વિશ્વનો દરેક ખૂણો કોઇને કોઇ રહસ્યથી ભરેલો છે. એમાં કિલ્લા અને મહેલથી માંડી આઇલેન્ડનો પણ સમાવેશ થાય છે.

દુનિયામાં એકએકથી ચડિયાતા આઇલેન્ડ આવેલા છે. એમાં એક આઇલેન્ડ એવો છે જ્યાં ઝાડ ઉપર ડોલ એટલે કે ઢિંગલીઓ લટકતી જોવા મળે છે, એ પણ એક બે નહીં હજારોની સંખ્યામાં. રાત પડે એટલે આ ઢિંગલીઓ એકબીજા સાથે વાતો કરે છે. આપણને પ્રશ્ન થાય કે આ ઢિંગલીઓ અહીં આવી ક્યાંથી હશે? તેને આ રીતે ઝાડ ઉપર લટકાવી કોણે હશે? એવું તે શું છે આ આઇલેન્ડમાં જેને કારણે તેને હોન્ટેડ આઇલેન્ડ કહેવામાં આવે છે? એ અંગે જાણીએ… ક્યાં છે

આઆઇલેન્ડ

અમેરિકાનો નકશો જોઇએ તો તેના દક્ષિણ ભાગમાં મેક્સિકો આવેલું છે. મેક્સિકો દેશમાં અનેક પ્રાચીન સભ્યતાનો વિકાસ થયો છે. મેક્સિકોમાં હોચિમોકો નામનું શહેર આવેલું છે. એમાં ઝરણા અને નહેરો વધારે આવેલી હોવાથી એની જમીનનો ઉપયોગ ખેતી માટે કરવામાં આવતો હતો. 17મી સદીમાં અમેરિકા અને મેક્સિકોની વચ્ચે યુદ્ધ શરૂ થયું. મેક્સિકોનો એક મોટો ભાગ અમેરિકામાં જતો રહ્યો. ઘણા સંઘર્ષો પછી મેક્સિકો આઝાદ થયું. પરંતુ હોચિમોકો જેવા અનેક શહેર બરબાદ થઇ ચૂક્યાં હતાં. લોકો તેને ખાલી કરીને જતાં રહ્યાં. આ વિસ્તાર ગુમનામીમાં ક્યાંક ખોવાઇ ગયો. 21મી સદીમાં આ વિસ્તાર સમાચારમાં આવ્યો. 2003માં હોચિમોકોના દ્વીપોને ટૂરિઝમ માટે ખોલી દેવામાં આવ્યો, ત્યારે જે લોકો ત્યાં પહોંચ્યાં તેમને એક અજબ પ્રકારનું દૃશ્ય જોવા મળ્યું. આખા આઇલેન્ડમાં હજારો ઢિંગલીઓ મૂકવામાં આવી હતી. અમુક જમીન પર તો અમુક ઝાડ પર લટકતી હતી.

ઢિંગલી આવી ક્યાંથી?

એવું કહેવાય છે કે, 20મી સદીમાં જૂલિયન નામની એક વ્યક્તિ આ આઇલેન્ડમાં આવી હતી. તેનું આખું નામ ડોન જૂલિયન સેન્ટાના બરેરા હતું. આ વ્યક્તિ અહીં વેરાન જગ્યામાં કેમ આવી હતી, એ અંગે કોઇ સ્પષ્ટ કહી શકાય એવી માહિતી મળતી નથી પરંતુ એવું કહેવાય છે કે, તેની માનસિક સ્થિતી એટલી સારી નહોતી અથવા અન્ય કોઇ કારણોસર તે અહીં આવીને વસી ગયો હતો. તે ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. એક દિવસ તે સૂતો હતો ત્યારે તેને કોઇ છોકરીનો અવાજ સંભળાયો. તેણે જોયું તો છોકરી પાણીમાં ડૂબી રહી હતી. જૂલિયને તેને પાણીમાંથી બહાર કાઢી, તે વાંરવાર કંઇક બબડતી હતી. જૂલિયનને લાગ્યું કે તે ડોલ…ડોલ એવું બોલી રહી છે. થોડીવારમાં તેનું મૃત્યુ થઇ ગયું. જૂલિયને તેને ત્યાં દ્વીપ પર દફનાવી દીધી. થોડા દિવસ પછી પાણીના કિનારે તેને એક ડોલ જોવા મળી. જૂલિયનને પેલી છોકરી અને તેની ડોલ વાળી વાત યાદ આવી ગઇ. છોકરીને ન બચાવી શકવાની ગિલ્ટિ જૂલિયનના મનમાં થવા લાગી. તેણે એ ઢીંગલીને ઝાડ પર ટિંગાળી દીધી. તેને છોકરીનો અવાજ અને પડછાયો દેખાવા લાગ્યો. આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે જૂલિયને ટાપૂ પર ડોલ્સ ભેગી કરવાનું શરૂ કર્યું. ડોલને ભેગી કરીને ઝાડ અને તાર ઉપર બાંધી દીધી. આખો આઇલેન્ડ ડોલથી ભરાઇ ગયો.

સંશોધકના મતે

અમેરિકાના ન્યૂરો સાયન્ટિસ્ટ થાલિયા વ્હીટ્લી અનુસાર, આપણું મગજ ચહેરા પારખવામાં માહેર છે. આપણે નામ ભૂલી જઇએ પણ ચહેરો ક્યારેય ભૂલતાં નથી. તેના કારણે આપણે ચંદ્ર હોય કે વાદળ એમાં ચહેરો શોધી લઇએ છીએ. પરિણામે ડોલમાં આપણને બાળકનો ચહેરો દેખાય છે. આપણને ખબર છે કે તે જીવિત નથી તેમ છતાં ડોલનું હાસ્ય અસલી લાગે છે. આંખો જોઇને લાગે છે કે તે આપણને જોઇ રહી છે. આ કન્ફ્યૂઝનને કારણે આપણને ડરનો અહેસાસ થાય છે. વિજ્ઞાનની ભાષામાં આ ડરને પીડોફોબિયા કહે છે. આ ફિલિંગ તમને આઇલેન્ડ ઓફ ડોલ્સને જોઇને આવે છે.

આખા આઇલેન્ડમાં જેણે ડોલ લટકાવી છે તે જૂલિયનનું મૃત્યુ થઇ ગયું છે. એ પણ એ જ જગ્યાએ જ્યાં તેને પેલી છોકરી મળી આવી હતી. આ ઘટના બાદ આઇલેન્ડનું નામ આઇલેન્ડ ઓફ ડોર્લ્સ પડી ગયું. સ્થાનિક લોકોનું માનવું છે કે આ ઢિંગલીની અંદર મૃત્યુ પામેલ બાળકીનો આત્મા છે. તેથી ઢિંગલીઓ એકબીજા સાથે વાતો કરતી અને આંખ હલાવતી જોવા મળે છે. અહીં એક બે નહીં પરંતુ આશરે ચાર હજાર જેટલી ઢિંગલીઓ છે. આ હોન્ટેડ આઇલેન્ડ ઉપર હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે, પરંતુ ગાઇડ વગર ટૂરિસ્ટને ફરવાની અનુમતી નથી.