હાલમાં ભારતમાં બનેલા કેટલાક પ્રસંગોને કારણે ઘણાના પેટમાં ચૂંક ઊપડી છે. પહેલો પ્રસંગ બહુ ગાજ્યો; રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના કર્તાહર્તા મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં અંદાજે 5000 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. કેટલાકે રીતસર બળાપો જ કાઢ્યો, આટલો બધો ખર્ચ કરવાની જરૂર હતી?


બીજો પ્રસંગ બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લે, જેનાં ગીતો ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે, 9 વર્ષ બાદ બેન્ડ ભારતમાં ફરી આવી રહ્યું છે. જાન્યુઆરી, 2025માં યોજાનાર કોન્સર્ટનું બુકિંગ 22 સપ્ટેમ્બરથી શરૂ થયું અને થોડી જ મિનિટોમાં બધા જ શૉ સોલ્ડ આઉટ થઇ ગયા. મુંબઈ શૉ માટે બુકિંગ એપ પર 24 લાખ યૂઝર્સનો ટ્રાફિક હતો, જેના કારણે એપ ક્રેશ થઈ ગઈ હતી. આવી જ રીતે iPhone 16 ખરીદવા માટે ખરીદદારો શોરૂમ બહાર લાઈનો લગાવતા જોવા મળ્યા. દિલ્હી-મુંબઈમાં શોરૂમ બહાર રીતસરની ખરીદદારોની પડાપડી જોવા મળી, લોકો મોડી રાતથી જ લાઈનોમાં ઊભા રહ્યા.

ધનવાન ખૂબ જ વધુ ધનવાન થઇ રહ્યો છે, શ્રીમંત વધુ સમૃદ્ધ થાય છે. શ્રીમંતોને ટેક્સ બ્રેક્સમાંથી મોટી લિફ્ટ મળે છે. હા, ચોક્કસ જ્યારે કોઈએ પર્યાપ્ત સંપત્તિનું નિર્માણ કર્યું હોય, ત્યારે તેને કર લાભો આપતી સંપત્તિઓમાં રોકાણ કરી કે અન્ય નિવૃત્તિ યોજનાઓનો લાભ ઉઠાવી કર બચાવવાની તક મળે છે જે ઓછી આવક ધરાવતા લોકો પાસે હોતી નથી. ઓછી આવક મેળવનાર પાસે કોઈ નિવૃત્તિ યોજના હોતી નથી. શ્રીમંત લોકોને લાંબા ગાળાના મૂડી લાભોના કર લાભો માટે રાહ જોવી પણ પરવડી શકે છે, પરંતુ ઓછી આવકવાળાને લાંબા સમય સુધી રૂપિયા રોકી રાખવા પોષાતા નથી. કોઈ ઇનકાર નથી કે શ્રીમંતને શ્રેષ્ઠ નાણાકીય સલાહકારો અને રોકાણ વ્યાવસાયિકોને ભાડે રાખવાનું પરવડી શકે છે.

પરંતુ આ સાથે બધા ગરીબ વધુ ગરીબ થઈ રહ્યા છે તે પણ મોટે ભાગે સાચું નથી. જોકે, સૌથી ઓછી આવક ધરાવતા લોકોએ તાજેતરનાં વર્ષોમાં અનેક રાષ્ટ્રોમાં રાષ્ટ્રીય સંપત્તિમાં તેમનો હિસ્સો ઘટતો જોયો છે, તેનો અર્થ એ નથી કે અમીર તેમની આવકના ભોગે વધુ ને વધુ અમીર થવા માંગે છે. ઊલટાનું ઉદ્યોગપતિઓ, ધંધાર્થીઓ કે અન્ય વ્યાવસાયિકો તો અચૂક રીતે ઈચ્છે છે કે લોકોનો મની પાવર, ખરીદ શક્તિ વધે. Apple કંપનીનો માલિક એવું વિચારી પણ ન શકે કે લોકોના રૂપિયા લૂંટી લઉં, એ એવું જ વિચારતો હોય કે વધુ ને વધુ લોકો તેનો ફોન ખરીદવાના `લેવલે' પહોંચે. મોબાઈલ સેવા પૂરી પાડનારા અબજોપતિ હોય તો પણ તે એવું જ ઈચ્છે કે દેશમાં વધુ ને વધુ લોકો મોબાઈલ સેવા લેવાને `લાયક' થાય. કાર ઉત્પાદક વધુ ને વધુ ગ્રાહક કાર `ખરીદે' એવું જ ઈચ્છે. એ વાત જુદી છે કે અમુક લોકોને કટાક્ષ કરવાની આદત હોય છે `કારવાળાની વાત જ જુદી છે.'

અમીર માણસમાં ભલે વધુ અમીર થવાની ઈચ્છા કે લાલચ હશે, પરંતુ તે ક્યારેય નહિ ઈચ્છે કે લોકો ગરીબ થાય અને હું પૈસાદાર. આમ કરવા જાય તો તેની સમૃદ્ધિ થોડા સમયમાં ધોવાઈ જાય. લોકોની શું વાત કરો, એક રાષ્ટ્ર તરીકે અમેરિકા પણ ગરીબ દેશોના `લોકો'ની `ખરીદશક્તિ' વધે તે માટે ગરીબ રાષ્ટ્રોને મદદ કરતું રહે છે. `અમીર વધુ અમીર થાય છે અને ગરીબ વધુ ગરીબ થાય છે એમ કહેવાને બદલે ``ઉત્પાદક (કામગરા લોકો) વધુ અમીર થાય છે અને બિનઉત્પાદક (મફતનું ઇચ્છનારા) વધુ ગરીબ થાય છે'' એમ કહેવું વધુ યોગ્ય નહિ રહે? જેને કારણે પોતે ગરીબ રહ્યા છે તે જ લોકોને મહિને થોડાક હજાર અને વર્ષે લાખ જેટલા રૂપિયામાં ગળે વળગાડતા લોકોની સંખ્યા તાજેતરમાં જ બહાર આવી છે!

  • Follow us on: