ આવે છે. એક ખ્રિસ્તી કુટુંબમાં વિધવા મા એનાં ચાર સંતાનો સાથે રહેતી હતી. બે દીકરીઃ મેરી અને લીઝા. બે દીકરા એડવર્ડ અને જ્યોર્જ. મા નોકરી કરતી હતી અને એક દીકરી લીઝા અને એક દીકરો એડવર્ડ પણ નોકરી કરતાં હતાં. માંડ માંડ પાંચ જણના કુટુંબનું પૂરું થતું હતું.

એક દિવસ મા વહેલી સવારે નોકરીએ ગઈ. એક ચિઠ્ઠી લખીને મૂકતી ગઈ. : આજે મારો જન્મદિવસ છે. તમારા માટે હું ચોકલેટ, સફરજન, ચીકુ, કેળાં લાવી છું. તમે બધાં એ વહેંચીને લઈ લેજો.

સૌ પહેલાં મોટો દીકરો નોકરીએ ગયો. એણે માની ચિઠ્ઠીમાં નીચે લખ્યું, મારો ભાગ નાના જ્યોર્જને આપી દઉં છું. લીઝાએ લખ્યું મારો ભાગ મેરીને આપી દઉં છું. જ્યોર્જ તો નાનો હતો છતાં એણે લખ્યું કે મેરીની તબિયત બરાબર રહેતી નથી એટલે મારો ભાગ એને આપી દઉં છું.

સાંજે મા પાછી આવી ત્યારે એણે જોયું કે કોઈ ફ્રૂટ નહોતું, પણ બધાંની ચિઠ્ઠી પડેલી હતી. થોડી વાર તો એ આંચકો ખાઈ ગઈ. એની દીકરી આટલી ખાઉધરી? બધાંનો ભાગ એ એકલી ખાઈ ગઈ?

ખીજાતી, ધૂંધવાતી એ ઓરડામાં પહોંચી. છોકરાંઓ ત્યાં બેઠાં હતાં.

`મેરી, તું આટલી સ્વાર્થી હોઈશ એ મને ખબર નહીં. તારાં ભાઈ-બહેનોએ તને પોતપોતાનો ભાગ આપી દીધો, પણ તારા પેટનો તો તારે વિચાર કરવો હતો! ભગવાન, મારે ત્યાં આવી સ્વાર્થી છોકરી ક્યાંથી જન્મી!’

મેરીએ પોતાનું માથું ઝુકાવી દીધું. `મા, તું ગુસ્સે ન થા. અમે રાજીખુશીથી અમારો ભાગ એને આપ્યો હતો,’ બીજાં છોકરાંઓએ કહ્યું. માને શાંત પાડી, પણ એનું હૃદય ખિન્ન થઈ ગયું. બધાં જમવા બેઠાં. થોડી વારે મેરી ફ્રૂટસલાડ લઈને આવી. માને એણે કહ્યું, `મા, આજે તારો જન્મદિવસ છેને? તને પ્રિય છે એટલે મેં ફ્રૂટસલાડ બનાવ્યો છે.’ બધાં આશ્ચર્યથી મેરી સામે જોઈ રહ્યા.

મેરીએ અચકાતાં અચકાતાં કહ્યું, `હું બપોરે ઘેર આવી ત્યારે એકલી જ હતી. મેં ફ્રૂટ જોયું. મારા જૂનાં પુસ્તકો વેચીને હું દૂધ અને કસ્ટર્ડ પાઉડર લઈ આવી અને મને જેવો આવડ્યો એવો ફ્રૂટસલાડ મેં બનાવ્યો છે.

ખિજાઈશ નહીં મા, આજે તારો જન્મદિવસ છે.

મા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી.

બીજી એક વાત એવી છે કે, એક મિત્ર હોસ્પિટલમાં હતા. ડાયાબિટીસ, હાર્ટ ટ્રબલ, કિડનીની ખરાબી, હાથે-પગે સોજા. સ્થિતિ ઘણી ખરાબ હતી પણ એ માણસની હિંમત અજબ હતી. એમને તપાસીને ડૉક્ટર આશ્ચર્યમાં પડી ગયા. `આ માણસ જીવે છે એ આશ્ચર્ય છે!’

પણ, મિત્ર અગાઉ બે વખત આવી જ હાલતમાંથી સાજા થઈને હોસ્પિટલેથી ઘેર પરત ફર્યા હતા.

એક દિવસ હું હોસ્પિટલે એમની ખબર પૂછવા ગયો. એ ખુશખુશાલ હતા.

થોડે દૂર એમનાં પત્ની બેઠાં હતાં.

`આજે તબિયતમાં ઝડપી સુધારો થયો લાગે છે, તમે તો આજે ખૂબ આનંદમાં છો!

એમનાં પત્નીએ મારા સામે જોયું, પણ કશું બોલ્યાં નહીં.’

મેં મારી વાત રિપીટ કરી.

એમનાં પત્ની ગંભીર થઈને બોલ્યાં, `યુરિન, બ્લડ અને કાર્ડિયોગ્રામના રિપોર્ટ્સ આવ્યા, એ સારા નથી.’

`પણ એ બધા રિપોર્ટ્સ મારા છે. તું શા માટે આટલી ગંભીર થઈ જાય છે?’ પત્નીને એમણે કહ્યું.

`મને તો લાગ્યું કે..., હું સહેજ ખચકાઈને બોલ્યો,`આજે તમે બહુ આનંદમાં છો એટલે...’

`આનંદમાં જ છું અને આનંદમાં જ રહેવાનો છું. મૃત્યુ પછી તો મૂંગા રહેવાનું જ છે.’

એમને કશું જ ન થયું અને ફરી સાજા થઈને ઘેર ગયા.

દલાખ્વાનું એક પેઇન્ટિંગ છે. `લિબર્ટી ગાઈડિંગ ધ પીપલ-’ ક્રાંતિ લોકોને દોરી રહી છે. લોકો મરી રહ્યા છે, પણ જીવન મરતું નથી. જીવનના ઊભરામાં ઉમટી ઉમટીને માણસો જડતા સામે આવી રહ્યા છે. ચિત્રકારે એમના જુવાળને ચિત્રમાં ઉતાર્યો છે. કામદારો, મજૂરો, નાનકડાં કુમળાં છોકરાંઓ, કદાચ વિદ્યાર્થીઓએ ઊલટથી ક્રાંતિના જીવતા પ્રવાહમાં ઝુકાવ્યું છે. ચિત્ર દિલની ધડકનોને ઓર ધડકાવી જાય છે. જીવન મરતું નથી. એ દબાઈ જાય છે, કચડાઈ જાય છે, પણ ફરીને સળવળીને ઊભું થઈ જાય છે.

એક દીવાલ વચ્ચે ફાટ પડે છે અને એમાંથી પીપળાના અંકુર ફૂટી આવે છે. દીવાલ ફાટતી જાય છે અને પીપળો ઊગતો જાય છે. દીવાલ એને ખતમ કરી શકતી નથી. દીવાલ જડ છે. પીપળો જીવંત છે. જીવનની શક્તિઓને કોઈ સીમા નથી.

જીવનને એનો પોતાનો આધાર છે અને પોતાના એ આધારે જ એ ટકી રહ્યું છે.


  • Follow us on: